23 December, 2022 03:29 PM IST | Mumbai | Shrikant Vaishnav
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ભારતમાં ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (જીએસટી)નો અમલ થયો ત્યારથી જીએસટી કાઉન્સિલ નિયમિતપણે બેઠકો યોજીને વેપાર-ઉદ્યોગ માટે આવશ્યક ફેરફારો કરે છે. હાલમાં જ કાઉન્સિલની ૪૮મી બેઠક વિડિયો-કૉન્ફરન્સ મારફતે મળી હતી.
વેપારની સુવિધા માટેનાં પગલાં જીએસટી કાઉન્સિલે એની ૪૮મી બેઠકમાં નીચે જણાવ્યા પ્રમાણેનાં પગલાં સૂચવ્યાં છે...
૧. જીએસટી હેઠળની અમુક જોગવાઈઓમાંથી ફોજદારી કાર્યવાહીનું તત્ત્વ કાઢી નાખવું કાઉન્સિલની ભલામણ હતી કે -
જીએસટી હેઠળ ફોજદારી કાર્યવાહી કરવા માટે કરવેરાની રકમની દૃષ્ટિએ એક કરોડ રૂપિયાની મર્યાદા વધારીને બે કરોડ રૂપિયા કરવી. જોકે આમાં બનાવટી ઇન્વૉઇસના ગુનાને બાકાત રાખવામાં આવ્યો છે. બનાવટી ઇન્વૉઇસનો અર્થ એ છે કે ગુડ્સ, સર્વિસિસ કે બન્નેની સપ્લાય કર્યા વગર જ ઇન્વૉઇસ ઇશ્યુ કરવાં.
કમ્પાઉન્ડિંગ રકમ માટેની મર્યાદા હાલના ૫૦થી ૧૫૦ ટકાની રેન્જથી બદલીને ૨૫થી ૧૦૦ ટકા કરવી.
સીજીએસટી ઍક્ટ, ૨૦૧૭ની કલમ ૧૩૨ની પેટા કલમ ૧ હેઠળના ક્લોઝ ‘જી’, ‘જે’ અને ‘કે’ હેઠળ કેટલાક ગુનાઓ માટે ફોજદારી કાર્યવાહીની જોગવાઈ છે, જેમાંથી ફોજદારી તત્ત્વ કાઢી નાખવું. આ ગુનાઓમાં અધિકારીને પોતાની ફરજ બજાવતાં રોકવા કે એમના કામમાં અવરોધ નાખવો, પુરાવા સાથે જાણી જોઈને ચેડાં કરવાં અને માહિતી પૂરી નહીં પાડવી એનો સમાવેશ થાય છે.
૨. માઇક્રો એન્ટરપ્રાઇઝિસ માટે ઈ-કૉમર્સની સુવિધા કરવી
જીએસટી કાઉન્સિલે ઉક્ત મીટિંગમાં અનરજિસ્ટર્ડ સપ્લાયરને સૈદ્ધાંતિક માન્યતા આપવાનો નિર્ણય લીધો છે. અનરજિસ્ટર્ડ સપ્લાયર એટલે એવા સપ્લાયર જે જીએસટી હેઠળ રજિસ્ટર્ડ નથી. આ માન્યતા કમ્પોઝિશન કરદાતાઓને ઇન્ટ્રા સ્ટેટ સપ્લાય એટલે કે ઈ-કૉમર્સ ઑપરેટર્સ મારફતે થતી રાજ્યની અંદરની સપ્લાય માટે આપવામાં આવી છે. જોકે એમાં કેટલીક શરતો રાખવામાં આવી છે.
કાઉન્સિલે જીએસટી ઍક્ટ અને જીએસટી રૂલ્સમાં ફેરફારો માટે અને એમનો અમલ થઈ શકે એ માટે સંબંધિત નોટિફિકેશન ઇશ્યુ કરવા માટે મંજૂરી આપી છે. પોર્ટલ પર સંબંધિત ફેરફારો સામેલ કરવા માટે તથા ઈ-કૉમર્સ કંપનીઓને અનુપાલન કરવા માટે સમય લાગતો હોય છે એ બાબતને અનુલક્ષીને કાઉન્સિલે આ ફેરફાર આગામી વર્ષની પહેલી ઑક્ટોબરથી અમલી બનાવવાની ભલામણ કરી છે.
આ પણ વાંચો : જીએસટી અપેલેટ ટ્રિબ્યુનલની તત્કાળ રચના કરવાની જરૂર
૩. અનરજિસ્ટર્ડ પર્સન્સને રીફન્ડ
સર્વિસિસની સપ્લાય માટેનો કૉન્ટ્રૅક્ટ/ઍગ્રીમેન્ટ રદ થયા હોવાના કિસ્સામાં અને સંબંધિત સપ્લાયર દ્વારા ક્રેડિટ નોટ ઇશ્યુ કરવા માટેનો સમયગાળો પૂરો થઈ ચૂક્યો હોય એ કિસ્સામાં અનરજિસ્ટર્ડ ખરીદદારે ભોગવેલા કરવેરાનું રીફન્ડ ક્લેમ કરવા માટે કોઈ કાર્યપદ્ધતિ નક્કી નથી. દા.ત. ફ્લૅટ/ઘરનું બાંધકામ, લાંબા ગાળાની વીમા પૉલિસી.
કાઉન્સિલે ઉક્ત પ્રકારના કિસ્સામાં અનરજિસ્ટર્ડ ખરીદદાર રીફન્ડ માટે અરજી કરી શકે એ અર્થેની કાર્યપદ્ધતિ દર્શાવવા માટે પરિપત્રક બહાર પાડવાની અને સીજીએસટી રૂલ્સ, ૨૦૧૭માં ફેરફાર કરવાની ભલામણ કરી છે.
૪. શંકા અને અસ્પષ્ટતા દૂર કરવા માટે શેડ્યુલ ત્રણમાં અમુક ફકરા ઉમેરવા
કેટલાક વ્યવહારો/પ્રવૃત્તિઓને જીએસટીના કાર્યક્ષેત્રની બહાર રાખવા માટે ૨૦૧૯ની પહેલી ફેબ્રુઆરીએ સીજીએસટી ઍક્ટ, ૨૦૧૭ના શેડ્યુલ ત્રણમાં ક્રમાંક ૭, ૮(એ) અને ૮(બી) દાખલ કરવામાં આવ્યા હતા. આ વ્યવહારો/પ્રવૃત્તિઓમાં નીચે પ્રમાણેનો સમાવેશ થાય છે...
* કરપાત્ર ક્ષેત્રની બહારથી કરપાત્ર ક્ષેત્રની બહાર બીજા સ્થળે કરવામાં આવેલી ચીજવસ્તુઓની સપ્લાય
* મધદરિયે કરાયેલું વેચાણ અને
* વેરહાઉસમાં રખાયેલા સામાનની હોમ ક્લિયરન્સ પહેલાં કરવામાં આવેલી સપ્લાય
૧ જુલાઈ ૨૦૧૭થી ૩૧ જાન્યુઆરી ૨૦૧૯ના ગાળામાં થયેલા ઉક્ત પ્રકારના વ્યવહારો/પ્રવૃત્તિઓ સંબંધેની શંકાઓ અને અસ્પષ્ટતાઓ દૂર કરવાના આશયથી કાઉન્સિલે ભલામણ કરી હતી કે ઉક્ત ફકરા ૧ જુલાઈ ૨૦૧૭થી લાગુ કરવા. જોકે જે કિસ્સામાં આવા વ્યવહારો/પ્રવૃત્તિઓ સંબંધે ૧ જુલાઈ ૨૦૧૭થી ૩૧ જાન્યુઆરી ૨૦૧૯ના ગાળામાં કરવેરો ચૂકવાઈ ગયો હોય એવા સંજોગોમાં કરવેરાનું રીફન્ડ નહીં મળે.