જીએસટી કલેક્શન ફેબ્રુઆરીમાં ૧૨ ટકા વધીને ૧.૪૯ લાખ કરોડનું થયું

02 March, 2023 12:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જીએસટી લાગુ થયા બાદ પહેલી વાર સેસની ૧૧,૯૩૧ કરોડ રૂપિયાની આવક

પ્રતીકાત્મક તસવીર

દેશમાં ફેબ્રુઆરીમાં જીએસટી કલેક્શનમાં ગયા વર્ષની તુલનાએ વધારો થયો છે, પરંતુ આગલા મહિનાની તુલનાએ ઘટાડો થયો છે. નાણામંત્રાલયે જણાવ્યું હતું કે ફેબ્રુઆરીમાં જીએસટી કલેક્શન ૧૨ ટકા વધીને ૧.૪૯ લાખ કરોડ રૂપિયાથી વધુ થયું છે.

ફેબ્રુઆરી ૨૦૨૩માં જીએસટી લાગુ થયા બાદ સૌથી વધુ ૧૧,૯૩૧ કરોડ રૂપિયાનું સેસ કલેક્શન જોવા મળ્યું હતું.

જોકે જીએસટીનું જાન્યુઆરીમાં ૧.૫૭ લાખ કરોડ રૂપિયાથી વધુના રેકૉર્ડ કરાયેલા બીજા સર્વોચ્ચ ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (જીએસટી) કલેક્શન કરતાં ફેબ્રુઆરીનું કલેક્શન ઓછું છે. એપ્રિલ ૨૦૨૨માં કલેક્શન ૧.૬૮ લાખ કરોડ રૂપિયાના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યું હતું.

ફેબ્રુઆરી ૨૦૨૩માં  કુલ જીએસટી આવક ૧,૪૯,૫૭૭ કરોડ રૂપિયા છે જેમાંથી સીજીએસટી ૨૭,૬૬૨ કરોડ રૂપિયા છે, એસજીએસટી ૩૪,૯૧૫ કરોડ રૂપિયા છે, જ્યારે આઇજીએસટી ૭૫,૦૬૯ કરોડ રૂપિયા છે (જેમાં માલની આયાત પર ૩૫,૬૮૯ કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા છે) અને સેસની આવક ૧૧,૯૩૧ કરોડ રૂપિયા છે (માલની આયાત પર એકત્ર કરાયેલ ૭૯૨ કરોડ રૂપિયા સહિત) એમ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું.

ફેબ્રુઆરી ૨૦૨૩ની આવક ફેબ્રુઆરી ૨૦૨૨ની જીએસટીની આવક કરતાં ૧૨ ટકા વધુ છે. ગયા વર્ષે ૧.૩૩ લાખ કરોડ રૂપિયાની આવક થઈ હતી. સામાન્ય રીતે ફેબ્રુઆરી ૨૮ દિવસનો મહિનો હોવાથી આવકનું પ્રમાણમાં ઓછું થતું હોય છે એમ મંત્રાલયે જણાવ્યું હતું.

business news goods and services tax