વીમા ક્ષેત્રે બનાવટી ઇન્વૉઇસિંગની સમસ્યા બાબતે સક્રિય થયેલા જીએસટી સત્તાવાળાઓ

14 April, 2023 03:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જીએસટી ખાતાએ એની સાથોસાથ એક લિસ્ટેડ ઈ-ઇન્ટરમીડિયરી વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી પણ શરૂ કરી હતી. 

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

જીએસટીના સત્તાવાળાઓએ થોડા સમય પહેલાં વીમા ક્ષેત્રના ઇન્ટરમીડિયરીઝને સમન્સ મોકલ્યા હતા. ઇન્શ્યૉરન્સ ઇન્ટરમીડિયરીઝ અને ઍગ્રિગેટર્સે બનાવટી ઇન્વૉઇસિંગ કર્યું હોવાની શંકાને પગલે સત્તાવાળાઓએ શરૂ કરેલી તપાસને પગલે પૂછપરછ માટે અનેક ઇન્ટરમીડિયરીઝને સમન મોકલવામાં આવ્યા હતા. 

જીએસટી ખાતાએ વીમા કંપનીઓ સાથેના કરાર અને કૉન્ટ્રૅક્ટ ઇન્ટરમીડિયરીઝ પાસે માગ્યા હતા. ઇન્ટરમીડિયરીઝ તરીકે સેવા પૂરી પાડવામાં આવી હતી એ પુરવાર કરવા આવશ્યક તમામ દસ્તાવેજો સાથે સાથે ૨૦૧૮-’૧૯થી અત્યાર સુધીની કુલ ઇન્પુટ ટૅક્સ ક્રેડિટની માહિતી ઇન્ટરમીડિયરીઝ પાસે માગવામાં આવી હતી.

અહીં નોંધવું ઘટે કે ૧૬ કરતાં વધારે વીમા કંપનીઓએ ખોટી રીતે ઇન્પુટ ટૅક્સ ક્રેડિટ લીધી હોવાની આશંકાને પગલે ડિરેક્ટરેટ ઑફ જીએસટી ઇન્ટેલિજન્સે વર્ષ ૨૦૨૨માં તપાસ શરૂ કરી હતી અને એ સંબંધે જીએસટી ખાતાએ સમન્સ મોકલ્યા છે.

વીમા ક્ષેત્રના ઇન્ટરમીડિયરીઝ વીમા કંપનીઓની સાઠગાંઠથી માર્કેટિંગ ઍન્ડ સેલ્સના શીર્ષક હેઠળ ખોટાં ઇન્વૉઇસ બનાવી રહ્યા હતા એવું જાણવા મળ્યું એને પગલે જીએસટી ખાતાએ અનેક ઇન્ટરમીડિયરીઝને સેન્ટ્રલ જીએસટી ઍક્ટની કલમ ૧૭ હેઠળ સમન્સ મોકલ્યા હતા. એમાંથી અમુક એન્ટિટીઝે ઘણી ઓછી માહિતી પૂરી પાડી હતી. મોટા ભાગના કેસમાં તેઓ એ પુરવાર કરી શક્યા નહોતા કે તેમણે બનાવેલાં બિલ મુજબની સર્વિસિસ પૂરી પાડવામાં આવી હતી. 

જીએસટી ખાતાએ એની સાથોસાથ એક લિસ્ટેડ ઈ-ઇન્ટરમીડિયરી વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી પણ શરૂ કરી હતી. 

દરમ્યાન આવકવેરા ખાતાએ પણ વીમા ઇન્ટરમીડિયરીઝના અનેક અધિકારીઓની પૂછપરછ શરૂ કરી હતી અને તેમને પૂછ્યું હતું કે વીમા કંપનીઓ પાસેથી તેમને કેટલું કમિશન મળ્યું હતું? એ કમિશનની આવક રિટર્નમાં દર્શાવવામાં આવી હતી કે નહીં એની ચકાસણી પણ કરવામાં આવવાની હતી. 

આવકવેરા ખાતું ઇન્ટરમીડિયરીઝનાં છેલ્લાં ત્રણથી પાંચ વર્ષનાં આવકવેરા રિટર્નની ચકાસણી કરવાનું છે. ૧૨૦ કરતાં વધારે ઇન્ટરમીડિયરીઝ પર આવકવેરા ખાતાની ચાંપતી નજર હોવાનું જાણવા મળ્યું છે. ખાતાને ઇન્ટરમીડિયરીઝ પાસેથી સંપૂર્ણ માહિતી મળી ગયા બાદ તેઓ એ માહિતીની ઊલટ ચકાસણી માટે વીમા કંપનીઓ પાસે જશે. 

જીએસટીનો સવાલ છે ત્યાં સુધી જણાવવું રહ્યું કે સપ્લાય કર્યા વગર ઇન્વૉઇસ ઇશ્યુ કરવામાં આવે અને એમાંની રકમ જો પાંચ કરોડ રૂપિયા કે એનાથી વધુ હોય તો ગુનેગારને પાંચ વર્ષ સુધીની કેદ  થઈ શકે છે. આ ગુનો જામીનપાત્ર પણ નથી.

જીએસટી ખાતાને એ પણ જાણવા મળ્યું છે કે વીમા કંપનીઓ ઇન્ટરમીડિયરીઝને અને ઑફલાઇન એજન્ટને પણ ૭૦ ટકા કરતાં વધુ કમિશન ચૂકવતી હતી. વાસ્તવમાં ઇરડાઇ (ઇન્શ્યૉરન્સ રેગ્યુલેટરી ઍન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા)એ ૧૫થી ૨૦ ટકા કમિશન માન્ય કર્યું છે. 

આ સમગ્ર પ્રકરણમાં જીએસટી ખાતાએ ખોટી રીતે લેવાયેલી ઇન્પુટ ટૅક્સ ક્રેડિટની અને આવકવેરા ખાતાએ બનાવટી ઇન્વૉઇસ ઇશ્યુ કરીને થયેલી કરચોરીની તપાસ કરી છે. વીમા કંપનીઓ અને ઇન્ટરમીડિયરીઝે આ ખોટાં કામ માટે સાઠગાંઠ કરી હોવાનું ધ્યાનમાં આવ્યું છે. જીએસટી ખાતાએ વર્ષ ૨૦૨૧થી ૨૦૨૨ સુધીમાં જીવન વીમા અને બીજી વીમા કંપનીઓએ ૮૨૪ કરોડ રૂપિયા કરતાં વધુની કરચોરી કરી હોવાનું શોધી કાઢ્યું હતું.

અહીં એ પણ જણાવવું રહ્યું કે વીમા કંપનીઓ દ્વારા આપવામાં આવતા કમિશનને જીએસટી લાગુ પડે છે. મ્યુચ્યુઅલ ફન્ડમાં કમિશનની ૨૦ લાખ રૂપિયા સુધીની મર્યાદા રાખવામાં આવી છે, જ્યારે વીમા એજન્ટો માટે એવી કોઈ મર્યાદા નથી. 

અલગ-અલગ વીમા કંપનીઓ ૨૦ લાખ રૂપિયા સુધીના કમિશન પર રિવર્સ ચાર્જ મેકૅનિઝમનો ઉપયોગ કરે છે. એનો અર્થ એવો થયો કે તેઓ ઇન્ટરમીડિયરીઝને નેટ કમિશન વિતરિત કરતાં પહેલાં કમિશનની આવકમાંથી ટીડીએસ સહિત જીએસટી ચૂકવે છે. 

કેટલીક વીમા કંપનીઓ ૨૦ લાખ રૂપિયા કરતાં વધુ કમિશન માટે પણ રિવર્સ ચાર્જ મેકૅનિઝમનો ઉપયોગ કરે છે. જોકે કેટલીક કંપનીઓ ટીડીએસ કાપીને ગ્રોસ કમિશન વીમા ઇન્ટરમીડિયરીઝને ચૂકવે છે. આવા કેસમાં જેમને કમિશન મળે એ એજન્ટોએ જાતે જ કમિશન પર જીએસટી ચૂકવવાનો હોય છે. 

હકીકતમાં વીમા એજન્ટે રિવર્સ ચાર્જ મેકૅનિઝમ લાગુ થવા વિશે સંબંધિત વીમા કંપનીને જાણ કરવાની જવાબદારી હોય છે. જો એજન્ટને જીએસટી સહિત કુલ કમિશન મળતું હોય તો તેઓ કમ્પોઝિશન સ્કીમ અથવા ઇન્પુટ ક્રેડિટના લાભ પ્રાપ્ત કરી શકે છે. 

 - શાર્દૂલ શાહ

business news goods and services tax