બજારમાં વધતો મૂંઝારો, સેન્સેક્સ અને નિફ્ટી બન્ને ૭૩ પૉઇન્ટ નરમ

22 October, 2024 09:30 AM IST  |  Mumbai | Anil Patel

બોનસની રેકૉર્ડ ડેટ ૨૮ ઑક્ટોબર જાહેર થતાં રિલાયન્સમાં સુધારો : અનલિસ્ટેડ માર્કેટમાં HDB ફાઇનૅન્સ સર્વિસિસનો ભાવ ૧૪૫૦ના શિખરે

પ્રતીકાત્મક તસવીર

ઑટોના નજીવા સુધારાને બાદ કરતાં બન્ને બજારના તમામ સેક્ટોરલ રેડ ઝોનમાં, માર્કેટ બ્રેડ્થમાં બૂરાઈ, માર્કેટકૅપમાં સાડાચાર લાખ કરોડ રૂપિયા ડૂલ : HDFC બૅન્કે સેન્સેક્સ તેમ જ બૅન્ક નિફ્ટીને જબરો ટેકો આપ્યો : બોનસની રેકૉર્ડ ડેટ ૨૮ ઑક્ટોબર જાહેર થતાં રિલાયન્સમાં સુધારો : અનલિસ્ટેડ માર્કેટમાં HDB ફાઇનૅન્સ સર્વિસિસનો ભાવ ૧૪૫૦ના શિખરે : પરિણામની પૂર્વસંધ્યાએ માઝગાવ ડૉક મજબૂત : હ્યુન્દાઇનું આજે લિસ્ટિંગ, પ્રીમિયમ ૫૦ રૂપિયા : એફકૉન્સનો મેગા ઇશ્યુ પચીસમીએ, પ્રીમિયમ તૂટ્યું : વારિ અને દીપકના આઇપીઓ પ્રથમ દિવસે સાડાત્રણ–ચારગણા છલકાઈ ગયા

ચાઇનાએ સ્ટિમ્યુલસના નવા ડોઝના ભાગરૂપ ધિરાણદરમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કર્યો છે. જોકે શાંઘાઈ ઇન્ડેક્સ નજીવો જ સુધર્યો છે. સોમવારે મોટા ભાગનાં એશિયન બજાર નરમ હતાં. હૉન્ગકૉન્ગ દોઢ ટકો તો સિંગાપોર પોણો ટકો ઘટ્યું છે. યુરોપ રનિંગમાં લગભગ અડધા ટકા આસપાસ ઢીલું હતું. પાકિસ્તાની શૅરબજાર ૭૮૮ પૉઇન્ટ વધી ૮૬,૦૩૮ બંધ થયું છે. બિટકૉઇન ૭૦,૦૦૦ ડૉલર નજીક ત્રણ માસની ટોચે જઈ રનિંગમાં નહીંવત્ ઘટાડે ૬૮,૩૪૨ ડૉલર દેખાયો છે.

ઘરઆંગણે FII સતત નેટ સેલર છે. ચાલુ મહિને ૧૮ ઑગસ્ટ સુધી કામકાજના ૧૩ દિવસમાં એણે ૮૦,૨૧૪ કરોડ રૂપિયાની રોકડી કરી લીધી છે. આ જોતાં કુલ ૧૦ અબજ ડૉલરની નેટ વેચવાલીનો આંકડો આજકાલમાં સર થવો જોઈએ. બાય ધ વે, મન્થ્લી ધોરણે FIIની સૌથી મોટી વેચવાલી ૮.૩ અબજ ડૉલરની છે જે માર્ચ ૨૦૨૦માં જોવાઈ હતી. હાલનો ટ્રેન્ડ જોતાં ઑક્ટોબર ૨૦૨૪માં નવો વરવો રેકૉર્ડ બનશે એમ લાગે છે. દરમ્યાન અદાણીની એનડીટીવીના ઉપક્રમે દિલ્હી ખાતે આયોજિત ઇકૉનૉમિક કૉન્કવેલમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ માક મોબિયસે વૈશ્વિક ફન્ડોને કમસેકમ ૫૦ ટકા ભંડોળ ભારતીય બજારમાં રોકવાની હિમાયત કરી હોવાનો હવાલો આપી દેશ આર્થિક ઉન્નતિના માર્ગે ગતિમાન હોવાનું પ્રતિપાદન કર્યું છે. બાય ધ વે, મોબિયસને તો ખાલી બોલવું છે, બોલવાના પૈસા થોડા બેસે છે? આ વાત વડા પ્રધાન જાણતા નથી લાગતા.

સેન્સેક્સ ગઈ કાલે લગભગ સાડાપાંચસો પૉઇન્ટના ગૅપમાં ઉપર, ૮૧,૭૭૦ ખૂલી એને જ ઇન્ટ્રા-ડે હાઈ બનાવી ફસકી પડ્યો હતો. બજાજ નીચામાં ૮૦,૮૧૧ થઈ છેવટે ૭૩ પૉઇન્ટ ઘટી ૮૧,૧૫૧ બંધ થયો છે. સાથેસાથે નિફ્ટી પણ આટલો જ, ૭૩ પૉઇન્ટના ઘટાડે ૨૪,૭૮૧ રહ્યો છે. આવું ભાગ્યે જ બને છે. બજાર દિશાદોર વગરનું થઈ ગયું છે. માર્કેટ મામૂલી ઘટવા છતાં માર્કેટ બ્રેડ્થમાં ખાસ્સી ખરાબી હતી. NSE ખાતે વધેલા ૬૯૫ શૅર સામે ૨૧૨૦ શૅર ઘટ્યા છે. બજારનું માર્કેટકૅપ સાડાચાર લાખ કરોડ ગગડી ૪૫૩.૬૫ લાખ કરોડ રૂપિયે આવી ગયું છે. બન્ને બજારના તમામ સેક્ટોરલ માઇનસ થયા છે. એક માત્ર ઑટો ઇન્ડેક્સ નહીંવત પ્લસ હતો. એનર્જી, પાવર, ઑઇલ-ગૅસ, રિયલ્ટી, મેટલ, આઇટી, ટેક્નૉલૉજીસ, કૅપિટલ ગુડ્સ, FMCG, પીએસયુ, મિડકૅપ, સ્મૉલકૅપ ઇત્યાદી એકથી પોણાબે ટકા કટ થયા છે. નિફ્ટી મીડિયા પોણાત્રણ ટકા બગડ્યો છે. બૅન્ક નિફ્ટી ૧૩૧ પૉઇન્ટ જેવો સામાન્ય ઘટ્યો છે, પરંતુ અત્રે ૧૨માંથી ૧૧ શૅર માઇનસ હતા. બૅન્કિંગના ૪૧માંથી માત્ર ૩ શૅર વધ્યા છે. રિલાયન્સે શૅરદીઠ એક બોનસની રેકૉર્ડ ડેટ ૨૮ ઑક્ટોબર જાહેર કરી દીધી છે. શૅર ગઈ કાલે પોણો ટકો સુધરી ૨૭૩૮ બંધ રહ્યો છે. એની સબસિડિયરી જિયો ફાઇનૅન્શિયલે આવકમાં ૧૪ ટકા વૃદ્ધિ સાથે ત્રણ ટકાના વધારામાં ૬૮૯ કરોડ નેટ પ્રૉફિટ કર્યો છે. શૅર એક ટકો વધી ૩૨૭ બંધ હતો.

ખરાબ બજારે HDFC મજબૂત, બજારને ૩૧૧ પૉઇન્ટ ફળ્યો

HDFC બૅન્કમાં એંકદર સારાં પરિણામના પગલે બ્રોકરેજ હાઉસ તરફથી એક વર્ષમાં ૧૯૦૦થી ૨૧૫૦ની ટાર્ગેટ પ્રાઇસ સાથે બુલિશ વ્યુ જારી થયા છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૧૭૪૮ વટાવી ૨.૮ ટકાની તેજીમાં ૧૭૨૯ બંધ સાથે સેન્સેક્સમાં ટૉપ ગેઇનર બની બજારને ૩૧૧ પૉઇન્ટ ફળ્યો છે. કંપનીના બોર્ડ ઑફ ડિરેક્ટર્સે વધુમાં એની NBFC કંપની HDB ફાઇનૅન્સ સર્વિસિસનો આશરે ૧૨,૫૦૦ કરોડનો આઇપીઓ લાવવાનું નક્કી કર્યું છે. એમાંથી ૧૦,૦૦૦ કરોડ રૂપિયા ઑફર ફૉર સેલના હશે. આનો મહત્તમ લાભ HDFC બૅન્કને મળશે. હાલ અન-લિસ્ટેડ માર્કેટમાં HDB ફાઇનૅન્સનો ભાવ ૧૦ના શૅરદીઠ ૧૪૫૦ બોલાય છે જે ગત ડિસેમ્બરમાં ૬૫૦ હતો. નિફ્ટી ખાતે બજાજ ઑટો ઉપરમાં ૧૦,૮૩૦ થઈ ૪.૩ ટકા કે ૪૩૬ના ઉછાળે ૧૦,૫૦૦ બંધ આપી ઝમકમાં હતો. એશિયન પેઇન્ટ્સ ૧.૬ ટકા, મહિન્દ્ર એક ટકો, આઇશર એક ટકો પ્લસ હતો. કોટક મહિન્દ્ર બૅન્કનાં પરિણામ નબળાં આવ્યાં છે. એકંદરે ૩૫૧૩ કરોડની અપેક્ષા સામે નેટ પ્રૉફિટ ૩૩૪૪ કરોડ નોંધાયો છે. NPA વધી છે. શૅર ગઈ કાલે વૉલ્યુમ સાથે નીચામાં ૧૭૩૫ બતાવી સવાચાર ટકા લથડી ૧૭૮૯ના બંધમાં સેન્સેક્સ ખાતે વર્સ્ટ પર્ફોર્મર બની બજારને ૧૦૨ પૉઇન્ટ નડ્યો છે. નિફ્ટી ખાતે તાતા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ફ્લૅટ નફા સાથે ઢીલી કામગીરીમાં સાત ટકા ખરડાઈ ૧૦૧૭ના બંધમાં ટૉપ લૂઝર બન્યો છે. આ ઉપરાંત ઇન્ડ્સઇન્ડ બૅન્ક, બજાજ ફીનસર્વ, બજાજ ફાઇનૅન્સ, ભારત પેટ્રો, ONGC, ટ્રેન્ટ, અદાણી એન્ટર, અદાણી પોર્ટ્સ જેવાં કાઉન્ટર બેથી સવાત્રણ ટકા ડૂલ થયા હતા. ઇન્ફોસિસ દોઢેક ટકા તો TCS એક ટકો નરમ હતા. વિપ્રો ૫૪૮ના લેવલે ફ્લૅટ હતો. ટેક મહિન્દ્રએ ૧૫૩ ટકાના વધારામાં ૧૨૫૦ કરોડનો નેટ પ્રૉફિટ કર્યો છે. જોકે અન્ય આવક ૧૪૪ કરોડથી વધી ૫૨૧ કરોડ વટાવી ગઈ છે એનું પ્રદાન નફાવૃદ્ધિમાં ખાસ્સું છે. શૅર ઉપરમાં ૧૭૬૧ના શિખરે જઈ પોણો ટકો સુધરી ૧૭૦૧ બંધ રહ્યો છે.

આજે એકસાથે ત્રણ SME ભરણાં મૂડીબજારમાં આવશે

હ્યુન્દાઇ મોટરનો ૧૦ના શૅરદીઠ ૧૯૬૦ની અપર બૅન્ડવાળો ૨૭,૮૭૦ કરોડનો મહાકાય ઇશ્યુ આજે, મંગળવારે લિસ્ટેડ થવાનો છે. એના પગલે ગ્રે માર્કેટમાં ભારે ઊથલપાથલ જોવા મળી છે. અગાઉના ૫૭ રૂપિયાના ડિસ્કાઉન્ટના બદલે ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ૯૫ બોલાઈ હાલ ૫૦ આસપાસ ક્વોટ થાય છે. ડિસ્કાઉન્ટ ભૂંસીને જે ૯૫નું પ્રીમિયમ થયું એ શૉર્ટકવરિંગનું પરિણામ જણાય છે. વારિ એનર્જીસનો ૧૦ના શૅરદીઠ ૧૫૦૩ની ઇશ્યુ પ્રાઇસવાળો ૪૩૨૧ કરોડનો આઇપીઓ ગઈ કાલે પ્રથમ દિવસે ૩.૪ ગણો ભરાઈ ગયો છે. પ્રીમિયમ ૧૫૧૫ આસપાસ છે. દીપક બિલ્ડર્સનો ૧૦ના શૅરદીઠ ૨૦૩ની અપર પ્રાઇસવાળો ૨૬૦ કરોડનો ઇશ્યુ પણ પ્રથમ દિવસે ચાર ગણો ભરાયો છે. પ્રીમિયમ વધીને ૬૦ થયું છે. SME સેગમેન્ટમાં પ્રીમિયમ પ્લાસ્ટનો શૅરદીઠ ૪૯ના ભાવનો ૨૬૨૦ લાખનો ઇશ્યુ પ્રથમ દિવસે રીટેલના ક્રેઝમાં કુલ ૩.૭ ગણો ભરાયો છે. પ્રીમિયમ વધી ૧૪ બોલાય છે. ફ્રેશરા ઍગ્રો એક્સપોર્ટ્સનો શૅરદીઠ ૧૧૬ના ભાવનો ૭૫૩૯ લાખનો SME IPO એના આખરી દિવસે કુલ ૨૩૭ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. પ્રીમિયમ ૧૦૫ જેવું છે.

શાપુરજી ગ્રુપની એફકૉન્સ ઇન્ફ્રા ૧૦ના શૅરદીઠ ૪૬૩ની અપર બૅન્ડમાં ૪૧૮૦ કરોડની ઑફર ફૉર સેલ સહિત કુલ ૫૪૩૦ કરોડનો ઇશ્યુ પચીસમીએ કરવાની છે. ગ્રે માર્કેટમાં ૨૩૦થી શરૂ થયેલું પ્રીમિયમ ગગડી અત્યારે ૬૦ જેવું ચાલે છે. મુંબઈના ફોર્ટ ખાતેની ગોદાવરી બાયો રિફાઇનરીઝ ૧૦ના શૅરદીઠ ૩૫૨ની અપર બૅન્ડમાં ૨૩૦ કરોડ જેવી OFS સહિત કુલ આશરે ૫૫૫ કરોડનો ઇશ્યુ ૨૩મીએ કરવાની છે. કંપનીનાં ફન્ડામેન્ટલ્સ નબળાં છે. ગ્રે માર્કેટમાં સોદા નથી.

મંગળવારે એકસાથે ત્રણ SME ઇશ્યુ ખૂલશે. જયપુરની દાનિશ પાવર ૧૦ના શૅરદીઠ ૩૮૦ના મારફાડ ભાવથી ૧૯૮ કરોડનો NSE SME IPO કરવાની છે. કંપની ૧૯૮૫માં સ્થપાયેલી છે, પરંતુ નાણાકીય કામગીરીના આંકડા માત્ર છેલ્લા સવા વર્ષના છે અને આ આંકડામાં બેશક બ્યુટિફિકેશન દેખાઈ આવે છે. ગ્રે માર્કેટમાં ૧૫૦થી શરૂ થયેલું પ્રીમિયમ વધતું રહી હાલ ૨૧૫ સંભળાય છે. નાશિક ખાતેની યુનાઇટેડ હીટ ટ્રાન્સફર ૧૦ના શૅરદીઠ ૫૯ની અપર બૅન્ડમાં ૩૦ કરોડનો ઇશ્યુ કરશે. કંપનીની આવક ગત વર્ષે અગાઉના ૭૦ કરોડથી ઘટી ૬૪ કરોડ રહી છે, પણ નેટ નફો ૨૧૧ લાખથી ઊછળી ૬૨૪ લાખે પહોંચ્યો છે. ગ્રે માર્કેટમાં ૧૦નું પ્રીમિયમ બોલાય છે. નવી દિલ્હીની પ્રિસીઝન મેટલ કમ્પોનન્ટ્સ બનાવતી OBSC પર્ફેક્શન ૧૦ના શૅરદીઠ ૧૦૦ની અપર બૅન્ડમાં ૬૬ કરોડનો SME IPO બુધવારે કરશે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ બોલાતું નથી.

પરિણામની પૂર્વસંધ્યાએ અંબર એન્ટરપ્રાઇઝમાં ૧૦૮૦ની તેજી થઈ

MCX દ્વારા ૭૩ ટકાના વધારામાં ૨૮૬ કરોડની આવક પર અગાઉની ૧૯ કરોડની નેટ લોસ સામે આ વખતે ૧૫૩ કરોડ પ્લસનો ચોખ્ખો નફો દર્શાવાયો છે. શૅર ૬૬૮૦ની ઑલટાઇમ હાઈ બનાવી અડધો ટકો સુધરી ૬૫૯૯ રહ્યો છે. BSE જેફરીઝના ડી-રેટિંગના પગલે તાજેતરની નરમાઈ બાદ ૧.૪ ટકાના સુધારામાં ૪૩૩૪ હતો. સિમેન્ટ જાયન્ટ અલ્ટ્રાટેકની કામગીરી સર્વાંગી નબળી રહી છે. નફો ૩૬ ટકા ઘટી ૮૨૦ કરોડ રહ્યો છે. શૅર બે ટકા ઘટી ૧૦,૮૪૭ હતો. પૂનાવાલા ફિનકૉર્પના પ્રમોટર અદર પૂનાવાલાએ ૧૦૦૦ કરોડમાં કરણ જોહરની ધર્મા પ્રોડક્શનનો ૫૦ ટકા હિસ્સો હસ્તગત કરી અંબાણી, અદાણી અને ગોએન્કાનો ખેલ પાડી લીધો છે. પૂનાવાલા ફીનકૉર્પ અડધો ટકો વધી ૩૭૭ બંધ થયો છે.

ગાર્ડન રિચને ૪૯૧ કરોડનો ડિફેન્સ ઑર્ડર મળતાં શૅર ઉપરમાં ૧૮૭૦ થઈ સવાબે ટકા વધી ૧૮૦૪ હતો. માઝગાવ ડૉક પરિણામની પૂર્વસંધ્યાએ ત્રણ ટકાની મજબૂતીમાં ૪૬૬૬ થયો છે. કોચીન શિપયાર્ડ સવાબે ટકા નરમ હતો. અંબર એન્ટરપ્રાઇઝનાં રિઝલ્ટ આજે, મંગળવારે છે. શૅર ૭ ગણા કામકાજે ૬૪૮૩ની નવી ટૉપ બનાવી ૨૦ ટકા કે ૧૦૮૦ની તેજીમાં ૬૪૮૩ થયો છે. MRPL દ્વારા ૧૦૫૯ કરોડના નેટ પ્રૉફિટ સામે ૬૮૨ કરોડની ચોખ્ખી ખોટ દર્શાવાતાં શૅર ૧૫૬ની દસ માસની બૉટમ બનાવી ૪.૬ ટકા ગગડી ૧૫૮ હતો. રિઝર્વ બૅન્કે જેએમ ફાઇની સબસિડિયરી પર શૅર અને ડિબેન્ચર્સ સામે લોન આપવા પર મૂકેલા પ્રતિબંધને હટાવી લીધો છે. આની અસરમાં ભાવ ૧૬૯ નજીક નવી ટોચે ગયો હતો, પરંતુ પાછળથી વેચવાલીનું પ્રેશર આવતાં શૅર લથડી ૧૪૩ થઈ ૭.૩ ટકા ગગડીને ૧૪૭ બંધ રહ્યો છે. મોતીલાલ ઓસવાલ તાજેતરની રૅલી બાદ સવાછ ટકા ખરડાઈ ૯૬૪ હતો.

સરકારે બ્લૅક લિસ્ટમાં મૂકતાં PNC ઇન્ફ્રાટેકમાં કડાકો

ગોદરેજ પ્રૉપર્ટીઝે અમદાવાદના વસ્ત્રાપુર ખાતે ત્રણ એકર જમીન હાઉસિંગ પ્રોજેક્ટ માટે ખરીદી છે. આ પ્રોજેક્ટમાંથી કંપની ૧૩૦૦ કરોડની આવક મેળવવા ધારે છે. શૅર ગઈ કાલે ૩.૨ ટકા ગગડી ૩૦૩૨ હતો. તાતાની તેજસ નેટવર્ક ત્રિમાસિક ગાળામાં ૧૩ કરોડની ચોખ્ખી ખોટમાંથી ૨૭૫ કરોડના નેટ નફામાં આવતાં ભાવ ૩૦ ગણા કામકાજમાં ૨૦ ટકાની તેજીની સર્કિટમાં ૧૪૨૭ વટાવી અંતે ૧૦.૮ ટકા ઊચકાઈને ૧૩૧૮ થયો છે. તાતા સન્સ એકાદ વર્ષમાં બજારમાં લિસ્ટેડ થવાનું વિચારી રહી હોવાના અહેવાલમાં તાતા કેમિકલ્સ ઉપરમાં ૧૨૪૫ નજીક જઈ સવાનવ ટકા કે ૧૦૦ના જમ્પમાં ૧૧૮૮ હતો. તાતા કેમિકલ્સનું હોલ્ડિંગ તાતા સન્સમાં અઢી ટકા જેવું છે. એમ તો તાતા સન્સમાં તાતા સ્ટીલ અને તાતા મોટર્સ ત્રણ ટકાનો તથા તાતા પાવર ૧.૭ ટકાનો હિસ્સો ધરાવે છે, પરંતુ તાતા મોટર્સ ગઈ કાલે પોણો ટકો તો તાતા સ્ટીલ નહીંવત્ નરમ હતો. તાતા પાવર ૪૫૪ના લેવલે યથાવત રહ્યો છે. તાતા ઇન્વેસ્ટમેન્ટ સાડાત્રણ ટકા કે ૨૪૫ રૂપિયાની મજબૂતીમાં ૭૦૬૦ થયો છે.

PNC ઇન્ફ્રાટેક તેમ જ એની બે સબસિડિયરીને કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય તરફથી એક વર્ષ માટે બ્લૅક લિસ્ટમાં મૂકવામાં આવતાં શૅર ૨૦ ટકાની મંદીની સર્કિટમાં ૩૬૭ની અંદર જઈ ત્યાં જ બંધ આવ્યો છે. ઇન્ડિયા માર્ટ ઇન્ટરમેશનો ત્રિમાસિક નફો ૯૫ ટકા વધીને ૧૩૫ કરોડ થયો છે પણ ક્લેક્શન ગ્રોથ ૧૪ ટકાથી ગગડી પાંચ ટકા રહેતાં શૅરમાં ડાઉન ગ્રેડિંગ શરૂ થયું છે. ભાવ ગઈ કાલે આઠ ગણા કામકાજે નીચામાં ૨૪૫૬ થઈ ૧૭ ટકા કે ૫૦૯ રૂપિયા તૂટી ૨૫૦૮ બંધ આવ્યો છે. આરબીએલ બૅન્કનો ત્રિમાસિક નેટ નફો ૨૪ ટકા ઘટી ૨૯૪ કરોડ આવતાં શૅર નવ ગણા વૉલ્યુમે ૧૪.૨ ટકા ધોવાઈ ૧૭૬ થયો છે. યુકો બૅન્કનો નફો ૫૦ ટકા વધી ૬૦૩ કરોડ થયો છે. NPA ઘટી છે. શૅર ૪૮ વટાવ્યા બાદ દોઢ ટકા વધીને ૪૬ બંધ હતો. જિંદલ સૉ દ્વારા ૩૨ ટકાના વધારામાં ૪૯૯ કરોડના નફા સાથે ધારણા કરતાં સારાં રિઝલ્ટ જારી થયાં છે. શૅર પ્રારંભિક સુધારામાં ૩૭૭ થયા બાદ ભારે પ્રૉફિટ બુકિંગ કામે લાગતાં ૯ ગણા વૉલ્યુમે ૬ ટકા બગડી ૩૪૪ બંધ થયો છે.

business news sensex nifty share market stock market