16 January, 2023 03:46 PM IST | Mumbai | Mayur Mehta
પ્રતીકાત્મક તસવીર
૨૦૨૪ની ચૂંટણીઓની તૈયારીઓ આરંભાઈ ચૂકી છે. આમ પ્રજામાં મોંઘવારીની બૂમ ન ઊઠે એ માટે સરકારે અનેક પગલાં લીધાં છે. જીવનજરૂરી ચીજોના સટ્ટા પરનો પ્રતિબંધ એક વર્ષ લંબાવ્યા બાદ હવે કઠોળનો બફર સ્ટૉક કરવાના આદેશો છૂટી ગયા છે.
કેન્દ્ર સરકાર કઠોળનો બફર સ્ટૉક ઊભો કરવા માટે બજારભાવથી આશરે ૧૬ લાખ ટન કઠોળની ખરીદી કરે એવી ધારણા છે.
બે સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે સરકાર બફર સ્ટૉક બનાવવા માટે બજારભાવથી તુવેર, અડદ અને મસૂરની ખરીદી કરવાનું વિચારી રહી છે. જોકે સરકાર લઘુતમ ટેકાના ભાવે કઠોળની ખરીદી કરે છે, એ બફર સ્ટૉકને વેગ આપવા માટે બજાર દરે તુવેર, અડદ અને મસૂર ખરીદવાનું વિચારી રહી છે, આમ એક અધિકારીએ જણાવ્યું હતું.
બજાર દરે કઠોળની ખરીદી વિશે પ્રારંભિક ચર્ચા ચાલી રહી છે અને એકાદ મહિનામાં નિર્ણય લેવામાં આવે એવી શક્યતા છે, એમ બીજા અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : સરકારી નિર્ણયમાં આમ જનતા-ખેડૂતો બન્નેનું હિત જાળવવાના પ્રયાસ
કેન્દ્ર પ્રાઇસ સ્ટેબિલાઇઝેશન ફન્ડ હેઠળ નૅશનલ ઍગ્રિકલ્ચરલ કો-ઑપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા અને નૅશનલ કો-ઑપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા લિમિટેડ જેવી નોડલ એજન્સીઓ દ્વારા કઠોળની ખરીદી કરે છે. ફન્ડનો ઉદ્દેશ વ્યૂહાત્મક બફર સ્ટૉક જાળવવાનો છે, જેનો ઉપયોગ મુખ્યત્વે જાહેર વિતરણ વ્યવસ્થા, મધ્યાહ્ન ભોજન યોજના અને સંકલિત બાળ વિકાસ સેવા યોજના માટે થાય છે.
સરકારનું લક્ષ્ય ૧૦ લાખ ટન તુવેર, ચાર લાખ ટન અડદ અને બે લાખ ટન મસૂરનો બફર સ્ટૉક બનાવવાનું છે.
અત્યાર સુધીમાં સરકારે ૫૫,૦૦૦ ટન તુવેર અને ૪૦,૦૦૦ ટન અડદની ખરીદી કરી છે. હાલમાં એની પાસે એના બફર સ્ટૉકમાં ૧.૨૪ લાખ ટન તુવેર, ૪૦,૦૦૦ ટન અડદ અને એક લાખ ટન મસૂર છે. સરકારી અંદાજ મુજબ, ખરીફ તુવેર અને અડદનું ઉત્પાદન અનુક્રમે ૧૦.૪ અને ૫.૨ ટકા ઘટવાની સંભાવના છે. કુલ ખરીફ કઠોળના ઉત્પાદનમાં તુવેર અને અડદનો હિસ્સો બે તૃતીયાંશ છે. મસૂર એ રવી પાક છે. હાલમાં કેટલાંક કઠોળના ભાવ ટેકાના ભાવથી ઉપર હોવાથી સરકારને બજારભાવથી ખરીદી કરવાની ફરજ પડી શકે છે.