જથ્થાબંધ બજારોનો ભાવઘટાડો રીટેલ ગ્રાહકો સુધી પહોંચતો નથી એટલે સરકાર ઍક્શનમાં આવી

30 December, 2024 08:25 AM IST  |  Mumbai | Mayur Mehta

તમામ દાળના ભાવ જથ્થાબંધ બજારમાં પાંચથી દસ ટકા ઘટ્યા, પણ ગ્રાહકોને રીટેલ સ્ટોરમાંથી હજી મોંઘી દાળ મળે છે : તમામ આવશ્યક ચીજવસ્તુઓની બજારમાં વચેટિયાઓનું વર્ચસ હોવાથી ગ્રાહકો વર્ષોથી દંડાઈ રહ્યા છે

બજાર

વિશાળ વસ્તી ધરાવતા ભારતના ગ્રાહકોના હિત માટે સરકારી સ્તરે અનેક પગલાં લેવાતાં હોવા છતાં પ્રૉપર સિસ્ટમના અભાવે ગ્રાહકો હંમેશાં દંડાતા આવ્યા છે એનું માત્ર ને માત્ર એક જ કારણ છે : ભ્રષ્ટાચારનું સામ્રાજ્ય એટલું સિસ્ટમૅટિક વ્યાપેલું છે કે અત્યાર સુધીની તમામ સરકાર એને તોડવામાં નિષ્ફળ ગઈ છે. તાજેતરમાં કેન્દ્રીય ગ્રાહકો બાબતો અને ખાદ્ય પુરવઠા મંત્રાલયના અધિકારીઓએ રીટેલર્સ અસોસિએશન ઑફ ઇન્ડિયા અને મોટી રીટેલ ચેઇન કંપનીઓના માલિકો સાથે ઉચ્ચ સ્તરે એક બેઠક યોજી હતી જેનો મુખ્ય એજન્ડા એ હતો કે મધ્યમથી નીચેના સ્તર સુધીના ગ્રાહકોને જથ્થાબંધ બજારોના ભાવઘટાડાનો લાભ કેમ મળતો નથી? સરકારી મંત્રાલયના અધિકારીઓએ વેપારીઓને સ્પષ્ટ ચીમકી આપી હતી કે જથ્થાબંધ બજારોમાં દાળના ભાવ છેલ્લા થોડા સમયમાં પાંચથી દસ ટકા સુધી ઘટ્યા છે, પણ એનો લાભ હજી સુધી ગ્રાહકોને રીટેલ સ્ટોરમાંથી મળ્યો ન હોવાથી વેપારીઓ રીટેલ સ્ટોરમાં પણ દાળ અને કઠોળના ભાવ ઘટાડે. આવી ચીમકી છેલ્લા કેટલાક સમયગાળામાં ખાદ્ય તેલોના રીટેલ સ્ટોરના માલિકોને પણ સરકારે બેથી વધુ વખત આપી છે ત્યારે એક કે બે સપ્તાહ રીટેલ સ્ટોરના ગ્રાહકોને એનો લાભ મળે છે, પણ ત્યાર બાદ સરકારનું મૉનિટરિંગ ઓછું થાય કે તરત જ રીટેલ સ્ટોરવાળા ભાવ વધારી નાખે છે. આવું દૂષણ લાંબા સમયથી ચાલી રહ્યું છે, પણ પહેલી વખત સરકારે આ દિશામાં કામ કરવાનું ચાલુ કર્યું હોવાથી હવે રીટેલ સ્ટોરના ગ્રાહકોને પણ ટૂંક સમયમાં સસ્તી ચીજો મળવાની ચાલુ થશે.

રીટેલ ગ્રાહકોને પ્રૉપર ભાવ અપાવવા શું કરવું જોઈએ?

કોઈ પણ ચીજવસ્તુની ડિમાન્ડ અને સપ્લાયને આધારે એકદમ પર્ફેક્ટ ભાવ નક્કી થાય એ માટે વર્લ્ડના લગભગ દરેક દેશમાં જે-તે ચીજોના વાયદા બજાર ચાલે છે. વાયદા બજારો ચલાવવાનું મુખ્ય હેતુ યોગ્ય ભાવનું સંશોધન કરવાનો છે. વાયદા બજારમાં તેજી-મંદીવાળા સામસામે ભાવની ઑફર દેતા હોવાથી સાચા ભાવ મળી શકે છે. જોકે એમાં પણ કાર્ટેલ બને તો સટ્ટાખોરી દ્વારા કૃત્રિમ ઊંચા કે નીચા ભાવ પણ જોવા મળતા આવ્યા છે; પણ અમેરિકા, યુરોપ, ચીન વગેરે દેશોએ હવે પ્રૉપર મેકૅનિઝમ દ્વારા વાયદા ચલાવવાના ચાલુ કર્યા હોવાથી સાચા ભાવ મળી રહ્યા છે. ખેર, ભારતીય માર્કેટમાં જો રીટેલ સ્તરના ગ્રાહકોને અને સમગ્ર દેશની જનતાને યોગ્ય ભાવની જાણકારી આપવી હોય તો સરકારે દરેક આવશ્યક ચીજના બે પ્રકારના જથ્થાબંધ અને રીટેલ બેન્ચમાર્ક ભાવ દરરોજ જાહેર થાય એવું માળખું તૈયાર કરવું જોઈએ, જેનો વ્યાપ રાજ્યસ્તરે પણ કરી શકાય. ધારો કે આપણે ચણાનો બેન્ચમાર્ક ભાવ કાઢવો છે તો ચણાનું મુખ્ય ઉત્પાદન મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગણ, ગુજરાત, રાજસ્થાન અને આંધ્ર પ્રદેશમાં થાય છે તો દરેક રાજ્યનાં મુખ્ય પાંચ ઉત્પાદક સેન્ટરોના ભાવને એકઠા કરીને એની સરેરાશ દ્વારા ચણાની જથ્થાબંધ બજારનો બેન્ચમાર્ક ભાવ નીકળી શકે છે. એ જ રીતે દેશના મુખ્ય ચાર મેટ્રોપૉલિટન અને ૧૦ મેગા સિટીના રીટેલ સ્ટોરમાં વેચાતા ચણાનો ભાવ મેળવીને એની સરેરાશ દ્વારા રીટેલ માર્કેટમાં ચણા, ચણાદાળ અને બેસનના રોજેરોજના બેન્ચમાર્ક ભાવ કાઢવા જોઈએ. આવી સિસ્ટમ દરેક ચીજ માટે ઊભી કરવાથી આખી ભાવ-સિસ્ટમ પારદર્શક બની શકે છે અને એનો ફાયદો રીટેલ સ્તર સુધી પહોંચાડવા સરકાર આદર્શ મૉનિટરિંગ સિસ્ટમ પણ ઊભી કરી શકે છે.

રીટેલ બજારમાં વ્યાપક ભ્રષ્ટાચાર અને મૉનિટરિંગનો અભાવ

રીટેલ બજારોનું માળખું હંમેશાં રીજનલ લેવલે હોય છે તેમ જ ગ્રાહક બાબતો અને ખાદ્ય પુરવઠા મંત્રાલયમાં વાજબી ભાવ માટે કોઈ નીતિ-નિયમો ન હોવાથી વેપારીઓ પર જુદા-જુદા નિયમો હેઠળ કાર્યવાહી કરીને માત્ર ને માત્ર પૈસાની ઉઘરાણી જ થતી આવી છે. વળી કોઈ પણ ચીજના ભાવ જથ્થાબંધ બજારમાં પાંચથી દસ ટકા ઘટી ગયા ત્યારે આ ભાવઘટાડાનો લાભ રીટેલ સ્ટોરવાળા ગ્રાહકોને ન આપે તો એના માટે કોઈ દંડાત્મક પગલાની જોગવાઈ નથી. મેટ્રોપૉલિટન અને મેગાસિટીમાં હવે મૉલકલ્ચર ધીમે-ધીમે ડેવલપ થઈ રહ્યું હોવાથી અહીં ગ્રાહકોને જથ્થાબંધ બજારોના ભાવઘટાડાનો લાભ કેટલાક અંશે મળવાનો ચાલુ થયો છે, પણ આ લાભ આપવાનું પ્રમાણ પણ એકદમ ઓછું છે. કેન્દ્રીય ગ્રાહકો અને ખાદ્ય પુરવઠા મંત્રાલયના અધિકારીઓએ સ્પેસિફિક ઉદાહરણ સાથે નોંધ્યું કે તુવેર અને અડદના ભાવ સરેરાશ દસથી ૨૦ ટકા ઘટ્યા હતા, પણ રીટેલ માર્કેટમાં આ બન્ને કઠોળ-દાળના ભાવમાં જરા પણ ઘટાડો થયો નથી. ડિપાર્ટમેન્ટ ઑફ કન્ઝ્યુમર અફેર્સના પ્રાઇસ મૉનિટરિંગ ડિવિઝને રોજેરોજ એકઠા કરેલા ભાવનું મૉનિટરિંગ કરતાં રીટેલ સ્ટોરમાં ભાવઘટાડો ન થયાનું બહાર આવ્યું હતું. તુવેર દાળનો ભાવ રીટેલ સ્ટોર પર ૨૨ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ કિલોનો ૧૫૩.૭૯ રૂપિયા હતો જે એક વર્ષ પછી ૨૨ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ ૧૫૭.૦૬ રૂપિયો થયો હતો. તુવેર દાળનો ભાવ એક વર્ષમાં રીટેલ સ્ટોરમાં વધ્યો હતો, પણ જથ્થાબંધ બજારમાં તુવેરનો ભાવ ૨૦ ટકા ઘટ્યો હોવા છતાં રીટેલ ગ્રાહકોને કોઈ લાભ મળ્યો નથી. આવું જ ચણાની દાળ, અડદની દાળ, મગની દાળ, મસૂરની દાળ વગેરેમાં પણ જોવા મળ્યું હતું. ખાદ્ય તેલોના ભાવ વિશે પણ જો અભ્યાસ કરવામાં આવે તો આવી જ સ્થિતિ સામે આવી શકે છે.

ડિમાન્ડ અને સપ્લાયનું બૅરોમીટર જથ્થાબંધ બજારો

ભારતીય જથ્થાબંધ બજાર વેલ-ઑર્ગેનાઇઝ્ડ છે, કારણ કે વિવિધ બજારનાં અસોસિએશન સઘન રીતે કામ કરે છે. ૧૪૫થી ૧૫૦ કરોડની વસ્તી ધરાવતા દેશોમાં ગ્રાહકોની સંખ્યા વિશાળ હોવાથી આ સેક્ટરમાં લાખો વેપારીઓ, બ્રોકરો, કમિશન એજન્ટો, આયાત-નિકાસકારો, હેજરો વગેરે કામ કરી રહ્યા છે. આ તમામની રોજીરોટી આ બજાર પર નિર્ભર હોવાથી દરેકને નફો-નુકસાન માટે તમામ પ્રકારના ફન્ડામેન્ટ્સ પર બારીકાઈથી નજર રાખવી પડતી હોય છે. લેનાર-વેચનાર બન્ને રોજબરોજના વેપારમાં ફુલટાઇમ કામ કરતા હોવાથી માર્કેટમાં પારદર્શકતા અને રિયલ ફન્ડામેન્ટ્સ બન્ને કામ કરે છે જેને કારણે જથ્થાબંધ બજારમાં કોઈ ચીજવસ્તુના ખોટા ભાવ લાંબો સમય ચાલી શકતા નથી. વળી સાચા ભાવના સંશોધન માટે ઑફિશ્યલી કે અનઑફિશ્યલી વાયદા બજારો દરેક ચીજોના ચાલી રહ્યાં છે. કેટલીક ચીજોના વાયદા માત્ર રીજનલ લેવલે નાના પાયે ચાલતા હોય છે તો કેટલીક ચીજોના વાયદા મોટે પાયે ચાલતા હોય છે જેને કારણે સમગ્ર દેશમાં દરેક ચીજના સાચા ભાવ દરેકને મળે છે. એમાં કોઈ ગરબડ થાય તો એનો વિરોધ પણ વ્યાપક સ્તરે જોવા મળે છે.

share market stock market consumer court business news india