ઘઉંના પાકને કમોસમી વરસાદથી નુકસાન થતાં સરકારી પ્રાપ્તિ ૧૮ ટકા ઘટી

20 April, 2023 04:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ઘઉંના પાકને કમોસમી વરસાદથી સૌથી વધુ નુકસાન થયું છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ઘઉંના પાકને કમોસમી વરસાદથી લગભગ તમામ રાજ્યોમાં નુકસાન થયું છે. ઘઉંના ઉત્પાદનના અંદાજ વિશે ભારે મતમત્તાંતર હોવા છતાં સરકારી પ્રાપ્તિનો ઘટાડો નુકસાનીની વાસ્તવિકતાને ખુલ્લો પાડનારો છે. ફૂડ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા દ્વારા થતી ઘઉંની પ્રાપ્તિ ૧૬મી એપ્રિલ સુધીમાં ૪૧ લાખ ટને પહોંચી હતી જે ગયા વર્ષે આ સમયગાળામાં ૫૦ લાખ ટન થઈ હતી.

ફૂડ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયાના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર અશોક મીનાએ જણાવ્યું હતું કે ઘઉંની કાપણી મોડી થઈ રહી છે, કારણ કે કમોસમી વરસાદને કારણે ઘઉંના પાકને નુકસાન થતાં મંડીઓમાં આવક ઓછી થઈ રહી છે. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ઘઉંના પાકને કમોસમી વરસાદથી સૌથી વધુ નુકસાન થયું છે. આ રાજ્યોનાં કેટલાંક મથકો પર ઘઉંની ક્વૉલિટીને પણ મોટું નુકસાન થયાનો રિપોર્ટ છે.

ઘઉંની ઓછી આવક અને ક્વૉલિટીમાં ડૅમેજને કારણે સરકારે ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ઘઉંની પ્રાપ્તિના નિયમો હળવા કર્યા છે એમ છતાં ઘઉંની પ્રાપ્તિ ગયા વર્ષથી ઓછી થઈ છે.

ઘઉંની પ્રાપ્તિ આગામી દિવસોમાં વેગ પકડે એવી ફૂડ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયાને ધારણા છે, કારણ કે હવે આવકો વધશે. સરકાર ઘઉંનો બફર સ્ટૉક ઊભો કરવા અને ખેડૂતોને વાજબી ભાવ મળે એ માટે દર વર્ષે ખેડૂતો પાસેથી મિનિમમ સપોર્ટ પ્રાઇસ (ટેકાના ભાવ)એ ખરીદી કરે છે.

સરકારે ચાલુ વર્ષે ઘઉંની પ્રાપ્તિનો લક્ષ્યાંક ૩૪૨ લાખ ટનનો રાખ્યો છે. ગયા વર્ષે સરકારે ઘઉંની પ્રાપ્તિ ૧૯૦ લાખ ટનની કરી હતી. ગયા વર્ષે હીટવેવને કારણે ઘઉંના ઉત્પાદનમાં મોટો ઘટાડો નોંધાયો હતો તેમ જ યુક્રેન-રશિયાના યુદ્ધને કારણે ખુલ્લા બજારમાં ઘઉંના ભાવ ઊંચા હોવાથી ખેડૂતોએ સરકારી પ્રાપ્તિની યોજનામાં ઘઉંના વેચાણમાં ઓછો રસ દાખવ્યો હતો.
સરકારે ચાલુ વર્ષે ઘઉંના ઉત્પાદનનો અંદાજ ૧૧૨૧.૮૦ લાખ ટનનો મૂક્યો છે અને સરકારને આશા છે કે લક્ષ્યાંક પ્રમાણે ઘઉંની પ્રાપ્તિ થશે.

business news commodity market