21 March, 2023 05:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
નાણા મંત્રાલયે એમ. કે. જૈનના સ્થાને નવા રિઝર્વ બૅન્કના ડેપ્યુટી ગવર્નરની નિમણૂક કરવાની પ્રક્રિયા શરૂ કરી છે, જેમનો વિસ્તૃત કાર્યકાળ જૂનમાં પૂરો થઈ રહ્યો છે. અરજદારને બૅન્કિંગ અને નાણાકીય બજારની કામગીરીમાં ૧૫ વર્ષનો અનુભવ હોવો જોઈએ. એક જાહેર સૂચનામાં જણાવાયું છે કે ખાનગી ક્ષેત્રના ઉમેદવારોને પણ નિમણૂક માટે ધ્યાનમાં લેવામાં આવશે.
પરંપરાગત રીતે ચાર ડેપ્યુટી ગવર્નરોમાંથી એક જાહેર ક્ષેત્રના બૅન્કિંગ ઉદ્યોગમાંથી છે. જો સરકાર ખાનગી ક્ષેત્રમાંથી કોઈની નિમણૂક કરવાનો નિર્ણય લે છે તો એ ભારતીય રિઝર્વ બૅન્ક માટે પ્રથમ હશે.
જાહેર ક્ષેત્રના વરિષ્ઠ બૅન્કર જૈનને ૨૦૧૮માં ત્રણ વર્ષના પ્રારંભિક સમયગાળા માટે ડેપ્યુટી ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને ૨૦૨૧માં બીજા બે વર્ષ માટે લંબાવવામાં આવ્યા હતા.