15 December, 2022 03:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
આવકવેરા વિભાગે બિન-નિવાસી કરદાતાઓ-એનઆરઆઇને ૩૧ માર્ચ, ૨૦૨૩ સુધી મૅન્યુઅલી ફૉર્મ ૧૦-એફ ફાઇલ કરવાની મંજૂરી આપી છે, જે તેમના અનુપાલનનો બોજ હળવો કરશે અને તેમને ઓછા ટીડીએસ દરનો દાવો કરવા સક્ષમ બનાવશે.
સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસએ જુલાઈમાં બિન-નિવાસી કરદાતાઓ માટે ઇલેક્ટ્રૉનિક રીતે ફૉર્મ ૧૦-એફ ફાઇલ કરવાનું ફરજિયાત બનાવ્યું હતું, જેથી સ્ત્રોત પર ઓછા કર કપાતનો લાભ મળે.
જોકે કરદાતાઓને ફૉર્મની ઇલેક્ટ્રૉનિક ફાઇલિંગમાં સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે આવકવેરા પોર્ટલ એવા કરદાતાને ફૉર્મ ૧૦-એફ ફાઇલ કરવાની મંજૂરી આપતું નથી કે જેમની પાસે કાયમી અકાઉન્ટ નંબર (પૅન) નથી.
એક નોટિફિકેશનમાં સીબીડીટીએ આવા કરદાતાઓની અસલી મુશ્કેલીઓને ઘટાડવા માટે જણાવ્યું હતું કે એવા બિન-નિવાસી કરદાતાઓની શ્રેણી કે જેમની પાસે પૅન નથી અને આઇટી કાયદાની સંબંધિત જોગવાઈઓ અનુસાર પૅન હોવું જરૂરી નથી, એમાંથી મુક્તિ આપવામાં આવશે.