22 December, 2022 02:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
કેન્દ્ર સરકારે મોંઘવારીનો દર ઘટ્યો હોવા છતાં રિઝર્વ બૅન્કના લક્ષ્યાંકથી હજી થોડો ઊંચો હોવાથી ઘઉં-ચોખા, ખાદ્ય તેલ, કઠોળ જેવી સાત કૉમોડિટીના ઍગ્રી વાયદા પરનો પ્રતિબંધ વધુ એક વર્ષ માટે લંબાવ્યો છે. અનેક કૉમોડિટી બ્રોકરો અને એને સંલગ્ન સંગઠનોએ સરકારને રજૂઆત કરીને વાયદા ચાલુ કરવા માટે માગણી કરી હતી, પંરતુ સરકારે ગ્રાહકોની બાજુ રહીને પ્રતિબંધ લંબાવી દીધો છે.
કૅપિટલ માર્કેટ્સ રેગ્યુલેટર સેબીએ આ વિશેનું સત્તાવાર નોટિફિકેશન સોમવારે મોડી રાતે બહાર પાડ્યું હતું. સેબી દ્વારા સસ્પેન્ડ કરાયેલા કૉમોડિટી વાયદામાં ડાંગર (બિન-બાસમતી), ચણા, મગ, ક્રૂડ પામ તેલ, રાયડો, સોયાબીન અને એની અન્ય ડેરિવેટિવ્ઝ પ્રોડક્ટનો સમાવેશ થાય છે.
સેબીએ બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ‘ઉપરોક્ત કરારોમાં ટ્રેડિંગનું સસ્પેન્શન ૨૦ ડિસેમ્બર, ૨૦૨૨ પછી વધુ એક વર્ષ માટે એટલે કે ૨૦ ડિસેમ્બર, ૨૦૨૩ સુધી લંબાવવામાં આવ્યું છે.
સસ્પેન્શન આ કૉમોડિટીઝમાં હાલની પોઝિશનના વર્ગીકરણની પરવાનગી આપે છે, પરંતુ એક વર્ષ સુધી એમાં કોઈ નવા ફ્યુચર્સ ટ્રેડિંગની પરવાનગી નથી.
ફુગાવાને કાબૂમાં લેવા માટે, સિક્યૉરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (સેબી)એ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ એક્સચેન્જોને સોયાબીન, સરસવનાં બીજ, ચણા, ઘઉં, ડાંગર, મગ અને ક્રૂડ પામ ઑઇલના નવા ડેરિવેટિવ્ઝ કૉન્ટ્રૅક્ટ્સ શરૂ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ નિર્દેશો એક વર્ષ માટે લાગુ હતા.
ઍગ્રિ વાયદાનો નિર્ણય એક વર્ષ લંબાવાતાં ટ્રેડરો-સંગઠનોમાં નારાજગી વ્યાપી ગઈ છે. સીના પ્રમુખ અજય ઝુનઝુનવાલાએ સેબીએ ખાદ્ય તેલ સહિતની કેટલીક કૉમોડિટીઝ પરના વાયદા પર લાદવામાં આવેલા પ્રતિબંધને ચાલુ રાખવાની નોટિસ જારી કરી છે. આ નિર્ણય યોગ્ય નથી રહ્યો, કારણ કે બજારોમાં ખૂબ જ ઊંચી અસ્થિરતાને કારણે ટ્રેડરોને મોટા પાયે નુકસાન થયું હતું. આના પર ટ્રેડિંગની ગેરહાજરીમાં કૉમોડિટી એક્સચેન્જના આયાતકારો દુઃખમાં મુકાઈ ગયા હતા અને ભારે નાણાં ગુમાવ્યાં હતાં. અમને આશા હતી કે પ્રતિબંધ હટાવી લેવામાં આવશે અને આયાતકારો આરામનો શ્વાસ લઈ શકશે. જોકે આ નિર્ણયથી રિસ્ક મિટિગેશન ટૂલ પર ઘટાડો થયો છે.