11 April, 2023 01:59 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ઘઉંના ઉત્પાદનને લઈને હાલ અનેક વાટાઘાટો અને વિવાદો ચાલી રહ્યા છે. કેન્દ્ર સરકાર હજી પણ ઘઉંના પાકને લઈને મક્કમ છે કે વરસાદને કારણે ૧૦થી ૨૦ લાખ ટન ઘઉંના પાકને નુકસાન થશે, તેમ છતાં, પાક વિક્રમી જ થવાનો છે, જ્યારે ખાનગી ટ્રેડરો નીચો અંદાજ મૂકી રહ્યા છે.
સરકારે શુક્રવારે જણાવ્યું હતું કે તાજેતરના પ્રતિકૂળ હવામાનને કારણે ઘઉંના ઉત્પાદનમાં નુકસાન ૧૦થી ૨૦ લાખ ટનની રેન્જમાં થવાની સંભાવના છે, પરંતુ વધુ વાવેતર વિસ્તાર અને ઉપજના આધારે ચાલુ વર્ષમાં એકંદરે ઉત્પાદન ૧૧૨૨ લાખ ટનના રેકૉર્ડ સ્તરે પહોંચશે.
સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવ પર ઘઉંની ખરીદી ચાલી રહી છે અને અત્યાર સુધીમાં લગભગ સાત લાખ ટનની ખરીદી કરવામાં આવી છે, જે એક વર્ષ અગાઉના સમયગાળામાં બે લાખ ટન કરતાં વધુ છે.
કેન્દ્રએ રોલર ફ્લોર મિલરોને ઓપન માર્કેટ સેલ સ્કીમ હેઠળ રાજ્યની માલિકીની એફસીઆઇ પાસેથી સ્ટૉક મેળવવાને બદલે ખેડૂતો પાસેથી તેમની જરૂરિયાતોને પહોંચી વળવા સીધી ખરીદી કરવા જણાવ્યું હતું. સરકારે બમ્પર આઉટપુટને ધ્યાનમાં રાખીને ઘઉંનાં ઉત્પાદનોની નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવી લેવાની ઉદ્યોગની માગણીને પણ નકારી કાઢી હતી. રોલર ફ્લોર મિલર્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ઘઉંના પાકનો ખાનગી અંદાજ બહાર પાડતાં ખાદ્ય મંત્રાલયના અધિક સચિવ સુબોધ કુમાર સિંહે જણાવ્યું હતું કે ગયા વર્ષે સરકાર અને ઉદ્યોગ દ્વારા અંદાજવામાં આવેલા ઘઉંના ઉત્પાદનમાં તફાવત હતો.