ઘઉંના ભાવ ૭ દિવસમાં ૧૦ ટકા ઘટ્યા હોવાનો સરકારનો દાવો

07 February, 2023 02:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એફસીઆઇએ કુલ ૯.૨ લાખ ટન ઘઉંનું ૨૪૭૪ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવથી વેચાણ કર્યું

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

દેશમાં ઘઉંના ભાવમાં સપ્તાહ દરમ્યાન નોંધપાત્ર ઘટાડો થયો હોવાનો સરકારનો દાવો છે. કેન્દ્ર સરકારે શુક્રવારે જણાવ્યું હતું કે વધતા ભાવને રોકવા માટે ખુલ્લા બજારમાં અનાજ વેચવાના નિર્ણયને પગલે છેલ્લા એક સપ્તાહમાં ઘઉંના ભાવમાં ૧૦ ટકાથી વધુનો ઘટાડો થયો છે.

રાજ્ય સંચાલિત ફૂડ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયાએ આ અઠવાડિયે યોજાયેલા ઈ-ઑક્શનના પ્રથમ બે દિવસમાં અત્યાર સુધીમાં ૯.૨ લાખ ટન ઘઉં બલ્ક વપરાશકર્તાઓને સરેરાશ ૨૪૭૪ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના દરે વેચ્યા છે.

તાજેતરમાં કેન્દ્રએ ઓપન માર્કેટ સેલ સ્કીમ (ઓએમએસએસ) હેઠળ ખુલ્લા બજારમાં બફર સ્ટૉકમાંથી ૩૦ લાખ ટન ઘઉંનો જથ્થો ઉતારવાનો નિર્ણય કર્યો હતો, જેમાંથી પચીસ લાખ ટન જથ્થાબંધ ગ્રાહકો, લોટ મિલરોને, ત્રણ લાખ ટન નાફેડ જેવી સંસ્થાઓને અને બાકીના બે લાખ ટન રાજ્ય સરકારોને વેચવામાં આવશે.

ખાદ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઈ-ઑક્શને પહેલાંથી જ ઘઉંના બજાર ભાવમાં છેલ્લા એક સપ્તાહમાં ૧૦ ટકાથી વધુ ઘટાડો થવાની અસર છોડી દીધી છે. ઈ-ઑક્શનમાં વેચાયેલા ઘઉંને ઉપાડ્યા પછી અને ઘઉંનો લોટ (આટો) બજારમાં ઉપલબ્ધ કરાવ્યા પછી ‘કિંમત વધુ ઘટવા માટે સેટ છે’ એમ જણાવ્યું હતું.

આ પણ વાંચો : દેશમાં ઘઉંનું વાવેતર ગયા વર્ષ જેટલું જ થયું : ચણામાં મામૂલી વધારો જોવા મળ્યો

ગ્રાહક બાબતોના મંત્રાલય દ્વારા જણાવવામાં આવેલા ડેટા મુજબ બીજી ફેબ્રુઆરીએ ઘઉંની છૂટક કિંમત ૩૩.૪૭ રૂપિયા પ્રતિ કિલો અને ઘઉંના લોટની કિંમત ૩૮.૧ રૂપિયા પ્રતિ કિલો હતી. ૨૦૨૨માં સમાન તારીખે ઘઉં અને ઘઉંના લોટની સરેરાશ છૂટક કિંમત અનુક્રમે ૨૮.૧૧ રૂપિયા પ્રતિ કિલો અને ૩૧.૧૪ રૂપિયા પ્રતિ કિલો હતી, એમ ડેટા દર્શાવે છે.

સરકારે જણાવ્યું હતું કે નાના અને મધ્યમ લોટ મિલરો અને વેપારીઓએ હરાજીમાં સક્રિયપણે ભાગ લીધો હતો, કારણ કે ૧૦૦થી ૪૯૯ ટનની રેન્જમાં જથ્થાની વધુ માગ હતી, ત્યાર બાદ ૫૦૦-૧૦૦૦ ટન અને ૫૦-૧૦૦ ટનની માગ હતી.

એક જ વારમાં ૩૦૦૦ ટનના ઊંચા જથ્થા માટે માત્ર ૨૭ બિડ મળી હતી, એમ તેમણે જણાવ્યું હતું.

દરમ્યાન, એફસીઆઇએ કેન્દ્રીય ભંડાર, નાફેડ અને એનસીસીએફ જેવી સંસ્થાઓને અનાજને આટામાં રૂપાંતરિત કરવા અને ૨૯.૫૯ રૂપિયા પ્રતિ કિલોના મહત્તમ છૂટક ભાવે વેચવા માટે ૨.૫ લાખ ટન ઘઉંની ફાળવણી કરી છે. 

business news commodity market indian government