ખાંડનો એપ્રિલ માટે બાવીસ લાખ ટનનો ક્વોટા જાહેર કરાયો

31 March, 2023 02:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ખાંડના ભાવ ક્વિન્ટલે રૂ.૬૦થી ૮૦ જેટલા વધે એવી સંભાવના વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. 

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

કેન્દ્ર સરકારે ખાંડનો એપ્રિલ મહિના માટે બાવીસ લાખ ટનનો ક્વોટા જાહેર કર્યો છે, જે એપ્રિલ ૨૦૨૨ અને એપ્રિલ ૨૦૨૧ જેટલો જ છે, એમ કેન્દ્રિય ખાદ્ય મંત્રાલયે જાહેર કરેલા નોટિફિકેશનમાં જણાવ્યું હતું. સરકારે આ ક્વોટા દેશની કુલ ૫૨૫ શુગર મિલોને એનાં ઉત્પાદનના જથ્થા મુજબ ફાળવણી કરી છે. કેન્દ્ર સરકારે માર્ચ ૨૦૨૩ માટે પણ ખાંડનો બાવીસ લાખ ટનનો ક્વોટા જાહેર કર્યો હતો, આમ ક્વોટામાં કોઈ જ પ્રકારનો ફેરફાર કરાયો નથી.

ખાંડનો ક્વોટા સરકારે ગયા વર્ષ જેટલો જ જાહેર કર્યો હોવાથી આગામી દિવસોમાં ખાંડના ભાવ ક્વિન્ટલે રૂ.૬૦થી ૮૦ જેટલા વધે એવી સંભાવના વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. 

ગુજરાતની મિલો માટે સરકારે એપ્રિલ મહિના માટે કુલ ૬૪,૨૮૭ ટનનો ક્વોટા જાહેર કર્યો છે, જ્યારે કર્ણાટક માટે ૪.૦૪ લાખ ટન, મહારાષ્ટ્ર માટે ૬.૮૪ લાખ ટનનો ક્વોટા જાહેર કર્યો છે, જ્યારે ઉત્તર પ્રદેશ માટે ૭.૩૮ લાખ ટનનો ક્વોટા જાહેર કરાયો છે.

business news commodity market indian government