અમેરિકન પ્રાઇવેટ સેક્ટરના નબળા જૉબ-ડેટાથી સોનું બે સપ્તાહની ઊંચાઈએ

07 June, 2024 08:50 AM IST  |  Mumbai | Mayur Mehta

મુંબઈમાં ચાંદીનો ભાવ ૧૮૭૭ રૂપિયા વધીને ફરી ૯૦,૦૦૦ની સપાટીને પાર થયો

પ્રતીકાત્મક તસવીર

અમેરિકન પ્રાઇવેટ સેક્ટરના નબળા જૉબ-ડેટાને પગલે વર્લ્ડ માર્કેટમાં સોનું બે સપ્તાહની ઊંચાઈએ ૨૩૭૫ ડૉલરે પહોંચ્યું હતું જેને પગલે ચાંદી પણ વધીને ૩૦.૬૮ ડૉલર થઈ હતી. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૭૭૧ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૧૮૭૭ રૂપિયા વધ્યો હતો. ચાંદીનો ભાવ મુંબઈમાં ફરી ૯૦,૦૦૦ની સપાટીને પાર કરી ગયો હતો.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકાના જનરલ જૉબ-ડેટા આવે એ પહેલાં આવેલા પ્રાઇવેટ સેક્ટરના જૉબ-ડેટા નબળા આવ્યા હતા. અમેરિકાના પ્રાઇવેટ સેક્ટરમાં મે મહિનામાં ૧.૫૨ લાખ નવી નોકરીઓ ઉમેરાઈ હતી જે એપ્રિલમાં ૧.૮૮ લાખ ઉમેરાઈ હતી અને માર્કેટની ધારણા ૧.૭૫ લાખની હતી. પ્રાઇવેટ સેક્ટરમાં નવી નોકરીઓ છેલ્લા પાંચ મહિનાની સૌથી ઓછી ઉમેરાઈ હતી. અમેરિકાના મૅન્યુફૅક્ચરિંગ સેક્ટર, નૅચરલ રિસૉર્સિસ, ઇન્ફર્મેશન, પ્રોફેશનલ અને બિઝનેસ સેક્ટરમાં નોકરીઓ ઓછી થઈ હતી. ઉપરાંત નાની કંપનીઓમાં નવી નોકરીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો હતો.

અમેરિકાના સર્વિસ સેક્ટરનો ગ્રોથ મે મહિનામાં વધીને નવ મહિનાની ઊંચી સપાટીએ ૫૩.૮ પૉઇન્ટે પહોંચ્યો હતો જેના વિશે માર્કેટની ધારણા ૫૦.૮ પૉઇન્ટની હતી. અમેરિકાનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ઘટ્યા બાદ સર્વિસ સેક્ટરનો ગ્રોથ વધ્યો હતો, પણ પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ ધારણા કરતાં ઘણો નીચો આવતાં ડૉલર ઇન્ડેક્સ ૦.૦૫ ટકા ઘટીને ૧૦૪.૨૨ પૉઇન્ટે પહોંચ્યો હતો. વળી કૅનેડાની સેન્ટ્રલ બૅન્કે ઇન્ટરેસ્ટ-રેટમાં .૨૫ ટકાનો ઘટાડો કર્યો હતો અને આગામી દિવસોમાં વધુ ઘટાડો કરવાનો સંકેત આપ્યો હતો. આમ, કૅનેડાના ઇન્ટરેસ્ટ-રેટ ઘટાડા બાદ હવે વર્લ્ડમાં રેટ-કટનો દોર ચાલુ થશે એવા સંકેતોને પગલે પણ ડૉલર ઇન્ડેક્સ ઘટ્યો હતો.

અમેરિકાના ૩૦ વર્ષના મૉર્ગેજ-રેટ ૩૧ મેએ પૂરા થયેલા સપ્તાહના અંતે સતત બીજે સપ્તાહે બે બેસિસ પૉઇન્ટ વધીને ૭.૦૭ ટકાએ પહોંચ્યા હતા. મૉર્ગેજ-રેટ વધતાં મૉર્ગેજ ઍપ્લિકેશન લેનારાઓની સંખ્યા ૫.૨ ટકા ઘટીને ત્રણ મહિનાની નીચી સપાટીએ પહોંચી હતી.

શૉર્ટ ટર્મ – લૉન્ગ ટર્મ

વર્લ્ડની સેન્ટ્રલ બૅન્કોની સોનાની ખરીદી એપ્રિલમાં ફરી ઊછળતાં ૨૦૨૪માં સેન્ટ્રલ બૅન્કોની સોનાની ખરીદી શાનદાર રહેવાનો અંદાજ મુકાઈ રહ્યો છે. ૨૦૨૨માં સેન્ટ્રલ બૅન્કોની ખરીદી પંચાવન વર્ષની ઊંચાઈએ પહોંચ્યા બાદ ૨૦૨૩માં પણ ૧૦૦૦ ટનથી વધુ સોનાની ખરીદી વર્લ્ડની સેન્ટ્રલ બૅન્કોએ કરી હતી. એપ્રિલમાં સેન્ટ્રલ બૅન્કોએ ૩૩ ટન સોનાની ખરીદી કરી હતી જે માર્ચમાં માત્ર ત્રણ ટન અને ફેબ્રુઆરીમાં ૨૭ ટન કરી હતી. વર્લ્ડની કુલ આઠ સેન્ટ્રલ બૅન્કોએ સોનાની ખરીદી એપ્રિલમાં વધારી હતી જેમાં ટર્કીની સેન્ટ્રલ બૅન્કે સૌથી વધુ આઠ ટનની ખરીદી કરી હતી. આ ઉપરાંત કઝાખસ્તાન, ભારત, પોલૅન્ડ, સિંગાપોર, રશિયા, ચીન અને ચેક રિપબ્લિકે પણ સોનાની ખરીદી કરી હતી. ચીને નવેમ્બર ૨૦૨૨માં સોનાની ખરીદી ચાલુ કર્યા બાદ સતત ૧૯મા મહિને સોનાની ખરીદી ચાલુ રાખી હતી, પણ સૌથી ઓછી બે ટનની જ ખરીદી કરી હતી. ૨૦૨૩માં સોનાની તેજીમાં સેન્ટ્રલ બૅન્કની ખરીદીનો મોટો હિસ્સો હતો. આથી આગામી મહિનાઓમાં સેન્ટ્રલ બૅન્કોની ખરીદી વધશે તો સોનાના ભાવની તેજીને સપોર્ટ મળશે.

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૭૨,૭૫૭
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૭૨,૪૬૬
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૯૦,૪૦૭
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

business news gold silver price