23 November, 2023 02:43 PM IST | Mumbai | Mayur Mehta
સોના ની પ્રતીકાત્મક તસવીર
ફેડની મિનિટ્સમાં ઇન્ટરેસ્ટ રેટ વધવાની રહી-સહી આશા ખતમ થતાં સોનાના ભાવે ૨૦૦૦ ડૉલરની સપાટી વટાવી હતી. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોના-ચાંદી સતત બીજે દિવસે વધ્યાં હતાં. સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૩૬૬ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૭૩૬ રૂપિયા વધ્યાં હતાં. સોનું છેલ્લા બે દિવસમાં ૭૨૮ રૂપિયા અને ચાંદી છેલ્લા બે દિવસમાં ૯૦૪ રૂપિયા વધ્યાં હતાં.
વિદેશ પ્રવાહ
ફેડની નવેમ્બર મહિનાની મીટિંગની મિનિટ્સમાં મોટા ભાગના મેમ્બરોએ ઇન્ટરેસ્ટ રેટમાં વધુ વધારો કરવામાં સાવેચેતી રાખવી પડશે એવી કમેન્ટ કરતાં હવે ફેડ ઇન્ટરેસ્ટ રેટમાં વધારો નહીં કરે એવું નિશ્ચિત બનતાં સોનામાં ૨૦૦૦ ડૉલરની સપાટી વટાવી હતી. બુધવારે એક તબક્કે સોનું વધીને ૨૦૦૬.૭૦ ડૉલર થયા બાદ સાંજે ૨૦૦૩થી ૨૦૦૪ ડૉલર હતું. સોનાએ છેલ્લા બે મહિનામાં બીજી વખત ૨૦૦૦ ડૉલરની સપાટી વટાવી હોવાથી હવે તેજીનું મોમેન્ટમ પકડાયું હતું. સોનું વધતાં ચાંદી અને પ્લૅટિનમના ભાવ પણ વધ્યા હતા. જોકે પૅલેડિયમના ભાવ ઘટ્યા હતા.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
ફેડની નવેમ્બર મહિનામાં યોજાયેલી મીટિંગની મિનિટ્સમાં તમામ મેમ્બરોએ ઇન્ટરેસ્ટ રેટમાં વધુ વધારો કરવામાં સાવચેતી રાખવાની જરૂરત હોવાનું સ્વીકાર્યું હતું. અમેરિકાનું ઇન્ફ્લેશન છેલ્લા એક વર્ષથી સતત ઘટી રહ્યું છે ત્યારે ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરવામાં ઉતાવળ કરવાની કોઈ જરૂરત નથી એવું તમામ મેમ્બરોએ સ્વીકાર્યું હતું. ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરવા માટે હાલ કોઈ કારણ નથી. અમેરિકાનું ઇન્ફ્લેશન ફેડના બે ટકાના ટાર્ગેટ કરતાં હજી ઘણું વધુ ૩.૨ ટકા હોવાથી ઇન્ફ્લેશનને બે ટકા સુધી લાવવા માટે મેમ્બરોએ ઉત્સુકતા બતાવી હતી. જોકે મિનિટ્સમાં ૨૦૨૪માં ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો કરવાના કોઈ ઉલ્લેખ થયો નહોતો. મોટા ભાગના ઍનલિસ્ટો ૨૦૨૪માં માર્ચથી ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો કરવાની શરૂઆત થશે એવું માની રહ્યા છે.
અમેરિકી ડૉલર ઇન્ડેક્સ બુધવારે વધુ ઘટતો અટકીને ૧૦૩.૫૩ પૉઇન્ટ રહ્યો હતો. ફેડરલ રિઝર્વની નવેમ્બર મહિનાની મીટિંગની મિનિટ્સમાં ૨૦૨૪માં ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો કરવાનો કોઈ સંકેત અપાયો નહોતો. ઉપરાંત ફેડના કેટલાક મેમ્બરોએ ઇન્ટરેસ્ટ રેટ વધારવા માટે સાવચેતી રાખવાની વાત કહી હતી. સી.એમ.ઈ. ફેડ વૉચમાં ફેડની મીટિંગ પછી ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરવાના ચાન્સ ઝીરોથી પાંચ ટકા થયા હતા. ડિસેમ્બર મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટમાં વધારો થવાના ચાન્સ પાંચ ટકા અને જાન્યુઆરી મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટમાં વધારો થવાના ચાન્સ સાત ટકા થયા હતા. ડૉલર ઇન્ડેક્સ હજી પણ ત્રણ મહિનાની નીચી સપાટીએ છે અને ટ્રેઝરી બૉન્ડના યીલ્ડ હજી પણ બે મહિનાની નીચી સપાટીએ ૪.૪૧ ટકા છે.
અમેરિકાનું એક્ઝિસ્ટિંગ હોમસેલ્સ ઑક્ટોબરમાં ૪.૧ ટકા ઘટીને ૧૩ વર્ષની નીચી સપાટીએ ૩૭.૯ લાખે પહોંચ્યું હતું. માર્કેટની ધારણા એક્ઝિસ્ટિંગ હોમસેલ્સની ૩૯ લાખની હતી. મૉર્ગેજ રેટમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી હોમસેલ્સ ઘટી રહ્યું છે. હોમસેલ્સ ઘટી રહ્યું હોવાથી ઑક્ટોબરમાં એક્ઝિસ્ટિંગ અનસોલ્ડ હોમના નંબર્સ ૧.૮ ટકા
વધ્યા હતા જે એક વર્ષ અગાઉ ૫.૭ ટકા ઘટ્યા હતા. વળી એક્ઝિસ્ટિંગ હોમની પ્રાઇસ છેલ્લા એક વર્ષમાં ૩.૪ ટકા વધી હતી.
શૉર્ટ ટર્મ – લૉન્ગ ટર્મ
અમેરિકન ફેડ દરેક મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટ વધારવા વિશે ગોળ-ગોળ વાતો કરે છે, પણ વાસ્તવિકતા એ છે કે છેલ્લી બે મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટ વધારો કરવાની હિંમત ફેડ કરી શકયું નથી. એક તરફ ૨૦૨૪માં અમેરિકામાં પ્રેસિડેન્શિયલ ઇલેક્શનની ચૂંટણી આવી રહી છે અને બીજી તરફ મૂડીઝે અમેરિકાનું ક્રેડિટ રેટિંગ ઘટાડીને ફિઝિકલ ડેફિસિટ સતત વધી રહી હોવાનો રિપોર્ટ આપ્યો હતો. ફેડની નવેમ્બર મીટિંગમાં એક પણ મેમ્બરોએ ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો કરવાની કોઈ ટિપ્પણી કરી નથી, પણ મેમ્બરોએ હવે ઇન્ટરેસ્ટ રેટ વધારવા માટે સાવચેતી રાખવાનો મત બતાવ્યો હતો એ બતાવે છે કે ફેડ હવે ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરવાની હિંમત કરશે નહીં. સી.એમ.ઈ. ફેડ વૉચના એક્સપર્ટોએ ૨૦૨૪ના મે મહિનામાં ઇન્ટરેસ્ટ રેટમાં ૨૫ બેસિસ પૉઇન્ટનો ઘટાડો કરવાના ચાન્સિસ ૬૦ ટકા બતાવ્યા છે. ઓવરઑલ હાલની પરિસ્થિતિમાં ફેડ ઇન્ટરેસ્ટ રેટ હવે વધારી શકે એમ નથી, જેને કારણે અમેરિકી ડૉલર ઇન્ડેક્સ અને ટ્રેઝરી બૉન્ડના યીલ્ડ રોજ સવાર પડે ને નવી નીચી સપાટીએ જઈ રહ્યા છે. અનેક ઍનલિસ્ટોએ સોનાના ભાવ ૨૦૨૪માં ૨૧૦૦ ડૉલરની સપાટીને કુદાવી જવાની આગાહી કરી છે, જે આગાહી હવે સાચી પડતી જોવા મળી રહી છે. જોકે હાલ હવે કોઈ જિયોપૉલિટિકલ ટેન્શનની અસર જોવા નહીં મળે, કારણ કે ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં બન્ને પક્ષે યુદ્ધ વિરામનું સમાધાન થયું હોવાથી હવે એની કોઈ અસર નથી, પણ હજી યુદ્ધ પૂરું થયું નથી. આથી ગમે ત્યારે યુદ્ધની અસર વધશે તો સોનામાં બેવડી તેજી થશે. સોનાના ભાવ ૨૦૦૦ ડૉલરની સપાટીને ફરી એક વખત પાર કરી ગયા છે
આથી હવે તેજીનું મોમેન્ટમ પકડાયું છે આથી બજાર સતત વધતી રહેવાની ધારણા છે.
ભાવ તાલ સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૬૧,૬૧૬
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૬૧,૩૬૯
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૭૩,૪૬૫
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)