અમેરિકાના ઇન્ટરેસ્ટ રેટ જૂનમાં ઘટવાના ચાન્સ વધતાં સોનું ફરી ઑલટાઇમ હાઈ

02 April, 2024 06:58 AM IST  |  Mumbai | Mayur Mehta

અમેરિકાનો પીસીઈ પ્રાઇસ ઇન્ડેક્સ ઘટતાં જૂનમાં ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડાના ચાન્સ વધ્યા : મુંબઈમાં સોનું નવી ઑલટાઇમ હાઈ સપાટીએ, માર્ચમાં સોનું ૫૦૧૧ રૂપિયા અને ચાંદી ૪૮૧૫ રૂપિયા વધ્યાં

પ્રતીકાત્મક તસવીર

અમેરિકન ઇન્ટરેસ્ટ રેટ જૂનમાં ઘટવાના ચાન્સ વધતાં સોનું ફરી નવી ઑલટાઇમ હાઈ સપાટીએ પહોંચ્યું હતું. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૧૪૧૧ રૂપિયા વધીને ઑલટાઇમ હાઈ સપાટીએ ૬૮,૬૬૩ રૂપિયા થયો હતો, જ્યારે ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૯૮૪ વધીને ૭૫,૧૧૧ રૂપિયા થયો હતો. સોનાનો ભાવ માર્ચ મહિનામાં ૫૦૧૧ રૂપિયા અને ચાંદીનો ભાવ માર્ચ મહિનામાં ૪૮૧૫ રૂપિયા વધ્યો હતો. મુંબઈમાં સોનાનો ભાવ સતત ચોથા દિવસે વધ્યો હતો. છેલ્લા ચાર દિવસમાં સોનાનો ભાવ ૨૩૯૫ રૂપિયા વધ્યો હતો. ચાંદીએ ફરી એક વખત ૭૫,૦૦૦ રૂપિયાની સપાટી કુદાવી હતી. 

વિદેશ પ્રવાહો
અમેરિકાનો પીસીઈ (પર્સનલ કન્ઝમ્પશન એક્સપેન્ડિચર) પ્રાઇસ ઇન્ડેક્સ વાર્ષિક ધોરણે ઘટીને આવતાં જૂનમાં ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો થવાના ચાન્સ વધ્યા હતા. ફેડ સીએમઈ વૉચના રિપોર્ટ અનુસાર જૂનમાં ઇન્ટરેસ્ટ રેટ ઘટવાના ચાન્સ વધીને ૬૮.૫ ટકા થયા હતા જે ગયા સપ્તાહે ૬૩.૯ ટકા હતા. જોકે પીસીઈ પ્રાઇસ ઇન્ડેક્સ મન્થ્લી વધ્યો હતો. જૂનમાં ઇન્ટરેસ્ટ રેટ ઘટવાના ચાન્સ સાથે ચીનના તમામ ઇકૉનૉમિક ડેટા બુલિશ આવતાં સોનાની ફિઝિકલ ડિમાન્ડ વધવાના સંજોગો પણ વધ્યા હતા જેનો પણ સોનાની તેજીને સપોર્ટ મળતાં વર્લ્ડ માર્કેટમાં સોનું વધીને ફરી એક વખત ઑલટાઇમ હાઈ ૨૨૬૬ ડૉલરે પહોંચ્યું હતું. માર્ચમાં પાંચ વખત ઑલટાઇમ હાઈ સપાટી પ્રાપ્ત કર્યા બાદ એપ્રિલના પ્રારંભે ફરી નવી ઑલટાઇમ હાઈ સપાટી જોવા મળી હતી. સોનું વધતાં ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ વધ્યાં હતાં. 

ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકાના પર્સનલ કન્ઝમ્પશન એક્સપેન્ડિચર પ્રાઇસ ડેટા મન્થ્લી વધીને આવતાં અને ફેડ ચૅરમૅન જેરોમ પૉવેલે ફરી એક વખત ઇન્ટરેસ્ટ રેટ ઘટાડો કરવાની કોઈ ઉતાવળ ન હોવાની કમેન્ટ કરતાં ડૉલર ઇન્ડેક્સ મજબૂત બન્યો હતો. વળી અમેરિકાનું કન્ઝ્યુમર સ્પેન્ડિંગ એક વર્ષની ઊંચાઈએ પહોંચતાં ડૉલરની મજબૂતીને સપોર્ટ મળ્યો હતો. ડૉલર ઇન્ડેક્સ સોમવારે વધીને ૧૦૪.૫૫ પૉઇન્ટ થયા જે ૦.૦૪ ટકા ઘટીને ૧૦૪.૫૧ પૉઇન્ટ થયો હતો, ડૉલર ઇન્ડેક્સ એક સપ્તાહ અગાઉ ૧૦૪.૧૯ પૉઇન્ટ હતો. ટ્રેઝરી બૉન્ડનાં યીલ્ડ ઘટીને ૪.૧૯૨ ટકાએ પહોંચ્યાં હતાં. ટ્રેઝરી બૉન્ડનાં યીલ્ડ એક સપ્તાહ અગાઉ ૪.૨૪૨ ટકાં હતાં. 

અમેરિકાનો પર્સનલ કન્ઝમ્પશન એક્સપેન્ડિચર વાર્ષિક હેડલાઇન પ્રાઇસ ઇન્ડેક્સ ફેબ્રુઆરીમાં ઘટીને ત્રણ મહિનાની નીચી સપાટીએ ૨.૮ ટકાએ પહોંચ્યો હતો જે જાન્યુઆરીમાં ૨.૯ ટકા હતો, જ્યારે કોર પ્રાઇસ ઇન્ડેક્સ પણ ૨.૯ ટકાથી ઘટીને ૨.૮ ટકાએ પહોંચ્યો હતો, પણ મન્થ્લી ઇન્ડેક્સ ૦.૩ ટકા વધ્યો હતો. અમેરિકન પબ્લિકનો પર્સનલ ઇન્કમ ગ્રોથ ૦.૩ ટકા વધ્યો હતો જે અગાઉના મહિને એક ટકા વધ્યો હતો. અમેરિકન પબ્લિકનું પર્સનલ સ્પેન્ડિંગ ફેબ્રુઆરીમાં ૦.૮ ટકા વધીને એક વર્ષની ઊંચાઈએ પહોંચ્યુ હતું જે જાન્યુઆરીમાં ૦.૨ ટકા વધ્યુ હતું. ચીનનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ઑફિશ્યલ રિપોર્ટ અનુસાર માર્ચમાં વધીને એક વર્ષની ઊંચી સપાટીએ ૫૦.૮ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ફેબ્રુઆરીમાં ૪૯.૧ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૪૯.૯ પૉઇન્ટની હતી. મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથમાં છ મહિના પછી પ્રથમ વખત વધારો થયો હતો. પ્રાઇવેટ એજન્સી કેઝીનના રિપોર્ટ અનુસાર ચીનનો મૅન્યુફૅક્ચરિંગ ઇન્ડેક્સ માર્ચમાં વધીને ૧૩ મહિનાની ઊંચી સપાટીએ ૫૧.૧ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ફેબ્રુઆરીમાં ૫૦.૯ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૧ પૉઇન્ટની હતી. ચીનનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ સતત પાંચમા મહિને વધ્યો હતો. મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરમાં ઇનપુટ પ્રાઇસ આઠ મહિના પછી પ્રથમ વખત ઘટતાં એક્સપોર્ટ અને નવા ઑર્ડરના ગ્રોથને કારણે મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ બન્ને રિપોર્ટ પ્રમાણે બુલિશ રહ્યો હતો. ચીનના સર્વિસ સેક્ટરનો ગ્રોથ ઑફિશ્યલ રિપોર્ટ અનુસાર માર્ચમાં વધીને નવ મહિનાની ઊંચી સપાટીએ ૫૩ પૉઇન્ટ રહ્યો હતો જે ફેબ્રુઆરીમાં ૫૧.૪ પૉઇન્ટ રહ્યો હતો. સર્વિસ સેક્ટરના ગ્રોથમાં સતત ૧૫મા મહિને વધારો જોવા મળ્યો હતો. ચીનનો મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ સેક્ટરનો ગ્રોથ બુલિશ રહેતાં પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ માર્ચમાં વધીને દસ મહિનાની ઊંચી સપાટીએ ૫૨.૭ પૉઇન્ટ રહ્યો હતો જે ફેબ્રુઆરીમાં ૫૦.૯ પૉઇન્ટ રહ્યો હતો.

જપાનનો બિઝનેસ સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ ૨૦૨૪ના ફર્સ્ટ ક્વૉર્ટરમાં ઘટીને ૧૧ પૉઇન્ટે પહોંચ્યો હતો જે અગાઉના ક્વૉર્ટરમાં ૧૩ પૉઇન્ટ હતો. બિઝનેસ સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ એક વર્ષ પછી કરન્સી ડિપ્રેસિયેશનને કારણે ઘટ્યો હતો છતાં બિઝનેસ સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ માર્કેટની ૧૦ પૉઇન્ટની ધારણા કરતાં ઊંચો રહ્યો હતો. ચાલુ સપ્તાહે અમેરિકાના નૉન ફાર્મ પે-રોલ ડેટા, અનએમ્પ્લૉયમેન્ટ ઇન્ડેક્સ અને જૉબ ઓપનિંગ ડેટા જાહેર થશે જે ફેડના નિર્ણય માટે બહુ જ અગત્યના રહેશે. નૉન ફાર્મ પે-રોલ ડેટા બે લાખ આવવાની માર્કેટની ધારણા છે જે ફેબ્રુઆરીમાં ૨.૭૫ લાખ અને જાન્યુઆરીમાં ૩.૫૩  લાખ આવ્યા હતા, જ્યારે અનએમ્પ્લૉયમેન્ટ ઇન્ડેક્સ ૩.૯ ટકા જળવાયેલો રહેવાની ધારણા છે જે ફેબ્રુઆરીમાં ૩.૯ ટકા હતો અને જાન્યુઆરીમાં ૩.૭ ટકા હતો. અમેરિકાના માર્ચ મહિનાના મૅન્યુફૅક્ચરિંગ, સર્વિસ અને પ્રાઇવેટ સેક્ટરના ગ્રોથ ડેટા પણ જાહેર થશે. ભારતીય રિઝર્વ બૅન્ક ઇન્ડિયાની પૉલિસી મીટિંગ પણ ચાલુ સપ્તાહે યોજાશે જેમાં ઇન્ટરેસ્ટ રેટ વિશે નિર્ણય આવશે. 

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ 
ચીનનો ૨૦૨૩નો ઇકૉનૉમિક ગ્રોથ ૪.૯ ટકાની ધારણાથી વધીને ૫.૨ ટકા આવ્યા બાદ મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ એક વર્ષ અને સર્વિસ સેક્ટરનો ગ્રોથ નવ મહિનાની ઊંચાઈએ પહોંચ્યો હતો જેને કારણે પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ દસ મહિનાની ઊંચાઈએ પહોંચ્યો હતો. ચીનના ઇન્ડસ્ટ્રિયલ ગ્રોથ, ફિક્સ્ડ ઇન્વેસ્ટમેન્ટ ગ્રોથ અને રીટેલ ગ્રોથના ડેટા પણ  બુલિશ આવતાં હવે ઇકૉનૉમિક રિકવરી ફાસ્ટ બની છે જે વર્લ્ડના ઇકૉનૉમિક ગ્રોથ માટે પણ પૉઝિટિવ ફૅક્ટર બન્યું છે. ચીન વર્લ્ડમાં સોનાનું સૌથી મોટું કન્ઝ્યુમર અને ઇમ્પોર્ટર હોવાથી ચીનના સ્ટ્રૉન્ગ ઇકૉનૉમિક ગ્રોથનો સપોર્ટ હાલ સોનાની તેજીને મળી રહ્યો છે. વળી ચીનની સેન્ટ્રલ બૅન્ક દ્વારા છેલ્લા એક વર્ષથી દર મહિને સોનાની ખરીદી થઈ રહી હોવાથી એનો પણ સપોર્ટ મળી રહ્યો છે. આમ સોનાની તેજીને ફિઝિકલ ડિમાન્ડનો સપોર્ટ પણ હવે મળતો રહેશે.

business news share market stock market gold silver price