17 November, 2023 04:10 PM IST | Mumbai | Mayur Mehta
પ્રતીકાત્મક તસવીર
અમેરિકી હેડલાઇન ઇન્ફ્લેશન અને પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ફ્લેશન ઘટતાં ફેડ હવે ઇન્ટરેસ્ટ રેટ નહીં વધારે એવી ધારણાએ સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૧૧૩ રૂપિયા ઘટ્યું હતું, જ્યારે ચાંદી પ્રતિ કિલો ૬૩૫ રૂપિયા વધી હતી. મુંબઈમાં દિવાળી પછીના બે દિવસમાં ૭૨૬ રૂપિયા વધ્યું હતું અને ચાંદી બે દિવસમાં ૨૮૨૦ રૂપિયા વધી હતી.
વિદેશ પ્રવાહ
અમેરિકી ઇન્ફ્લેશન ઘટવાની સાથે પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ફ્લેશનમાં સાડાત્રણ વર્ષનો સૌથી મોટો ઘટાડો થતાં ફેડ લાંબા સમય સુધી ઇન્ટરેસ્ટ રેટ નહીં વધારે એવી ધારણાને પગલે સોનામાં નવેસરથી ઉછાળો જોવા મળ્યો હતો. સોનું ગુરુવારે વધીને ૧૯૭૬.૨૦ ડૉલર થયા બાદ સાંજે ૧૯૬૫થી ૧૯૬૬ ડૉલરની રેન્જમાં હતું. સોનું વધતાં ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ વધ્યાં હતાં.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકન ડૉલર ઇન્ડેક્સ ઘટીને ૧૦૪.૪૯ પૉઇન્ટે પહોંચ્યો હતો. અમેરિકાનું ઇન્ફ્લેશનરી પ્રેશર ઘટતાં ફેડ ઇન્ટરેસ્ટ રેટ નહીં વધારે એવી શક્યતાએ ડૉલર ઇન્ડેક્સ છેલ્લા એક સપ્તાહથી સતત ઘટી રહ્યો છે. ટ્રેઝરી બૉન્ડના યીલ્ડ પણ ઘટીને ૪.૪૯ ટકાએ પહોંચ્યા હતા.
અમેરિકાનું ઇન્ફ્લેશન ઑક્ટોબરમાં ઘટીને ૩.૨ ટકાએ પહોંચ્યું હતું, જે ઑગસ્ટ અને સપ્ટેમ્બરમાં ૩.૭ ટકા હતું. માર્કેટની ધારણા ૩.૩ ટકાની હતી. એનર્જી કૉસ્ટ ઑક્ટોબરમાં ૪.૫ ટકા ઘટી હતી જે સપ્ટેમ્બરમાં માત્ર ૦.૫ ટકા ઘટી હતી. ફૂડ, સ્લેટર, નવા વેહિકલના ભાવ વધ્યા હતા, પણ ભાવવધારો અગાઉના મહિના કરતાં ધીમો હતો. અમેરિકાનું પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ફ્લેશન ઑક્ટોબરમાં ૦.૫ ટકા ઘટ્યું હતું. આ ઘટાડો છેલ્લાં સાડાત્રણ વર્ષનો સૌથી મોટો ઘટાડો હતો.
અમેરિકાનું રીટેલ સેલ્સ ઑક્ટોબરમાં ૦.૧ ટકા ઘટ્યું હતું, જે સતત સાત મહિનાના વધારા બાદ ઘટ્યું હતું. જોકે માર્કેટની ૦.૩ ટકાની ધારણા સામે ૦.૧ ટકા ઘટ્યું હતું. વાર્ષિક ધોરણે રીટેલ સેલ્સ ઑક્ટોબરમાં ૨.૫ ટકા વધ્યું હતું જે સપ્ટેમ્બરમાં ૪.૧ ટકા વધ્યું હતું.
ચીનનાં ૭૦ મોટાં શહેરોમાં રહેણાક મકાનોના ભાવ ઑક્ટોબરમાં વાર્ષિક ધોરણે ૦.૧ ટકા ઘટ્યા હતા, જે સતત ચોથા મહિને ઘટ્યા હતા. મન્થ્લી બેઝ પર રહેણાક મકાનોના ભાવ ઑક્ટોબરમાં ૦.૩ ટકા ઘટ્યા હતા જે સપ્ટેમ્બરમાં ૦.૨ ટકા ઘટ્યા હતા. મન્થ્લી બેઝ પર પણ રહેણાક મકાનોના ભાવ સતત ચોથા મહિને ઘટ્યા હતા.
ચીનના રીટેલ સેલ્સના ઑક્ટોબરમાં ૭.૬ ટકાનો વધારો નોંધાયો હતો, જેમાં સપ્ટેમ્બરમાં ૫.૫ ટકાનો વધારો થયો હતો અને માર્કેટની ધારણા સાત ટકાના વધારાની હતી. ચીનના રીટેલ સેલ્સમાં સતત દસમા મહિને વધારો થયો હતો. કમ્યુનિકેશન ઇક્વિપમેન્ટ, ઑટોસ, ગોલ્ડ-સિલ્વર જ્વેલરી અને હોમ એપ્લાયન્સિસ, હાઉસહોલ્ડ અને ફર્નિચરનું સેલ્સ વધ્યું હતું. જાન્યુઆરીથી ઑક્ટોબર દરમ્યાન રીટેલ સેલ્સ ૬.૯ ટકા વધ્યું હતું. ચીનનું ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન ઑક્ટોબરમાં ૪.૬ ટકા વધીને છ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું અને માર્કેટની ૪.૪ ટકાના વધારાની હતી. ચીનમાં ફિક્સ્ડ ઇન્વેસ્ટમેન્ટ ૨૦૨૩ના દસ મહિના દરમ્યાન ૨.૯ ટકા વધ્યું હતું જે જાન્યુઆરીથી સપ્ટેમ્બર દરમ્યાન ૩.૧ ટકા વધ્યું હતું.
બ્રિટનનું ઇન્ફ્લેશન ઑક્ટોબરમાં ઘટીને બે વર્ષની નીચી સપાટીએ ૪.૬ ટકા રહ્યું હતું જે ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં ૬.૭ ટકા હતું. ઇન્ફ્લેશનની ધારણા ૪.૮ ટકાની હતી. હાઉસિંગ અને યુટિલિટીના ભાવ ૩.૫ ટકા ઘટ્યા હતા જ્યારે ગૅસ અને ઇલેક્ટ્રિસિટીની કૉસ્ટનો ઘટાડો ૩૪ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો. બ્રિટનમાં ફૂડ પ્રાઇસ પણ ૧૦.૧ ટકા ઘટીને દોઢ વર્ષની નીચી સપાટીએ પહોંચી હતી.
જપાનની એક્સપોર્ટ ઑક્ટોબરમાં ૧.૬ ટકા વધી હતી જે સતત બીજે મહિને વધી હતી અને માર્કેટની ૧.૨ ટકાના વધારાની ધારણા કરતાં એક્સપોર્ટ વધી હતી. સપ્ટેમ્બરમાં એક્સપોર્ટ ૪.૩ ટકા વધી હતી. જપાનની ઇમ્પોર્ટ ઑક્ટોબરમાં ૧૨.૫ ટકા ઘટી હતી અને સતત સાતમા મહિને ઇમ્પોર્ટ ઘટી હતી. સપ્ટેમ્બરમાં ઇમ્પોર્ટ ૧૬.૬ ટકા ઘટી હતી અને માર્કેટની ધારણા ૧૨.૨ ટકા ઘટાડાની હતી. જપાનમાં ઇમ્પોર્ટના ઘટાડા સામે એક્સપોર્ટના વધારાના કારણે ઑક્ટોબરમાં ટ્રેડ ડેફિસિટ ઘટીને ૬૬૨.૫૫ અબજ યેન રહી હતી જે એક વર્ષ અગાઉ ૨૨૦૫.૯૪ અબજ યેન હતી. જપાનનો ગ્રોથરેટ થર્ડ ક્વૉર્ટરમાં ૦.૫ ટકા ઘટ્યો હતો જે માર્કેટની ૦.૧ ટકાના ઘટાડાની ધારણા કરતાં વધુ ઘટ્યો હતો. સેકન્ડ ક્વૉર્ટરમાં ગ્રોથરેટ ૧.૧ ટકા વધ્યો હતો.
યુરો એરિયાનું ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન સપ્ટેમ્બરમાં ૧.૧ ટકા ઘટ્યું હતું જે ઑગસ્ટમાં ૦.૬ ટકા વધ્યું હતું અને માર્કેટની ધારણા ૦.૧ ટકા ઘટાડાની હતી. ડ્યુરેબલ અને નૉન-ડ્યુરેબલ બન્ને ગુડ્સનું પ્રોડક્શન ઘટ્યું હતું. વાર્ષિક ધોરણે ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન ૬.૯ ટકા ઘટ્યું હતું જે ૩૯ મહિનાનો સૌથી મોટો ઘટાડો હતો.
યુરો એરિયાની એક્સપોર્ટ સપ્ટેમ્બરમાં ૯.૩ ટકા ઘટી હતી, જ્યારે ઇમ્પોર્ટ ૨૩.૯ ટકા ઘટી હતી. એક્સપોર્ટના પ્રમાણમાં ઇમ્પોર્ટ વધારે ઘટતાં યુરો એરિયાની ટ્રેડ સરપ્લસ સપ્ટેમ્બરમાં વધીને ૧૦ અબજ યુરો રહી હતી જે એક વર્ષ અગાઉ ૨૯.૮ અબજ યુરોની ડેફિસિટ હતી.
શૉર્ટ ટર્મ – લૉન્ગ ટર્મ
અમેરિકાનું ક્રેડિટ રેટિંગ મૂડીઝે ડાઉનગ્રેડ કર્યું. ઉપરાંત ૨૦૨૪ના આરંભે અમેરિકન ગવર્નમેન્ટ પર બે શટડાઉન તોળાઈ રહ્યા છે. ઉપરાંત અમેરિકન રીટેલ સેલ્સમાં છેલ્લા છ મહિનામાં પ્રથમ વખત ઘટાડો નોંધાયો છે. ઉપરાંત અમેરિકાના જૉબડેટા નબળા આવ્યા હતા. આ તમામ ઘટનાઓ વચ્ચે અમેરિકામાં ઇન્ફ્લેશનરી પ્રેશર ઘટતાં હવે ફેડ માટે ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરવાનું મુશ્કેલ બની ગયું છે. સી.એમ.ઈ. ફેડ વૉચ અનુસાર ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં ઇન્ટરેસ્ટ રેટ હોલ્ડ રહેવાની શક્યતા ૧૦૦ ટકાએ પહોંચી હતી અને માર્ચ મહિનામાં ઇન્ટરેસ્ટ રેટ હોલ્ડ રહેવાની શક્યતા ૭૪ ટકા અને ૨૫ બેસિસ પૉઇન્ટ ઘટવાની શક્યતા ૨૬ ટકા છે. ઓવરઑલ ઇકૉનૉમિક ઇન્ડિકેટર ફરી સોના માટે તેજીતરફી બની ચૂક્યાં છે. ઇઝરાયલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ ૪૨મા દિવસમાં પ્રવેશ્યું છે ત્યારે ઇઝરાયલે મિલિટરી ઑપરેશન હજી લાંબો સમય સુધી ચાલુ રહેવાની જાહેરાત કરી છે.
હાલ સોના-ચાંદીના ભાવ પર યુદ્ધની કોઈ અસર નથી, પણ આગામી દિવસોમાં સેન્ટ્રલ બૅન્કની ખરીદીમાં વધારો કે યુદ્ધની અસર વધતી જોવા મળશે તો સોનામાં ઝડપી તેજીનું નવું કારણ ઉમેરાશે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૬૦,૫૦૫
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૬૦,૨૬૩
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૭૨,૮૫૫
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)