અમેરિકા-યુરોપના રેટ-કટના ચાન્સ ફરી વધતાં સોનામાં મજબૂતી વધી

02 July, 2024 08:45 AM IST  |  Mumbai | Mayur Mehta

ફ્રાન્સના ઇલેક્શન બાદ યુરોની મજબૂતીથી ડૉલર ઘટતાં સોનામાં ખરીદીનું આકર્ષણ વધ્યું : મુંબઈમાં જૂનમાં ચાંદી ૪૬૪૭ રૂપિયા ઘટી, સોનું માત્ર ૪૮૨ રૂપિયા ઘટ્યું

પ્રતીકાત્મક તસવીર

અમેરિકન પર્સનલ કન્ઝમ્પ્શન એક્સપેન્ડિચર પ્રાઇસ ડેટા સ્ટેડી રહેતાં તેમ જ ફ્રાન્સમાં ઇલેક્શન બાદ અમેરિકા-યુરોપ બન્નેના રેટકટના ચાન્સ વધતાં સોનામાં મજબૂતી વધી હતી. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૩૯ રૂપિયા વધ્યો હતો, જ્યારે ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૧૯૮ રૂપિયા ઘટ્યો હતો. જૂન મહિનામાં મુંબઈમાં ચાંદીનો ભાવ ૪૬૪૭ રૂપિયા ઘટ્યો હતો, જ્યારે સોનાનો ભાવ માત્ર ૪૮૨ રૂપિયા ઘટ્યો હતો.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકન ડૉલર ઇન્ડેક્સ સોમવારે ૦.૩૬ ટકા ઘટીને ૧૦૫.૪૯ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ગયા સપ્તાહે વધીને ૧૦૬.૧૩ પૉઇન્ટે એક તબક્કે પહોંચ્યો હતો. ફ્રાન્સના નૅશનલ ઇલેક્શનના ફર્સ્ટ રાઉન્ડમાં નૅશનલ રીલે પાર્ટીને અપેક્ષાકૃત જીત મળી હોવાથી યુરોની મજબૂતીની અસરે ડૉલર ઘટ્યો હતો. ઉપરાંત અમેરિકાના પર્સનલ કન્ઝમ્પ્શન એક્સપેન્ડિચર પ્રાઇસમાં ઘટાડો થતાં ફેડ ૨૦૨૪ના એન્ડ પહેલાં રેટકટ કરશે એવી ધારણાને પગલે ડૉલર ઇન્ડેક્સ ઘટ્યો હતો.

અમેરિકાનો પર્સનલ કન્ઝમ્પ્શન એક્સપેન્ડિચર હેડલાઇન પ્રાઇસ ઇન્ડેક્સ મે મહિનામાં સ્ટેડી રહ્યો હતો જે એપ્રિલમાં ૦.૩ ટકા વધ્યો હતો. જોકે કોર ઇન્ડેક્સ ૦.૧ ટકા વધ્યો હતો જે એપ્રિલમાં ૦.૩ ટકા વધ્યો હતો.

ચીનનો ઑફિશ્યલ મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ જૂનમાં ૪૯.૫ પૉઇન્ટે સ્ટેડી રહ્યો હતો જે સતત બીજે મહિને સ્ટેડી રહ્યો હતો, જ્યારે સર્વિસ સેક્ટરનો ગ્રોથ જૂનમાં ઘટીને છ મહિનાની નીચી સપાટીએ ૫૦.૫ પૉઇન્ટે પહોંચ્યો હતો જે મેમાં ૫૧.૧ પૉઇન્ટ હતો. ચીનનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ સ્ટેડી રહેતાં અને સર્વિસ સેક્ટરનો ગ્રોથ છ મહિનાની નીચી સપાટીએ પહોંચતાં પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ પણ જૂનમાં ઘટીને છ મહિનાની નીચી સપાટીએ ૫૦.૫ પૉઇન્ટે પહોંચ્યો હતો જે મે મહિનામાં ૫૧ પૉઇન્ટ હતો. ચીનનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ પ્રાઇવેટ એજન્સી કેઝીનના રિપોર્ટ અનુસાર જૂનમાં વધીને ત્રણ વર્ષની ઊંચાઈએ ૫૧.૮ પૉઇન્ટે પહોંચ્યો હતો જે મે મહિનામાં ૫૧.૭ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૧.૨ પૉઇન્ટની હતી. ચીનના મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથમાં સતત આઠમા મહિને વધારો થયો હતો.

ચાલુ સપ્તાહે અમેરિકાના જૂન મહિનાના નૉન ફાર્મ પે-રોલ ડેટા શુક્રવારે જાહેર થશે. મે મહિનાના નૉન ફાર્મ પે-રોલ ડેટા એકદમ બુલિશ આવ્યા હતા. મે મહિનામાં અમેરિકામાં ૨.૭૨ લાખ નવી નોકરીઓ ઉમેરાઈ હતી જેની ધારણા ૧.૮૫ લાખના વધારાની હતી. ઉપરાંત અગાઉના મહિને ૧.૬૫ લાખ નવી નોકરીઓ ઉમેરાઈ હતી. ઍનલિસ્ટોના મતે જૂન મહિનામાં ૧.૬૦ લાખ નવી નોકરીઓ ઉમેરાવાની છે એટલે કે નૉન ફાર્મ પે-રોલ ડેટા નબળા આવવાની શક્યતા છે. અમેરિકાના જૂન મહિનાના મૅન્યુફૅક્ચરિંગ, સર્વિસ અને પ્રાઇવેટ સેક્ટરના ગ્રોથડેટા પણ ચાલુ સપ્તાહે જાહેર થશે. યુરો એરિયાના ઇન્ફ્લેશનના ડેટા પણ આ સપ્તાહે અગત્યના બની રહેશે.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ

અમેરિકાનો પર્સનલ કન્ઝમ્પ્શન એક્સપેન્ડિચર ઇન્ડેક્સ અને યુરો એરિયામાં ફ્રાન્સના ઇલેક્શનનો પ્રથમ રાઉન્ડ ધારણા પ્રમાણે પાર ઊતરતાં રેટકટની શક્યતા ફરી વધવા લાગી છે. અમેરિકાના રેટકટનો ચિતાર આપતાં શિકાગો મર્કેન્ટાઇલ એક્સચેન્જ (CME)ના ફેડ વૉચના ડેટા અનુસાર આગામી સપ્ટેમ્બર મીટિંગમાં રેટકટના ચાન્સિસ ૬૨.૬ ટકા, નવેમ્બર મીટિંગમાં ૭૫.૫ ટકા અને ડિસેમ્બર મીટિંગમાં ૯૩.૪ ટકાના છે. આથી ૨૦૨૪ના એન્ડ પહેલાં એકથી બે રેટકટ આવવાના ચાન્સિસ દેખાવા લાગ્યા છે. ફ્રાન્સના ઇલેક્શનના પ્રથમ રાઉન્ડમાં રિઝલ્ટ ધારણા પ્રમાણે આવતાં યુરોપિયન સેન્ટ્રલ બૅન્કના મેમ્બરોએ પણ ૨૦૨૪ના એન્ડ પહેલાં બે વધુ રેટકટ આવવાની શક્યતા બતાવી હતી. યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે જૂન મહિનામાં ૨૫ બેસિસ પૉઇન્ટનો ઘટાડો કરીને પહેલો રેટકટ આપ્યો હતો. આમ રેટકટના ચાન્સિસ વધતાં સોનાની તેજીને ફરી મૉનિટરી સપોર્ટ મળવાનું ચાલુ થશે, જેમાં જો જિયોપૉલિટિકલ ટેન્શનનું ફૅક્ટર ઉમેરાશે તો જુલાઈમાં સોના-ચાંદીમાં ફરી નવી તેજીનો તબક્કો જોવા મળશે.

business news gold silver price