અમેરિકન પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ છ મહિનાની ઊંચાઈએ પહોંચતાં સોનું ઘટીને બે સપ્તાહના તળિયે

07 February, 2024 07:10 AM IST  |  Mumbai | Mayur Mehta

ડૉલર ઇન્ડેક્સ વધીને ત્રણ મહિનાની ઊંચાઈએ પહોંચતાં સોનામાં વેચવાલીનું પ્રેશર વધ્યું : ચાંદીના ભાવે ૭૦ હજારની સપાટી તોડી, ભાવ છેલ્લા બે દિવસમાં ૧૮૮૦ રૂપિયા ઘટ્યા

પ્રતીકાત્મક તસવીર

અમેરિકન પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ વધીને છ મહિનાની ઊંચાઈએ પહોંચતાં સોનું ઘટીને બે સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યું હતું. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૩૩ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૪૩૩ રૂપિયા ઘટ્યો હતો. ચાંદી છેલ્લા બે દિવસમાં ૧૮૮૦ રૂપિયા ઘટી હતી અને ચાંદીએ ૭૦,૦૦૦ રૂપિયાની સપાટી તોડી હતી.

વિદેશ પ્રવાહ
અમેરિકન સર્વિસ સેક્ટરનો ગ્રોથ ચાર મહિનાની ઊંચાઈએ પહોંચતાં પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ વધીને છ મહિનાની ઊંચાઈએ પહોંચ્યો હતો. અમેરિકાના એક પછી એક તમામ ઇકૉનૉમિક ડેટા ધારણાથી વધુ સ્ટ્રૉન્ગ આવી રહ્યા હોવાથી ડૉલર ઇન્ડેક્સ સતત વધી રહ્યો છે અને એની સાથે ટ્રેઝરી બૉન્ડનાં યીલ્ડ પણ વધી રહ્યાં હોવાથી સોનામાં વેચવાલીનું પ્રેશર વધી રહ્યું છે. સોનું વર્લ્ડ માર્કેટમાં મંગળવારે વધીને ૨૦૩૦ ડૉલર થયા બાદ વેચવાલીનું પ્રેશર વધતાં ઘટીને ૨૦૨૨.૧૦ ડૉલર થયા બાદ સાંજે ૨૦૨૩થી ૨૦૨૪ ડૉલરની રેન્જમાં હતું. સોનું ઘટતાં ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ ઘટ્યાં હતાં. 

ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકન ડૉલર ઇન્ડેક્સ મંગળવારે વધીને ત્રણ મહિનાની ઊંચાઈએ ૧૦૪.૪૫ પૉઇન્ટે પહોંચ્યા બાદ પ્રત્યાઘાતી ઘટીને ૧૦૪.૩૬ પૉઇન્ટે પહોંચ્યો હતો. અમેરિકાના સર્વિસ સેક્ટરનો ગ્રોથ ચાર મહિનાની ઊંચી સપાટીએ પહોંચતાં ડૉલર ઇન્ડેક્સ અને ટ્રેઝરી બૉન્ડનાં યીલ્ડ બન્ને વધ્યાં હતાં. ટ્રેઝરી બૉન્ડનાં યીલ્ડ પણ વધીને ૪.૧૬ ટકાએ પહોંચ્યાં હતાં જે પાંચ દિવસ પહેલાં ૩.૮૪ ટકા હતાં. 

અમેરિકાના સર્વિસ સેક્ટરનો ગ્રોથ ઑફિશ્યલ ડેટા અનુસાર જાન્યુઆરીમાં વધીને ચાર મહિનાની ઊંચાઈએ ૫૩.૪ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ડિસેમ્બરમાં ૫૦.૫ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા બાવન પૉઇન્ટની હતી. સર્વિસ સેક્ટરમાં નવા ઑર્ડર, એમ્પ્લૉયમેન્ટ, સર્વિસ ડિલિવરી ટાઇમ વગેરે સ્ટ્રૉન્ગ રહ્યાં હતાં. સર્વિસ સેક્ટરનો ગ્રોથ આગામી સમયમાં રોબેસ્ટ રહેવાનું ઇન્ડસ્ટ્રીઝ પાર્ટિસિપન્ટ્સનું માનવું હતું. પ્રાઇવેટ એજન્સી સ્ટાન્ડર્ડ ઍન્ડ પુઅર્સના રિપોર્ટ અનુસાર સર્વિસ સેક્ટરનો ગ્રોથ વધીને સાત મહિનાની ઊંચી સપાટીએ ૫૨.૫ પૉઇન્ટ રહ્યો હતો.  અમેરિકાનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ વધ્યા બાદ સર્વિસ સેક્ટરનો ગ્રોથ પણ વધતાં પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ જાન્યુઆરીમાં વધીને છ મહિનાની ઊંચાઈએ બાવન પૉઇન્ટે પહોંચ્યો હતો જે ડિસેમ્બરમાં ૫૦.૯ પૉઇન્ટ હતો. પ્રાઇવેટ સેક્ટરમાં નવા ઑર્ડર પણ સાત મહિનાની ઊંચાઈએ પહોંચ્યા હતા. ઉપરાંત ઇનપુટ પ્રાઇસ ઇન્ફ્લેશન ઘટીને ૪૩ મહિનાની નીચી સપાટીએ પહોંચતાં પ્રાઇવેટ સેક્ટરને ગ્રોથ માટે અનુકૂળતા વધી હતી. 

યુરો એરિયાના રીટેલ સેલ્સમાં ડિસેમ્બરમાં ૧.૧ ટકાનો ઘટાડો નોંધાતાં રીટેલ સેલ્સ એક વર્ષની નીચી સપાટીએ પહોંચ્યું હતું જે નવેમ્બરમાં ૦.૩ ટકા વધ્યું હતું અને માર્કેટની ધારણા એક ટકા ઘટાડાની હતી. યુરોપિયન દેશોનું ઇન્ફ્લેશન ઊંચું રહ્યું હોવાથી અને ઇન્ટરેસ્ટ રેટ વધુ હોવાથી પર્ચેઝિંગ પાવર ઘટી રહ્યો છે. ડિસેમ્બરમાં ફૂડ, ડ્રિન્ક્સ અને ટબૅકોનું વેચાણ સતત ત્રીજે મહિને ઘટ્યું હતું, જ્યારે નૉન ફૂડ આઇટમોનું વેચાણ સતત બે મહિના વધ્યા બાદ ઘટ્યું હતું. છેલ્લા એક વર્ષમાં રીટેલ સેલ્સ ૦.૮ ટકા ઘટ્યું હતું અને વાર્ષિક ધોરણે રીટેલ સેલ્સમાં સતત પંદરમા મહિને ઘટાડો જોવા મળ્યો હતો. 

યુરો એરિયાનું આગામી બાર મહિનાનું ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન ડિસેમ્બરમાં સતત ત્રીજે મહિને ઘટીને ૩.૨ ટકા રહ્યું હતું અને ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન દસ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યું હતું, જ્યારે આગામી ત્રણ વર્ષનું ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન ૨.૪ ટકાથી વધીને ૨.૫ ટકાએ પહોંચ્યું હતું. અનએમ્પ્લૉયમેન્ટ રેટનું એક્સપેક્ટેશન આગામી એક વર્ષ માટે ૧૧.૪ ટકાથી ઘટીને ૧૧.૨ ટકા રહ્યું હતું. કન્ઝ્યુમર પ્રાઇસનું એક્સપેક્ટેશન ૨.૪ ટકાથી ઘટીને ૨.૨ ટકા રહ્યું હતું. 

ઑસ્ટ્રેલિયાની સેન્ટ્રલ બૅન્કે પૉલિસી મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટ ૪.૩૫ ટકાએ હોલ્ડ રાખવાનો નિર્ણય લીધો હતો. રિઝર્વ બૅન્ક ઑફ ઑસ્ટ્રેલિયાએ છેલ્લાં બે વર્ષમાં ૪૨૫ બેસિસ પૉઇન્ટનો ઇન્ટરેસ્ટ રેટ વધારો કર્યા બાદ ૨૦૨૪ની પહેલી મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટ હોલ્ડ રાખ્યો હતો. ઑસ્ટ્રેલિયાનું ઇન્ફ્લેશન ૨૦૨૩ના ચોથા ક્વૉર્ટરમાં ૪.૧ ટકા હતું જે અગાઉના ક્વૉર્ટરમાં ૫.૪ ટકા હતું. ચોથા ક્વૉર્ટરનું ઇન્ફ્લેશન બે વર્ષનું નીચું અને સતત પાંચમા ક્વૉર્ટરમાં ઘટ્યું હતું છતાં પણ રિઝર્વ બૅન્ક ઑફ ઑસ્ટ્રેલિયાના બેથી ત્રણ ટકાના ટાર્ગેટથી ઊંચું હોવાથી મેમ્બરોએ હજી જરૂર પડે તો ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરવાની શક્યતાને સાવ નકારી નહોતી. 

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ 
અમેરિકા ૨૦૨૪માં ત્રણ વખત ઇન્ટરેસ્ટ રેટ ઘટાડશે એવી ફેડ ચૅરમૅન જેરોમ પૉવેલની જાહેરાત બાદ શરૂઆતમાં માર્ચમાં પહેલો ઇન્ટરેસ્ટ રેટ ઘટાડો આવશે એવી ચર્ચાએ જોર પકડ્યું હતું, પણ અમેરિકાના ઇકૉનૉમિક ડેટા ધારણાથી સ્ટ્રૉન્ગ આવતાં હવે જૂન-જુલાઈમાં પહેલો ઇન્ટરેસ્ટ રેટ ઘટાડો આવશે એવી ધારણા છે એ જ રીતે ૨૦૨૪માં ઇન્ટરેસ્ટ રેટમાં ૧૩૦ બેસિસ પૉઇન્ટનો ઘટાડો કરાશે એવી શક્યતા શરૂઆતમાં ચર્ચાયા બાદ ૧૫૦ બેસિસ પૉઇન્ટ ઘટાડશે એવાં અનુમાનો જાહેર થયાં બાદ હવે ૧૧૫ બેસિસ પૉઇન્ટ જ ફેડ ઘટાડશે એવું અનુમાન સામે આવ્યું છે. ઇન્ટરેસ્ટ રેટ ઘટાડાના ચાન્સ જેમ-જેમ નીચે આવે છે તેમ-તેમ ડૉલર ઇન્ડેક્સ અને ટ્રેઝરી બૉન્ડનાં યીલ્ડ મજબૂત બની રહ્યાં છે.

હાલ ડૉલર ઇન્ડેક્સ ત્રણ મહિનાની ઊંચાઈએ છે. અમેરિકન ઇકૉનૉમિક ડેટા, ડૉલર ઇન્ડેક્સ અને ટ્રેઝરી યીલ્ડની મૂવમેન્ટ જોતાં સોનામાં હાલના તબક્કે માત્ર કોઈ અણધાર્યું જિયોપૉલિટિકલ ટેન્શન આવે તો જ તેજી થવાની શક્યતા છે. જો જિયોપૉલિટિકલ ટેન્શન ઘટશે તો સોનું સડસડાટ ઘટશે એવું ચિત્ર દેખાય છે. 

 

business news share market stock market sensex nifty gold silver price