04 October, 2024 07:56 AM IST | Mumbai | Mayur Mehta
પ્રતીકાત્મક તસવીર
અમેરિકન પ્રાઇવેટ સેક્ટરના સ્ટ્રૉન્ગ જૉબ ડેટાને પગલે તેમ જ ઇઝરાયલ-ઈરાન યુદ્ધથી સેફ હેવન ડિમાન્ડના સપોર્ટથી ડૉલર વધીને ચાર સપ્તાહની ઊંચાઈએ પહોંચતાં સોનામાં ખરીદીનું આકર્ષણ ઘટ્યું હતું તેમ જ પૉવેલના રેટ-કટ વિશેના સાવચેતીભર્યા સૂરથી નવેમ્બરમાં પચાસને બદલે પચીસ બેસિસ પૉઇન્ટનો રેટ-કટ આવવાના ચાન્સ વધીને ૬૧ ટકા થતાં પ્રૉફિટ-બુકિંગ વધ્યું હતું જેની પણ સોનામાં અસર જોવા મળી હતી.
ભારતીય રૂપિયો ગગડીને ઑલટાઇમ લો સપાટી નજીક પહોંચી જતાં વિશ્વ બજારમાં સોનું-ચાંદી ઘટ્યાં છતાં ભારતીય માર્કેટમાં સોનું-ચાંદી વધ્યાં હતાં. મુંબઈમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૧૦૦ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૭૮૯ રૂપિયા વધ્યો હતો.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકાના પ્રાઇવેટ સેક્ટરમાં સપ્ટેમ્બરમાં ૧.૪૩ લાખ નવી નોકરીઓ ઉમેરાઈ હતી જે છેલ્લા ત્રણ મહિનાની સૌથી વધુ હતી અને માર્કેટની ૧.૨૦ લાખની ધારણા કરતાં વધુ ઉમેરાઈ હતી. ઑગસ્ટ મહિનાના ડેટા વધીને ૧.૦૩ લાખ રિવાઇઝ થયા હતા. હૉસ્પિટાલિટી, એજ્યુકેશન, હેલ્થ, બિઝનેસ-પ્રોફેશનલ સર્વિસિસ અને મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરમાં નોકરીઓ વધી હતી.
અમેરિકાના પ્રાઇવેટ સેક્ટરના ડેટા સ્ટ્રૉન્ગ આવતાં અને ઇઝરાયલ-ઈરાન યુદ્ધની સેફ હેવન ડિમાન્ડ ડૉલરમાં વધતાં અમેરિકન ડૉલર ગુરુવારે વધીને ચાર સપ્તાહની ઊંચાઈએ ૧૦૧.૯૩ પૉઇન્ટે પહોંચ્યો હતો જે એક સપ્તાહ અગાઉ ૧૦૦.૪૭ પૉઇન્ટ હતો. અમેરિકી ડૉલર ઇન્ડેક્સ વધતાં ટ્રેઝરી બૉન્ડનાં યીલ્ડ પણ ૦.૦૨૪ ટકા વધીને ૩.૮૦૯ ટકાએ પહોંચ્યાં હતાં.
અમેરિકાના ૩૦ વર્ષના મૉર્ગેજ રેટ સતત અગિયાર સપ્તાહ ઘટ્યા બાદ ૨૭ સપ્ટેમ્બરે પૂરા થયેલા સપ્તાહના અંતે એક બેસિસ પૉઇન્ટ વધીને ૬.૧૪ પૉઇન્ટે પહોંચ્યા હતા જે એક વર્ષ અગાઉ ૭.૫૩ પૉઇન્ટ હતા. મૉર્ગેજ રેટ વધતાં મૉર્ગેજ ઍપ્લિકેશનનો ઉપાડ ૧.૩ ટકા ઘટ્યો હતો.
યુરો એરિયાના પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ સપ્ટેમ્બરમાં ઘટીને ૪૯.૬ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑગસ્ટમાં ૫૧ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૪૮.૯ પૉઇન્ટની હતી. યુરો એરિયાનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ૪૫.૮ પૉઇન્ટથી ઘટીને ૪૫ પૉઇન્ટ અને સર્વિસ સેક્ટરનો ગ્રોથ ૫૨.૯ પૉઇન્ટથી ઘટીને ૫૧.૪ પૉઇન્ટે પહોંચ્યો હતો.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
સોનું ૨૬૪૦થી ૨૬૬૦ ડૉલરની રેન્જમાં અથડાઈ રહ્યું છે, કારણ કે હવે સોનાની નવી તેજી માટે કોઈ નવાં કારણો બચ્યાં નથી. અમેરિકન રેટ-કટ, યુદ્ધના જિયોપૉલિટિકલ ટેન્શન અને ઇકૉનૉમિક સ્લોડાઉનની અસર સોનાના ભાવ પર ઑલરેડી પડી ચૂકી છે. હવે સોનામાં નવી તેજી માટે નવાં કારણોની જરૂર પડશે. ચીનની ઇકૉનૉમી નબળી પડી રહી હોવાથી ફિઝિકલ ડિમાન્ડ પણ ઘટવાનું અનુમાન લાંબા સમયથી મુકાઈ રહ્યું છે ત્યારે ચીને હવે ઇકૉનૉમિક કન્ડિશનને બૂસ્ટ મળે એ માટે એક સાથે અનેક સ્ટિમ્યુલસ પૅકેજ જાહેર કર્યાં છે. હવે એની અસરે જ્યારે ફિઝિકલ ડિમાન્ડ વધી હોવાના ડેટા સામે આવશે ત્યારે સોનાને તેજી માટે નવું કારણ મળશે. સોનામાં તેજીનાં કારણો ખૂટે એમ નથી અને હાલ દૂર-દૂર સુધી મંદીનાં કોઈ કારણો દેખાતાં નથી. ઝડપી ઉછાળા બાદ પ્રત્યાઘાતી ઘટાડો આવવો સ્વભાવિક હોવાથી ઘટાડા આવતા રહેશે. ભારત અને ચીનમાં સોનાની ફિઝિકલ ડિમાન્ડ વધી હોવાના ડેટા જ્યારે આવશે ત્યારે સોનાને નવી તેજી માટે કારણ મળતાં વધુ ઉછાળો જોવા મળશે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૭૫,૬૧૫
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૭૫,૩૧૨
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૯૦,૬૭૧
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)