ટ્રમ્પની ટ્રેડ પૉલિસીથી ટૅરિફવૉર-ઇન્ફ્લેશન વધવાનું જોખમ વધતાં સોના-ચાંદી ઊછળ્યાં

22 January, 2025 07:21 AM IST  |  Mumbai | Mayur Mehta

ડૉલર અને ટ્રેઝરી યીલ્ડ ઘટતાં સોના-ચાંદીમાં નવેસરથી ખરીદીનું આકર્ષણ વધ્યું

પ્રતીકાત્મક તસવીર

ટ્રમ્પે શપથવિધિ બાદ તરત જ કૅનેડા અને મેક્સિકોની ચીજો પર પચીસ ટકા ટૅરિફ લાગુ કરતાં ટૅરિફવૉર અને ઇન્ફ્લેશન વધવાનું જોખમ વધતાં સોના-ચાંદી વર્લ્ડ માર્કેટમાં ઊછળ્યાં હતાં, સોનું વધીને બે મહિનાની ઊંચાઈએ ૨૭૨૭.૪૦ ડૉલરે પહોંચ્યું હતું જેને પગલે ચાંદી પણ વધીને ૩૦.૮૦ ડૉલરે પહોંચી હતી.

મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૧૦૮ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૩૩૩ રૂપિયા વધ્યો હતો.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

ડોનલ્ડ ટ્રમ્પની શપથવિધિ પછીની જાહેરાતોથી ઇન્ફ્લેશન વધશે એવી ધારણાને પગલે ડૉલર ઇન્ડેક્સ ગગડીને ૧૦૭.૯૭ પૉઇન્ટે પહોંચ્યો હતો, પણ કૅનેડા અને મેક્સિકોથી આયાત થતી ચીજો પર ટ્રમ્પે પચીસ ટકા ટૅરિફ લાદવાની જાહેરાત કરતાં આ બન્ને દેશોની કરન્સી ગગડી જતાં ડૉલરને થોડો સપોર્ટ મળ્યો હતો અને ડૉલર નીચા મથાળેથી સુધર્યો હતો. જોકે ટ્રમ્પના એ​ક્ઝિક્યુટિવ ઑર્ડરથી ઇન્ટરેસ્ટ-રેટમાં વધુ ઘટાડો થવાના ચાન્સ ઘટી જતાં ટ્રેઝરી બૉન્ડનાં યીલ્ડ ઘટીને ૪.૫૭ ટકાએ પહોંચ્યાં હતાં. ટ્રમ્પની ઍક્શન બાદ હવે માર્કેટની ધારણા છે કે જુલાઈ પછી જ ફેડ રેટ-કટ લાવી શકશે.

ટ્રમ્પના ટૅરિફ વિશેના નિર્ણયને પગલે કૅનેડા અને મેક્સિકોની કરન્સી ગગડી ગઈ હતી, પણ ટૅરિફ લાગવાના જોખમને પગલે યુરો પણ બે વર્ષની નીચી સપાટીએ પહોંચ્યો હતો. જોકે ટ્રમ્પના નિર્ણયને પગલે યુરોપિયન સેન્ટ્રલ બૅન્કના મેમ્બરોએ હવે આગામી મીટિંગમાં રેટ-કટ લાવવા માટે સાવચેતીનું વલણ અપનાવાની અપીલ કરી હતી.

સાઉથ આફ્રિકા સોનાનું અગ્રિમ હરોળનું ઉત્પાદક છે, એક સમયે વિશ્વનું સૌથી મોટું સોનાનું ઉત્પાદક સાઉથ આફ્રિકા હતું. સાઉથ આફ્રિકામાં સોનાનું ઉત્પાદન નવેમ્બરમાં મન્થ-ટુ-મન્થ ૩.૪ ટકા અને વાર્ષિક ૧૧.૫ ટકા ઘટ્યું હતું. નવેમ્બરમાં ઘટેલું ઉત્પાદન સતત ૧૩મા મહિને ઘટ્યું હતું અને પાંચ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યું હતું.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ

ડોનલ્ડ ટ્રમ્પે શપથવિધિ બાદ ધમાકેદાર જાહેરાતોનો દોર શરૂ કરી દીધો હતો, જેમાં ગેરકાયદે સ્થાયી થયેલા વસાહતીઓની હકાલપટ્ટી જાહેર કરીને ૧ ફેબ્રુઆરીથી કૅનેડા અને મેક્સિકોથી અમેરિકામાં આયાત થતી ચીજો પર પચીસ ટકા વધારાની ટૅરિફ લગાવવાની જાહેરાત કરી હતી તેમ જ પનામા કૅનલ પર કબજો લેવાથી માંડીને ગલ્ફ ઑફ મેક્સિકોને ગલ્ફ ઑફ અમેરિકા નામ આપવાની પણ જાહેરાત કરીને ‘અમેરિકા ફર્સ્ટ’ નારાને વધુ બુલંદ બનાવ્યો હતો. ટ્રમ્પના એજન્ડામાં ટૅક્સ કટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પે​ન્ડિંગ વધારવાનો પ્લાન હોવાથી ઇન્ફ્લેશનમાં મોટો વધારો થવાની શક્યતા છે. ટ્રમ્પની પૉલિસીથી ઇન્ફ્લેશન વધવાની શક્યતાની સાથે ઇઝરાયલ-હમાસ યુદ્ધ-સમાપ્તિની પ્રોસેસ થોડી મોડી પડી રહી છે તેમ જ બૅન્ક ઑફ જપાન દ્વારા ઇન્ટરેસ્ટ રેટ વધારવાનું નક્કી મનાઈ રહ્યું હોવાથી જૅપનીઝ યેન એક મહિનાની ઊંચાઈએ પહોંચતાં ડૉલર પર દબાણ વધ્યું હતું. આમ ટ્રમ્પની શપથવિધિ બાદ એકાએક સોનામાં તેજીનાં કારણો
વધ્યાં હતાં.

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ)ઃ ૭૯,૪૫૩
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ)ઃ ૭૯,૧૩૫
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ)ઃ ૯૦,૫૩૩
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

business news donald trump commodity market gold silver price