26 November, 2024 08:54 AM IST | Mumbai | Mayur Mehta
પ્રતીકાત્મક તસવીર
ડોનલ્ડ ટ્રમ્પે ટ્રેઝરી સેક્રેટરી તરીકે હેજ ફન્ડ મૅનેજર સ્કૉટ બેસન્ટની જાહેરાત કરતાં રેટ-કટના ચાન્સ વધુ ઘટતાં વર્લ્ડ માર્કેટમાં સોના-ચાંદી વધુ ઘટ્યાં હતાં. રશિયા-યુક્રેન વચ્ચે ભીષણ સંગ્રામથી સોનું વધીને ૧૭૨૨ ડૉલરની ઊંચી સપાટીએથી ઘટ્યું હતું. વળી ઇઝરાયલ-હિઝબુલ્લા વચ્ચે યુદ્ધ સમાપ્તિની મંત્રણા ચાલુ થતાં સેફ હેવન ડિમાન્ડ ઘટી હતી.
મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૭૦૬ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૧૪૦૫ રૂપિયા ઘટ્યો હતો.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
ડોનલ્ડ ટ્રમ્પે ટ્રેઝરી સેક્રેટરી તરીકે હેજ ફન્ડ મૅનેજર સ્કૉટ બેસન્ટના નામની જાહેરાત કરી એને પગલે ડૉલર ઇન્ડેક્સ ૦.૬૩ ટકા ઘટીને બે સપ્તાહની નીચી સપાટીએ ૧૦૬.૮૦ પૉઇન્ટે પહોંચ્યો હતો. સ્કૉટ બેસન્ટ ટ્રમ્પની ટૅક્સ કટ અને ટૅરિફ વધારાની પૉલિસીના જબ્બર હિમાયતી હોવાથી રેટ-કટ વિશે ફરી અનિશ્ચિતતાનાં વાદળો ઘેરાતાં ડૉલર ઇન્ડેક્સ ૧૦૭.૫૫ પૉઇન્ટની ઊંચાઈએથી ઘટ્યો હતો. ડૉલર ઇન્ડેક્સ ઘટતાં એને પગલે ટ્રેઝરી બૉન્ડના યીલ્ડ પણ ૦.૦૬૭ ટકા ઘટીને ૪.૩૪૩ ટકાએ પહોંચ્યા હતા.
અમેરિકાનું ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન આગામી એક વર્ષનું ઘટીને ચાર વર્ષની નીચી સપાટીએ ૨.૬ ટકાએ પહોંચ્યું હતું જે ઑક્ટોબરમાં ૨.૭ ટકા હતું. આગામી પાંચ વર્ષનું ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન વધીને ૩.૨ ટકાએ પહોંચ્યું હતું જે ઑક્ટોબરમાં ત્રણ ટકા હતું.
અમેરિકાનો કન્ઝ્યુમર કૉન્ફિડન્સ ઇન્ડેક્સ નવેમ્બરમાં ઘટીને સાત મહિનાની નીચી સપાટીએ ૭૧.૮ પૉઇન્ટે પહોંચ્યો હતો જે પ્રિલિમિનરી એસ્ટિમેટમાં ૭૩ પૉઇન્ટ અને ઑક્ટોબરમાં ૭૦.૫ પૉઇન્ટ હતો. હાલની ઇકૉનૉમિક કન્ડિશનને બતાવતો ઇન્ડેક્સ ૬૪.૪ ટકાથી ઘટીને ૬૩.૯ ટકાએ પહોંચ્યો હતો.
ચીનની સેન્ટ્રલ બૅન્કે એક વર્ષની મિડિયમ ટર્મ લૅન્ડિંગ-રેટ બે ટકા જાળવી રાખવાનો નિર્ણય કર્યો હતો જેના થકી માર્કેટમાં ૯૦૦ અબજ યુઆન ઠલવાયા હતા. સપ્ટેમ્બરમાં મિડિયમ ટર્મ લૅન્ડિંગ-રેટમાં ૩૦ બેસિસ પૉઇન્ટનો ઘટાડો કર્યા બાદ ઑક્ટોબર અને નવેમ્બરમાં રેટ સ્ટેડી રખાયા હતા.
ચાલુ સપ્તાહે અમેરિકામાં ગુરુવારે થૅન્ક્સગિવિંગ ડેની રજા રહેશે તેમ જ શુક્રવારે માર્કેટ અડધો દિવસ જ ચાલુ રહેશે આથી સપ્તાહ ટૂંકું રહેશે. ચાલુ સપ્તાહે અમેરિકાના ઑક્ટોબર મહિનાના પર્સનલ કન્ઝમ્પ્શન એક્સપેન્ડિચર પ્રાઇસ ડેટા, પબ્લિક ઇન્કમ અને સ્પેન્ડિંગના ડેટા અને ત્રીજા ક્વૉર્ટરના ગ્રોથ-રેટનું બીજું એસ્ટિમેટ જાહેર થશે. આ ઉપરાંત અમેરિકાના ડ્યુરેબલ ગુડ્ઝ ઑર્ડર, કૉર્પોરેટ પ્રૉફિટ, નવા અને એક્ઝિસ્ટિંગ હોમસેલ્સ તથા હોમ પ્રાઇસ ઇન્ડેક્સ પણ જાહેર થશે. યુરો એરિયા અને ઑસ્ટ્રેલિયાના ઇન્ફ્લેશન ડેટા અને ભારતના ગ્રોથ-રેટ ડેટા પણ ચાલુ સપ્તાહે જાહેર થશે.
શૉર્ટ ટર્મ – લૉન્ગ ટર્મ
ડોનલ્ડ ટ્રમ્પે ટીમમેમ્બરોની એક પછી એક જાહેરાતો કરવા લાગતાં હવે ટ્રમ્પ પૉલિસી વધુ સ્પષ્ટ બનવા લાગી છે. ટ્રમ્પે ટ્રેઝરી સેક્રેટરી તરીકે સ્કૉટ બેસન્ટના નામની જાહેરાત કરી હતી, સ્ટૉક બેસન્ટ હેડ ફન્ડ મૅનેજર છે અને બેસન્ટે અગાઉથી ટ્રમ્પના ટૅક્સ કટ અને ટૅરિફ વધારવાના પ્લાનનાં ભરપૂર વખાણ કર્યાં હતાં પણ બેસન્ટ અમેરિકાની સ્ટ્રૉન્ગ ઇકૉનૉમિક કન્ડિશન અને માર્કેટ સ્ટેબિલાઇઝેશનને પ્રાયોરિટી આપશે એવી માર્કેટની ધારણા છે. બેસન્ટની વરણી બાદ આગામી દિવસોમાં અમેરિકાનું ઇન્ફ્લેશન સતત વધતું રહેશે જે ફેડના રેટ-કટને ગમે ત્યારે બ્રેક લગાવશે. બેસન્ટની વરણીના સમાચાર બાદ સોના-ચાંદી ઘટ્યાં હતાં પણ આ ટ્રૅન્ડ જ આગળ વધશે એવું કહેવું વહેલું ગણાશે, કારણ કે જિયોપૉલિટિકલ ટેન્શન અને જપાન-ચીનની ઇકૉનૉમિક ક્રાઇસિસ જ્યાં સુધી મોજૂદ છે ત્યાં સુધી દરેક ઘટાડે સોના-ચાંદીમાં ઉછાળા માટે નવાં કારણો ઊભરતાં રહેશે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૭૭,૦૮૧
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૭૬,૭૭૨
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૮૯,૪૪૫
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)