અમેરિકાના રીટેલ સેલ્સ અને ઇન્ડ​સ્ટ્રિયલ પ્રોડક્શનના ડેટા નબળા આવતાં સોના-ચાંદીમાં પ્રત્યાઘાતી વધારો

17 December, 2022 03:17 PM IST  |  Mumbai | Mayur Mehta

સેન્ટ્રલ બૅન્કોના એકધારા ઇન્ટરેસ્ટ રેટ વધારાની અસરે રિસેશનના સંકેતથી સોનામાં સેફ હેવન બાઇંગ વધ્યું

પ્રતીકાત્મક તસવીર

અમેરિકામાં મહત્ત્વના ઇકૉનૉમિક ડેટા નબળા આવતાં રિસેશનના સ્પષ્ટ સંકેતોને પગલે સોનામાં સેફ હેવન બાઇંગ વધતાં સુધારો જોવા મળ્યો હતો. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૧૦૪ રૂપિયા વધ્યું હતું, જ્યારે ચાંદી પ્રતિ કિલો ૫૦૩ રૂપિયા ઘટી હતી.

વિદેશી પ્રવાહ 
અમેરિકન રીટેલ સેલ્સ, મૅન્યુફૅક્ચરિંગ પ્રોડક્શન અને ઇન્ડ​​​​​સ્ટ્રિયલ પ્રોડક્શનના ડેટા નબળા આવતાં ડૉલર ઇન્ડેક્સની નબળાઈથી સોનું સુધર્યું હતું. ફેડ, યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક અને બૅન્ક ઑફ ઇગ્લૅન્ડે ૫૦-૫૦ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરતાં તમામ કરન્સી મજબૂત બની હતી, પણ ઇકૉનૉમિક ડેટા ફરી એકસાથે ઘટવા લાગતાં રિસેશનનો ભય વધ્યો હતો. સોનું સુધર્યું હતું; પણ ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ નબળાં હતાં.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકાનું રીટેલ સેલ્સ નવેમ્બરમાં ૦.૬ ટકા ઘટ્યું હતું જે ઑક્ટોબરમાં ૦.૧ ટકા ઘટ્યું હતું અને રીટેલ સેલ્સનો નવેમ્બર મહિનાનો ઘટાડો છેલ્લા એક મહિનાનો સૌથી મોટો ઘટાડો હતો. ખાસ કરીને ફર્નિચર, બિ​લ્ડિંગ મટીરિયલ્સ તેમ જ મોટર વેહિકલના સેલ્સમાં મોટો ઘટાડો થયો હતો. અમેરિકાનું મૅન્યુફૅક્ચરિંગ આઉટપુટ નવેમ્બરમાં ૦.૬ ટકા ઘટ્યું હતું જે ઑક્ટોબરમાં ૦.૩ ટકા વધ્યું હતું અને માર્કેટની ધારણા ૦.૧ ટકા ઘટાડાની હતી. ડ્યુરેબલ અને નૉન-ડ્યુરેબલ બન્ને સેક્ટરના મૅન્યુફૅક્ચરિંગમાં ૦.૬ ટકાનો ઘટાડો થયો હતો. મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરનું કૅપેસિટી યુટિલાઇઝેશન નવેમ્બરમાં ૦.૬ ટકા ઘટીને ૭૮.૯ પૉઇન્ટે પહોંચ્યું હતું. અમેરિકાના ઇન્ડ​સ્ટ્રિયલ પ્રોડક્શનમાં નવેમ્બરમાં ૦.૨ ટકાનો ઘટાડો થયો હતો જે ઑક્ટોબરમાં ૦.૧ ટકા ઘટ્યું હતું અને માર્કેટની ધારણા ૦.૧ ટકા વધારાની હતી. અમેરિકાની ટ્રેડ ઍન્ડ મૅન્યુફૅક્ચરિંગ ઇન્વેન્ટરી ઑક્ટોબરમાં ૦.૩ ટકા વધી હતી જે સપ્ટેમ્બરમાં ૦.૨ ટકા વધી હતી અને માર્કેટની ધારણા ૦.૪ ટકા વધારાની રહી હતી. છેલ્લા એક વર્ષમાં ઇન્વેન્ટરી ૧૬.૫ ટકા વધી હતી.

અમેરિકામાં બેરોજગારી ભથ્થું લેવા માટે પ્રથમ વખત અપ્લાય થનારાઓની સંખ્યા ૧૦મી ડિસેમ્બરે પૂરા થયેલા સપ્તાહના અંતે ૨૦ હજાર ઘટીને ૨.૧૧ લાખે પહોંચી હતી જે બે મહિનાની નીચી સપાટી હતી અને માર્કેટની ૨.૩૦ લાખની ધારણા કરતાં ઘણી નીચી હતી.

યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે પણ ફેડની રાહે ઇન્ટરેસ્ટ રેટમાં ૫૦ બેસિસ પૉઇન્ટનો વધારો કરીને બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટને બેથી અઢી ટકાની છેલ્લાં ૪૦ વર્ષની ઊંચી સપાટીએ પહોંચાડ્યા હતા. યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે ઇન્ફલેશનનો ટાર્ગેટ ૨૦૨૨ માટે ૮.૪ ટકાનો અને ૨૦૨૩ માટે ૬.૩ ટકાનો મૂક્યો હતો. આ બન્ને પ્રોજેક્શન વધાર્યા હતા. યુરો એરિયાનો ગ્રોથરેટ ચાલુ ક્વૉર્ટર અને પછીના ક્વૉર્ટરમાં નેગેટિવ રહેવાની આગાહી કરાઈ હતી. ગ્રોથરેટનું પ્રોજેક્શન ૨૦૨૨ માટે ૩.૪ ટકા, ૨૦૨૩ માટે ૦.૫ ટકા અને ૨૦૨૪ માટે ૧.૯ ટકાનું રખાયું હતું. યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે પણ ફેડની જેમ ૨૦૨૩માં જરૂર પડે તો ઇન્ટેરસ્ટ રેટમાં મોટો વધારો કરવાની તૈયારી બતાવી હતી. યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે જુલાઈથી ઇન્ટરેસ્ટ રેટ વધારવાની શરૂઆત કર્યા બાદ બે વખત ૭૫ બેસિસ પૉઇન્ટ વધાર્યા હતા.

અમેરિકન ફેડની રાહે યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે પણ ઇન્ટરેસ્ટ રેટમાં ૫૦ બેસિસ પૉઇન્ટનો વધારો કર્યો હતો એ અગાઉ બૅન્ક ઑફ ઇગ્લૅન્ડે પણ ૫૦ બેસિસ પૉઇન્ટ વધાર્યા હતા. હવે ​સ્વિટ્ઝરલૅન્ડ, નૉર્વે તથા અન્ય દેશોની સેન્ટ્રલ બૅન્કો પણ ફેડની રાહે ઇન્ટરેસ્ટ રેટ વધારશે એવી ધારણા છે. ફેડરલ રિઝર્વે ૨૦૨૩નું ઇન્ટરેસ્ટ રેટનું પ્રોજેક્શન ૪.૬ ટકાથી વધારીને ૫.૧ ટકા કરતાં ડૉલર એક ટકા સુધરીને ૧૦૪.૫ના લેવલે પહોંચ્યો હતો જે ફેડની મીટિંગ પહેલાં ૧૦૩.૫ના લેવલે હતો. અમેરિકાનાં ઇકૉનૉમિક ઇન્ડિકેટર નબળાં આવ્યાં હોવાથી ડૉલરમાં વધુ તેજી અટકી હતી. જપાનનો પ્રિલિમિનરી મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ડિસેમ્બરમાં ઘટીને બે વર્ષની નીચી સપાટીએ ૪૮.૮ પૉઇન્ટે પહોંચ્યો હતો જે નવેમ્બરમાં ૪૯ પૉઇન્ટ હતો. જપાનના મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથમાં સતત બીજે મહિને ઘટાડો નોંધાયો હતો. જપાનનો સર્વિસ સેક્ટરનો પ્રિલિમિનરી ગ્રોથ ડિસેમ્બરમાં વધીને ૫૧.૭ પૉઇન્ટે પહોંચ્યો હતો જે નવેમ્બરમાં ૫૦.૩ પૉઇન્ટ હતો. સર્વિસ સેક્ટરનો ગ્રોથ સતત ચોથા મહિને વધ્યો હતો. જપાનના પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ ડિસેમ્બરમાં ૫૦ પૉઇન્ટે પહોંચ્યો હતો જે નવેમ્બરમાં ૪૮.૯ પૉઇન્ટ હતો.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ  
અમેરિકા, બ્રિટન અને યુરોપિયન યુનિયનની સેન્ટ્રલ બૅન્કોએ રિસેશનના ડરથી હાલપૂરતો ઇન્ટરેસ્ટ રેટ વધારો ધીમો પાડ્યો હતો, પણ ૨૦૨૩માં જરૂર પડે તો ઇન્ટરેસ્ટ રેટ વધારો મોટો હોવાનો પણ સંકેત આપ્યો હતો. ચાલુ સપ્તાહે ક્રૂડતેલના ભાવમાં સાત ટકાનો ઉછાળો નોંધાયો હતો. અમેરિકા, યુરોપ તથા વેસ્ટર્ન દેશોમાં ઠંડી વધી રહી હોવાથી નૅચરલ ગૅસના ભાવ પણ વધી રહ્યા છે. ચીનમાં ફરી કોરોનાના કેસ વધી રહ્યા હોવા છતાં પણ ચીન ઇકૉનૉમિક ઍ​ક્ટિવિટીનું રીઓપનિંગ કરવા મક્કમ હોવાથી આગામી દિવસોમાં ક્રૂડતેલના ભાવમાં વધુ તેજી જોવા મળશે. ઇન્ટરનૅશનલ એનર્જી એજન્સીએ પણ ૨૦૨૩માં ક્રૂડતેલમાં તેજી થવાની આગાહી કરી હતી. આમ ડિસેમ્બર મહિનાનું ઇન્ફલેશન જો વધુ ઘટે નહીં તો આગળ જતાં તમામ સેન્ટ્રલ બૅન્કો દ્વારા ઇન્ટરેસ્ટ રેટમાં ફરી મોટો વધારો આવી શકે છે. આથી સોના-ચાંદીના ભાવમાં સળંગ તેજીનો સમયગાળો હજુ ઘણો દૂર છે. હાલ ઊભરા જેવા ઉછાળા જ આવતા રહેશે.

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૫૩,૯૯૮
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૫૩,૭૮૨
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૬૬,૦૬૫
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

business news