21 December, 2022 04:49 PM IST | Mumbai | Mayur Mehta
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
બૅન્ક ઑફ જપાને યેનને વધુ ઘટતો અટકાવવા પગલાં લેવાનું શરૂ કરતાં ડૉલર એક ટકો ગગડ્યો હતો અને સોનું ૧૮૦૦ ડૉલરની સપાટીને પાર કરી ગયું હતું. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૨૫૭ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૯૫૧ રૂપિયા વધી હતી.
વિદેશી પ્રવાહ
બૅન્ક ઑફ જપાને બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટ જાળવી રાખીને યેનને વધુ ઘટતો બચાવવા પગલાં લેવાનું શરૂ કરતાં ડૉલર એક ટકો ઘટ્યો હતો અને સોનું ૧૮૦૦ ડૉલરની સપાટીને પાર કરીને ૧૮૦૬.૩૪ ડૉલર સુધી વધ્યો હતો. ચીનમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા હોવાથી વર્લ્ડ બૅન્કે ચીનના ગ્રોથ રેટનું પ્રોજેક્શન વધુ ઘટાડતાં સોનામાં સેફ હેવન બાઇંગ વધ્યું હતું એનો પણ સપોર્ટ સોનાને મળ્યો હતો. સોનું વધતાં ચાંદી અને પ્લૅટિનમ પણ સુધર્યાં હતાં, પરંતુ પૅલેડિયમ ઘટ્યું હતું.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકાનો હોમ બિલ્ડર્સ કૉન્ફિડન્સ ઇન્ડેક્સ ડિસેમ્બરમાં સતત બારમા મહિને ઘટીને ૩૪ પૉઇન્ટના લેવલે પહોંચ્યો હતો. અમેરિકામાં ઇન્ટરેસ્ટ રેટ સતત વધી રહ્યા હોવાથી હાઉસિંગ સેક્ટરને મોટી અસર પહોંચી છે. મકાનોના વેચાણનો ઇન્ડેક્સ ૩૯ પૉઇન્ટથી ઘટીને ડિસેમ્બરમાં ૩૬ પૉઇન્ટ થયો હતો. જોકે આગામી ૬ મહિનાના સેલ્સના એક્સપેક્ટેશન ઇન્ડેક્સ ૩૧ પૉઇન્ટથી વધીને ૩૫ પૉઇન્ટે પહોંચ્યો હતો. બિલ્ડિંગ સેક્ટરના એક્સપર્ટના મતે હોમ બિલ્ડર્સ ઇન્ડેક્સનું આ બૉટમ માનવું જોઈએ. હવે આ ઇન્ડેક્સ વધુ ઘટવાની શક્યતા નથી.
જપાનની સેન્ટ્રલ બૅન્કે બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટને જાળવી રાખવાનો નિર્ણય લીધો હતો. જપાનમાં હાલમાં શૉર્ટ ટર્મ ઇન્ટરેસ્ટ રેટ માઇનસ ૦.૧ ટકા અને ૧૦ વર્ષના બૉન્ડના યીલ્ડ ઝીરો ટકા છે. બૅન્ક ઑફ જપાને લાંબા સમયથી નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટ પૉલિસી જાળવી રાખી છે. વિશ્વની અનેક સેન્ટ્રલ બૅન્કો ઇન્ટરેસ્ટ રેટ દર મહિને વધારી રહી છે ત્યારે જપાનનું ઇન્ફ્લેશન આઠ વર્ષની ઊંચાઈએ હોવા છતાં બૅન્ક ઑફ જપાનના મેમ્બરો ઇન્ટરેસ્ટ રેટ જાળવી રાખવા મક્કમ છે.
પીપલ્સ બૅન્ક ઑફ ચાઇનાએ સતત ચોથા વર્ષે લોન પ્રાઇમ રેટ જાળવી રાખવાનો નિર્ણય લીધો હતો. એક વર્ષની કૉર્પોરેટ અને હાઉસહોલ્ડ લોનના દર ૩.૬૫ ટકા અને પાંચ વર્ષની લોનના રેટ ૪.૩ ટકા જાળવી રાખ્યા હતા. ગયા સપ્તાહે બૅન્કે મીડિયમ ટર્મ પૉલિસી રેટને ૨.૭૫ ટકાએ જાળવી રાખ્યા હતા. ગયા ઑગસ્ટમાં પીપલ્સ બૅન્ક ઑફ ચાઇનાએ લોન પ્રાઇમ રેટમાં ઘટાડો કર્યો હતો.
ચીનમાં કોરોનાનાં નિયંત્રણો હળવાં કરવા ગવર્નમેન્ટ ઑથોરિટી મક્કમ છે, પણ કોરોનાના કેસ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે એના પર નિયંત્રણો મૂકવા માટે કોઈ નવા રસ્તા શોધવાની પ્રક્રિયા ચાલુ છે. કોરોનાનાં નિયંત્રણોને કારણે ચીનની હાઉસિંગ માર્કેટ સતત નબળી પડી રહી છે. ચીનમાં ૧૧થી ૧૭ ડિસેમ્બર દરમ્યાન ટોચનાં ૧૬ શહેરોમાં રહેણાક મકાનોનું વેચાણ ૧.૪ ટકા
વધ્યું હતું, જે અગાઉના સપ્તાહે ૪.૯ટકા વધ્યું હતું. ચીનના ટાયર વન સિટીમાં રહેણાક મકાનોનું વેચાણ ગયા સપ્તાહે ૧૩.૬ ટકા ઘટ્યું હતું. એમાં ખાસ કરીને બીજિંગમાં હોમ સેલ્સ ૨૯.૪ ટકા અને શાંઘાઈમાં ૨૯ ટકા ઘટ્યું હતું. ચીનની નબળી ઇકૉનૉમિક કન્ડિશનની અસર હોમ ડેવલપર્સને થઈ રહી છે. અનેક હોમ ડેવલપર્સ ડિફોલ્ટ થતાં મૉર્ગેજ પેમેન્ટ ચૂકવી શકે એમ નથી.
યુરો એરિયાનો ઇકૉનૉમિક ઍક્ટિવિટીનો ગ્રોથ નબળો પડી રહ્યો છે. યુરો એરિયાના દેશોમાં કામ કરતા વર્કર્સ અને એમ્પ્લૉઈને મળતા વેતનમાં થર્ડ ક્વૉર્ટરમાં ૨.૧ ટકાનો વધારો થયો હતો, જેમાં અગાઉના ક્વૉર્ટરમાં ૩.૨ ટકાનો વધારો થયો હતો. વર્કર્સ અને એમ્પ્લૉઈને મળતા વેતનનો વધારો સતત પાંચમા ક્વૉર્ટરમાં ઘટ્યો હતો અને વેતનનો વધારો એક વર્ષની નીચી સપાટીએ પહોંચ્યો હતો. જર્મની, ઇટલી અને સ્પેનમાં વેતનવધારો ઝડપથી ઘટી રહ્યો છે, જ્યારે ફ્રાન્સમાં વેતનવધારો ફાસ્ટર છે. યુરો એરિયામાં લેબર કૉસ્ટ થર્ડ ક્વૉર્ટરમાં ૨.૯ ટકા વધી હતી, જે અગાઉના ક્વૉર્ટરમાં ૩.૮ ટકા વધી હતી. યુરો એરિયા કન્સ્ટ્રક્શન્સ આઉટપુટ ગ્રોથ ઑક્ટોબરમાં વધીને પાંચ મહિનાની ઊંચી સપાટીએ ૨.૨ ટકા વધ્યો હતો.
ઇન્ફ્લેશન અને રિસેશનની લડાઈમાં ઇન્ફ્લેશનને ઘટાડવા તમામ સેન્ટ્રલ બૅન્કો દ્વારા આક્રમક રીતે ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કર્યા બાદ રિસેશનની અસર હવે શરૂ થઈ ચૂકી છે. અમેરિકા, યુરોપ, ચીન સહિત લગભગ તમામ દેશોના રીટેલ સેલ્સ, કન્ઝ્યુમર કૉન્ફિડન્સ, પર્સનલ ઇન્કમ-સ્પેન્ડિંગ, ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન, હાઉસસિંગ સેલ્સ, લેબર અરર્નિંગ વગેરે ઇકૉનૉમિક પૅરામીટર નબળાં પડી રહ્યાં છે જેની અસર દરેક દેશોની કરન્સી પર પડી રહી છે. ડૉલર લાંબા સમય સુધી ૨૦ વર્ષની ઊંચાઈએ રહ્યા બાદ હવે નબળો પડી રહ્યો છે. અમેરિકાના ઇકૉનૉમિક પૅરામીટર જે રીતે નબળાં પડી રહ્યાં છે એ જોતાં ૨૦૨૩માં ડૉલર ઇન્ડેક્સ હાલના લેવલથી મોટા પ્રમાણમાં ઘટી શકે છે. ડૉલરના લેવલ તમામ ઘટાડાએ સોનાના ભાવ સતત વધતા રહેશે, પણ આ ઘટાડો એકદમ ધીમોહોવાથી સોના-ચાંદીના ઇન્વેસ્ટરોએ ૨૦૨૩માં સારું રિટર્ન મેળવવા માટે એકદમ વ્યૂહાત્મક રીતે આગળ વધવું પડશે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૫૪,૫૦૫
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૫૪,૨૮૭
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ) : ૬૭,૮૪૯
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)