અમેરિકાના ઇન્ટરેસ્ટ રેટ વધવા વિશે અવઢવભરી સ્થિતિથી સોનું વધીને છ મહિનાની ઊંચાઈએ પહોંચ્યું

28 November, 2023 07:45 AM IST  |  Mumbai | Mayur Mehta

યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક અને ઑસ્ટ્રેલિયાની સેન્ટ્રલ બૅન્કની ઇન્ટરેસ્ટ રેટમાં વધારાની જાહેરાતથી ડૉલર ઘટ્યો

પ્રતીકાત્મક તસવીર

અમેરિકાના ઇન્ટરેસ્ટ રેટ વધવા વિશે અવઢવભરી સ્થિતિથી ડૉલર ઘટતાં સોનું વધીને છ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું.

વિદેશ પ્રવાહ

અમેરિકાના નબળા ઇકૉનૉમિક ડેટા, ૨૦૨૪માં પ્રેસિડેન્શિયલ ઇલેક્શન અને ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં તોળાઈ રહેલું ફાઇનૅન્શિયલ શટડાઉનને કારણે ફેડ નજીકના ભવિષ્યમાં ઇન્ટરેસ્ટ રેટ નહીં વધારે એવું નિશ્ચિત મનાઈ રહ્યું છે. સીએમઈ ફેડ વૉચના રિપોર્ટ અનુસાર ફેડની ડિસેમ્બર મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટ હોલ્ડ રહેવાના ચાન્સ માત્ર ૯૭ ટકા છે, જ્યારે જાન્યુઆરી મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટ હોલ્ડ રહેવાના ચાન્સ ૮૭.૭  ટકા છે. ઇન્ટરેસ્ટ રેટ હોલ્ડ રહેવાના ચા​ન્સિસ વધુ હોવાથી તેમ જ યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક તથા ઑસ્ટ્રિયાની સેન્ટ્રલ બૅન્કે ઇન્ટરેસ્ટ રેટ વધારવાનો સંકેત આપતાં ડૉલર ઘટી રહ્યો છે. સોમવારે ડૉલર ઇન્ડેક્સ ઘટીને બે મહિનાની નીચી સપાટીએ પહોંચતાં સોનું વધીને એક તબક્કે છ મહિનાની ઊંચાઈએ ૨૦૧૫.૯૦ ડૉલરે પહોંચ્યું હતું જે સાંજે ૨૦૧૩થી ૨૦૧૪ ડૉલરની રેન્જમાં હતું. સોનું ગયા સપ્તાહે ઘટીને ૧૯૯૪.૨૦ ડૉલર થયું હતું. સોનું વધતાં ચાંદી અને પૅલેડિયમ વધ્યાં હતાં.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકન ડૉલર ઇન્ડેક્સ લાંબા સમયથી રેન્જ બાઉન્ડ છે. અમેરિકન મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ અને ડ્યુરેબલ ગુડ્સના ડેટા નબળા આવતાં તેમ જ ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન વધતાં ફેડ ઇન્ટરેસ્ટ રેટ વધારશે કે કેમ એ સતત વધી રહેલી અનિશ્ચિતતાથી ડૉલર ઇન્ડેક્સ ૧૦૩થી ૧૦૩.૫ પૉઇન્ટના લેવલ વચ્ચેની રેન્જમાં છે. સોમવારે સપ્તાહના આંરભે ડૉલર ઇન્ડેક્સ નજીવો ઘટીને બે મહિનાની નીચી સપાટીએ ૧૦૩.૩૩ પૉઇન્ટ હતો. ચાલુ સપ્તાહે અમેરિકાના મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ સેક્ટરના ડેટા તેમ જ અન્ય ડેટા બાદ ફેડનું સ્ટૅન્ડ ક્લિયર થયા બાદ ડૉલરમાં મૂવમેન્ટ જોવા મળશે. અમેરિકન ટ્રેઝરી બૉન્ડનાં યીલ્ડ પણ ૪.૪૮ ટકાના સ્તરે રેન્જ બાઉન્ડ હતા.

અમેરિકાનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ પ્રિલિમિનરી ડેટામાં નવેમ્બરમાં ઘટીને ૪૯.૪ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑક્ટોબરમાં ૫૦ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૪૯.૮ પૉઇન્ટની હતી. મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરમાં ઑપરેટિંગ ક​ન્ડિશનનો ઘટાડો છેલ્લા ત્રણ મહિનાનો સૌથી મોટો ઘટાડો હતો તેમ જ બિઝનેસ સતત ઘટી રહ્યો છે. અમેરિકાના સર્વિસ સેક્ટરનો પ્રિલિમિનરી ગ્રોથ વધીને ચાર મહિનાની ઊંચી સપાટીએ ૫૦.૮ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑક્ટોબરમાં ૫૦.૬ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૦.૪ પૉઇન્ટની હતી. સર્વિસ સેક્ટરમાં નવો બિઝનેસ છેલ્લા ચાર મહિનામાં પ્રથમ વખત વધ્યો હતો. જોકે એમ્પ્લૉયમેન્ટમાં છેલ્લા ૪૧ મહિના પછી પ્રથમ વખત ઘટાડો નોંધાયો હતો. ઇકૉનૉમિક ક​ન્ડિશનની સ્થિતિ અનિશ્ચિત હોવાથી કન્ઝ્યુમર સ્પે​ન્ડિંગ સતત ઘટી રહ્યું છે. અમેરિકન ઇકૉનૉમીમાં સર્વિસ સેક્ટરનું વેઇટેજ ૭૭.૬ ટકા અને ઇન્ડ​સ્ટ્રિયલ સેક્ટરનું વેઇટેજ ૧૭.૮૮ ટકા હોવાથી તેમ જ સર્વિસ સેક્ટરનો ગ્રોથ વધ્યો હોવાથી અમેરિકાના પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ નવેમ્બરના પ્રિલિમિનરી ડેટામાં ૫૦.૭ પૉઇન્ટ રહ્યો હતો જે ઑક્ટોબરમાં પણ ત્રણ મહિનાની ઊંચાઈએ ૫૦.૭ પૉઇન્ટ હતો. પ્રાઇવેટ સેક્ટરમાં ઇનપુટ કૉસ્ટ નવેમ્બરમાં નજીવી વધી હતી અને બિઝનેસ કૉન્ફિડન્સ પણ થોડો ઘટ્યો હતો.

ચીનનો ઇન્ડ​સ્ટ્રિયલ પ્રૉફિટ ઑક્ટોબરમાં વાર્ષિક ૨.૭ ટકા વધ્યો હતો જે સતત ત્રીજે મહિને વધ્યો હતો. ઇન્ડ​સ્ટ્રિયલ પ્રૉફિટ ૨૦૨૩ના પ્રથમ દસ મહિનામાં ૭.૮ ટકા ઘટ્યો હતો જે પ્રથમ નવ મહિનામાં નવ ટકા ઘટ્યો હતો. સરકાર હસ્તકની કંપનીઓ અને પ્રાઇવેટ સેક્ટરની કંપનીઓનો પ્રૉફિટ-ઘટાડો હવે ધીમો પડી રહ્યો હોવાથી છેલ્લા ત્રણ મહિનાથી ઇન્ડ​સ્ટ્રિયલ સેક્ટરમાં થોડી રિકવરી આવી છે. ઇલેક્ટ્રૉનિક્સ, પાવર ઇન્ડસ્ટ્રીઝ, ફેરસ મેટલ સ્મે​લ્ટિંગ, મશીનરી અને ઇ​ક્વિપમેન્ટ તેમ જ સ્પેશ્યલ ઇ​ક્વિપમેન્ટના પ્રૉફિટમાં વધારો થઈ રહ્યો છે.

ચાલુ સપ્તાહે અમેરિકાના પર્સનલ કન્ઝ્યુમર એક્સપે​ન્ડિચર ડેટા, પર્સનલ ઇન્કમ અને પર્સનલ સ્પેન્ડિંગના ડેટા જાહેર થશે. આ ઉપરાંત અમેરિકાના નવેમ્બર મહિનાના મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ સેક્ટરના ગ્રોથ ડેટા પણ જાહેર થશે. ફેડ ચૅરમૅન જેરોમ પૉવેલ સહિત અનેક ફેડ ઑફિશિયલ્સની સ્પીચ પણ ચાલુ સપ્તાહે યોજાનારી છે. અમેરિકાના થર્ડ ક્વૉર્ટરના ગ્રોથરેટ ડેટાનું સેકન્ડ એસ્ટીમેટ, ત્રીજા ક્વૉર્ટરનો કૉર્પોરેટ પ્રૉફિટ, નવા અને એ​ક્ઝિ​સ્ટિંગ હોમસેલ્સના ડેટા પણ ચાલુ સપ્તાહે જાહેર થશે. યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક અને બૅન્ક ઑફ જપાનના ચૅરમૅનની સ્પીચ પણ ચાલુ સપ્તાહે યોજાશે. ચીનના નવેમ્બર મહિનાના મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ સેક્ટરના ગ્રોથડેટા પણ ચાલુ સપ્તાહે જાહેર થશે.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ

વર્લ્ડમાં ઇન્ફલેશનરી પ્રેશર નજીકના ભવિષ્યમાં ઘટે એવી કોઈ શક્યતા દેખાતી નથી, કારણ કે અલ નીનોની અસરે ફૂડ પ્રોડક્શન અનેક દેશોમાં ઘટી રહ્યું છે તેમ જ રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ હોવાથી એનર્જી પ્રાઇસમાં મોટો ઘટાડો આવવાની કોઈ શક્યતા નથી. અમેરિકાનું એક વર્ષનું ઇન્ફલેશન એક્સપેક્ટેશન ઊંચું આવ્યું હોવા છતાં ફેડ દ્વારા ઇન્ટરેસ્ટ રેટમાં વધારો થશે એવો સ્પષ્ટ સંકેત આવ્યો નથી, પણ યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક અને ઑસ્ટ્રેલિયાની સેન્ટ્રલ બૅન્કે આગામી મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટ વધવાનો સંકેત આપી દીધો હોવાથી યુરો અને ઑસ્ટ્રેલિયન ડૉલરનું મૂલ્ય અમેરિકન ડૉલરની સરખામણીમાં ઝડપથી વધી રહ્યું છે. અમેરિકાની વર્તમાન ઇકૉનૉમિક ક​ન્ડિશન, ૨૦૨૪માં પ્રેશિડેન્શિયલ ઇલેક્શન અને અમેરિકન સરકાર પર તોળાઈ રહેલું ફાઇનૅ​ન્શિયલ શટડાઉનને પગલે વર્લ્ડના મોટા ભાગના ઇકૉનૉમિસ્ટો એવું માની રહ્યા છે કે અમેરિકા ૨૦૨૪ના જૂન કે જુલાઈમાં ઇન્ટરેસ્ટ રેટ ઘટાડાની સાઈકલ ચાલુ કરશે. આમ ઇન્ટરેસ્ટ રેટ વધારાના જુદાં-જુદાં પ્રોજેક્શનોને કારણે ડૉલર સતત ઘટી રહ્યો હોવાથી સોનું ઝડપથી વધી રહ્યું છે. ચાલુ સપ્તાહે ફેડ ચૅરમૅન અને ફેડના ઑફિશિયલ્સ જો ઇન્ટરેસ્ટ રેટ વધારવાનો સંકેત આપશે તો સોનું ઘટશે અન્યથા સોનામાં તેજીની આગેકૂચ ચાલુ રહેશે.

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૬૧,૪૩૭
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૬૧,૧૯૧
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૭૩,૦૪૬
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

business news gold silver price