સોનું સર્વોચ્ચ સપાટીએ : તેજીની ચમક વધશે કે ઝાંખી પડશે?

30 September, 2024 07:41 AM IST  |  Mumbai | Mayur Mehta

સોનું છ મહિનામાં ૩૦ ટકા વધી જતાં છેલ્લાં પચાસ વર્ષની સૌથી ઝડપી તેજી જોવા મળી : વ્યાજદર-ડૉલરનો ઘટાડો, યુદ્ધનો માહોલ અને ઇઝી મનીની રેલમછેલ : તેજીનાં કારણો ખૂટે એમ નથી

પ્રતીકાત્મક તસવીર

વિશ્વબજારમાં અને ભારતીય બજાર બન્નેમાં ગયા સપ્તાહે સોનાએ નવી સર્વોચ્ચ સપાટી હાંસલ કરી હતી. વિશ્વબજારમાં સોનું ૨૭૦૦ ડૉલરની સપાટીએ અને ભારતમાં સોનાએ ૭૫ હજાર રૂપિયાની સર્વોચ્ચ સપાટી હાંસલ કરી લીધી છે. છેલ્લા છ મહિનામાં સોનામાં ૩૦ ટકાની તેજી જોવા મળી છે, આ છેલ્લાં પચાસ વર્ષની સૌથી ઝડપી તેજી હતી. સોનું સાથે ચાંદી પણ સતત વધી રહી છે. બન્ને પ્રેસિયસ મેટલના ભાવ ૨૦૨૪ના આરંભથી સતત વધી રહ્યા છે જેની પાછળ એક કરતાં અનેક કારણો જવાબદાર છે અને આ કારણો હજી દૂર-દૂર સુધી ખૂટે એમ નથી ત્યારે પ્રશ્ન એ છે કે સોનું સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા બાદ પણ હજી તેજીની આગેકૂચ કેટલી આગળ વધશે? ઍનલિસ્ટો અને ઇકૉનૉમિસ્ટો હજી પણ તેજીનાં કારણો ગણાવતા થાકતા નથી. અત્યારે વર્લ્ડ માર્કેટમાં એવો સિનારિયો ઊભો થયો છે કે દરરોજ સવાર પડે ત્યારે સોનામાં નવું તેજીનું કારણ આવે છે અને સાંજ પડે ત્યાં સોનું વિશ્વ બજારમાં ૩૦થી ૫૦ ડૉલર વધી જાય છે. સોનાની માર્કેટમાં અગાઉ જ્યારે પાંચથી સાત ડૉલરની તેજી થાય ત્યારે ચારેતરફ તેજીનો શોરબકોર થતો હતો. અત્યારે સ્થિતિ એવી છે કે સોનામાં તેજી થવાનું કોઈ માપ નથી અને સર્વોચ્ચ સપાટીની તો હવે કોઈ નવાઈ રહી નથી. ૨૦૨૪થી અત્યાર સુધીમાં સોનાએ લગભગ બેથી અઢી ડઝન વખત નવી-નવી સર્વોચ્ચ સપાટી હાંસલ કરી છે.

સોનામાં તેજી થવાનાં કારણો

સોનામાં તેજી અત્યાર સુધી કેમ થઈ એનાં કારણો પહેલાં જાણીએ. ત્યાર બાદ હવે સોનામાં હજી તેજીની આગેકૂચ કેમ ચાલુ રહેશે એની ચર્ચા કરીએ. સ્વભાવિક રીતે અત્યાર સુધી શું કામ તેજી થઈ? એના કરતાં હવે તેજી કેટલી અને કેમ થશે? એ જાણવામાં બધાને વધારે રસ પડે, પણ થોડી ચર્ચા અત્યાર સુધીની તેજીની કરીએ તો જ્યારે પણ વિશ્વના કોઈ પણ ખૂણે આર્થિક કટોકટી કે યુદ્વ જેવી સ્થિતિ ઉદ્ભવે ત્યારે સોનામાં તેજીનો ધમધમાટ જોવા મળે છે. અત્યારે રશિયા-યુક્રેન વચ્ચે છેલ્લા ૯૪૬ દિવસથી અને ઇઝરાયલ-હમાસ વચ્ચે ૩૫૬ દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. ઇઝરાયલ માત્ર હમાસ નહીં, પણ લેબૅનન સાથે પણ છેલ્લાં બે સપ્તાહથી ભીષણ યુદ્ધ કરી રહ્યું છે. યુદ્ધ ઉપરાંત કોરોના પછીની આર્થિક કટોકટીને ખાળવા અનેક દેશોની સેન્ટ્રલ બૅન્કોએ થોકબંધ સોનું ખરીદ્યું હતું. ૨૦૨૩માં વિશ્વની સેન્ટ્રલ બૅન્કોની સોનાની ખરીદી પંચાવન વર્ષની ઊંચાઈએ પહોંચી હતી. આ બે મુખ્ય કારણો ઉપરાંત ડૉલર એના પીક પરથી ઘટવાની શરૂઆત થતાં સોનામાં ખરીદીનું આકર્ષણ સતત વધતું રહ્યું હતું. કોરોના પછી વિશ્વમાં મોંઘવારીએ તમામ રેકૉર્ડ તોડ્યા હતા. અમેરિકામાં ૪૧ વર્ષની સૌથી મોટી મોંઘવારી આવતાં વ્યાજદરને ૦.૨૫ ટકાથી વધારીને ૫.૫૦ ટકા સુધી લાવવાની ફરજ પડી. હવે આ વ્યાજદરો ઘટી રહ્યા છે જેને કારણે ડૉલર ઘટી રહ્યો છે. ડૉલરના દરેક ઘટાડે સોનામાં નવી ખરીદી આવી રહી છે. આમ સોનું સર્વોચ્ચ સપાટીએ પહોંચી ચૂક્યું છે.

સોનામાં તેજીની ચમક હજી કેટલી વધશે?

સોનામાં તેજીની ચમકનું ભાવિ જાણવા એક રસપ્રદ વિશ્લેષણ જાણીએ, જગતજમાદાર અમેરિકા અગાઉ જ્યારે વ્યાજદર એની મહત્તમ ઊંચાઈએથી ન્યુનતમ સ્તરે લાવ્યું છે ત્યારે દરેક તબક્કે સોનામાં જબ્બર તેજી જોવા મળી છે. ૨૦૦૨-’૦૩માં અમેરિકાના વ્યાજદર ૬.૫ ટકાથી ઘટીને એક ટકો થયા, એ સમયગાળા દરમ્યાન સોનામાં ૨૭.૨ ટકા તેજી થઈ હતી. ૨૦૦૭-’૦૯માં અમેરિકાના વ્યાજદર ૫.૨૫ ટકાથી ઘટીને ૦.૨૫ ટકા થયા ત્યારે સોનામાં ૩૧ ટકાની તેજી થઈ હતી. તાજેતરમાં અમેરિકાના વ્યાજદર ૫.૫૦ ટકાથી ઘટીને પાંચ ટકા થયા છે. અમેરિકાના વ્યાજદર હજી ૨૦૨૬ના આરંભ સુધી સતત ઘટતા રહેવાની આગાહી છે. અમેરિકાએ હજી તો વ્યાજદર ઘટાડવાની શરૂઆત જ કરી છે જે હજી સવાથી દોઢ વર્ષ ચાલશે. અગાઉનાં ઉદાહરણોનું જો પુનરાવર્તન થાય તો સોનામાં હજી ૩૦ ટકા તેજી થવાના ચાન્સ છે એટલે કે સોનાની સર્વોચ્ચ સપાટી ૨૭૦૦ ડૉલરથી ૨૦૨૬ના પ્રારંભિક તબક્કામાં સોનું ૩૨૫૦ ડૉલર સુધી વધી શકે છે. અમેરિકાના વ્યાજદર ઘટાડાના ટ્રૅકરેકૉર્ડ અનુસાર સોનામાં હજી ૫૦૦થી ૫૫૦ ડૉલરની તેજી થવાની જગ્યા છે. કોઈ પણ ફાઇનૅન્શિયલ માર્કેટમાં જ્યારે ઇઝી મનીનો ફ્લો વધે એટલે કે લિ​ક્વિડિટી વધે ત્યારે બેફામ તેજી જોવા મળે છે. વિશ્વની બીજા ક્રમની આર્થિક તાકાત ધરાવતા ચીને આર્થિક સ્થિતિને મજબૂત બનાવવા ગયા સપ્તાહે અનેક પ્રકારના વ્યાજદર ઘટાડીને બેસુમાર લિક્વિડિટી બજારમાં ઠાલવી છે. આ લિક્વિડિટીને લીધે ચીનનાં શૅરબજારો માત્ર બે દિવસમાં રેકૉર્ડબ્રેક વધ્યાં હતાં. ચીનમાં ઑક્ટોબરના પ્રારંભે સાત દિવસનો નૅશનલ હૉલિડે આવશે, જેમાં ચીનની સરકારે લોકોને કૅશમનીની સહાય કરી છે. ત્યાર બાદ ચીનમાં ફેબ્રુઆરીમાં લુનર ન્યુ યરની રજાઓ આવશે. આ બે તહેવારો દરમ્યાન ચીનમાં સૌથી વધુ સોનાની ખરીદી લોકો દ્વારા થાય છે. ભારતમાં પણ દિવાળીના તહેવારો હવે નજીક છે અને ચાલુ વર્ષે ચોમાસું સચરાચર જતાં ગ્રામ્યસ્તરે દિવાળીની ખરીદી પણ બેસુમાર હશે. યુદ્ધનું કારણ હજી મોજૂદ છે. અમેરિકાને પછાડવા માટે રશિયા-ચીન સહિત અનેક દેશોની સેન્ટ્રલ બૅન્કોની સોનાની ખરીદી પણ સતત વધી રહી છે. આમ તેજીનાં મોજૂદ કારણો શમ્યાં નથી અને નવાં કારણો વધુ મજબૂત થઈને આવી રહ્યાં છે ત્યારે સોનામાં પ્રત્યાઘાતી ટૂંકા ગાળાના નાના ઘટાડા આવી શકે છે, પણ તેજીની આગેકૂચ અટકે એવું કારણ દૂર-દૂર સુધી દેખાતું નથી.

ભારતમાં સોનું વધીને ક્યાં પહોંચશે?

ભારતમાં સોનાનો ભાવ ગયા સપ્તાહે વધીને સર્વોચ્ચ સપાટીએ ૧૦ ગ્રામનો ૭૫,૬૪૦ રૂપિયા થયો હતો. બે મહિના પહેલાં ૨૬મી જુલાઈએ સોનાનો ભાવ ૬૮,૧૩૧ રૂપિયા હતો જે માત્ર બે મહિનામાં ૧૧ ટકા વધ્યો છે. જો ગયા કેન્દ્રીય બજેટમાં નાણાપ્રધાને સોનાની આયાત ડ્યુટીમાં નવ ટકાનો ઘટાડો કર્યો ન હોત તો ભારતમાં સોનાનો ભાવ ૮૦ હજાર રૂપિયાની સપાટીને પાર કરી ગયો હોત. અમેરિકાના વ્યાજદર ઘટાડાની ગણતરીએ સોનું જો ૨૦૨૬ના આરંભે ૩૨૫૦ ડૉલર થાય તો ભારતમાં સોનાનો ભાવ વધીને ૯૦થી ૯૧ હજાર રૂપિયા સુધી વધે અને જો રૂપિયાનું મૂલ્ય વધુ નબળું પડે તો આગામી દોઢથી બે વર્ષમાં સોનું એક લાખ રૂપિયાની સપાટીને પાર કરી શકે છે.

business news gold silver price commodity market columnists