મુંબઈમાં એક જ દિવસમાં સોનામાં ૧૫૦૬ રૂપિયા અને ચાંદીમાં ૧૮૭૩ રૂપિયા ઊછળ્યા

11 May, 2024 08:29 AM IST  |  Mumbai | Mayur Mehta

અમેરિકાના નબળા જૉબલેસ બેનિફિટ ડેટાથી રેટકટની આશા વધતાં સોનું ઊછળ્યું: જિયોપૉલિટિકલ ટેન્શન ફરી વધતાં સોનામાં ખરીદીનું આકર્ષણ વધ્યું

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

અમેરિકાના જૉબલેસ બેનિફિટ ડેટા નબળા આવતાં ફરી રેટકટની આશા ઊભી થતાં વર્લ્ડ માર્કેટમાં સોનું સવા ટકા ઊછળીને ૨૩૮૦ ડૉલર સુધી વધ્યું હતું. વળી ઇઝરાયલે રફાહ અને ગાઝા પર નવેસરથી મિલિટરી અટૅકની જાહેરાત કરતાં સોનામાં લેવાલી વધી હતી. મુંબઈ જ્વેલરી માર્કેટમાં એક જ દિવસમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૧૫૦૬ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૧૮૭૩ રૂપિયા ઊછળ્યો

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકન ડૉલર ઇન્ડેક્સ ૦.૦૬ ટકા વધીને ૧૦૫.૨૯ પૉઇન્ટે પહોંચ્યો હતો. અમેરિકાના અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ નંબર્સ આઠ મહિનાની ઊંચાઈએ પહોંચતાં સપ્ટેમ્બરમાં ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો થવાની શક્યતા વધતાં ડૉલરમાં મજબૂતી જોવા મળી હતી.

અમેરિકાના નવા અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ નંબર્સ ૪ મેએ પૂરા થયેલા સપ્તાહના અંતે ૨૨ હજાર વધીને આઠ મહિનાની ઊંચી સપાટીએ ૨.૩૧ લાખે પહોંચ્યા હતા જેના વિશે માર્કેટની ધારણા ૨.૧૦ લાખની હતી. છેલ્લા ચાર સપ્તાહથી અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ નંબર્સ ઘટી રહ્યા હતા. એક્ઝિસ્ટિંગ અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ નંબર્સ ૧૯,૬૯૦ વધીને ૨.૦૯ લાખે પહોંચ્યા હતા.

અમેરિકાના ૩૦ વર્ષના મૉર્ગેજ રેટ ૯મી મેએ પૂરા થયેલા સપ્તાહના અંતે ૧૩ બેસિસ પૉઇન્ટ ઘટીને ૭.૦૯ ટકાએ પહોંચ્યા હતા જે સતત પાંચ સપ્તાહના વધારા પછીનો ઘટાડો હતો. ગયા વર્ષે આ સમયે ૩૦ વર્ષના મૉર્ગેજ રેટ ૬.૩૫ ટકા હતા.

બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડે બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટ ૫.૨૫ ટકાએ જાળવી રાખવાનો નિર્ણય પૉલિસી મીટિંગમાં લીધો હતો. બે મેમ્બરોએ પચીસ બેસિસ પૉઇન્ટ ઘટાડાની તરફેણમાં મત આપ્યો હતો જે ગઈ મીટિંગમાં માત્ર એક મેમ્બરે જ ઘટાડા માટે મત આપ્યો હતો. બ્રિટનનું ઇન્ફ્લેશન નજીકના ભવિષ્યમાં બે ટકાના ટાર્ગેટ નજીક પહોંચવાની ધારણાને પગલે આગામી જૂન મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટમાં મોટે ભાગે ઘટાડો થશે એવી ધારણા મીટિંગ પછી મુકાઈ હતી. બૅન્કે ઇન્ટરેસ્ટ રેટ ૫.૨૫ ટકાથી ઘટાડીને ૩.૭૫ ટકા કરવાનું પ્રોજેક્શન મૂક્યું હતું.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ

અમેરિકાના ઇન્ટરેસ્ટ રેટના ઘટાડાથી ડૉલરની મૂવમેન્ટ અને સોનાની તેજી-મંદીનો સીધો સંબંધ હોવાથી  બધાની નજર ડૉલરની મૂવમેન્ટ પર રહેશે. ૨૦૨૩ના અંતે જ્યારે ફેડરલ રિઝર્વે ૨૦૨૪માં ત્રણ વખત ઇન્ટરેસ્ટ રેટ ઘટાડાની જાહેરાત કરી ત્યાર બાદ માર્ચમાં ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો થશે એ ધારણાએ સોનું ઑલટાઇમ હાઈ સપાટીએ ૨૧ માર્ચે ૨૨૧૦ ડૉલર થયું હતું. માર્ચમાં ઇન્ટરેસ્ટ રેટ ઘટ્યા નહોતા, ત્યાર બાદ જૂનમાં ઇન્ટરેસ્ટ રેટ ઘટશે એ ધારણાએ ૧૭ એપ્રિલે સોનું નવી ઑલટાઇમ હાઈ સપાટીએ ૨૩૯૩.૫૦ ડૉલર થયું હતું. એપ્રિલમાં અમેરિકાના ઇકૉનૉમિક ડેટા સ્ટ્રૉન્ગ આવતાં જૂનમાં ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો થવાના ચાન્સ ઘટતાં સોનું ઘટવા લાગ્યું હતું. હવે ફેડ સપ્ટેમ્બરમાં ઇન્ટરેસ્ટ રેટ ઘટાડશે એવી ધારણા મુકાઈ રહી છે. હાલ સોનું ૨૩૧૦ ડૉલર આસપાસ છે. અમેરિકન ફેડ ઇન્ટરેસ્ટ રેટ સપ્ટેમ્બરમાં ઘટાડશે કે કેમ એ વિશે હજી પણ ભારે અવઢવ છે, પણ બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ અને યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક જૂન મહિનાની મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટ ઘટાડશે એવું લગભગ નક્કી મનાઈ રહ્યું છે. અગાઉ જેમ માર્ચ અને જૂનમાં ઇન્ટરેસ્ટ રેટ ઘટાડાની ધારણાએ તેજી થઈ હતી એ જ રીતે સપ્ટેમ્બરમાં ઇન્ટરેસ્ટ રેટ ઘટાડાની ધારણા મજબૂત બનશે તો સોનામાં ફરી તેજીનો મૂડ જોઈ શકાશે. એમાંય જો જિયોપૉલિટિકલ ટેન્શન ભળે તો સોનું ૨૫૦૦થી ૨૭૦૦ ડૉલરની સપાટીને પાર ઝડપથી કરી જશે.

business news gold silver price columnists gujarati mid-day