29 November, 2024 07:45 AM IST | Mumbai | Mayur Mehta
સોનાની પ્રતીકાત્મક તસવીર
અમેરિકાના પર્સનલ કન્ઝમ્પ્શન એક્સપેન્ડિચર ઇન્ફ્લેશનના ડેટા માર્કેટની અપેક્ષા પ્રમાણે આવતાં ડિસેમ્બરમાં યોજાનારી ફેડની મીટિંગમાં રેટ-કટના ચાન્સ વધતાં સોનું વધ્યું હતું. જોકે ટ્રમ્પની જીત બાદ શરૂ થયેલી ટૅરિફ-વૉરથી ચીનની ઇકૉનૉમિક કન્ડિશન બગડવાની શક્યતાએ ચાંદી ઘટી હતી. વર્લ્ડ માર્કેટમાં સોનું વધીને ૨૬૪૯.૮૦ ડૉલરે પહોંચ્યું હતું અને ચાંદી ઘટીને ૩૦.૧૩ થઈ હતી.
મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૧૧૨ રૂપિયા વધ્યો હતો અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૫૨૬ રૂપિયા ઘટ્યો હતો. મુંબઈમાં ચાંદીનો ભાવ સતત ચોથા દિવસે ઘટ્યો હતો. ચાંદી છેલ્લા ચાર દિવસમાં ૨૯૪૬ રૂપિયા ઘટી હતી.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકાનો પર્સનલ કન્ઝમ્પ્શન એક્સપેન્ડિચર પ્રાઇસ ઇન્ડેક્સ ઑક્ટોબરમાં વધીને ૨.૩ ટકાએ પહોંચ્યો હતો જે સપ્ટેમ્બરમાં ત્રણ વર્ષની નીચી સપાટીએ ૨.૧ ટકા હતો, કોર ઇન્ડેક્સ પણ ૨.૭ ટકાથી વધીને ૨.૮ ટકાએ પહોંચ્યો હતો, પણ બન્ને ઇન્ડેક્સ માર્કેટની ધારણા પ્રમાણે આવ્યા હતા. અમેરિકન પબ્લિકની પર્સનલ ઇન્કમ ઑક્ટોબરમાં ૦.૬ ટકા વધીને સાત મહિનાની ઊંચી સપાટીએ પહોંચી હતી, જે સપ્ટેમ્બરમાં ૦.૩ ટકા વધી હતી તેમ જ અમેરિકન પબ્લિકનું પર્સનલ સ્પેન્ડિંગ ઑક્ટોબરમાં ૦.૪ ટકા વધ્યું હતું જે સપ્ટેમ્બરમાં ૦.૬ ટકા વધ્યું હતું.
અમેરિકાના ત્રીજા ક્વૉર્ટરનો ગ્રોથ રેટ ૨.૮ ટકા બીજા એસ્ટિમેટમાં આવ્યો હતો જે ઍડ્વાન્સ એસ્ટિમેટમાં પણ ૨.૮ ટકા રહ્યો હતો, પણ અગાઉના ક્વૉર્ટરમાં ગ્રોથ રેટ ત્રણ ટકા રહ્યો હતો. ત્રીજા ક્વૉર્ટરમાં ફિક્સ્ડ ઇન્વેસ્ટમેન્ટ ૧.૭ ટકા વધ્યું હતું જે અગાઉના ક્વૉર્ટરમાં ૧.૩ ટકા વધ્યું હતું.
અમેરિકામાં એક્ઝિસ્ટિંગ હોમસેલ્સ ઑક્ટોબરમાં બે ટકા વધ્યું હતું, જેના વિશે માર્કેટની ધારણા બે ટકા ઘટવાની હતી તેમ જ સપ્ટેમ્બરમાં એક્ઝિસ્ટિંગ હોમસેલ્સ ૭.૫ ટકા વધ્યું હતું. અમેરિકાનો કૉર્પોરેટ પ્રૉફિટ થર્ડ ક્વૉર્ટરમાં ૩.૧૪૧ ટ્રિલ્યન (લાખ કરોડ) ડૉલર સ્ટેડી રહ્યો હતો જે બીજા ક્વૉર્ટરમાં ૩.૫ ટકા વધ્યો હતો. અમેરિકામાં નવા અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ ૨૩ નવેમ્બરે પૂરા થયેલા સપ્તાહના અંતે ૨.૧૩ લાખ સ્ટેડી રહ્યા હતા જેના વિશે માર્કેટની ધારણા ૨.૧૬ લાખની હતી. જોકે એક્ઝિસ્ટિંગ બેનિફિટ ૨૯,૧૦૧ વધીને ૨.૪૩ લાખે પહોંચ્યા હતા.
અમેરિકાના પર્સનલ કન્ઝમ્પ્શન એક્સપેન્ડિચર પ્રાઇસ ઇન્ડેક્સ માર્કેટની ધારણા પ્રમાણે આવતાં ડૉલર ઇન્ડેક્સ ઘટ્યા મથાળેથી થોડો સુધર્યો હતો. ડૉલર ઇન્ડેક્સ ઘટીને ૧૦૬.૦૮ પૉઇન્ટ થયા બાદ વધીને ૧૦૬.૪૨ પૉઇન્ટ થયો હતો. પર્સનલ કન્ઝમ્પ્શન પ્રાઇસ ડેટા ધારણા પ્રમાણે આવતાં ડિસેમ્બરમાં ફેડના રેટ-કટના ચાન્સ થોડા વધ્યા હતા. શિકાગો મર્કન્ટાઇલ એક્સચેન્જ (CME)ના ફેડ વૉચના ડેટા પ્રમાણે હવે ડિસેમ્બરમાં રેટ-કટના ચાન્સ ૬૮.૨ ટકા છે જે ગયા સપ્તાહે ઘટીને ૫૫.૭ ટકા થયા હતા. હજી રેટ-કટના ચાન્સ ઘણા ઓછા હોવાથી ટ્રેઝરી બૉન્ડના યીલ્ડ ઘટીને ૪.૨૬૧ ટકાએ પહોંચ્યા હતા.
શૉર્ટ ટર્મ – લૉન્ગ ટર્મ
ડોનલ્ડ ટ્રમ્પની જીત બાદ વર્લ્ડમાં ટ્રેડ વૉરનો ભય દિવસે-દિવસે વધી રહ્યો છે. ખાસ કરીને ચાઇનીઝ પ્રોડક્ટની અમેરિકામાં થતી નિકાસ પર અનેક નિયંત્રણો આવવાની શક્યતાની ચર્ચા થઈ રહી છે. ચાઇનીઝ સેમિકન્ડક્ટર અને આર્ટિફિશ્યલ મેમરી ચિપ પર ટ્રમ્પ ઍડ્મિનિસ્ટ્રેશન દ્વારા નિયંત્રણો લાદવાની જાહેરાત આગામી સપ્તાહે થવાની ચર્ચા છે. ટ્રમ્પે ઑલરેડી સત્તા પર આવ્યા બાદ તમામ ચાઇનીઝ પ્રોડક્ટની આયાત પર ૧૦ ટકા વધારાની ટૅરિફ લાદવાની જાહેરાત કરી દીધી છે. ચીનની ઇકૉનૉમિક કન્ડિશન પહેલેથી ડામાડોળ છે અને અમેરિકા સાથે જો ટ્રેડ વૉર વધશે તો ચીનની ઇકૉનૉમિક કન્ડિશનને વધુ ફટકો પડશે જેની વૈશ્વિક ઇકૉનૉમિક કન્ડિશન પર પણ અસર પડશે. સોનામાં ઇકૉનૉમિક ક્રાઇસિસની કન્ડિશનમાં પણ સેફ હેવન ડિમાન્ડ વધે છે અને અગાઉના ટ્રમ્પના શાસનમાં ટ્રેડ વૉર પરાકાષ્ઠાએ પહોંચતાં સોનું ૪ વર્ષમાં બાવીસ ટકા વધ્યું હતું જેનું પુનરાવર્તન પણ ૨૦૨૫થી શરૂ થઈ શકે છે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ)ઃ ૭૬,૨૮૭
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ)ઃ ૭૫,૯૮૧
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ)ઃ ૮૭,૯૦૪
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)