ચીને નિયંત્રણો દૂર કરતાં કોરોનાનું ઇન્ફેક્શન ફેલાવાના ડરે ડૉલર ઘટતાં સોનું વધ્યું

30 December, 2022 02:15 PM IST  |  Mumbai | Mayur Mehta

ચીનના કોરોના ઇન્ફેક્શનના કેસો ઇટલીમાં દેખાતાં ઇન્ફેક્શન ફેલાવાના ભયથી બૉન્ડ યીલ્ડ પણ ઘટ્યા

પ્રતીકાત્મક તસવીર

ચીને નિયંત્રણો દૂર કરતાં કોરોનાના ઇન્ફેક્શનના કેસો ઇટલી સહિત અન્ય દેશોમાં દેખાવાના શરૂ થતાં ઇન્ફેક્શન ફેલાવાનો ડર વધતાં ડૉલર અને બૉન્ડ યીલ્ડ ઘટ્યા અને સોનું વધ્યું હતું. મુંબઈ માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૮૦ રૂપિયા વધ્યું હતું, જ્યારે ચાંદી પ્રતિ કિલો ૮ રૂપિયા ઘટી હતી.

વિદેશી પ્રવાહ

ચીને કોરોનાનાં નિયંત્રણો દૂર કરતાં અન્ય દેશોમાં કોરોનાનું ઇન્ફેક્શન ફેલાશે એવી શક્યતાને પગલે અમેરિકા, ઇટલી સહિત અનેક દેશોએ વિદેશી પ્રવાસીઓનું ચેકિંગ કડક બનાવતાં અમેરિકી ડૉલર ઘટ્યો હતો અને સોનામાં સુધારો જોવા મળ્યો હતો. વળી ઇન્ફેક્શન વધવાના પગલે ક્રૂડ તેલ અને નૅચરલ ગૅસમાં પીછેહઠ જોવા મળતાં બૉન્ડ યીલ્ડ પણ ઘટ્યા હતા, એની અસરે સોનામાં ખરીદી વધી હતી. સોનું વધીને ૧૮૧૦ ડૉલરના લેવલે પહોંચતાં ચાંદી અને પ્લૅટિનમ વધ્યાં હતાં, પણ પૅલેડિયમમાં ઘટાડો જોવા મળ્યો હતો.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

ચીને કોરોનાનાં નિયંત્રણો દૂર કરવાની સાથે ઇન્ટરનૅશનલ પૅસેન્જરોની અવરજવર પરનાં નિયંત્રણો દૂર કરતાં અન્ય દેશોમાં કોરોનાનું ઇન્ફેક્શન ફેલાવાનો ડર ઊભો થયો છે. અમેરિકા, ઇટલી વગેરે દેશોએ ચીન સહિત એશિયન દેશોથી આવતા પૅસેન્જરો માટે ટેસ્ટિંગ ફરજિયાત બનાવ્યું છે. ઇટલીએ જણાવ્યું હતું કે ચીનથી આવેલા બે પૅસેન્જરોમાં કોરોના પૉઝિટિવ મળતાં હવે દરેક ઍરપોર્ટ પર ટેસ્ટિંગને વધુ કડક બનાવવામાં આવ્યું છે. અમેરિકન ઑથોરિટીએ પણ હવે કડક ટેસ્ટિંગ દરેક ઍરપોર્ટ પર શરૂ કર્યું છે. અનેક દેશોની ગવર્નમેન્ટે કોરોનાનું ઇન્ફેક્શન વર્લ્ડમાં ફેલાવાની શક્યતા બતાવીને તેમના નાગરિકોને સલામત રહેવા સૂચનાઓ આપવાનું શરૂ કર્યું છે. કોરોનાનું ઇન્ફેક્શન અન્ય દેશોમાં ફેલાવાના ડરને કારણે ક્રૂડ તેલના ભાવ ૮૧ ડૉલરથી ઘટીને ૭૮ ડૉલર થયા હતા. ચાઇનીઝ સ્ટૉક માર્કેટ ઘટીને ખૂલ્યું હતું. કોરોનાનું ઇન્ફેક્શન વર્લ્ડ લેવલે વધવાની ધારણાને પગલે એશિયન શૅરબજારો તૂટ્યાં હતાં.

અમેરિકામાં એક્ઝિસ્ટિંગ હોમસેલ્સ નવેમ્બરમાં ચાર ટકા ઘટ્યું હતું જે સતત છઠ્ઠે મહિને ઘટ્યું હતું અને માર્કેટની માત્ર ૦.૮ ટકા ઘટવાની ધારણા સામે ચાર ટકા ઘટ્યું હતું. અમેરિકન એક્ઝિસ્ટિંગ હોમસેલ્સનો ઇન્ડેક્સ ઘટીને ૨૨ વર્ષની નીચી સપાટીએ ૭૩.૯ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે છેલ્લા એક વર્ષમાં ૩૭.૮ ટકા ઘટ્યો હતો. ઇન્ટરેસ્ટ રેટમાં ઝડપી વધારાને પગલે અમેરિકન હાઉસિંગ માર્કેટ સતત નબળી પડી રહી છે.

અમેરિકી ડૉલર ૨૦૨૨ના અંતિમ દિવસોમાં ૧૦૪ના લેવલે સ્ટેડી હતો. ચીનના રીઓપનિંગની સાથે વર્લ્ડમાં કોરોનાનું ઇન્ફેક્શન ફેલાવાના ચાન્સ વધતાં ડૉલર ઘટતો અટક્યો હતો. ફેડરલ રિઝર્વનું સ્ટેન્ડ હજી ઇન્ટરેસ્ટ રેટ વધારવા માટે ક્લિયર થયું ન હોવાથી ડૉલરના ટ્રેડમાં સાવચેતી જોવા મળી રહી છે, છતાં ગયા સપ્ટેમ્બરમાં ડૉલર ઇન્ડેક્સ ૨૦ વર્ષની ઊંચાઈએ ૧૧૪.૮ના લેવલે પહોંચ્યો હતો એ લેવલથી છેલ્લા ચાર મહિનામાં ડૉલર ઇન્ડેક્સ ૧૦ ટકા ઘટ્યો હતો. ૨૦૨૨ના વર્ષમાં ઓવરઑલ ડૉલર ઇન્ડેક્સ નવ ટકા વધ્યો હતો. ૨૦૨૩માં જો ફેડ ઇન્ટરેસ્ટ રેટ વધારવાની ગતિ ૫૦ બેસિસ પૉઇન્ટથી ઘટાડીને ૨૫ બેસિસ પૉઇન્ટ સુધી લાવશે તો ડૉલર ઇન્ડેક્સ વધુ ઘટશે.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ  

૨૦૨૩ના આરંભથી સોનામાં તેજીની આગેકૂચ ચાલુ થશે એવું વિશ્વના મોટા ભાગના ઍનલિસ્ટો માની રહ્યા છે. એના કારણમાં ઍનલિસ્ટોનું માનવું છે કે અમેરિકન ડૉલર ગયા સપ્ટેમ્બરના અંતે ૧૧૪.૮ના ૨૦ વર્ષના ઊંચા લેવલે પહોંચ્યા બાદ હાલ ૧૦૪ના લેવલે છે. ફેડરલ રિઝર્વે છેલ્લી મિટિંગમાં ૨૦૨૩માં બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટનો ટાર્ગેટ ૪.૬ ટકાથી વધારીને ૫.૧ ટકા કર્યો એમ છતાં ડૉલર સતત ઘટી રહ્યો છે. અમેરિકાના ઇકૉનૉમિક ઇન્ડિકેટર હવે ફેડને ઇન્ટરેસ્ટ રેટમાં આક્રમક વધારો કરતાં રોકશે એ નક્કી છે ત્યારે ફેડ ૨૦૨૩ના આરંભે ગમે ત્યારે ૫૦ બેસિસ પૉઇન્ટથી ઓછો ઇન્ટરેસ્ટ રેટ વધારાનો સંકેત આપે ત્યારથી સોનામાં ભાવ નૉન-સ્ટૉપ વધતા રહેશે. રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ, મિડલ ઈસ્ટમાં ટેન્શન અને વર્લ્ડ લેવલે કોરોનાનું ઇન્ફેક્શન વધવાની શક્યતાઓ વધી રહી હોવાથી સોનાનું સેફ હેવન સ્ટેટ્સ ૨૦૨૩ના આરંભથી મજબૂત બનતું જશે. અમેરિકી ડૉલરની નરમાઈ અને મજબૂત સેફ હેવન અપીલ, આ બે કારણો સોનાને ૨૧૦૦ ડૉલર સુધી લઈ જવા માટે પૂરતાં છે. 

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૫૪,૬૫૧
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૫૪,૪૩૨
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૬૭.૮૪૦
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

business news coronavirus covid19 china india