27 December, 2024 07:56 AM IST | Mumbai | Mayur Mehta
પ્રતીકાત્મક તસવીર
રશિયા-યુક્રેન વચ્ચે છેલ્લાં ત્રણ વર્ષથી ચાલતા યુદ્ધને સમાપ્ત કરવાની ટ્રમ્પની અપીલનો પુતિને ઇનકાર કરીને જ્યાં સુધી રશિયાની શરતોનું સમાધાન ન થાય ત્યાં સુધી યુદ્ધ ચાલુ રાખવાનું એલાન કરતાં સોનામાં સેફ હેવન ડિમાન્ડ વધતાં વર્લ્ડ માર્કેટમાં સોનું વધીને ૨૬૨૯.૫૦ ડૉલર સુધી પહોંચ્યું હતું. વળી ચીને ત્રણ ટ્રિલ્યન યુઆનના બૉન્ડ બહાર પાડવાની જાહેરાત કરતાં ફિઝિકલ ડિમાન્ડ વધવાની શક્યતાએ સોનામાં ખરીદી વધી હતી. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૪૬૨ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૫૨૯ રૂપિયો વધ્યો હતો.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકન ડૉલર ઇન્ડેક્સ વધીને નવી બે વર્ષની ઊંચાઈએ ૧૦૮.૨૫ પૉઇન્ટે પહોંચ્યા બાદ ૧૦૮.૧૭થી ૧૦૮.૨૦ પૉઇન્ટની રેન્જમાં રહ્યો હતો. ફેડરલ રિઝર્વે ૨૦૨૫માં રેટ-કટનું પ્રોજેક્શન ઘટાડ્યા બાદ હવે ૫૦ બેસિસ પૉઇન્ટને બદલે ૩૮ બેસસિસ પૉઇન્ટ રેટ-કટનું પ્રોજેક્શન મુકાઈ રહ્યું હોવાથી ડૉલર ઇન્ડેક્સ અને ટ્રેઝરી બૉન્ડના યીલ્ડ બન્ને સતત મજબૂતી તરફ આગળ વધી રહ્યા છે. ટ્રેઝરી બૉન્ડના યીલ્ડ પણ વધીને ૭ મહિનાની ઊંચાઈએ ૪.૬૧૩ પૉઇન્ટે પહોંચ્યા હતા. ચાઇનીઝ પૉલિટબ્યુરોએ ૨૦૨૫માં ઇકૉનૉમિક કન્ડિશનને બૂસ્ટ કરવા શ્રેણીબદ્ધ પગલાં લેવાની હાકલ કર્યા બાદ હાઉસિંગ માર્કેટને સ્ટેબિલાઇઝ કરવા અનેક પગલાં લેવાની જાહેરાત કરવામાં આવી હતી. ગવર્નમેન્ટની હાઉસિંગ અને અર્બન-રૂરલ ડેવલપમેન્ટ મિનિસ્ટ્રીએ યોજેલી બે દિવસની મીટિંગ બાદ હાઉસિંગ ડિમાન્ડ વધારવાનાં પગલાં લેવાનું નક્કી થયું હતું તેમ જ હાઉસિંગ પ્રોવિડન્ટ ફન્ડનો રોલ વધારવાનું નક્કી થયું હતું. ચીનના નવા યુવા અને માઇગ્રેટ વર્કરોને અફોર્ડેબલ હાઉસિંગ પૂરા પાડવા નવી પૉલિસી બનાવવાનું નક્કી થયું હતું. ચીનની ગવર્નમેન્ટ ઑથોરિટીએ ૨૦૨૫માં ત્રણ ટ્રિલ્યન (લાખ કરોડ) યુઆનના સ્પેશ્યલ ટ્રેઝરી બૉન્ડ બહાર પાડવાની પણ જાહેરાત કરી હતી. ચીનના સ્ટિમ્યુલસ પૅકેજને પગલે વર્લ્ડ બૅન્કે ચીનના ઇકૉનૉમિક ગ્રોથનું પ્રોજેક્શન વધારીને ૪.૯ ટકા મૂક્યું હતું જે અગાઉ જૂનમાં ૪.૮ ટકાનું મૂક્યું હતું. જોકે ચાઇનીઝ ગવર્નમેન્ટ ઑથોરિટીનું ગ્રોથ પ્રોજેક્શન પાંચ ટકાનું છે. ૨૦૨૫નું ગ્રોથ પ્રોજેક્શન વધારીને ૪.૫ ટકા મુકાયું હતું જે અગાઉ ૪.૧ ટકા હતું.
શૉર્ટ ટર્મ – લૉન્ગ ટર્મ
રશિયા અને યુક્રેન વચ્ચે ઑલમોસ્ટ ત્રણ વર્ષથી ચાલી રહેલા યુદ્ધના અંત માટે ડોનલ્ડ ટ્રમ્પે કરેલી અપીલને રશિયાએ ઠુકરાવીને વાતચીતનો દોર ચાલુ રાખવા બાબતે સહમતી બતાવી હતી પણ તાત્કાલિક યુદ્ધ સમાપ્ત થવાની કોઈ શક્યતા નથી એવું ટ્રમ્પને જણાવી દીધું હતું. રશિયાના વિદેશપ્રધાને પ્રેસ-કૉન્ફરન્સ બોલાવીને જણાવ્યું હતું કે અમેરિકાની મદદથી યુક્રેન તેની મિલિટરી કૅપિસિટી સતત વધારી રહ્યું છે ત્યારે રશિયન ફેડરેશનની સિક્યૉરિટીની ખાતરી વગર યુદ્ધ સમાપ્ત થવું અશક્ય છે. રશિયન વિદેશપ્રધાને ટ્રમ્પ ઍડ્મિનિસ્ટ્રેશનને બન્ને દેશો વચ્ચેના વિવાદને સમજવાની અપીલ કરી હતી, જ્યારે રશિયન પ્રેસિડન્ટ પુતિને યુદ્ધ સમાપ્તિ માટે કોઈ યોગ્ય પ્રપોઝલ આવશે તો એની પર વિચાર કરવાની ખાતરી આપી હતી. બીજી તરફ ઇઝરાયલ અને હમાસે પણ યુદ્ધ સમાપ્તિની મંત્રણાની નિષ્ફળતા માટે એકબીજા પર દોષારોપણ કરવાનું ચાલુ કરી દીધું છે. ટ્રમ્પે હમાસને ઇઝરાયલના બંધકોને છોડવાનું અલ્ટીમેટમ આપ્યું હતું પણ એ દિશામાં કોઈ પ્રોગ્રેસ હજી સુધી થઈ નથી. આમ, જો હાલ ચાલી રહેલાં યુદ્ધ સમાપ્ત થવાની બદલે ચાલુ રહેશે ત્યાં સુધી સોનાને સેફ હેવન ડિમાન્ડનો સપોર્ટ મળતો રહેશે. ઉપરાંત ટ્રમ્પ સત્તાનાં સૂત્રો સંભાળે ત્યાર બાદના બેથી ત્રણ મહિના યુદ્ધ સમાપ્ત થવા બાબતે કોઈ પ્રોગ્રેસ ન થાય તો સોના-ચાંદી બન્નેમાં સેફ હેવન ડિમાન્ડ વધશે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૭૬,૩૩૬
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૭૬,૦૩૦
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૮૮,૦૪૦
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)