ફેડ ચૅરમૅન પૉવેલના ઇન્ફ્લેશન ઘટવાના વિશ્વાસથી ડૉલર ઘટ્યો એટલે સોનું વધ્યું

16 May, 2024 06:51 AM IST  |  Mumbai | Mayur Mehta

અમેરિકી ડૉલર ઘટીને એક મહિનાના તળિયે પહોંચતાં સોનાની ખરીદીનું આકર્ષણ વધ્યું

પ્રતીકાત્મક તસવીર

અમેરિકી પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ફ્લેશન એપ્રિલમાં વધીને આવવા છતાં ફેડ ચૅરમૅન પૉવેલે ઇન્ફ્લેશન ઘટશે એવો વિશ્વાસ ધરાવતી કમેન્ટ કરતાં અમેરિકી ડૉલર ઘટીને એક મહિનાની નીચી સપાટીએ પહોંચતાં સોનામાં ખરીદીનું આકર્ષણ વધતાં ભાવ વધ્યા હતા. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૫૯૯ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૪૨૫ રૂપિયા વધ્યા હતા. મુંબઈમાં સોના અને ચાંદીનો ભાવ સતત બીજે દિવસે વધ્યો હતો. 

ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકન પ્રોડ્યુસર્સ પ્રાઇસ હેડલાઇન ઇન્ફ્લેશન વાર્ષિક ૨.૨ ટકાએ એપ્રિલમાં જળવાયેલું હતું, પણ કોર ઇન્ફ્લેશન એપ્રિલમાં વધીને ૨.૪ ટકા રહ્યું હતું જે માર્ચમાં ૨.૧ ટકા હતું. પ્રોડ્યુસર્સ પ્રાઇસ હેડલાઇન ઇન્ફ્લેશન જળવાયેલું રહેતાં ડૉલર ઇન્ડેક્સ ૦.૦૬ ટકા ઘટીને ૧૦૪.૯૬ પૉઇન્ટના લેવલે પહોંચ્યો હતો. વળી યુરો, ઑસ્ટ્રેલિયન ડૉલર અને અન્ય કરન્સીની મજબૂતીથી પણ ડૉલર ઇન્ડેક્સ ઘટ્યો હતો. અમેરિકન સ્મૉલ બિઝનેસ ઑપ્ટિમિઝમ ઇન્ડેક્સ એપ્રિલમાં વધીને ૮૯.૭ પૉઇન્ટે પહોંચ્યો હતો જે માર્ચમાં એક વર્ષની નીચી સપાટીએ ૮૮.૫ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૮૮.૧ પૉઇન્ટની હતી. અમેરિકન પબ્લિકની હાઉસહોલ્ડ ડેબ્ટ ૨૦૨૪ના ફર્સ્ટ ક્વૉર્ટરમાં ૧.૧ ટકા વધીને ૧૭.૬૯ ટ્રિલ્યન (લાખ કરોડ) ડૉલરે પહોંચી હતી. કન્ઝ્યુમર ક્રેડિટ, ક્રેડિટ કાર્ડ અને ઑટો લોનમાં વધારો થતાં હાઉસહોલ્ડ ડેબ્ટ વધી હતી. યુરો એરિયાનો ગ્રોથ-રેટ ૨૦૨૪ના ફર્સ્ટ ક્વૉર્ટરમાં ૦.૩ ટકા વધ્યો હતો જે અગાઉનાં બન્ને ક્વૉર્ટરમાં ૦.૧ ટકા ઘટ્યો હતો અને ફર્સ્ટ ક્વૉર્ટરમાં ગ્રોથ-રેટમાં ૦.૧ ટકા ઘટાડો થવાનું માર્કેટનું અનુમાન હતું. ચીનની સેન્ટ્રલ બૅન્કે લૅન્ડિંગ-રેટ જાળવી રાખતાં કરન્સી યુઆનનું મૂલ્ય વધ્યું હતું. પીપલ્સ બૅન્ક ઑફ ચાઇનાએ એક વર્ષના લૅન્ડિંગ-રેટને ૨.૫ ટકાએ જાળવી રાખ્યા હતા. 

શૉર્ટ ટર્મ – લૉન્ગ ટર્મ 
અમેરિકાએ ચીનથી આયાત થતાં ઇલેક્ટ્રિકલ વેહિકલ પર ૧૦૦ ટકા, સોલર પૅનલ-સેમિકન્ડક્ટર પર ૫૦ ટકા અને સ્ટીલ-ઍલ્યુમિનિયમ આઇટમ પર ૨૫ ટકા ટૅરિફ વધારવાનો નિર્ણય લીધો હતો. અમેરિકાના નિર્ણય સામે ચીને ભારે વિરોધ નોંધાવ્યો છે. ચાઇનીઝ મિનિસ્ટરે જણાવ્યું હતું કે અમેરિકાએ ટૅરિફ વધારવાના ખોટા નિર્ણયો તાત્કાલિક પાછા ખેંચવા જોઈએ. અમેરિકાએ ચાઇનીઝ પ્રોડક્ટ પર ટૅરિફ વધારતાં ફરી ચીન અને અમેરિકા વચ્ચેના સંબંધો બગડ્યા હોવાના સંકેત મળી રહ્યા છે. ડોનલ્ડ ટ્રમ્પ જ્યારે પ્રેસિડન્ટ હતા ત્યારે ચાઇનીઝ પ્રોડક્ટ અને ચાઇનીઝ સર્વિસિઝ પર વધારાના ટૅરિફ લાગુ કર્યા હતા. એ વખતે સોનામાં સેફ હેવન ડિમાન્ડ વધતાં ઉછાળો જોવા મળ્યો હતો. અમેરિકા અને ચીન વિશ્વના બે સૌથી મોટા ઇકૉનૉમિક પાવરહાઉસ હોવાથી આ બન્ને દેશો વચ્ચે સંબંધ બગડતાં અનેક પ્રકારની ઇકૉનૉમિક ઍક્ટિવિટી પર અસર પડતી હોવાથી સોનાના ભાવને આ બાબતનો સપોર્ટ મળી શકે છે.

business news share market stock market sensex nifty