08 January, 2025 08:15 AM IST | Mumbai | Mayur Mehta
સોનું - ચાંદીની પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ટ્રમ્પે સત્તાગ્રહણ કર્યા બાદ ટૅરિફ વધારવાનો દૃઢ પુનરુચ્ચાર કરતાં વર્લ્ડ માર્કેટમાં સોનું ફરી વધીને ૨૬૫૦ ડૉલર નજીક પહોંચ્યું હતું. અધૂરામાં પૂરું ચીનની સેન્ટ્રલ બૅન્કે ડિસેમ્બરમાં સતત બીજે સપ્તાહે સોનાની ખરીદી કરતાં ૨૦૨૫માં સેન્ટ્રલ બૅન્કોની સોનાની ખરીદી ફરી બુલંદી તરફ આગળ વધવાના સંકેતોને પગલે સોનામાં ખરીદી વધી હતી.
મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૩૫ રૂપિયા ઘટ્યો હતો, પણ ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૩૨૨ રૂપિયો વધ્યો હતો. ચાંદીનો ભાવ સતત પાંચમા દિવસે વધ્યો હતો. ચાંદીનો ભાવ છેલ્લા પાંચ દિવસમાં ૩૪૫૭ રૂપિયા વધ્યો હતો.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકન ઇલેક્ટેડ પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ ટૅરિફ વધારા વિશે કોઈ આક્રમક રવૈયો નહીં અપનાવે એવા વૉશિંગ્ટન પોસ્ટના અહેવાલને પગલે ડૉલર ઇન્ડેક્સ ઘટીને ૧૦૭.૮૫ પૉઇન્ટે પહોંચ્યો હતો, પણ ટ્રમ્પે આ રિપોર્ટને રદિયો આપતાં ડૉલર ઇન્ડેક્સ ફરી વધીને ૧૦૮.૪૩ પૉઇન્ટે પહોંચ્યા બાદ ૧૦૮.૬થી ૧૦૮.૧૦ પૉઇન્ટની રેન્જમાં રહ્યો હતો. ફેડ ગવર્નરે રેટ-કટના નિર્ણયમાં સાવચેતીભર્યો અભિગમ અપનાવવામાં આવશે એવી કમેન્ટને પગલે ટ્રેઝરી બૉન્ડનાં યીલ્ડ ૦.૦૨૬ ટકા વધીને ૪.૬૪૨ ટકાએ પહોંચ્યાં હતાં.
યુરો એરિયાનું ઇન્ફ્લેશન ડિસેમ્બરમાં સતત ત્રીજે મહિને વધીને છ મહિનાની ઊંચાઈએ ૨.૪ ટકાએ પહોંચ્યું હતું, નવેમ્બરમાં ઇન્ફ્લેશન ૨.૨ ટકા હતું. યુરો એરિયાનું ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન આગામી ૧૨ મહિના માટેનું વધીને ૨.૬ ટકા નવેમ્બરમાં રહ્યું હતું જે ઑક્ટોબરમાં ૨.૫ ટકા હતું. ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન સતત બીજે મહિને વધ્યું હતું. આગામી ત્રણ વર્ષનું ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન વધીને પાંચ મહિનાની ઊંચાઈએ ૨.૪ ટકાએ પહોંચ્યું હતું. યુરો એરિયાના ઇકૉનૉમિક ગ્રોથનું એક્સપેક્ટેશન વધુ નબળું પડીને નવેમ્બરમાં માઇનસ ૧.૩ ટકા રહ્યું હતું જે ઑક્ટોબરમાં માઇનસ ૧.૧ ટકા હતું જ્યારે અનએમ્પ્લૉયમેન્ટ રેટનું એક્સપેક્ટેશન ૧૦.૪ ટકાથી વધીને ૧૦.૬ ટકાએ પહોંચ્યું હતું.
અમેરિકી ડૉલર સતત મજબૂત થઈ રહ્યો હોવાથી એની અસરે ચાઇનીઝ ફૉરેન એક્સચેન્જ રિઝર્વ ડિસેમ્બરમાં ઘટીને આઠ મહિનાની નીચી સપાટીએ ૩.૨ ટ્રિલ્યન (લાખ કરોડ) ડૉલરે પહોંચી હતી જે નવેમ્બરમાં ૩.૨૬ ટ્રિલ્યન ડૉલર હતી. ડિસેમ્બરમાં ગોલ્ડ રિઝર્વ પણ વધીને ૭.૩૨ કરોડ ઔંસે પહોંચી હતી જે નવેમ્બરમાં ૭.૨૯૬ કરોડ ઔંસ હતી.
ચાલુ સપ્તાહે બુધવારે અમેરિકાના ડિસેમ્બર મહિનાના પ્રાઇવેટ સેક્ટરના જૉબ-ડેટા અને શુક્રવારે જનરલ જૉબ-ડેટા તથા ડિસેમ્બર મહિનાનો અનએમ્પ્લૉયમેન્ટ રેટ જાહેર થશે. મંગળવારે ઓવરનાઇટ અમેરિકાના જૉબ ઓપનિંગ ડેટા જાહેર થશે. આ ઉપરાંત ચીનના કન્ઝ્યુમર અને પ્રોડ્યુસર્સ ઇન્ફ્લેશનના ડેટા અને યુરો એરિયાના રીટેલ સેલ્સના ડેટા ચાલુ સપ્તાહે જાહેર થશે.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
ડોનલ્ડ ટ્રમ્પનો સત્તાગ્રહણ સમારોહ હવે નજીક આવી રહ્યો હોવાથી નવી પૉલિસી વિશે અફવાઓ અને ધારણાઓનું બજાર ગરમ છે. ટ્રમ્પે ઇલેક્શન કૅમ્પેનમાં અનેક પ્રકારના આક્રમક ફેરફારના દાવાઓ કર્યા હોવાથી ખાસ કરીને ટૅરિફ પૉલિસી વિશે અનેક પ્રકારની ધારણાઓ બંધાઈ રહી છે ત્યારે કૅનેડાના પ્રેસિડન્ટ ટ્રુડોએ રાજીનામું આપતાં ટૅરિફ-વધારાનો મામલો ટ્રમ્પ સત્તા સંભાળશે ત્યાર બાદ વધુ કન્ટ્રોવર્સી ઊભી કરશે એવું અભ્યાસુઓ માની રહ્યા છે. આવી વિકટ સ્થિતિમાં ચીનમાં કોરોના જેવા નવા વાઇરસનો ઉપદ્રવ વધવાની જાત-જાતની ડરામણી વાતો વચ્ચે વર્લ્ડમાં ચારે તરફથી જોખમ વધી રહ્યું છે. અમેરિકાની તોતિંગ ડેબ્ટ, ટૅરિફ-વધારાની અસર અને હાલ ચાલુ યુદ્ધોનું જિયોપૉલિટિકલ ટેન્શન વચ્ચે યુરો એરિયા, અમેરિકા સહિત અનેક દેશોમાં ધીમી ગતિએ ઇન્ફ્લેશન ફરી વધી રહ્યું છે એવા સમયે સોનું ઘટે તો નીચા મથાળેથી ખરીદી કરવા માટે અનેક પ્રકારે સેફહેવન ડિમાન્ડ નીકળી શકે છે. આથી સોનામાં જ્યાં સુધી ટ્રમ્પનું શાસન રહે ત્યાં સુધી મંદીથવાની કોઈ શક્યતા દૂર-દૂર સુધી દેખાતી નથી.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૭૭,૧૨૬
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૭૬,૮૧૭
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૮૯,૪૭૪
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)