17 December, 2024 08:27 AM IST | Mumbai | Mayur Mehta
પ્રતીકાત્મક તસવીર
ડોનલ્ડ ટ્રમ્પે ઇઝરાયલને સમર્થન આપીને ગાઝામાં બંધક થયેલાઓને છોડવાની ધમકી આપતાં ઇઝરાયલે ગાઝા પર ઍર અને ગ્રાઉન્ડ લેવલે નવો અટૅક કરતાં સોનામાં સેફ હેવન ડિમાન્ડ વધતાં વર્લ્ડ માર્કેટમાં સોનું વધીને ૨૬૬૪.૨૦ ડૉલરે પહોંચ્યુ હતું. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૧૪ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૪૬૧ રૂપિયા ઘટ્યો હતો. ચાંદી છેલ્લા બે દિવસમાં ૩૭૮૫ રૂપિયા ઘટી હતી.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકન ડૉલર ઇન્ડેક્સ સોમવારે ઑલમોસ્ટ ૧૦૬.૯૬ પૉઇન્ટ સ્ટેડી રહ્યો હતો. ફેડની બુધવારે મળનારી મીટિંગમાં પચીસ બેસિસ પૉઇન્ટનો રેટ-કટ નિશ્ચિત મનાય છે, પણ ૨૦૨૫નું ઇન્ટરેસ્ટ રેટ વિશેનું પ્રોજેક્શન અનિશ્ચિત હોવાથી ડૉલર ઇન્ડેક્સમાં કોઈ મોટી વધ-ઘટ થઈ નહોતી. વળી ચાલુ સપ્તાહે અનેક સેન્ટ્રલ બૅન્કોના ઇન્ટરેસ્ટ રેટ વિશે પૉલિસી ડિસિઝન આવવાના હોવાથી ડૉલર ઇન્ડેક્સમાં કોઈ મોટો ફેરફાર થયો નહોતો.
ચીનના રીટેલ સેલ્સમાં નવેમ્બરમાં ત્રણ ટકાનો વધારો થયો હતો, જેમાં ઑક્ટોબરમાં ૪.૮ ટકાનો વધારો થયો હતો અને માર્કેટની ધારણા ૪.૬ ટકા વધારાની હતી. રીટેલ સેલ્સનો વધારો છેલ્લા ત્રણ મહિનાનો સૌથી ઓછો રહ્યો હતો. ચીનનું ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન નવેમ્બરમાં ૫.૪ ટકા વધ્યું હતું જે ઑક્ટોબરમાં ૫.૩ ટકા વધ્યું હતું અને માર્કેટની ધારણા પણ ૫.૩ ટકાની હતી. ચીનનું ફિક્સ્ડ ઍસેટ ઇન્વેસ્ટમેન્ટ નવેમ્બરમાં ૦.૧ ટકા જ વધ્યું હતું જે ઑક્ટોબરમાં ૦.૧૬ ટકા વધ્યું હતું, જે જાન્યુઆરીથી નવેમ્બર દરમ્યાન ૩.૩ ટકા વધ્યું હતું. ચીનમાં ટૉપ લેવલનાં ૭૦ શહેરોમાં હોમપ્રાઇસ નવેમ્બરમાં ૫.૭ ટકા ઘટી હતી જે સતત સત્તરમાં મહિને ઘટી હતી. ગવર્નમેન્ટ ઑથોરિટી દ્વારા હાઉસિંગ સેક્ટરની મંદીને દૂર કરવા અનેક પગલાં લેવાઈ રહ્યાં છે, પણ એ કારગત નીવડ્યાં નથી. ચીનમાં ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ નવેમ્બરમાં નજીવું વધ્યું હતું, પણ ચાલુ વર્ષે જાન્યુઆરીથી નવેમ્બર દરમ્યાન ૨૭.૯ ટકા ઘટ્યું હતું.
યુરો એરિયાનો પ્રિલિમિનરી મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ડિસેમ્બરમાં ૪૫.૨ પૉઇન્ટે રહ્યો હતો જે નવેમ્બર જેટલો જ હતો, પણ માર્કેટની ૪૫.૩ પૉઇન્ટની ધારણાથી નીચો રહ્યા હતો, જ્યારે સર્વિસ સેક્ટરનો પ્રિલિમિનરી ગ્રોથ વધીને ૫૧.૪ પૉઇન્ટે પહોંચ્યો હતો જે નવેમ્બરમાં ૪૯.૫ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા પણ ૪૯.૫ પૉઇન્ટની હતી. સર્વિસ સેક્ટરનો ગ્રોથ વધતાં પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ ડિસેમ્બરમાં વધીને ૪૯.૫ પૉઇન્ટે પહોંચ્યો હતો જે નવેમ્બરમાં ૪૮.૩ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૪૮.૨ પૉઇન્ટની હતી.
ભારતની એક્સપોર્ટ નવેમ્બરમાં ૫.૩ ટકા ઘટીને બે વર્ષની નીચી સપાટીએ પહોંચતાં તેમ જ આયાત ૨૭ ટકા વધતાં ટ્રેડ ડેફિસિટ રેકૉર્ડબ્રેક ઊંચાઈએ ૩૭.૮ અબજ ડૉલરે પહોંચી હતી જે એક વર્ષ અગાઉ ૨૦.૬ અબજ ડૉલર હતી. સોનાની આયાતડ્યુટી ગયા બજેટમાં ઘટ્યા બાદ ભારતની ટ્રેડ ડેફિસિટ સતત વધી રહી છે જે આગળ જતાં સોનાની આયાત પર નિયંત્રણ મૂકી શકે છે.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
ચાલુ સપ્તાહે ફેડની મીટિંગમાં પચીસ બેસિસ પૉઇન્ટનો રેટ-કટ નિશ્ચિત છે. આ ઉપરાંત બૅન્ક ઑફ જપાનની પૉલિસી મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટ વધશે કે કેમ એના પર બધાની નજર મંડાયેલી છે. બૅન્ક ઑફ જપાનનું ઇન્ટરેસ્ટ રેટ વિશેનું ડિસિઝન ડૉલરની વધ-ઘટ માટે મહત્ત્વનું બની રહેશે, કારણ કે જો જપાન ઇન્ટરેસ્ટ રેટ વધારે કે એ વધારવાનો કોઈ સંકેત આપે અને ફેડ રેટ-કટ ૨૦૨૫માં આગળ નહીં વધે એવો સંકેત આપે તો ડૉલરની મંદીથી સોનાની તેજીને નવો સપોર્ટ મળી શકે છે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૭૬,૯૦૮
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૭૬,૬૦૦
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૮૯,૫૧૫
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)