ફેડ મે મહિનામાં ઇન્ટરેસ્ટ રેટ વર્તમાન લેવલે જાળવી રાખે એવી શક્યતા વધતાં સોનું વધ્યું

31 March, 2023 02:57 PM IST  |  Mumbai | Mayur Mehta

ઇન્ટરેસ્ટ રેટ વધારાને બ્રેક લાગવાની શક્યતાએ ડૉલર ઘટતાં સોનામાં ખરીદીનું આકર્ષણ વધ્યું

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

અમેરિકન ફેડ મે મહિનામાં ઇન્ટરેસ્ટ રેટ હાલના લેવલે જાળવી રાખે એવી શક્યતાઓ વધતાં સોના-ચાંદીમાં નવેસરથી ઉછાળો જોવા મળ્યો હતો. 

વિદેશી પ્રવાહ 

અમેરિકાના ઇન્ટરેસ્ટ રેટ વધારવાના અને જાળવી રાખવાના સંજોગોને આધારે હાલ સોનામાં વધ-ઘટ જોવા મળે છે. સી.એમ.ઈ. ફેડ વૉચ ટૂલના ડેટા અનુસાર ફેડ મે મહિનામાં ઇન્ટરેસ્ટ રેટ હાલના લેવલે જાળવી રાખે એવી શક્યતા વધીને ૫૮.૮ પૉઇન્ટે પહોંચી છે. સી.એમ.ઈ.ના ફેડ વૉચ ટૂલના ડેટામાં બુધવારે ફેડ ૨૫ બેસિસ પૉઇન્ટ વધારે એવી શક્યતા ૪૦.૧ ટકાની હતી. ફેડ ઇન્ટરેસ્ટ રેટ જાળવી રાખે એવી શક્યતા વધતાં સોનું ગુરુવારે વધીને ૧૯૭૨.૮૦ ડૉલરે પહોંચ્યું હતું. ઇન્ટરેસ્ટ રેટ જાળવી રાખે એવી શક્યતા વધતાં ડૉલર પણ ૦.૨ ટકા ઘટ્યો હતો. સોનું વધતાં ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ વધ્યાં હતાં. 

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

યુરો એરિયાનું ઇન્ડસ્ટ્રિયલ સેન્ટિમેન્ટ માર્ચમાં ઘટીને માઇનસ ૦.૨ પૉઇન્ટે પહોંચ્યું હતું જે ફેબ્રુઆરીમાં પ્લસ ૦.૪ પૉઇન્ટ હતું અને માર્કેટની ધારણા પ્લસ ૦.૨ પૉઇન્ટની હતી. ઇન્ડસ્ટ્રિયલ સેન્ટિમેન્ટ હાલ ચાર મહિનાની નીચી સપાટીએ પહોંચ્યું છે. ઇન્ડસ્ટ્રિયલ સેક્ટરમાં એક્સપોર્ટ ઑર્ડર વધવા છતાં અગાઉના ઑર્ડર ઘટતાં જે બૅકલોગ ઊભું થયું છે એને કારણે સેન્ટિમેન્ટ નબળું પડ્યું છે. 

યુરો એરિયાના સર્વિસ સેક્ટરનું સેન્ટિમેન્ટ માર્ચમાં ઘટીને ૯.૪ પૉઇન્ટે પહોંચ્યું હતું, જે ફેબ્રુઆરીમાં ૯.૫ પૉઇન્ટ હતું અને માર્કેટની ધારણા ૧૦.૩ પૉઇન્ટની હતી. સર્વિસ સેક્ટરમાં ડિમાન્ડ એક્સપેક્ટેશન વધ્યું હોવા છતાં અગાઉની બિઝનેસ કન્ડિશન રિકવરી થઈ ન હોવાથી અને વર્તમાન ડિમાન્ડ હજી નબળી હોવાથી સર્વિસ સેક્ટરનું સેન્ટિમેન્ટ ઘટ્યું હતું.
યુરો એરિયાનું ઇકૉનૉમિક સેન્ટિમેન્ટ માર્ચમાં ઘટીને ૯૯.૩ પૉઇન્ટે પહોંચ્યું હતું જે ફેબ્રુઆરીમાં ૯૯.૬ પૉઇન્ટ અને માર્કેટની ધારણા ૯૯.૮ પૉઇન્ટની હતી. યુરો એરિયાનું ઇકૉનૉમિક સેન્ટિમેન્ટ સતત બીજે મહિને ઘટ્યું હતું. ખાસ કરીને મૅન્યુફૅક્ચરિંગ, રીટેલ અને કન્સ્ટ્રક્શન્સ સેક્ટરમાં ગ્રોથ ઘટતાં ઓવરઑલ ઇકૉનૉમિક સેન્ટિમેન્ટ ખરડાયું હતું. વળી ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન પણ વધીને ૧૮.૯ પૉઇન્ટે પહોંચ્યું હતું, જે ફેબ્રુઆરીમાં બે વર્ષની નીચી સપાટીએ ૧૭.૮ પૉઇન્ટ હતું. 

યુરો એરિયાના કન્ઝ્યુમર મોરલ ઇન્ડિકેટરમાં માર્ચમાં ૦.૧ પૉઇન્ટનો ઘટાડો થઈને માઇનસ ૧૯.૨ પૉઇન્ટ રહ્યા હતા. જોકે આ રીડિંગ છેલ્લા એક વર્ષનું સૌથી હાઇએસ્ટ હતું. યુરોપિયન યુનિયનમાં પણ કન્ઝ્યુમર મોરલ ૦.૧ ટકા ઘટ્યું હતું, જેમાં છેલ્લા પાંચ મહિનાથી સતત વધારો થતો હતો. જોકે મોટા ભાગની યુરોપિયન પબ્લિકની ફાઇનૅન્શિયલ કન્ડિશન સ્ટેબલ હોવાથી કન્ઝ્યુમર મોરલ આગામી દિવસોમાં સુધરવાની ધારણા છે. 

અમેરિકામાં એક્ઝિસ્ટિંગ હોમસેલ્સ ફેબ્રુઆરીમાં ૦.૮ ટકા વધ્યું હતું જે સતત ત્રીજે મહિને વધીને પાંચ મહિનાની ઊંચાઈએ પહોંચ્યું હતું. જાન્યુઆરીમાં એક્ઝિસ્ટિંગ હોમસેલ્સ ૮.૧ ટકા વધ્યું હતું, જ્યારે માર્કેટની ધારણા ફેબ્રુઆરીમાં એક્ઝિસ્ટિંગ હોમસેલ્સ ૨.૩ ટકા ઘટવાની હતી. મૉર્ગેજ રેટ સતત ઘટી રહ્યા હોવાથી એક્ઝિસ્ટિંગ હોમસેલ્સ વધી રહ્યું છે. 

અમેરિકાના મૉર્ગેજ રેટ સતત ત્રીજે સપ્તાહે ઘટ્યા હતા. ૩૦ વર્ષના ફિક્સ્ડ મૉર્ગેજ રેટ ૨૪ માર્ચે પૂરા થયેલા સપ્તાહના અંતે ત્રણ બેસિસ પૉઇન્ટ ઘટીને ૬.૪૫ ટકાએ પહોંચ્યા હતા. હાલના મૉર્ગેજ રેટ છેલ્લા સવા મહિનાના સૌથી નીચા હતા, છતાં પણ મૉર્ગેજ રેટ એક વર્ષમાં ૧.૬૫ ટકા વધ્યા છે. મૉર્ગેજ રેટ ઘટતાં મૉર્ગેજ ઍપ્લિકેશન ૨૪ માર્ચે પૂરા થયેલા સપ્તાહના અંતે ૨.૯ ટકા વધી હતી, જે સતત ચોથા સપ્તાહે વધી હતી. મૉર્ગેજ ઍપ્લિકેશનમાં સતત ચાર સપ્તાહનો વધારો ચાર વર્ષ પછી પ્રથમ વખત જોવા મળ્યો હતો. હોમલોનના રીફાઇનૅન્સ માટેની ઍપ્લિકેશનમાં ૪.૮ ટકાનો વધારો થયો હતો, જ્યારે હોમલોન પર્ચેઝ કરવાની ઍપ્લિકેશનમાં બે ટકાનો વધારો થયો હતો. 

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ 

યુરોપિયન યુનિયનના ચીફ ઇકૉનૉમિસ્ટ અને યુરોપિયન સેન્ટ્રલ બૅન્કના મેમ્બર ફિલિપ લેનની કમેન્ટ સોના-ચાંદી માર્કેટ માટે બહુ જ અગત્યની છે. ફિલિપ લેને જણાવ્યું હતું કે યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે ઇન્ફ્લેશનને બે ટકાના ટાર્ગેટ સુધી લઈ જવા માટે ઇન્ટરેસ્ટ રેટનો વધારો લાંબા સમય સુધી ચાલુ રાખવો પડશે. યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે જુલાઈથી ઇન્ટરેસ્ટ રેટ વધારવાના ચાલુ કર્યા અને હાલ બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટ ૩.૫૦થી ૩.૭૫ ટકા છે. ફેડરલ રિઝર્વે માર્ચ મહિનાથી ઇન્ટરેસ્ટર રેટ વધારવાના ચાલુ કર્યા અને હાલ અમેરિકાના બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટ ૪.૭૫થી ૫ ટકા છે. બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડે છેક ડિસેમ્બર ૨૦૨૧થી ઇન્ટરેસ્ટ રેટ વધારવાના ચાલુ કર્યા અને હાલ બ્રિટનના બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટ ૪.૨૫થી ૪.૫૦ ટકા છે. આમ, યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક ફેડ અને બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ કરતાં હજી લાંબા સમય સુધી ઇન્ટરેસ્ટ રેટ વધારી શકે છે. ફેડ આગામી એક જ મીટિંગ સુધી ઇન્ટરેસ્ટ રેટ વધારી શકે એમ છે, જ્યારે યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક હજી ચારથી પાંચ મીટિંગ સુધી ઇન્ટરેસ્ટ રેટ વધારી શકે છે. આમ, યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક ઇન્ટરેસ્ટ રેટ વધારે અને એ દરમ્યાન જો  ફેડ ઇન્ટરેસ્ટ રેટ ન વધારે તો ડોલર પર દબાણ વધવાનું છે અને સોનાની તેજીને નવો સપોર્ટ મળશે. આમ, મીડિયમથી લૉન્ગ ટર્મ સોનામાં ડૉલરના ઘટાડા થકી તેજીના સંજોગો અત્યંત ઉજળા છે.

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૫૯,૩૩૫
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૫૯,૦૯૭
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ) : ૭૦,૦૦૦
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

business news commodity market inflation