અમેરિકાનું ઇન્ફ્લેશન ઘટતાં જૂનમાં ઇન્ટરેસ્ટ રેટ વધારો અટકશે એવી ધારણાથી સોનું વધ્યું

12 May, 2023 02:25 PM IST  |  Mumbai | Mayur Mehta

અમેરિકાનું ઇન્ફ્લેશન બે વર્ષની નીચી સપાટીએ પહોંચતાં ફેડ રેટ નહીં વધારે એના ચાન્સ ૯૯.૭ ટકાએ પહોંચ્યા

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

અમેરિકાનું ઇન્ફ્લેશન ઘટીને બે વર્ષની નીચી સપાટીએ પહોચતાં ફેડ જૂનમાં ઇન્ટરેસ્ટ રેટ વધારો અટકાવશે એવી શક્યતા વધીને ૯૯.૭ ટકાએ પહોંચતાં સોનું વધ્યું હતું. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૯૦ રૂપિયા વધ્યું હતું, જ્યારે ચાંદી પ્રતિ કિલો ૧૪૬૬ રૂપિયા ઘટી હતી. 

વિદેશી પ્રવાહ 

અમેરિકાનું ઇન્ફ્લેશન ગયા જૂન મહિનાની સાડાચાલીસ વર્ષની ઊંચાઈએથી સતત ઘટીને એપ્રિલમાં બે વર્ષની નીચી સપાટી ૪.૯ ટકાએ પહોંચતાં ફેડના ઇન્ટરેસ્ટ રેટ વધારાના ચાન્સ ગગડી ગયા હતા અને એની અસરે ડૉલર પણ ઘટ્યો હતો. ઇન્ફ્લેશનના ઘટાડાની જાહેરાત બાદ ગણતરીના કલાકમાં સોનું વધીને ૨૦૪૯.૬૦ ડૉલર પહોંચ્યું હતું, પણ ઊંચા મથાળે પ્રૉફિટ બુકિંગ શરૂ થતાં ગુરુવારે સોનું નજીવું ઘટ્યું હતું, પણ દિવસ દરમ્યાન દરેક ઘટાડે નવી લેવાલી આવતી રહેતી હતી અને ભાવ વધતા રહ્યા હતા. ગુરુવારે સાંજે સોનાની રેન્જ ૨૦૩૭થી ૨૦૩૮ ડૉલરની હતી. સોનું વધવા છતાં ચાંદી, પ્લૅટિનમ અને પેલેડિયમ ઘટ્યાં હતાં. 

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકાનું એપ્રિલ મહિનાનું ઇન્ફ્લેશન ઘટીને બે વર્ષની નીચી સપાટીએ ૪.૯ પૉઇન્ટે પહોંચ્યું હતું જે માર્કેટની પાંચ ટકાની ધારણા કરતાં ઓછું રહ્યું હતું અને માર્ચમાં પણ ઇન્ફ્લેશન પાંચ ટકા રહ્યું હતું. ગયા જૂનમાં ૯.૧ ટકાએ પહોંચેલું ઇન્ફ્લેશન છેલ્લા ૧૦ મહિનાથી સતત ઘટી રહ્યું છે. મન્થ્લી બેઝ પર ઇન્ફ્લેશન ૦.૪ ટકા ઘટ્યું હતું, જે માર્ચમાં ૦.૧ ટકા ઘટ્યું હતું. અમેરિકામાં ફૂડ પ્રાઇસનો ગ્રોથ સતત ઘટી રહ્યો છે. એપ્રિલમાં ફૂડ પ્રાઇસ ૭.૭ ટકા વધી હતી જે માર્ચમાં ૮.૫ ટકા વધી હતી. એનર્જી કૉસ્ટ એપ્રિલમાં ૫.૧ ટકા ઘટી હતી અને ગૅસોલિનના ભાવ એપ્રિલમાં ૧૨.૨ ટકા ઘટ્યા હતા, ઓવરઑલ ફ્યુઅલ પ્રાઇસ એપ્રિલમાં ૨૦.૨ ટકા ઘટી હતી. 

ઇન્ટરેસ્ટ રેટમાં સતત ઘટાડાને પગલે મૉર્ગેજ રેટ ઘટી રહ્યા છે. મે મહિનાના પ્રથમ સપ્તાહમાં ૩૦ વર્ષના ફિક્સ્ડ મૉર્ગેજ રેટ બે બેસિસ પૉઇન્ટ ઘટીને ત્રણ સપ્તાહની નીચી સપાટીએ ૬.૪૮ ટકાએ પહોંચ્યા હતા. મૉર્ગેજ રેટ ઘટતાં મે મહિનાના પ્રથમ સપ્તાહમાં મૉર્ગેજ ઍપ્લિકેશન ૬.૩ ટકા વધી હતી, જે વધારો છેલ્લા બે મહિનાનો સૌથી મોટો હતો. રહેણાક મકાન ખરીદવા માટેની મૉર્ગેજ ઍપ્લિકેશન ૪.૮ ટકા અને હોમ લોનનું પેમેન્ટ કરવા માટેની રિફાઇન્સની મૉર્ગેજ ઍપ્લિકેશન ૧૦ ટકા વધી હતી. 

અમેરિકાની બજેટ સરપ્લસ એપ્રિલમાં ઘટીને ૧૭૬ અબજ ડૉલરે પહોંચી હતી, જે એક વર્ષ અગાઉ ૩૦૮ અબજ ડૉલર હતી અને માર્કેટની ૨૩૫ અબજ ડૉલરની ધારણા કરતાં નીચી રહી હતી. અમેરિકામાં એપ્રિલ ૨૦૨૨ પછી પ્રથમ વખત બજેટ સરપ્લસ જોવા મળી હતી. ખાસ કરીને આઉટલેટ ૧૭ ટકા ઘટતાં બજેટ સરપ્લસ જોવા મળી હતી. સરકારની રેવન્યુ સતત ઘટી રહી છે. એપ્રિલમાં સરકારની રેવન્યુ ૨૬ ટકા ઘટી હતી. ૨૦૨૩ના નાણાકીય વર્ષના પ્રથમ સાત મહિનામાં બજેટ ડેફિસિટ ૧૫૭ ટકા વધીને ૯૨૫ અબજ ડૉલરે પહોંચી હતી, જે ગયા વર્ષે આ સમયગાળામાં ૩૬૦ અબજ ડૉલર હતી. 

ચીનનું ઇન્ફ્લેશન ઘટીને એપ્રિલમાં બે વર્ષની નીચી સપાટીએ ૦.૧ ટકાએ પહોંચ્યું હતું જે માર્ચમાં ૦.૭ ટકા હતું અને માર્કેટની ધારણા ૦.૪ ટકાની હતી. કોરોનાનાં નિયંત્રણો દૂર થયા બાદ ઇન્ફ્લેશન સતત ઘટી રહ્યું છે. ચીનનું ફૂડ પ્રાઇસ ઇન્ફ્લેશન એપ્રિલમાં ઘટીને ૧૩ મહિનાની નીચી સપાટીએ ૦.૪ ટકાએ પહોંચ્યું હતું, જે માર્ચમાં ૨.૪ ટકા હતું. કુકિંગ ઑઇલના ભાવ એપ્રિલમાં ૪.૮ ટકા વધ્યા હતા જે માર્ચમાં ૫.૮ ટકા વધ્યા હતા. ફ્રેશ ફ્રૂટના ભાવ એપ્રિલમાં માત્ર ૫.૩ ટકા વધ્યા હતા, જે માર્ચમાં ૧૧.૫ ટકા વધ્યા હતા. નૉન-ફૂડ પ્રાઇસ એપ્રિલમાં માત્ર ૦.૧ ટકા વધી હતી જે માર્ચમાં ૦.૩ ટકા વધી હતી. ટ્રાન્સપોર્ટેશન અને હાઉસિંગ એપ્રિલમાં સસ્તું થયું હતું, જ્યારે હેલ્થ ઇન્ફ્લેશન યથાવત્ રહ્યું હતું અને એજ્યુકેશન મોંઘું થયું હતું. 
ચીનનો પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ફ્લેશન એપ્રિલમાં ઘટીને ત્રણ વર્ષની નીચી સપાટીએ ૩.૬ ટકાએ પહોંચ્યું હતું જે માર્ચમાં ૨.૫ ટકા ઘટ્યું હતું અને માર્કેટની ધારણા ૩.૨ ટકા ઘટાડાની હતી. પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ફ્લેશન સતત સાતમા મહિને ઘટ્યું હતું. ખાસ કરીને પ્રોસેસિંગ પ્રાઇસમાં ઝડપી અને મોટો ઘટાડો જોવા મળ્યો હતો. આ ઉપરાંત રો-મટીરિયલ્સ અને એક્સટ્રેક્શન સસ્તું થયું હતું.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ 

અમેરિકન ફેડ માટે ઇન્ટરેસ્ટ રેટ વધારવાના તમામ વિકલ્પો એક પછી એક બંધ થઈ રહ્યા હોવાથી ડૉલરની નબળાઈ સતત વધી રહી છે. ડૉલરની નબળાઈને કારણે સોનામાં સ્વભાવિક તેજીના સંજોગો વધે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે ફેડરલ રિઝર્વે હજી ઇન્ટરેસ્ટ રેટ વધારાને બ્રેક લગાવી નથી, પણ ઇન્ટરેસ્ટ રેટ વધારો રોકાશે એવી શક્યતાથી જ સોનું વધીને ૨૦૫૦ ડૉલર સુધી પહોંચ્યું છે. અમેરિકાનું ઇન્ફ્લેશન ઘટીને બે વર્ષની નીચી સપાટીએ પહોંચતાં હવે ફેડને ઇન્ટરેસ્ટ રેટ વધારવા માટે કોઈ કારણ નથી. જોકે ફેડના બે ટકાના ટાર્ગેટ કરતાં ઇન્ફ્લેશન ઊંચુ છે, પણ ૯.૧ ટકાનો ઇન્ટરેસ્ટ રેટ વધારો માત્ર ૧૦ મહિનામાં ૪.૯ ટકાએ પહોંચતાં હવે બૅન્કિંગ ક્રાઇસિસ અને સંભવિત રિસેશનને બચાવવા ફેડે વધારે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ એવી દલીલો ચાલુ થશે. આવી દલીલો વચ્ચે ફેડને ઇન્ટરેસ્ટ રેટ વધારવા માટે સબળ કારણ રજૂ કરવું પડશે, જે ફેડ પાસે હાલ નથી. સોનું હવે નૉન-સ્ટૉપ વધે એવા સંજોગો વધી રહ્યા છે.

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ ૬૧,૫૮૫
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૬૧,૩૩૯
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ) : ૭૪,૭૯૫
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

business news commodity market inflation