21 April, 2023 03:01 PM IST | Mumbai | Mayur Mehta
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
અમેરિકાનો ગ્રોથ અટક્યો હોવાનો ફેડના બેઇજબુક સર્વેના રિપોર્ટથી સોનામાં ઘટ્યા લેવલથી વધારો જોવા મળ્યો હતો. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૬૯૫ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૧૬૪૪ રૂપિયા વધી હતી.
વિદેશી પ્રવાહ
અમેરિકન ફેડના બેઇજબુક સર્વેમાં ગ્રોથ અટક્યો હોવાનો રિપોર્ટ આવતાં ફેડ ઇન્ટરેસ્ટ રેટ વધારાને જૂનની મીટિંગથી બ્રેક લગાવશે એવા તારણને પગલે સોનું ઘટ્યા લેવલથી સુધર્યું હતું. છેલ્લા ચાર દિવસથી સોનું ૨૦૦૦ ડૉલરની નીચે હોલ્ડ થવામાં નિષ્ફળ રહ્યું છે. દરેક વખતે સોનું ૨૦૦૦ ડૉલરની નીચે ગયા બાદ કોઈ ને કોઈ કારણથી વધી રહ્યું છે. બુધવારે સોનું ઘટીને ૧૯૭૧.૮૦ ડૉલર થયા બાદ ગુરુવારે વધીને ૨૦૦૬ ડૉલર થયું હતું. સોનું વધતાં ચાંદી પણ વધી હતી. જોકે પ્લૅટિનમ અને પૅલેડિયમ ઘટ્યાં હતાં.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
પીપલ્સ બૅન્ક ઑફ ચાઇનાએ સતત આઠમા મહિને લૅન્ડિંગ રેટ સ્ટેડી રાખ્યા હતા. કૉર્પોરેટ અને હાઉસહોલ્ડ માટેના એક વર્ષના લોન પ્રાઇમ રેટ ૩.૬૫ ટકા અને પાંચ વર્ષના રેટ ૪.૩ ટકા જાળવી રાખ્યા હતા. ચીને કોરોનાનાં નિયંત્રણો દૂર કર્યા બાદ લૅન્ડિંગ રેટ સતત જાળવી રાખ્યા હોવાથી ઇકૉનૉમીને જબ્બર બૂસ્ટ મળ્યું હતું.
અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા રિજિયોનલ ઇકૉનૉમિક ઍક્ટિવિટી વિશે બહાર પડતાં બેઇજબુક સર્વેમાં જણાવવામાં આવ્યું હતું કે અમેરિકાનો ઇકૉનૉમિક ગ્રોથ હાલ અટકી ગયો છે. અમેરિકાના મોટા ભાગના ડિસ્ટ્રિકટમાં લૅન્ડિંગ ઍક્ટિવિટી એકદમ ટાઇટ બનતાં ઇકૉનૉમિક અનિશ્ચિતતા અને લિક્વિડિટીના પ્રૉબ્લેમ વધ્યા છે. ઓવરઑલ દરેક ચીજના ભાવ વધ્યા છે. ખાસ કરીને અમેરિકાની ઇકૉનૉમીમાં બે-તૃતીયાંશ ફાળો આપતાં કન્ઝ્યુમર્સ સ્પેન્ડિંગમાં ઘટાડો નોંધાયો છે, જે ઇકૉનૉમિક ગ્રોથ માટે સૌથી વધુ નેગેટિવ ફૅક્ટર બન્યું છે. અગાઉ માર્ચમાં થયેલા બેઇજબુક સર્વે કરતાં ઇકૉનૉમિક ઍક્ટિવિટીનો ટોન ડાઉન થયો હતો. બેઇજબુક સર્વેના રિપોર્ટ પરથી ઇકૉનૉમિસ્ટો માની રહ્યા છે કે ફેડ મે મહિનામાં ૨૫ બેસિસ પૉઇન્ટ વધાર્યા બાદ ઇન્ટરેસ્ટ રેટ વધારા પર બ્રેક લગાવશે.
અમેરિકન ડૉલર ઇન્ડેક્સ ગુરુવારે સ્ટેડી રહ્યો હતો. ન્યુ યૉર્કના ફેડ પ્રેસિડન્ટ જૉન વિલિયમ્સે જણાવ્યું હતું કે અમેરિકાનું ઇન્ફ્લેશન હજી પ્રૉબ્લેમૅટિક લેવલે હોવાથી ફેડે લાંબા સમય સુધી પગલાં લેવાં પડશે. રૉઇટર્સના સર્વે અનુસાર વર્લ્ડના ટૉપ લેવલના મોટા ભાગના ઇકૉનૉમિસ્ટો માને છે કે ફેડ મે મહિનામાં ૨૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારશે અને ત્યાર બાદ ૨૦૨૩ના અંત સુધી ઇન્ટરેસ્ટ રેટ જાળવી રાખશે, પણ કેટલાક ઇકૉનૉમિસ્ટો ૨૦૨૩ના એન્ડ પહેલાં એક વખત ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો થવાનું પણ માની રહ્યા છે. ન્યુ ઝીલૅન્ડનું ઇન્ફ્લેશન ધારણા કરતાં વધુ ઘટતાં ન્યુ ઝીલૅન્ડ ડૉલરની નરમાઈનો સપોર્ટ ડૉલરને મળ્યો હતો.
અમેરિકાના મૉર્ગેજ રેટ છેલ્લાં છ સપ્તાહમાં પહેલી વખત ૧૪ એપ્રિલે પૂરા થયેલા સપ્તાહમાં વધ્યા હતા. ૩૦ વર્ષના ફિક્સ્ડ રેટ મૉર્ગેજના રેટ ૧૩ બેસિસ પૉઇન્ટ વધીને ૬.૪૩ ટકાએ પહોંચ્યા હતા, જે અગાઉના સપ્તાહે બે મહિનાની નીચી સપાટીએ ૬.૩ ટકા હતા. અમેરિકાના મૉર્ગેજ રેટ વધતાં મૉર્ગેજ ઍપ્લિકેશનમાં ૧૪ એપ્રિલે પૂરા થયેલા સપ્તાહમાં ૮.૮ ટકાનો ઘટાડો થયો હતો, જેમાં અગાઉના સપ્તાહે ૫.૩ ટકાનો વધારો થયો હતો. ખાસ કરીને રહેણાક મકાનો માટેની ઍપ્લિકેશન ૧૦ ટકા ઘટી હતી અને હોમ લોન માટે રીફાઇનૅન્સની ઍપ્લિકેશન ૫.૮ ટકા ઘટી હતી.
જપાનની એક્સપોર્ટ માર્ચમાં ૪.૩ ટકા વધી હતી જે જાન્યુઆરીમાં ૬.૫ ટકા વધી હતી અને માર્કેટની ધારણા ૨.૬ ટકા વધારાની હતી. જપાનની એક્સપોર્ટ સતત ૨૫મા મહિને વધી હતી, પણ એક્સપોર્ટનો વધારો ૧૩ મહિનાનો સૌથી નીચો હતો. ખાસ કરીને ટ્રાન્સપોર્ટ ઇક્વિપમેન્ટના ભાવ ૨૩ ટકા વધતાં એની એક્સપોર્ટને અસર થઈ હતી. જપાનની ઇમ્પોર્ટ માર્ચમાં ૭.૩ ટકા વધી હતી જે ફેબ્રુઆરીમાં ૮.૩ ટકા વધી હતી અને માર્કેટની ધારણા ૧૧.૪ ટકા વધારાની હતી. જપાનની ઇમ્પોર્ટનો વધારો છેલ્લાં બે વર્ષનો સૌથી નીચો રહ્યો હતો, કારણ કે કૉમોડિટીના ભાવ ઘટતાં તેમ જ યેન સ્ટ્રૉન્ગ બનતાં ઇમ્પોર્ટ ઘટી હતી. જપાનની ઇમ્પોર્ટનો વધારો એક્સપોર્ટ કરતાં વધારે હોવાથી ટ્રેડ ડેફિસિટ વધીને ૭૫૪.૭ અબજ યેન રહી હતી જે એક વર્ષ અગાઉ ૪૬૪.૯ અબજ યેન હતી. જપાનના ટ્રેડમાં સતત ૨૦મા મહિને ટ્રેડ ડેફિસિટ જોવા મળી હતી.
શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ
સોનાના ભાવની છેલ્લા ચાર દિવસની મૂવમેન્ટની એકસરખી પૅટર્ન જોવા મળે છે. અમેરિકા-બ્રિટન સહિત વેસ્ટર્ન દેશોની બજાર ચાલુ થયા બાદ સોનું તરત ઘટીને ૨૦૦૦ ડૉલરની નીચે જાય છે, પણ વેસ્ટર્ન દેશોની બજાર બંધ થયા બાદ સોનામાં સતત સુધારો જોવા મળે છે. છેલ્લા ચાર દિવસમાં દરરોજ સોનું ૨૦૦૦ ડૉલરની નીચે જાય છે અને ફરી ઊછળીને ૨૦૦૦ ડૉલરની સપાટી પાર કરી જાય છે. બુધવારે ઓવરનાઇટ સોનું ઘટીને ૧૯૭૧.૮૦ ડૉલર થયા બાદ ગુરુવારે વધીને ૨૦૦૬ ડૉલર થયું હતું. આવો ટ્રેન્ડ છેલ્લા ચાર દિવસથી દરરોજ જોવા મળી રહ્યો છે, જે સોનાની માર્કેટનાં સ્ટ્રૉન્ગ ફન્ડામેન્ટ્સની અસર છે. સોનું ૨૦૦૦ ડૉલરની નીચે ટકી શકતું નથી. ચાર દિવસની મૂવમેન્ટનો સીધો સંકેત એ છે કે સોનાની માર્કેટનાં ફન્ડામેન્ટ્સ સ્ટ્રૉન્ગ છે, પણ ફેડના વિવિધ ઑફિશ્યલ્સની કમેન્ટને પગલે સોનું ઘટ્યા બાદ ફરી વધી રહ્યું છે. અમેરિકાના ઇન્ટરેસ્ટ રેટ વિશેની અનિશ્ચિતતાઓ દૂર થયા બાદ સોનામાં વન-વે તેજી જોવા મળશે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૬૦,૬૧૬
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૬૦,૩૭૩
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ) : ૭૫,૪૧૯
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)