સતત ચોથા દિવસે નવી ઑલટાઇમ હાઈ સપાટીએ પહોંચ્યા બાદ સોનામાં ઘટાડો

04 April, 2024 07:01 AM IST  |  Mumbai | Mayur Mehta

અમેરિકાના જૉબ-ઓપનિંગ નંબર સ્ટ્રૉન્ગ આવતાં રેટ કટની શક્યતા ઘટતાં સોનામાં ઘટાડો

પ્રતીકાત્મક તસવીર

વર્લ્ડ માર્કેટમાં સોનું સતત ચોથે દિવસે નવી ઑલટાઇમ હાઈ સપાટીએ પહોંચ્યા બાદ ઘટ્યું હતું. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૪૦૩ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૧૪૬૭ રૂપિયા વધ્યાં હતાં. મુંબઈ માર્કેટમાં સોનું સતત છઠ્ઠે દિવસે નવી ઑલટાઇમ હાઈ સપાટીએ ૬૯,૩૬૪ રૂપિયા થયું હતું. છેલ્લા છ દિવસમાં સોનું ૩૦૯૬ રૂપિયા વધ્યું હતું. ચાંદી પણ છેલ્લા ચાર દિવસથી વધી રહી છે. ચાંદીએ ૭૭,૦૦૦ રૂપિયાનું લેવલ પાર કર્યું હતું. ચાંદી છેલ્લા ચાર દિવસમાં ૩૫૯૭ રૂપિયા ઊછળી હતી. 

વિદેશ પ્રવાહ
મિડલ ઈસ્ટમાં ટેન્શન અને સેન્ટ્રલ બૅન્કની વધી રહેલી ખરીદીના સપોર્ટથી વર્લ્ડ માર્કેટમાં સતત ચોથે દિવસે સોનું નવી ઑલટાઇમ હાઈ સપાટીએ પહોંચ્યું હતું, પણ અમેરિકાના જૉબ ઓપનિંગ નંબર્સ ધારણાથી વધુ સ્ટ્રૉન્ગ આવતાં રેટ કટની શક્યતા થોડી ઘટી હતી જેને કારણે સોનામાં નવી ઑલટાઇમ હાઈ સપાટીથી ઘટાડો જોવા મળ્યો હતો. સોનું બુધવારે વધીને નવી ઑલટાઇમ હાઈ સપાટી ૨૨૮૮.૦૯ ડૉલર સુધી વધ્યું હતું, પણ ત્યાર બાદ ઘટીને ૨૨૭૦.૨૦ ડૉલર થયા બાદ બુધવારે સાંજે ૨૨૬૯થી ૨૨૭૦ ડૉલરની રેન્જમાં હતું. સોનું ઘટતાં પ્લૅટિનમ અને પૅલેડિયમ ઘટ્યાં હતાં, પણ કૉપરની તેજીના સપોર્ટથી ચાંદીમાં મજબૂતી ટકેલી હતી. 

ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકન ડૉલર ઇન્ડેક્સ નજીવો ઘટીને ૧૦૪.૭૨ પૉઇન્ટના લેવલે પહોંચ્યો હતો જે અગાઉના દિવસે વધીને ૧૦૫.૨ પૉઇન્ટે પહોંચ્યો હતો. અમેરિકન મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ૧૮ મહિના પછી પ્રથમ વખત વધતાં અને જૉબ-ઓપનિંગ ડેટા ધારણા કરતાં વધુ આવતાં એની અસરે ડૉલરમાં મજબૂતી જળવાયેલી હતી. અમેરિકાના સ્ટ્રૉન્ગ ડેટાને પગલે હવે જૂનમાં ફેડ ઇન્ટરેસ્ટ રેટ ઘટાડશે કે નહીં એ વિશે ફરી અનિશ્ચિતતા સર્જાતાં ડૉલર ઇન્ડેક્સ વધ્યો હતો. અમેરિકન ટ્રેઝરી બૉન્ડનાં યીલ્ડ પણ વધીને ૧૦૪.૮૨ ટકા થયા બાદ નજીવા ઘટીને ૧૦૪.૭૨ ટકા રહ્યાં હતાં. 
અમેરિકાના જૉબ-ઓપનિંગ નંબર્સ ફેબ્રુઆરીમાં ૮ હજાર વધીને ૮૭.૫૬ લાખે પહોંચ્યા હતા જેના વિશે માર્કેટની ધારણા ૮૭.૫૦ લાખની હતી. ખાસ કરીને ફાઇનૅન્સ, ઇન્શ્યૉરન્સ, લોકલ ગવર્નમેન્ટ સેક્ટર, આર્ટ્સ, એન્ટરટેઇનમેન્ટ અને રેક્રીએશન સેક્ટરમાં જૉબ ઓપનિંગ વધી હતી, જ્યારે ઇન્ફર્મેશન અને ફેડરલ ગવર્નમેન્ટ સેક્ટરમાં જૉબ-ઓપનિંગ ઘટી હતી. અમેરિકામાં નોકરી ગુમાવનારાઓની સંખ્યા ફેબ્રુઆરીમાં ૩૮ હજાર વધીને ત્રણ મહિનાની ઊંચાઈએ ૩૪.૮૪ લાખ પહોંચી હતી જે જાન્યુઆરીમાં ૩૪.૪૬ લાખ હતી. વૉલન્ટરી જૉબકટ લેવલ ત્રણ વર્ષની નીચી સપાટીએ ૨.૨ રહ્યું હતું જેની સામે ફોર્સફુલ જૉબકટ લેવલ વધ્યું હતું.  અમેરિકન મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરમાં નવા ઑર્ડર ફેબ્રુઆરીમાં ૧.૪ ટકા વધ્યા હતા જે જાન્યુઆરીમાં ૩.૮ ટકા ઘટ્યા હતા અને માર્કેટની ધારણા એક ટકા વધારાની હતી, ખાસ કરીને ડ્યુરેબલ ગુડ્સ ઇન્ડસ્ટ્રીઝમાં નવા ઑર્ડર વધ્યા હતા. 

અમેરિકાના લૉજિસ્ટિક સેક્ટરનો ગ્રોથ માર્ચમાં વધીને ૧૮ મહિનાની ઊંચાઈએ ૫૮.૩ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ફેબ્રુઆરીમાં ૫૬.૫ પૉઇન્ટ હતો. અમેરિકાની ઇકૉનૉમીમાં લૉજિસ્ટિક સેક્ટરનો ગ્રોથ મહત્ત્વનો ભાગ ભજવી રહ્યો છે. લૉજિસ્ટિક સેક્ટરમાં ઇન્વેન્ટરી લેવલનો ગ્રોથ દોઢ વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. ચીનના સર્વિસ સેક્ટરનો ગ્રોથ પ્રાઇવેટ એજન્સી કેઝીનના રિપોર્ટ પ્રમાણે માર્ચમાં વધીને ૫૨.૭ પૉઇન્ટે પહોંચ્યો હતો જેના વિશે માર્કેટની ધારણા ૫૨.૫ પૉઇન્ટની હતી. સર્વિસ સેક્ટરનો ગ્રોથ ત્રણ મહિના પછી પ્રથમ વખત વધ્યો હતો, પણ વાર્ષિક ધોરણે સતત ૧૫મા મહિને સર્વિસ સેક્ટરનો ગ્રોથ વધ્યો હતો. સર્વિસ સેક્ટરમાં નવા બિઝનેસનો ગ્રોથ એક વર્ષની ઊંચી સપાટીએ પહોંચતાં ઓવરઑલ સર્વિસ સેક્ટરનો ગ્રોથ વધ્યો હતો. કેઝીનના રિપોર્ટ પ્રમાણે મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ પણ વધ્યો હોવાથી ચીનના પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ માર્ચમાં વધીને ૧૦ મહિનાની ઊંચાઈએ ૫૨.૭ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ૫૨.૫ પૉઇન્ટ રહ્યો હતો. પ્રાઇવેટ સેક્ટરના ગ્રોથમાં સતત પાંચમા મહિને વધારો થતાં ચીનની ઇકૉનૉમિક રિકવરીનો વિશ્વાસ વધ્યો હતો. 

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ 
અમેરિકન ઇકૉનૉમિક ડેટા છેલ્લા બે મહિનાથી એકધારા સ્ટ્રૉન્ગ આવી રહ્યા છે અને ઇન્ફ્લેશન હજી ફેડના બે ટકાથી ઘણું દૂર છે. ફેડનો ઇન્ફ્લેશનનો ટાર્ગેટ બે ટકાનો છે અને ફેબ્રુઆરી મહિનાનું ઇન્ફ્લેશન ૩.૨ ટકા રહ્યું હતું. એક વર્ષ અગાઉ ફેબ્રુઆરી ૨૦૨૩માં ઇન્ફ્લેશન છ ટકા હતું જે ઘટીને ૩.૨ ટકા જરૂર થયું છે, પણ ફેડના ટાર્ગેટથી હજી ૧.૨ ટકા વધારે છે. માર્ચનું ઇન્ફ્લેશન પણ ૩.૨ ટકા આવવાની ધારણા છે. ક્રૂડ તેલના ભાવ છેલ્લા એક મહિનામાં ૭૬ ડૉલરથી વધીને ૮૫ ડૉલર થયા છે. નૅચરલ ગૅસના ભાવ સાડાત્રણ વર્ષની નીચી સપાટીએથી છેલ્લા એક મહિનામાં સતત સુધરી રહ્યા છે એટલે ઇન્ફ્લેશન આગામી છ મહિનામાં ફેડના બે ટકાના ટાર્ગેટ સુધી પહોંચે એવા કોઈ સંકેત મળતા નથી, જ્યારે ઇન્ફ્લેશન ટાર્ગેટથી ઊંચું હોય અને ઇકૉનૉમિક ડેટા સ્ટ્રૉન્ગ હોય ત્યારે ઇન્ટરેસ્ટ રેટ ઘટાડા માટે કોઈ કારણ ઊભું થવું જરૂરી છે. જો ઇન્ટરેસ્ટ રેટ આગામી ત્રણથી ચાર મહિના ન ઘટે અને જિયોપૉલિટિકલ ટેન્શન હળવું થાય તો સોનાને હાલની ઑલટાઇમ હાઈ સપાટીથી ઘટવું પડે, પણ જ્યાં સુધી જિયોપોલિટિકલ ટેન્શનનો સપોર્ટ છે અને ઇન્ટરેસ્ટ રેટ જૂનમાં ઘટવાની આશા જીવંત રહે ત્યાં સુધી સોનામાં તેજીની આગેકૂચ જળવાયેલી રહેશે.

share market stock market business news gold silver price