વર્લ્ડની સેન્ટ્રલ બૅન્કોની ખરીદી મેમાં ૫૬ ટકા ઘટતાં સોનામાં થઈ પીછેહઠ

03 July, 2024 08:30 AM IST  |  Mumbai | Mayur Mehta

ભારતે મે મહિનામાં ચાર ટન સોનું ખરીદ્યું : કજાકિસ્તાને ૧૧ ટન વેચ્યું : મુંબઈમાં ૨૦૨૪ના છ મહિનામાં સોનામાં ૧૩.૫ ટકા અને ચાંદીમાં ૧૯.૯ ટકાનું રિટર્ન મળ્યું

પ્રતીકાત્મક તસવીર

વર્લ્ડની સેન્ટ્રલ બૅન્કોની ખરીદી મે મહિનામાં ૫૬ ટકા ઘટતાં તેમ જ અમેરિકન ડૉલરની મજબૂતીને કારણે સોનામાં ઘટાડો જોવા મળ્યો હતો. વર્લ્ડ માર્કેટમાં સોનું ઘટીને ૨૩૨૧.૭૦ ડૉલર થઈને મંગળવારે સાંજે ૨૩૨૩થી ૨૩૨૪ ડૉલરની રેન્જમાં હતું. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૧૮૨ રૂપિયા ઘટ્યો હતો. જોકે ચાંદીના ભાવ પ્રતિ કિલો ૨૧૩ રૂપિયા વધ્યો હતો.

મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ ૨૦૨૪ના પ્રથમ છ મહિનામાં ૮૫૮૯ રૂપિયા અને ચાંદીનો ભાવ ૧૪,૬૦૫ રૂપિયા વધ્યો હતો. ૨૦૨૪ના પ્રથમ છ મહિનામાં સોનામાં ૧૩.૫ ટકા અને ચાંદીમાં ૧૯.૯ ટકાનું રિટર્ન મળ્યું. સોનાનો ભાવ ૨૦૨૩ના અંતે ૬૩,૨૪૬ રૂપિયા હતો એ વધીને જૂનના અંતે વધીને ૭૧,૮૩૫ રૂપિયા થયો હતો, જ્યારે ચાંદીનો ભાવ ૭૩,૩૯૫ રૂપિયાથી વધીને ૮૮,૦૦૦ થયો હતો. 

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકાનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ઑફિશ્યલ રિપોર્ટમાં જૂન મહિનામાં સતત ત્રીજે મહિને ઘટીને પાંચ મહિનાની નીચી સપાટીએ ૪૮.૫ પૉઇન્ટે પહોંચ્યો હતો જે મે મહિનામાં ૪૮.૭ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૪૯.૧ પૉઇન્ટની હતી. પ્રાઇવેટ એજન્સી સ્ટાન્ડર્ડ ઍન્ડ પુઅર્સના રિપોર્ટમાં અમેરિકાનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ઘટીને ૫૧.૬ પૉઇન્ટે પહોંચ્યો હતો જે મે મહિનામાં ૫૧.૭ પૉઇન્ટ હતો. આમ બન્ને રિપોર્ટમાં અમેરિકાનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ઘટ્યો હતો. અમેરિકાનું કન્સ્ટ્રક્શન્સ સ્પેન્ડિંગ પણ મે મહિનામાં ૦.૧ ટકા ઘટ્યું હતું.

અમેરિકાના નબળા ઇકૉનૉમિક ડેટા છતાં પ્રેસિડન્સ ઇલેક્શનમાં ડોનલ્ડ ટ્રમ્પના જીતવાના ચાન્સ વધતાં ટ્રેઝરી બૉન્ડનાં યીલ્ડમાં મોટો ઉછાળો આવ્યો હતો જે વધીને ૪.૪૭ ટકાએ પહોંચ્યાં હતાં. ટ્રેઝરી બૉન્ડનાં યીલ્ડની મજબૂતી વધતાં તેમ જ અન્ય કરન્સીના ઘટાડાની અસરે મંગળવારે ડૉલર ઇન્ડેક્સ વધીને ૧૦૫.૯૩ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ૨૪ કલાક અગાઉ ૧૦૫.૪૩ પૉઇન્ટ હતો.

યુરો એરિયાનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ જૂનમાં ઘટીને ૪૫.૮ પૉઇન્ટે પહોંચ્યો હતો જે મે મહિનામાં ૧૪ મહિનાની ઊંચાઈએ ૪૭.૩ પૉઇન્ટ હતો. યુરો એરિયાનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ છેલ્લા પાંચ મહિનામાં ચાર વખત ઘટ્યો હતો.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ

અમેરિકાના રેટકટ વિશે ફરી દ્વિધા વધી હતી. એક તરફ રેટકટના ચા​ન્સિસ વધી રહ્યા છે અને બીજી તરફ ડૉલર મજબૂત બની રહ્યો હોવાથી ઘટનાક્રમ એકબીજાની વિરુદ્ધ દિશામાં જઈ રહ્યા છે. શિકાગો મર્કેન્ટાઇલ એક્સચેન્જ (CME)ના ફેડવૉચ રિપોર્ટમાં સપ્ટેમ્બરમાં રેટકટના ચા​ન્સિસ છેલ્લા ૨૪ કલાકમાં ૬૨.૬ ટકાથી વધીને ૬૫.૩ પૉઇન્ટ, નવેમ્બરમાં રેટકટના ચા​ન્સિસ ૭૫.૫ ટકાથી વધીને ૭૭.૭ ટકા અને ડિસેમ્બરમાં રેટકટના ચા​ન્સિસ ૯૩.૪ ટકાથી વધીને ૯૪.૨ ટકા થયા હતા. રેટકટના ચા​ન્સિસ સામે ડૉલર ઇન્ડેક્સ વધવાનાં કારણો વધુ સ્ટ્રૉન્ગ બન્યાં છે. ૨૦૨૪ના આરંભથી ડૉલર ઇન્ડેક્સમાં સામેલ તમામ છ કરન્સીઓ સતત નબળી પડી રહી હોવાથી ડૉલરની મજબૂતીને સપોર્ટ મળી રહ્યો છે. ઉપરાંત અમેરિકાના પ્રેસિડેન્શિયલ ઇલેક્શનમાં ટ્રમ્પના જીતવાના ચાન્સ સતત વધી રહ્યા છે. ઍનલિસ્ટોના મતે જો ટ્રમ્પ જીતશે તો ઇમ્પોર્ટ-એક્સપોર્ટ થતી ચીજોના ટૅરિફમાં મોટો વધારો થતાં ઇન્ફ્લેશનરી પ્રેશર વધશે જેને કારણે ફેડે રેટકટ કરવા વિશે સો વાર વિચાર કરવો પડશે. ફેડના મોટા ભાગના મેમ્બરો ઇન્ફ્લેશન ઘટીને બે ટકાની નીચે ન આવે ત્યાં સુધી રેટકટ વિશે વિચાર કરવા સામે વિરોધ કરી રહ્યા છે. આમ રેટકટ ૨૦૨૪ના એન્ડ પહેલાં આવશે કે નહીં એ પ્રશ્નનો જ્યાં સુધી સ્પષ્ટ ઉત્તર નહીં મળે ત્યાં સુધી સોનાના ભાવ રેન્જ બાઉન્ડ રહેશે.

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૭૧,૬૯૨
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૭૧,૪૦૫
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૮૮,૦૧૫
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

gold silver price business news