અમેરિકન રેટ કટના વધતા જતા ચાન્સ સાથે જિયોપૉલિટિકલ ટેન્શનથી સોનું ફરી નવી ટોચે

21 May, 2024 07:30 AM IST  |  Mumbai | Mayur Mehta

સોનાની તેજીના સપોર્ટથી ચાંદીમાં પણ નવો ઉછાળો : ભારતીય માર્કેટમાં સોના-ચાંદીમાં આજે મોટા ઉછાળાની શક્યતા

પ્રતીકાત્મક તસવીર

અમેરિકન ઇન્ફ્લેશન ઘટતાં અને નબળા ઇકૉનૉમિક ડેટાથી રેટ કટના ચાન્સ વધવાની સાથે ઈરાનના પ્રેસિડન્ટ અને ફૉરેન મિનિસ્ટરના હેલિકૉપ્ટર ક્રૅશમાં મૃત્યુ થતાં જિયોપૉલિટિકલ ટેન્શન વધતાં સોનામાં ફરી નવી ઑલટાઇમ હાઈ સપાટી જોવા મળી હતી. સોનાની તેજીનો સપોર્ટ મળતાં ચાંદી પણ ઊછળી હતી. શુક્રવારથી માંડીને સોમવાર સુધીમાં વર્લ્ડ માર્કેટમાં 
સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. જોકે આ ત્રણેય દિવસ મુંબઈની જ્વેલરી માર્કેટ બંધ હોવાથી આજે બજાર ખૂલશે ત્યારે સોના-ચાંદીમાં મોટો ઉછાળો જોવા મળશે એવા પૂરેપૂરા ચાન્સ છે.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકી ડૉલર ઇન્ડેક્સમાં છેલ્લા પાંચ દિવસમાં ઝડપી ઘટાડો જોવા મળ્યો હતો. સોમવારે ડૉલર ઇન્ડેક્સ ઘટીને ૧૦૪.૪૨ પૉઇન્ટે પહોંચ્યો હતો જે પાંચ દિવસ અગાઉ ૧૦૫.૩૮ પૉઇન્ટ હતો. ડૉલર ઇન્ડેક્સના ઘટાડાને પગલે ટ્રેઝરી બૉન્ડના યીલ્ડ પણ ૪.૬૨ ટકાથી ઘટીને ૪.૪૧ ટકાએ પહોંચ્યા હતા. અમેરિકાનું ઇન્ફ્લેશન વધતાં તેમ જ નબળા ઇકૉનૉમિક ડેટાને પગલે હવે ફેડ ૨૦૨૪માં બે વખત ઇન્ટરેસ્ટ રેટ ઘટાડશે એવી ચર્ચા શરૂ થતાં ડૉલર અને બૉન્ડ યીલ્ડ ઘટ્યા હતા.

યુરો એરિયાનું ઇન્ફ્લેશન એપ્રિલમાં ૨.૪ ટકા રહ્યું હતું જે માર્ચ જેટલું જ હતું અને ત્રણ વર્ષની નીચી સપાટીએ જળવાયેલું હતું. એક વર્ષ અગાઉ યુરો એરિયાનું ઇન્ફ્લેશન સાત ટકા હોવાથી આગામી મહિને યુરોપિયન સેન્ટ્રલ બૅન્કની મીટિંગમાં ઇન્ટરેસ્ટ-રેટમાં ઘટાડો થવાના ચાન્સ મજબૂત બન્યા છે.

ચાલુ સપ્તાહે અમેરિકાના મે મહિનાના પ્રિલિમિનરી મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ સેક્ટરના ડેટા જાહેર થશે. ઉપરાંત ડ્યુરેબલ ગુડ્સ ઑર્ડર, નવા અને એક્ઝિસ્ટિંગ હોમ સેલ્સના ડેટા પણ જાહેર થશે. આ ઉપરાંત બ્રિટન અને જપાનના ઇન્ફ્લેશન ડેટા તથા યુરો એરિયા, ચીન, જપાન, ઑસ્ટ્રેલિયા વગેરે દેશોના પ્રિલિમિનરી મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ સેક્ટરના ડેટા ચાલુ સપ્તાહે જાહેર થશે.

શૉર્ટ ટર્મ – લૉન્ગ ટર્મ

સોનાનો ભાવ વર્લ્ડ માર્કેટમાં નવી ઑલટાઇમ હાઈ સપાટીએ પહોંચ્યો છે. સોનું અને ચાંદી બન્નેના ભાવ ભારતમાં નવી ઑલટાઇમ હાઈ સપાટીએ પહોંચી ગયા છે. ૨૦૨૪ના આરંભે સોનાના ભાવ છાશવારે નવી ઑલટાઇમ હાઈ સપાટીએ પહોંચે છે. સોનામાં આટલી મોટી તેજી થવાનું કારણ અમેરિકન ઇન્ટરેસ્ટ-રેટ ઘટવાની શક્યતા અને જિયોપૉલિટિકલ ટેન્શન છે. ૨૦૨૪માં ફેડ ઇન્ટરેસ્ટ-રેટ ઘટાડશે એવી જાહેરાત થઈ ત્યારે સોનાનો ભાવ ૧૯૫૦ ડૉલર આસપાસ હતો, ઇન્ટરેસ્ટ-રેટમાં ઘટાડાની જાહેરાત બાદ સોનું વધીને ૨૦૩૦-૨૦૪૦ ડૉલર થયું હતું. ૨૦૨૪ના આરંભે માર્ચમાં પહેલો ઇન્ટરેસ્ટ-રેટ ઘટાડો આવશે એવી શક્યતાએ સોનું ૨૧૨૬ ડૉલર સુધી વધ્યું, પણ ત્યાર બાદ માર્ચમાં ઇન્ટરેસ્ટનો ઘટાડો નહીં થાય એવી વાતો થતાં સોનું ઘટીને ૧૯૯૦ ડૉલર સુધી પહોંચ્યું.  આ લેવલ થોડા દિવસ રહ્યા બાદ જૂનમાં ઇન્ટરેસ્ટ-રેટ ઘટશે એવી ચર્ચા ચાલુ થતાં ૨૪૩૧ ડૉલર સુધી વધ્યું હતું. જૂનમાં પણ ઇન્ટરેસ્ટ-રેટમાં ઘટાડો નહીં થાય એવી શક્યતાઓ દેખાતાં સોનું ફરી ઘટીને ૨૨૭૭ ડૉલરે પહોંચ્યું હતું. હાલ ફેડ સપ્ટેમ્બરમાં ઇન્ટરેસ્ટ-રેટ ઘટાડશે એવી ચર્ચા શરૂ થઈ છે. ઉપરાંત ઈરાનના પ્રેસિડન્ટ અને ફૉરેન મિનિસ્ટર બન્નેનું એકસાથે હેલિકૉપ્ટર ક્રૅશમાં મૃત્યુ થતાં જિયોપૉલિટિકલ ટેન્શન વધવાની શક્યતાએ સોનું વધીને નવી ઑલટાઇમ હાઈ સપાટીએ ૨૪૪૯.૮૦ ડૉલરે પહોંચ્યું છે. સોનાની તેજીની રાહે ચાંદી પણ વધીને ૩૨.૫૭ ડૉલરે પહોંચી છે. આમ, હવે જ્યાં સુધી સપ્ટેમ્બરમાં ઇન્ટરેસ્ટ-રેટ ઘટવાના ચાન્સ દેખાતા રહેશે ત્યાં સુધી સોનામાં તેજીની આગેકૂચ ચાલુ રહેશે. એમાં જો જિયોપૉલિટિકલ ટેન્શનનું નવું કારણ ઉમેરાશે તો સોનાની તેજી વધુ ઝડપી બનશે. 

business news gold silver price