અમેરિકાનો પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ડેક્સ વધતાં ડૉલરની મજબૂતીથી સોનામાં પ્રત્યાઘાતી ઘટાડો

13 December, 2022 02:22 PM IST  |  Mumbai | Mayur Mehta

ચાલુ સપ્તાહે ફેડ, યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક અને બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ દ્વારા લેવાનારો ઇન્ટરેસ્ટ રેટનો નિર્ણય સોના માટે નિર્ણાયક બનશે

પ્રતીકાત્મક તસવીર

અમેરિકાનો પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ડેક્સ ધારણા કરતાં વધુ આવતાં કોર ઇન્ફ્લેશન પણ વધુ આવશે એ ધારણાએ ડૉલર સુધર્યો હતો અને સોનામાં પ્રત્યાઘાતી ઘટાડો જોવા મળ્યો હતો. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૨૯ રૂપિયા ઘટ્યું હતું, જ્યારે ચાંદી પ્રતિ કિલો ૮૯૧ રૂપિયા વધી હતી. 

વિદેશી પ્રવાહ 

અમેરિકાનો પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ડેક્સ ધારણા કરતાં વધુ વધતાં અમેરિકન ડૉલર સુધર્યો હતો. પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ડેક્સ વધતાં કોર ઇન્ફ્લેશન પણ વધીને આવશે એ ધારણાએ ડૉલર ૦.૩ ટકા સુધર્યો હતો, જેને પગલે સોનું ઘટીને ૧૭૯૨થી ૧૭૯૩ ડૉલર વચ્ચે સ્થિર થયું હતું. ગયા સપ્તાહે સોનું વધીને ૧૮૧૦ ડૉલર થયું હતું. સોમવારે ઘટીને ૧૭૮૫.૨૦ ડૉલરે પહોંચ્યું હતું. સોનું ઘટતાં પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ ઘટ્યાં હતાં, પણ ચાંદી સુધરી હતી.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકાનો પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ડેક્સ નવેમ્બરમાં વધીને ૭.૪ ટકાએ પહોંચ્યો હતો, જેના વિશે ધારણા ૭.૨ ટકાની હતી. પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ડેક્સ મન્થ્લી નવેમ્બરમાં ૦.૩ ટકા વધ્યો હતો, જે ઑક્ટોબરમાં પણ ૦.૩ ટકા વધ્યો હતો, પણ માર્કેટની ધારણા ૦.૨ ટકા વધારાની હતી. ખાસ કરીને સર્વિસ આઇટમોની કૉસ્ટ નવેમ્બરમાં ૦.૪ ટકા વધી હતી, જે છેલ્લા ત્રણ મહિનાનો સૌથી મોટો વધારો હતો. સિક્યૉરિટી બ્રોકરેજ, ઇન્વેસ્ટમેન્ટ ઍડ્વાઇઝ અને એને સંલગ્ન સર્વિસિઝ મોંઘી બની હતી. 

જપાનનો બિઝનેસ મૂડનો ઇન્ડેક્સ ફૉર્થ ક્વૉર્ટરમાં ઘટીને માઇનસ ૩.૬ ટકાએ પહોંચ્યો હતો, જે થર્ડ ક્વૉર્ટરમાં ૧.૭ ટકા વધ્યો હતો. ખાસ કરીને જપાનના પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ડેક્સમાં નવેમ્બરમાં ધારણાથી વધુ વધીને ૯.૩ ટકાએ પહોંચતાં બિઝનેસ મૂડ ઇન્ડેક્સ ઘટ્યો હતો. માર્કેટની ધારણા પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ડેક્સની ૮.૯ ટકાની હતી. વળી ગ્લોબલ રિસેશનની અસર હવે તમામ દેશોમાં દેખાવાની ચાલુ થતાં જપાનનો બિઝનેસ મૂડ ઇન્ડેક્સ પણ ઘટ્યો હતો. 

ચાલુ સપ્તાહે અનેક દેશોના ઇકૉનૉમિક ડેટા ઉપરાંત સેન્ટ્રલ બૅન્કોના ઇન્ટરેસ્ટ રેટ વિશેના નિર્ણયો જાહેર થશે. ફેડની બે દિવસની મીટિંગ પૂરી થયા બાદ બુધવારે ઇન્ટરેસ્ટ રેટ વધારાનો નિર્ણય જાહેર થશે. યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક, બૅન્ક ઑફ ઇંગ્લઈન્ડ, સ્વીસ નૅશનલ બૅન્ક પણ ઇન્ટરેસ્ટ રેટ વધારાનો નિર્ણય જાહેર કરશે. ફેડ અપેક્ષાકૃત ૫૦ બેસિસ પૉઇન્ટનો વધારો કરશે. યુરોપિયન ઇન્ફ્લેશન ઑલટાઇમ હાઈ હોવાથી યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક ૭૫ બેસિસ પૉઇન્ટ વધારે એવી શક્યતા છે. એ જ રીતે બ્રિટનનું ઇન્ફ્લેશન પણ સતત વધી રહ્યું હોવાથી બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ પણ ૭૫ બેસિસ પૉઇન્ટ વધારે એવી શક્યતા છે. મંગળવારે અમેરિકાના નવેમ્બર મહિનાના ઇન્ફ્લેશનના ડેટા જાહેર થશે. ઑક્ટોબર મહિનામાં ઇન્ફ્લેશન પાંચ મહિનાની નીચી સપાટીએ ૭.૭ ટકા આવ્યા બાદ નવેમ્બરનું ઇન્ફ્લેશન વધુ ઘટીને ૭.૬ ટકા આવવાની ધારણા છે, પણ નૅચરલ ગૅસના ભાવ સતત વધી રહ્યા હોવાથી ઇન્ફ્લેશન ધારણા કરતાં વિપરિત આવ્યું તો એની સોના-ચાંદીના ભાવ પર મોટી અસર જોવા મળશે. ભારત, બ્રિટન અને દક્ષિણ આફ્રિકાના ઇન્ફ્લેશનના ડેટા પણ જાહેર થશે. 

અમેરિકાનો કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ ડિસેમ્બરમાં વધીને ૫૯.૧ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે નવેમ્બરમાં ૫૬.૮ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૬.૯ પૉઇન્ટની હતી. ઇન્ફ્લેશનની ધારણા ઘટીને ચાર મહિનાની નીચી સપાટીએ ૪.૬ ટકાએ પહોંચતાં કન્ઝ્યુમર સેન્ટિમેન્ટને બૂસ્ટ મળ્યો હતો. ઇન્ફ્લેશનનું આગામી પાંચ વર્ષનું પ્રોજેક્શન ઘટીને ત્રણ ટકાએ રહ્યું હતું. કન્ઝ્યુમર માર્કેટની હાલની કન્ડિશનનો ઇન્ડેક્સ વધીને ૬૦.૨ પૉઇન્ટે પહોંચ્યો હતો જે નવેમ્બરમાં ૫૮.૮ પૉઇન્ટ હતો. 

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ  

ઇન્ફ્લેશનને કાબૂમાં લેવા માટે વિશ્વની તમામ સેન્ટ્રલ બૅન્કોએ ઇન્ટરેસ્ટ રેટમાં શ્રેણીબદ્ધ આક્રમક વધારો કર્યો હતો એ દરેક સેન્ટ્રલ બૅન્કને હવે ઇન્ટરેસ્ટ રેટમાં વધુ વધારો કરવામાં રિસેશનનો ડર લાગી રહ્યો છે. ફેડરલ રિઝર્વ ૫૦ બેસિસ પૉઇન્ટ ચાલુ સપ્તાહે વધારશે, કારણ કે અમેરિકન ઇન્ફ્લેશન છેલ્લા ચાર મહિનાથી ઘટી રહ્યું છે, પણ યુરોપિયન યુનિયન અને બ્રિટનનું ઇન્ફ્લેશન હજી વધી રહ્યું હોવા છતાં બન્ને સેન્ટ્રલ બૅન્ક ૫૦ બેસિસ પૉઇન્ટ જ વધારે એવી ધારણા વ્યક્ત થઈ રહી છે. ઇન્ફ્લેશનને કાબૂમાં લેવા માટે ઇન્ટરેસ્ટ રેટ વધારાની શરૂઆત બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડે ડિસેમ્બર ૨૦૨૧થી કરી હતી. ત્યાર બાદ અમેરિકન ફેડે માર્ચ મહિનાથી ઇન્ટરેસ્ટ રેટ વધારવાની શરૂઆત કરી હતી. યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે છેક જુલાઈથી ઇન્ટરેસ્ટ રેટ વધારવાની શરૂઆત કરી હતી. ઇન્ફ્લેશન ઘટાડવામાં ફેડને આંશિક સફળતા મળી છે, પણ બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ અને યુરોપિયન સેન્ટ્રલ બૅન્કને કોઈ સફળતા મળી નથી. ચાલુ વખતનું ઇન્ફ્લેશન ડિમાન્ડ ડ્રીવન નહીં, પણ સપ્લાય ક્રન્ચને કારણે હોવાથી ઇન્ફ્લેશનને વધારવાથી સફળતા મળવી મુશ્કેલ છે અને એ સાબિત પણ થઈ શક્યું છે. ઇન્ફ્લેશનને ઘટાડવા માટે ઇન્ટરેસ્ટ રેટમાં સતત વધારો કરવાનાં હવાતિયાં મારવાની સેન્ટ્રલ બૅન્કની ચેષ્ટાના પરિણામે સમગ્ર વિશ્વ રિસેશનની નજીક પહોંચી ગયું છે. આ બાબત સોના-ચાંદીમાં આગામી દિવસોમાં મોટી તેજી લાવશે. 

ભારતમાં સોનાનું સ્મગલિંગ નવેમ્બરમાં ત્રણ વર્ષની ઊંચાઈએ 

ભારતે સોનાની આયાત ડ્યુટી વધારી ત્યારથી દેશમાં સોનાનું સ્મગલિંગ કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે. નવેમ્બર મહિનામાં ભારતમાં ૩૦૮૩.૬ કિલોગ્રામ સોનાનું સ્મગલિંગ થયું હતું, જે ૨૦૧૯ પછીનું સૌથી વધુ હતું. ભારતે સોનાની આયાત ડ્યુટી ગયા જુલાઈમાં ૭.૫ ટકાથી વધારીને ૧૨.૫ ટકા કરી હતી. ભારતની ટ્રેડ ડેફિસિટ ઝડપથી વધી રહી હોવાથી સરકારે સોનાની આયાત ડ્યુટી વધારી હતી, પણ આયાત ડ્યુટી વધતાં હવે સ્મગલિંગ વધી રહ્યું છે.

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૫૩,૯૦૮
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૫૩,૬૯૩
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ) : ૬૭,૦૨૨
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

business news