13 May, 2023 03:36 PM IST | Mumbai | Mayur Mehta
પ્રતીકાત્મક તસવીર
અમેરિકાનો પ્રોડ્યુસર્સ ઇન્ફ્લેશન ધારણાથી વધતાં ડૉલર સુધર્યો હતો અને એને કારણે સોનામાં ઊંચા મથાળે પ્રૉફિટ બુકિંગ થતાં ભાવ ઘટ્યા હતા. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૬૨૧ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૨૭૫૫ રૂપિયા ઘટી હતી. વર્લ્ડ માર્કેટમાં પ્રત્યાઘાતી ઘટાડા ઉપરાંત રૂપિયાની મજબૂતીને કારણે સોના-ચાંદી વધારે ઘટ્યાં હતાં.
વિદેશી પ્રવાહ
અમેરિકન ઇન્ફ્લેશન અને ઇકૉનૉમિક ગ્રોથ વિશે હજી સુધી કોઈ નિશ્ચિત દિશા દેખાતી ન હોવાથી સોનામાં સતત ઉતાર-ચડાવ જોવા મળે છે. ફેડ જૂનમાં ઇન્ટરેસ્ટ રેટ નહીં વધારે એવી શક્યતા વધતાં સોનું ગુરુવારે વધીને ૨૦૪૧.૪૦ ડૉલર થયું હતું, પણ શુક્રવારે પ્રોડ્યુસર્સ ઇન્ફ્લેશન વધતાં સોનું ઘટીને ૨૦૦૦.૫૦ ડૉલર થયું હતું. આમ, અમેરિકાના ઇકૉનૉમિક ડેટાના આધારે સોનામાં વધ-ઘટ થાય છે. સોનું ઘટતાં ચાંદી અને પ્લૅટિનમ ઘટ્યાં હતાં, પણ પૅલેડિયમમાં તેજી હતી.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડે ઇન્ટરેસ્ટ રેટમાં ૨૫ બેસિસ પૉઇન્ટનો વધારો કરીને બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટને ૪.૫ ટકાએ પહોંચાડ્યા હતા. બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડનો સતત ૧૨મો ઇન્ટરેસ્ટ રેટ વધારો છે. વર્લ્ડની સેન્ટ્રલ બૅન્કોમાં સૌથી પ્રથમ ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરવાની શરૂઆત બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડે ડિસેમ્બર ૨૦૨૧માં કરી હતી. બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડે બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટને ૧૫ વર્ષની ઊંચાઈએ પહોંચાડ્યા હતા. બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડે ઇન્ફ્લેશન પ્રોજેક્શન ૨૦૨૩ના ચોથા ક્વૉર્ટર માટે ૫.૧ ટકાનું મૂક્યું હતું. ગયા ફેબ્રુઆરી મહિનામાં આ પ્રોજેક્શન ૩.૯ ટકાનું મૂક્યું હતું. બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડે ૨૦૨૪માં ઇન્ફ્લેશન બે ટકા થવાનું પ્રોજેક્શન મૂક્યું છે, પણ ચોથા ક્વૉર્ટરનું પ્રોજેક્શન વધાર્યું હતું. ઇન્ફ્લેશનનો ટાર્ગેટ વધતાં બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ હજી આગામી મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટ વધારશે એવી ધારણા છે. બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડે ઇકૉનૉમિક ગ્રોથ ૨૦૨૩માં ૦.૨૫ ટકા વધવાનું પ્રોજેક્શન મૂક્યું હતું. બ્રિટિશ ઇકૉનૉમિક ગ્રોથ પ્રથમ અને બીજા ક્વૉર્ટરમાં નેગેટિવ રહ્યા હોવાથી બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડે ફેબ્રુઆરીમાં ૨૦૨૩નું ઇકૉનૉમિક પ્રોજેક્શન નેગેટિવ ૦.૫૦ ટકા મૂક્યું હતું, પણ મે મહિનાની મીટિંગમાં પ્રોજેક્શન સુધાર્યું હતું.
બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડે ઇન્ટરેસ્ટ રેટ વધારતાં બ્રિટિશ પાઉન્ડ ડૉલર સામે વધીને ૧૧ મહિનાની ઊંચાઈએ ૧.૨૬ ડૉલર થયો હતો.
બ્રિટનનો ફર્સ્ટ ક્વૉર્ટરનો ગ્રોથ રેટ ૦.૧ ટકા વધ્યો હતો, જે અગાઉના ક્વૉર્ટર જેટલો જ રહ્યો હતો અને માર્કેટની ધારણા પ્રમાણે રહ્યો હતો.
ફર્સ્ટ ક્વૉર્ટરમાં કન્સ્ટ્રક્શન્સ
સેક્ટરનો ગ્રોથ ૦.૭ ટકા, મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ૦.૫ ટકા અને સર્વિસ સેક્ટરનો ગ્રોથ ૦.૧ ટકા રહેતાં ફર્સ્ટ ક્વૉર્ટરનો ગ્રોથ વધ્યો હતો. જોકે કન્ઝમ્પ્શન ગ્રોથ ઝીરો રહ્યો હોવાથી ઓવરઑલ ગ્રોથ ધીમો હતો.
અમેરિકામાં નવા બેરોજગારી ભથ્થું લેનારાઓની સંખ્યા ૬ મેએ પૂરા થયેલા સપ્તાહના અંતે ૨૨,૦૦૦ વધીને ૨.૬૪ લાખે પહોંચી હતી જે ૧૮ મહિનાની ઊંચી સપાટીએ પહોંચી હતી અને માર્કેટની ૨.૪૫ લાખની ધારણા કરતાં ઘણી ઊંચી હતી. અમેરિકન ફેડ દ્વારા સતત ઇન્ટરેસ્ટ રેટમાં થઈ રહેલા વધારાની અસર હવે જૉબ માર્કેટ પર પડવાની શરૂ થઈ છે અને વધુ ને વધુ પબ્લિક બેરોજગાર બની રહી છે. એક્ઝિસ્ટિંગ બેરોજગારી ભથ્થું લેનારાઓની સંખ્યા પણ ૧૩,૯૬૯ વધીને ૨.૩૪ લાખે પહોંચી હતી.
અમેરિકાનો પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ડેક્સ એપ્રિલમાં ૦.૨ ટકા વધ્યો હતો જે માર્ચમાં ૦.૪ ટકા ઘટ્યો હતો. માર્કેટની ધારણા ૦.૩ ટકા વધારાની હતી. ખાસ કરીને સર્વિસ કૉસ્ટમાં નવેમ્બરથી અત્યાર સુધીમાં ૦.૩ ટકા વધારો થતાં પ્રોડ્યુસર્સ પ્રાઇસ વધી હતી. પોર્ટફોલિયા મૅનેજમેન્ટ પ્રાઇસ ૪.૧ ટકા વધી હતી. વાર્ષિક ધોરણે પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ફ્લેશન સતત ૧૦મા મહિને ઘટીને ૨.૩ ટકાએ પહોંચ્યું હતું, જે સવાબે વર્ષની નીચી સપાટીએ પહોંચ્યું હતું.
ચીનની બૅન્કોએ એપ્રિલમાં ૭૧૮.૮ બિલ્યન યુઆનની લોન આપી હતી, જે છેલ્લા છ મહિનાની સૌથી ઓછી હતી અને માર્કેટની ૧૪૦૨.૫ અબજ યુઆનની ધારણા કરતાં ઘણી નીચી હતી. માર્ચમાં ચીનની બૅન્કોએ ૩૮૯૦ અબજ યુઆનની લોન આપી હતી એની સરખામણીમાં એપ્રિલમાં લોન બહુ ઓછી આપી હતી. કોરોનાના કારણે ફર્સ્ટ ક્વૉર્ટરમાં ક્રેડિટ ગ્રોથ સતત વધી રહ્યો હતો, પણ એપ્રિલથી સ્થિતિ નૉર્મલ થતાં ક્રેડિટ ગ્રોથ ઘટ્યો છે.
શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ
બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડે સતત ૧૨મી વખત ઇન્ટરેસ્ટ રેટ વધાર્યો છતાં બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટ અમેરિકા કરતાં ૦.૫ ટકા નીચો છે. યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે પણ ઇન્ટરેસ્ટ રેટ વધારો મોડો શરૂ કર્યો હોવાથી યુરો એરિયાનો બેન્ચમાર્ક ગ્રોથ અમેરિકા કરતાં ઘણો નીચો છે. કહેવાનું તાત્પર્ય એ છે કે બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ અને યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક પાસે હજી ઇન્ટરેસ્ટ રેટ ઓછામાં ઓછો ત્રણથી ચાર વખત વધારવાના ચાન્સ છે, જે ફેડ પાસે નથી. આ સંજોગોમાં જ્યારે બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ અને યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક ઇન્ટરેસ્ટ રેટ વધારશે અને ફેડ ઇન્ટરેસ્ટ રેટ નહીં વધારે ત્યારે ડૉલર પાઉન્ડ અને યુરો સામે નબળો પડશે અને ડૉલર નબળો પડતાં સોનાની તેજીનો નવો બૂસ્ટ મળશે. સોનાની તેજીની રિયલ સ્ટોરી જૂન મહિનાની ફેડની મીટિંગ પછી શરૂ થશે. જૂનમાં જો ફેડ ઇન્ટરેસ્ટ રેટ નહીં વધારે તો સોનામાં તેજીની લાંબી મજલ શરૂ થશે, જે સોનાને પ્રથમ તબક્કામાં ૨૨૦૦ ડૉલરની સપાટીએ પહોંચાડશે. અમેરિકાનો ઇકૉનૉમિક ગ્રોથ એકાએક સ્ટ્રૉન્ગ બને તો જ સોનાની તેજીને બ્રેક લાગી શકે એમ છે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૬૦,૯૬૪
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૬૦,૭૨૦
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૭૨,૦૪૦
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)