07 January, 2023 12:30 PM IST | Mumbai | Mayur Mehta
પ્રતીકાત્મક તસવીર
અમેરિકાના પ્રાઇવેટ સેક્ટરના બુલિશ જૉબડેટાથી ઘટેલું સોનું સર્વિસ અને એક્સપોર્ટના નબળા ડેટા આવ્યા બાદ સુધર્યું હતું. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૨૦૯ રૂપિયા ઘટ્યું હતું, જ્યારે ચાંદી પ્રતિ કિલો ૨૧૦ રૂપિયા વધી હતી.
વિદેશી પ્રવાહ
અમેરિકા પ્રાઇવેટ સેક્ટરના જૉબડેટા ધારણાથી વધુ બુલિશ આવતાં ગુરુવારે ઓવરનાઇટ સોનું ૧.૨ ટકા ઘટ્યું હતું, પરંતુ અમેરિકાના સર્વિસ સેક્ટર અને એક્સપોર્ટના ડેટા નબળા આવતાં સોનું ફરી વધ્યું હતું. પ્રાઇવેટ સેક્ટરના ડેટા બુલિશ આવતાં ફેડ ફેબ્રુઆરીમાં ૫૦ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારશે એવી ચર્ચા શરૂ થતાં સોનામાં પ્રૉફિટબુકિંગ જોવા મળ્યું હતું અને ૧૮૬૫ની સાત મહિનાની ઊંચી સપાટીથી સોનું ૧૮૨૫.૪૦ ડૉલર સુધી ઘટ્યું હતું, પણ ત્યાંથી ફરી ભાવ સુધર્યા હતા અને સોનું વધીને ૧૮૪૭.૪૦ ડૉલર થયું હતું. સોનું સુધરતાં ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ વધ્યાં હતાં.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકાના પ્રાઇવેટ સેક્ટરમાં ડિસેમ્બરમાં ૨.૩૫ લાખ નવી નોકરીઓ ઉમેરાઈ હતી જે નવેમ્બરમાં ૧.૮૨ લાખ હતી અને માર્કેટની ધારણા માત્ર ૧.૫૦ લાખ નવી નોકરીઓ ઉમેરાવાની હતી. ખાસ કરીને સર્વિસ સેક્ટરમાં હૉસ્પિટાલિટી બિઝનેસમાં સૌથી વધારે ૨.૧૩ લાખ નવી નોકરીઓ ઉમેરાઈ હતી. આ ઉપરાંત પ્રોફેશનલ, બિઝનેસ, એજ્યુકેશન, હેલ્થ, કન્સ્ટ્રક્શન્સ વગેરેમાં નવી નોકરીઓ ઉમેરાઈ હતી. ટ્રેડ, ટ્રાન્સપોર્ટેશન, માઇનિંગ અને ફાઇનૅન્શિયલ-મૅન્યુફૅકચરિંગ ઍક્ટિવિટીમાં નોકરીઓ ઓછી થઈ હતી. અમેરિકામાં નવા બેરોજગારી ભથ્થુ લેનારોની સંખ્યા ૩૧મી ડિસેમ્બરે પૂરા થયેલા સપ્તાહના અંતે ૧૯ હજાર ઘટીને ત્રણ મહિનાની નીચી સપાટીએ ૨.૦૪ લાખ રહી હતી જે અગાઉના સપ્તાહે ૨.૨૩ લાખ હતી અને માર્કેટની ધારણા ૨.૨૫ લાખની હતી.
અમેરિકામાં ડિસેમ્બર મહિનામાં ૪૩,૬૫૧ લોકોએ નોકરી ગુમાવી હતી, નવેમ્બરમાં ૭૬,૮૩૫ લોકોએ નોકરી ગુમાવી હતી. ગયા વર્ષે ડિસેમ્બરમાં માત્ર ૧૯.૦૫૨ લોકોએ નોકરી ગુમાવી હતી. આમ છેલ્લા એક વર્ષમાં નોકરી ગુમાવનારાઓની સખ્યામાં ૧૨૯ ટકાનો વધારો થયો હતો. ૨૦૨૨ના આખા વર્ષ દરમ્યાન ૩,૬૩,૮૨૪ લોકોએ નોકરી ગુમાવી હતી જે ૨૦૨૧ કરતાં ૧૩ ટકા વધારે હતી. ૨૦૨૧માં ૩,૨૧,૯૭૦ લોકોએ નોકરી ગુમાવી હતી. ૧૯૯૩માં જૉબકટ ડેટા જાહેર થવાના ચાલુ થયા બાદ ૨૦૨૨ના ડેટા સેકન્ડ હાઇએસ્ટ રહ્યા હતા.
અમેરિકાના સર્વિસ સેક્ટરનો ગ્રોથ ડિસેમ્બરમાં ઘટીને ચાર મહિનાની નીચી સપાટીએ ૪૪.૭ પૉઇન્ટે પહોંચ્યો હતો જે નવેમ્બરમાં ૪૬.૨ પૉઇન્ટ હતો અને પ્રિલિમિનરી એસ્ટિમેટમાં ૪૪.૪ પૉઇન્ટ હતો. સર્વિસ સેક્ટરમાં ઇન્પુટ કૉસ્ટ ઘટી હોવા છતાં નવા ઑર્ડરમાં ઘટાડો નોંધાયો હતો. ગ્લોબલ ઇકૉનૉમિક અનિશ્ચિતતા અને હાઈ ઇન્ફ્લેશનને કારણે સર્વિસ સેક્ટરમાં એક્સપોર્ટ ઑર્ડરને મોટી અસર પહોંચી હતી. વળી જૉબ ક્રીએશન પણ સર્વિસ સેક્ટરમાં ધીમું પડ્યું હતું.
આ પણ વાંચો:ફેડના મેમ્બરો ઇન્ટરેસ્ટ રેટ વધારાની ગતિને ધીમી પાડવાના મતના હોવાથી સોનામાં જળવાયેલી મજબૂતી
અમેરિકાના મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરનો ગ્રોથ સતત બીજે મહિને ઘટ્યા બાદ સર્વિસ સેક્ટરનો ગ્રોથ પણ ઘટીને ચાર મહિનાની નીચી સપાટીએ પહોંચતાં પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ ઘટીને એક વર્ષની નીચી સપાટીએ ૪૫ પૉઇન્ટ પહોંચ્યો હતો જે નવેમ્બરમાં ૪૬.૪ પૉઇન્ટ અને પ્રિલિમિનરી એસ્ટિમેટમાં ૪૪.૬ પૉઇન્ટ હતો. પ્રાઇવેટ સેક્ટરમાં ન્યુ બિઝનેસમાં છેલ્લા ૩૨ મહિનાનો સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. ઇન્ફલેશનના વધારાને કારણે સેલિંગ પ્રાઇસ બે વર્ષની ઊંચાઈએ પહોંચતાં ડિમાન્ડ પર ઘેરી અસર પહોંચી હતી. અમેરિકાની એક્સપોર્ટ નવેમ્બરમાં બે ટકા ઘટીને નવ મહિનાની નીચી સપાટીએ ૨૫૧.૯ અબજ ડૉલર પહોંચી હતી. ખાસ કરીને ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્ટ અને મટીરિયલ્સની એક્સપોર્ટ ઘટતાં ઓવરઑલ એક્સપોર્ટ ઘટી હતી. જોકે ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટની એક્સપોર્ટ વધી હતી. અમેરિકાની ઇમ્પોર્ટ નવેમ્બરમાં ૬.૫ ટકા ઘટીને ૧૧ મહિનાની નીચી સપાટીએ ૩૧૩.૪ અબજ ડૉલર રહી હતી. ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટની ઇમ્પોર્ટ મોટા પ્રમાણમાં ઘટી હતી. અમેરિકાની ટ્રેડ ડેફિસિટ ઘટીને બે વર્ષની નીચી સપાટીએ ૬૧.૫ અબજ ડૉલર પહોંચી હતી, જેના વિશે માર્કેટની ધારણા ૭૩ અબજ ડૉલરની હતી.
અમેરિકી ડૉલર શુક્રવારે વધીને એક મહિનાની ઊંચાઈએ ૧૦૫ના લેવલે પહોંચ્યો હતો. અમેરિકાના પ્રાઇવેટ સેક્ટરના જૉબડેટા ધારણા કરતાં સારા આવતાં તેમ જ ફેડની ડિસેમ્બર મીટિંગની મિનિટ્સમાં ઇન્ટરેસ્ટ રેટમાં વધારો હજુ લાંબો સમય સુધી ચાલુ રહેશે એવા સંકેતને પગલે ડૉલરના મૂલ્યમાં સુધારો નોંધાયો હતો. જૉબ ઓપનિંગ અને અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટના ડેટા નબળા આવ્યા હોવાથી જો ડિસેમ્બર મહિનાના નૉન ફાર્મ પે-રોલ ડેટા નબળા આવશે તો ડૉલરમાં આવેલો સુધારો ટકવો મુશ્કેલ બનશે.
પીપલ્સ બૅન્ક ઑફ ચાઇના દ્વારા ઇકૉનૉમિક કન્ડિશનને બુસ્ટ આપવા માર્કેટમાં સતત નાણાં ઠાલવવામાં આવી રહ્યાં છે. શુક્રવારે પીપલ્સ બૅન્ક ઑફ ચાઇનાએ બે અબજ યુઆન માર્કેટમાં રિવર્સ રેપોરેટ દ્વારા ઠાલવ્યા હતા. પીપલ્સ બૅન્ક ઑફ ચાઇના દ્વારા માર્કેટને સતત સપોર્ટ મળી રહ્યો હોવાથી નવી એનર્જી કંપનીઓના શૅરના ભાવ સતત વધી રહ્યા છે. શુક્રવારે ન્યુ એનર્જી કંપનીઓના શૅર ત્રણ સપ્તાહની ઊંચાઈએ પહોંચતાં ચીનનાં બન્ને સ્ટૉક એક્સચેંજ વધીને ખૂલ્યાં હતાં.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
અમેરિકાના પ્રાઇવેટ સેક્ટરના જૉબડેટાને બાદ કરતાં તમામ ડેટા રિસેશન શરૂ થઈ ચૂક્યું હોવાનો સ્પષ્ટ સંકેત આપતા હતા. પ્રાઇવેટ સેક્ટરના જૉબડેટાનો રેકૉર્ડ જોઈએ તો ૨૦૨૨માં પ્રાઇવેટ સેક્ટરમાં જાન્યુઆરીમાં ૩.૭૨ લાખ, ફેબ્રુઆરીમાં ૩.૭૫ લાખ, માર્ચમાં ૪.૨૫ લાખ, એપ્રિલમાં ૪.૫૭ લાખ, મેમાં ૩.૫૮ લાખ, જૂનમાં ૩.૮૦ લાખ, જુલાઈમાં ૨.૬૮ લાખ નવી નોકરીઓ ઉમેરાઈ હતી. ત્યાર બાદ પ્રાઇવેટ સેક્ટરમાં નોકરીઓ મેળવનારાઓની સંખ્યા સતત ઘટતી ગઈ અને જુલાઈમાં ૧.૩૨ લાખ, ઑગસ્ટમાં ૧.૯૨ લાખ, સપ્ટેમ્બરમાં ૨.૩૯ લાખ, નવેમ્બરમાં ૧.૮૨ લાખ બાદ ડિસેમ્બરમાં ૨.૩૫ લાખ નવી નોકરીઓ ઉમેરાઈ હતી. જાન્યુઆરીથી જૂન સુધીના ડેટાના પ્રમાણમાં પ્રાઇવેટ સેક્ટરમાં અડધા કરતાં પણ ઓછી નવી નોકરીઓ ઉમેરાઈ હતી. આથી અમેરિકાના તમામ ઇકૉનૉમિક ડેટા હવે ધીમે-ધીમે નબળા પડી રહ્યા હોવાથી ફેડ માટે ૨૦૨૩માં ઇન્ટરેસ્ટ રેટમાં ૨૫ બેસિસ પૉઇન્ટથી વધુ વધારો કરવાની જગ્યા નથી. ફેડ ફેબ્રુઆરીમાં ૨૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારશે એવી ચર્ચા જ્યારે જોર પકડશે ત્યારે સોનું ૧૯૦૦ ડૉલરની સપાટીને કુદાવીને ૨૦૦૦ ડૉલર ભણી આગેકૂચ કરશે.