સોનામાં સતત ત્રણ દિવસથી ઝડપી ઉછાળા બાદ પ્રૉફિટ બુકિંગ વધતાં પ્રત્યાઘાતી ઘટાડો

06 May, 2023 05:19 PM IST  |  Mumbai | Mayur Mehta

અમેરિકાના રેટ વધારાને બ્રેક ઉપરાંત બૅ​ન્કિંગ ક્રાઇસિસ વધવાના સંકેતથી સોનામાં નવી તેજીના ચાન્સ

પ્રતીકાત્મક તસવીર

સોનામાં માત્ર ત્રણ દિવસમાં ૯૦ ડૉલરના ઝડપી ઉછાળા બાદ પ્રૉફિંટ બુકિંગ વધતાં શુક્રવારે સોનામાં પ્રત્યાઘાતી ઘટાડો જોવા મળ્યો હતો. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ કિલો ૧૫૦ રૂપિયા ઘટ્યું હતું, જ્યારે ચાંદી પ્રતિ કિલો ૮૧૬ રૂપિયા વધ્યું હતું.

વિદેશી પ્રવાહ

અમેરિકાના ઇન્ટરેસ્ટ રેટ વધારાને બ્રેક લાગવાની શક્યતાની સાથે અમેરિકાની બૅ​ન્કિંગ ક્રાઇસિસ વધવાના સંકેતોને પગલે સોનામાં છેલ્લા ત્રણ દિવસમાં ઝડપી અને મોટો ઉછાળો જોવા મળ્યો હતો જેને કારણે સોનું ચાલુ સપ્તાહે શુક્રવાર સુધીમાં ૨.૫ ટકા વધ્યું હતું. સોનામાં ઝડપી ઉછાળાને પગલે શુક્રવારે પ્રૉફિંટ બુકિંગ પણ જોવા મળ્યું હતું જેને કારણે સોનું ગુરુવારે વધીને ૨૦૭૨.૧૯ ડૉલરે પહોંચ્યું હતું એ ઘટીને શુક્રવારે એક તબક્કે ૨૦૩૫.૯૦ ડૉલર થયું હતું. સોનું શુક્રવારે સાંજે ૨૦૩૭થી ૨૦૩૮ ડૉલરની રેન્જમાં હતું. સોનું ઘટતાં ચાંદી અને પ્લૅટિનમ પણ ઘટ્યાં હતાં, પણ પૅલેડિયમમાં સુધારો હતો.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

ચીનના મૅન્યુફ્રૅક્ચરિંગ અને સર્વિસ સેક્ટરનો ઑફિશ્યલ ડેટા નબળા આવ્યા બાદ પ્રાઇવેટ એજન્સીનો મૅન્યુફ્રૅક્ચરિંગ ગ્રોથનો રિપોર્ટ પણ નબળો આવ્યો હતો. હવે પ્રાઇવેટ એજન્સી કેઝીનના રિપોર્ટ અનુસાર ચીનના સર્વિસ સેક્ટરનો ગ્રોથ એપ્રિલમાં ઘટીને ૫૬.૪ પૉઇન્ટે પહોંચ્યો હતો જે માર્ચમાં ૨૮ મહિનાની ઊંચાઈએ ૫૭.૮ પૉઇન્ટ હતો. જોકે વાર્ષિક ધોરણે સર્વિસ સેક્ટરનો ગ્રોથ સતત ચોથા મહિને વધ્યો હતો. સર્વિસ સેક્ટરમાં નવા ઑર્ડર અને ફૉરેન સેલ્સનો ગ્રોથ ધીમો પડ્યો હતો. ઇનપુટ કૉસ્ટ ઇન્ફ્લેશન ૧૨ મહિનાની ઊંચાઈએ પહોંચતાં સર્વિસ સેક્ટરને અસર પહોંચી હતી.

અમેરિકાના ૩૦ વર્ષના ફિક્સ્ડ મૉર્ગેજ રેટ ૪ મેએ પૂરા થયેલા સપ્તાહના અંતે ઘટીને ૬.૩૯ ટકાએ પહોંચ્યા હતા જે અગાઉના સપ્તાહે ૬.૪૩ ટકા હતા, જ્યારે ૧૫ વર્ષના ફિક્સ્ડ મૉર્ગેજ રેટ વધીને ૫.૭૬ ટકાએ પહોંચ્યા હતા જે અગાઉના સપ્તાહે ૫.૭૧ ટકા હતા.

અમેરિકી ડૉલર ઇન્ડેક્સ શુક્રવારે ઘટીને ૧૦૧.૨ પૉઇન્ટે એક સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યો હતો. ફેડ જૂન મહિનામાં ઇન્ટરેસ્ટ રેટ વધારાને બ્રેક લગાવીને ઇન્ટરેસ્ટ રેટ ઘટાડા માટે પ્લૅટફૉર્મ તૈયાર કરશે એવી ઇકૉનૉમિસ્ટોની ધારણાને પગલે ડૉલર ઇન્ડેક્સ ઘટ્યો હતો. અમેરિકાની એક રીજનલ બૅન્કમાં સંકટ ઊભું થયાની વાત સામે આવતાં બૅ​ન્કિંગ ક્રાઇસિસ વધવાના ચાન્સ ફરી વધ્યા હતા, જેને કારણે ડૉલરમાં નરમાઈ જોવા મળી હતી. અમેરિકાની એક રીજનલ બૅન્કના શૅર ગુરુવારે ૫૦ ટકા ઘટતાં ક્રાઇસિસ ઊભી થયાનું બહાર આવ્યું હતું. 
યુરો એરિયાના રીટેલ સેલ્સમાં માર્ચમાં ૧.૨ ટકાનો ઘટાડો થયો હતો, જેમાં ફેબ્રુઆરીમાં ૦.૨ ટકાનો ઘટાડો થયો હતો અને માર્કેટની ધારણા ૦.૧ ટકા ઘટાડાની હતી. યુરો એરિયામાં ફૂડ પ્રાઇસ સતત વધી રહ્યા હોવાથી અને ઇન્ટરેસ્ટ રેટ ઊંચા હોવાથી રીટેલ સેલ્સમાં મોટી અસર જોવા મળી હતી. ફૂડ, ડ્રિન્ક્સ અને ટબૅકોના સેલ્સમાં ૧.૪ ટકાનો અને નૉન-ફૂડ આઇટમોના સેલ્સમાં ૧.૧ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે ઑટો ફ્યુઅલ સેલ્સ ૧.૬ ટકા વધ્યું હતું. જર્મનીમાં રીટેલ સેલ્સ ૨.૪ ટકા, ફ્રાન્સમાં ૧.૪ ટકા, ઇટલીમાં ૦.૩ ટકા અને સ્પેનમાં ૦.૭ ટકા રીટેલ સેલ્સ ઘટ્યું હતું.

ગ્લોબલ સપ્લાય ચેઇન પ્રેશર ઇન્ડેક્સ એપ્રિલમાં ઘટીને પંદર વર્ષની નીચી સપાટીએ માઇનસ ૧.૩૨ પૉઇન્ટે પહોંચ્યો હતો. ખાસ કરીને યુરો એરિયાનો ડિલિવરી-ટાઇમ સતત ઘટી રહ્યો હોવાથી સપ્લાય ચેઇન પ્રેશર ઘટી રહ્યું છે. યુરો એરિયા અને કોરિયન ખરીદી સતત ઘટી રહી હોવાથી ડિલિવરી ટાઇમ ઘટી રહ્યો છે. જોકે તાઇવાનની ખરીદી વધી રહી હોવાથી એનો ડિલિવરી-ટાઇમ
વધ્યો હતો.

વર્લ્ડના ફૂડ પ્રાઇસ છેલ્લા એક વર્ષમાં પ્રથમ વખત એપ્રિલમાં વધ્યા હોવાનો રિપોર્ટ એફ.એ.ઓ. (ફૂડ ઍન્ડ ઍગ્રિકલ્ચર ઑર્ગેનાઇઝેશન)એ આપ્યો હતો. વર્લ્ડ ફૂડ પ્રાઇસનો ઇન્ડેક્સ એપ્રિલમાં વધીને ૧૨૭.૨ પૉઇન્ટે પહોંચ્યો હતો જે માર્ચમાં ૧૨૬.૫ પૉઇન્ટ હતો. ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સના વધારામાં સૌથી મોટો ફાળો શુગરના પ્રાઇસનો હતો. શુગર પ્રાઇસ સતત ત્રીજે મહિને વધ્યા હતા અને ૧૨ વર્ષની ઊંચાઈએ પહોંચ્યા હતા. અનાજ અને વેજિટેબલ સિવાયની તમામ ફૂડ આઇટમોના ભાવમાં મોટો વધારો નોંધાયો હતો.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ

અમેરિકન ફેડે લાંબા સમય પછી સ્વીકાર્યુ છે કે ઇન્ફ્લેશનને બે ટકાની નીચે લાવવા ઇન્ટરેસ્ટ વધારો લાંબા સમય સુધી ચાલુ રાખી શકાય એમ નથી. બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટ પાંચ ટકા ઉપર પહોંચતાં ઇકૉનૉમી પર નવું પ્રેશર આવ્યું હતું, એ પણ એ વખતે જ્યારે અમેરિકાની બૅ​ન્કિંગ ક્રાઇસિસનો ચરુ હજુ ઊકળી રહ્યો છે. અમેરિકાની બૅ​ન્કિંગ ક્રાઇસિસને કાબૂમાં રાખવા માટે ફેડને ઇન્ટરેસ્ટ રેટ વધારાને બ્રેક લગાવ્યા સિવાય છૂટકો નથી. ઇન્ટરેસ્ટ વધારાને બ્રેક એટલે ડૉલરની મંદી અને ડૉલરની મંદી એટલે સોનાની તેજી, આવું સીધુંસાદું ગણિત હવે કામ કરશે અને આવા સાદા ગણિતે જ સોનાને ૨૦૭૦ ડૉલરસુધી ઊંચકાવ્યું છે એ પણ હજુ તો ઇન્ટરેસ્ટ રેટના વધારાને બ્રેક લાગવાની માત્ર ચર્ચા થાય છે, જ્યારે વાસ્તવમાં ઇન્ટરેસ્ટ રેટ વધારાને બ્રેક લાગશે ત્યારે સોનામાં હાલની તેજીથી મોટી તેજી જોવા મળશે.

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૬૧,૪૯૬
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૬૧,૨૫૦
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૭૭,૨૮૦
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

business news