અમેરિકા અને યુરોપનો પ્રાઇસ ઇન્ડેક્સ મલ્ટિ-મન્થ લો સપાટીએ પહોંચતાં સોનામાં ફરી મજબૂતી

02 December, 2023 09:55 AM IST  |  Mumbai | Mayur Mehta

ફેડ અને યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક ઇન્ટરેસ્ટ રેટ વધારાની સાઇકલ ઝડપથી પૂરી કરશે એવા સંકેતથી સોનામાં ખરીદી વધી ઃ મુંબઈમાં ચાંદીના ભાવ સતત ચોથે દિવસે વધ્યા, ચાર દિવસમાં ૩૩૫૪ રૂપિયા ઊછળીને ૭૬,૦૦૦ રૂપિયાની સપાટી વટાવી

પ્રતીકાત્મક તસવીર

અમેરિકા અને યુરોપનો પ્રાઇસ ઇન્ડેક્સ મલ્ટિ-મન્થ લો સપાટીએ પહોંચતાં સોનામાં ફરી મજબૂતી જોવા મળી હતી. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૧૨૧ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૪૬૬ રૂપિયા વધ્યાં હતાં. ચાંદીના ભાવ સતત ચોથે દિવસે વધીને ૭૬,૦૦૦ રૂપિયાની સપાટીને પાર કરી ગયા હતા. ચાંદી છેલ્લા ચાર દિવસમાં ૩૩૫૪ રૂપિયા ઊછળી હતી. 

વિદેશ પ્રવાહ
સોનાના ભાવ નવેમ્બરમાં ૨.૩ ટકા એટલે કે ૬૦ ડૉલર વધ્યા હતા જે સતત બીજા મહિનાનો વધારો હતો. અમેરિકાના પર્સનલ કન્ઝમ્પ્શન એક્સપે​ન્ડિચર પ્રાઇસ ઇન્ડેક્સ ઘટીને ૩૧ મહિનાની નીચી સપાટીએ આવતાં સોનામાં ફરી તેજીની આગેકૂચ ચાલુ થઈ હતી. વળી યુરો એરિયાનું ઇન્ફ્લેશન પણ ઘટીને ૨૮ મહિનાની નીચી સપાટીએ આવતાં બન્ને સેન્ટ્રલ બૅન્કો હવે ઇન્ટરેસ્ટ રેટ નહીં વધારે એવી શક્યતાઓ વધતાં સોનું વધ્યું હતું. સોનું શુક્રવારે એક તબક્કે વધીને ૨૦૫૦.૯૦ ડૉલર થયા બાદ સાંજે ૨૦૩૭થી ૨૦૩૮ ડૉલર હતું. સોનું ઊંચા મથાળેથી ઘટતાં ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ ઘટ્યાં હતાં.  

ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકન ડૉલર ઇન્ડેક્સ છેલ્લા ત્રણ દિવસથી સુધરી રહ્યો હતો, પણ શુક્રવારે અમેરિકાના પર્સનલ કન્ઝમ્પ્શન એક્સપે​ન્ડિચર ઇન્ડેક્સ ઘટીને આવતાં અને અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ વધતાં  ડૉલર ફરી ઘટીને ૧૦૩.૩૮ પૉઇન્ટે પહોંચ્યો હતો. બુધવારે ડૉલર ઇન્ડેક્સ ઘટીને ૧૦૨.૫ પૉઇન્ટ થયા બાદ છેલ્લા બે દિવસમાં ખાસ્સો એવો સુધારો નોંધાયો હતો અને ડૉલર ઇન્ડેક્સ એક તબક્કે વધીને ૧૦૩.૫ પૉઇન્ટ થયા બાદ ઘટ્યો હતો. અમેરિકન ફેડ ઇન્ટરેસ્ટ રેટ વધારાની સાઇકલ પૂરી કરશે એવી સંભાવનાઓ વધતાં ડૉલર ઇન્ડેક્સ ફરી ઘટ્યો હતો. જોકે ટ્રેઝરી બૉન્ડનાં યીલ્ડ નજીવા વધીને ૪.૨૮ ટકા થયાં હતાં. 

અમેરિકાનો પર્સનલ કન્ઝમ્પ્શન એક્સપે​ન્ડિચર પ્રાઇસ ઇન્ડેક્સ વાર્ષિક ધોરણે ઑક્ટોબરમાં ઘટીને ૩૧ મહિનાની નીચી સપાટીએ ત્રણ ટકાએ પહોંચ્યો હતો જે સપ્ટેમ્બરમાં ૩.૪ ટકા હતો. ઑક્ટોબરમાં એનર્જી પ્રાઇસ ૨.૬ ટકા ઘટી હતી. જોકે ફૂડ-પ્રાઇસ ૦.૨ ટકા વધી હતી. પર્નસલ કન્ઝમ્પ્શન એક્સપેન્ડિંગ કોર પ્રાઇસ ઇન્ડેક્સ પણ ઘટીને ૩.૫ ટકાએ પહોંચ્યો હતો જે સપ્ટેમ્બરમાં ૩.૭ ટકા હતો. 

અમેરિકામાં નવા અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ ૨૫મી નવેમ્બરે પૂરા થયેલા સપ્તાહના અંતે ૭ હજાર વધીને ૨.૧૮ લાખે પહોંચ્યા હતા જે અગાઉના સપ્તાહે ૨.૧૧ લાખ હતા. માર્કેટની ધારણા ૨.૨૦ લાખની હતી એનાથી બેનિફિટ થોડા ઓછા હતા. એ​ક્ઝિ​સ્ટિંગ અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ પણ ૮૬ હજાર વધીને ૧૯.૨૭ લાખે પહોંચ્યા હતા જે બે વર્ષની ઊંચાઈએ હતા. 
અમેરિકન પબ્લિકની પર્સનલ ઇન્કમ ઑક્ટોબરમાં ૦.૨ ટકા વધી હતી જે વધારો છેલ્લા ચાર મહિનાનો સૌથી ઓછો હતો. જોકે માર્કટની ધારણા પ્રમાણે ઇન્કમ વધી હતી. અમેરિકન વર્કરોના વેતન અને સૅલેરી ઘટ્યાં હતાં એની સામે ઍસેટમાંથી રિટર્ન વધ્યું હતું. અમેરિકન પબ્લિકનું સ્પે​ન્ડિંગ ઑક્ટોબરમાં ૦.૨ ટકા વધ્યું હતું જે સપ્ટેમ્બરમાં ૦.૭ ટકા વધ્યું હતું. પર્સનલ સ્પે​​ન્ડિંગમાં છેલ્લા પાંચ મહિનાનો સૌથી ઓછો વધારો થયો હતો. 

અમેરિકાના એ​ક્ઝિ​સ્ટિંગ હોમસેલ્સનો ઇન્ડેક્સ ઑક્ટોબરમાં ૧.૫ ટકા ઘટીને ૭૧.૪ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ૨૦૦૧માં એક્ઝિસ્ટિંગ હોમસેલ્સનો ઇન્ડેક્સ બનાવવાનું ચાલુ થયું ત્યાર બાદનો આ સૌથી નીચો ઇન્ડેક્સ છે. સપ્ટેમ્બરમાં એક્ઝિસ્ટિંગ હોમસેલ્સ એક ટકા વધ્યાં હતાં. 
યુરો એરિયાનું પ્રિલિમિનરી ઇન્ફ્લેશન નવેમ્બરમાં ઘટીને ૨૮ મહિનાની નીચી સપાટીએ ૨.૪ ટકાએ પહોંચ્યું હતું, જેની માર્કેટની ધારણા ૨.૭ ટકાની હતી. એનર્જી કૉસ્ટ ૧૧.૫ ટકા ઘટી હતી જે ઑક્ટોબરમાં પણ ૧૧.૨ ટકા ઘટી હતી. ફૂડ, આલ્કોહોલ અને ટબૅકો પ્રાઇસ નવેમ્બરમાં ૬.૯ ટકા વધી હતી જે ઑક્ટોબરમાં ૭.૪ ટકા વધી હતી. મન્થ્લી બેઇઝ પર ઇન્ફ્લેશન ૦.૫ ટકા ઘટ્યું હતું.

ચીનનો મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ ગ્રોથ ઑફિશ્યલ ડેટામાં નવેમ્બરમાં ઘટ્યો હતો, પણ પ્રાઇવેટ એજન્સી કેઝીનના રિપોર્ટ અનુસાર નવેમ્બરમાં મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ વધીને ૫૦.૭ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑક્ટોબરમાં ૪૯.૫ પૉઇન્ટ હતો. મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરમાં બાઇંગ ઍક્ટિવિટી અને આઉટપુટ બન્ને વધ્યાં હતાં. નવા ઑર્ડર વધીને ચાર મહિનાની ઊંચાઈએ પહોંચ્યા હતા. આઉટપુટ કૉસ્ટનો વધારો પણ ઑક્ટોબર કરતાં ધીમો રહેતાં ઓવરઑલ મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ વધ્યો હતો. 
ભારતનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ નવેમ્બરમાં વધીને ૫૬ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑક્ટોબરમાં આઠ મહિનાની નીચી સપાટીએ ૫૫.૫ પૉઇન્ટ હતો. વાર્ષિક ધોરણે ભારતનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ સતત ૨૯મા મહિને વધ્યો હતો. ખાસ કરીને મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરમાં ફૉરેન સેલ્સ સતત ૨૦મા મહિને વધતાં ઓવરઑલ ગ્રોથ વધ્યો હતો. એમ્પ્લૉયમેન્ટ સતત આઠમા મહિને વધ્યું હતું અને પર્ચેઝ કૉસ્ટ વધી હતી, પણ આ વધારો છેલ્લા ૪૦ મહિનાનો સૌથી ઓછો હતો. મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરમાં બિઝનેસ કૉન્ફિડન્સ ઘટીને સાત મહિનાની નીચી સપાટીએ હતો. ભારતનો ગ્રોથરેટ ૨૦૨૩ના થર્ડ ક્વૉર્ટરમાં ૭.૬ ટકા રહ્યો હતો જે અગાઉના ક્વૉર્ટરમાં ૭.૮ ટકા હતો અને ધારણા ૬.૮ ટકાની હતી. રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના ૬.૫ ટકાના પ્રોજેક્શન કરતાં ગ્રોથ વધુ ઊંચો રહ્યો હતો. ભારતનું ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોડક્શન ઑક્ટોબરમાં ૧૨.૧ ટકા વધ્યું હતું જે સપ્ટેમ્બરમાં ૦.૨ ટકા વધ્યું હતું. ભારતની ફિઝિકલ ડેફિસિટ એપ્રિલથી ઑક્ટોબર દરમ્યાન વધીને ૮.૦૪ ટ્રિલ્યન (લાખ કરોડ) રૂપિયાએ પહોંચી હતી જે ગયા વર્ષે આ સમયગાળા દરમ્યાન ૭.૫૮ ટ્રિલ્યન રૂપિયા હતી. ભારતનું એક્સપે​ન્ડિચર ૧૧.૭ ટકા વધીને ૨૩.૯૪ ટ્રિલ્યન રૂપિયા રહ્યું હતું જેની સામે રિસિપ્ટ ૧૪.૮ ટકા વધીને ૧૫.૧૯ ટ્રિલ્યન રૂપિયા રહી હતી. ભારતે ફિઝિકલ ડેફિસિટનો ટાર્ગેટ જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ)નો ૫.૯ ટકા રાખ્યો છે. 

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ 
યુરોપિયન દેશોનું ઇન્ફ્લેશન ઑક્ટોબર ૨૦૨૨માં ૧૦.૩ ટકા હતું જે ઘટીને નવેમ્બર ૨૦૨૩માં ૨.૪ ટકા થયું છે. અમેરિકાનું ઇન્ફ્લેશન સાડાચાલીસ વર્ષની ૯.૧ ટકાની ઊંચાઈએ ઘટીને ઑક્ટોબરમાં ૩.૨ ટકાએ પહોંચી ગયો છે. બ્રિટનનું ઇન્ફ્લેશન પણ ઘટી રહ્યું છે કે તમામ સેન્ટ્રલ બૅન્કોના ટાર્ગેટથી હજી ઇન્ફ્લેશન ઘણું ઊંચું છે. યુરોપિયન સેન્ટ્રલ બૅન્કના મેમ્બરો ગયા સપ્તાહ સુધી ઇન્ટરેસ્ટ રેટમાં વધારાની અપીલ કરતા હતા, પણ હવે ઇન્ફ્લેશન ઘટીને ૨.૪ ટકા થતાં યુરો એરિયામાં પણ ઇકૉનૉમિસ્ટો અને ઍનલિસ્ટો દ્વારા ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડાની ચર્ચા જોરશોરથી ચાલુ થઈ ચૂકી છે. આમ ફેડ યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક અને અન્ય સેન્ટ્રલ બૅન્કો ૨૦૨૪માં ઇન્ટરેસ્ટ રેટ ઘટાડવાનો દોર ચાલુ કરશે એવું હવે ધીમે-ધીમે સ્પષ્ટ થવા લાગ્યું છે. ઇન્ટરેસ્ટ રેટનો ઘટાડો ઇકૉનૉમિક ગ્રોથને વધારશે એની સાથે છેલ્લાં બેથી ત્રણ વર્ષથી ધીમી પડતી ડિમાન્ડ પણ એકસાથે વધશે અને એની અસરે ઇન્ફ્લેશન પણ વધશે. આમ ૨૦૨૪નું વર્ષ સોનાની તેજી માટેનું એકદમ આશાસ્પદ વર્ષ બની રહેશે.

business news united states of america gold silver price