મિડલ ઈસ્ટમાં ટેન્શન વધતાં સોનું સતત ત્રીજા દિવસે નવી ઑલટાઇમ હાઈ સપાટીએ

03 April, 2024 07:09 AM IST  |  Mumbai | Mayur Mehta

વર્લ્ડ માર્કેટમાં માર્ચનો સોનાનો ૯.૩ ટકાનો ઉછાળો ૪૪ મહિનાનો સૌથી મોટો ઉછાળો : મુંબઈમાં સોનું સતત પાંચમા દિવસે અને ચાંદી સતત ત્રીજા દિવસે વધી

પ્રતીકાત્મક તસવીર

મિડલ ઈસ્ટમાં ટેન્શન વધતાં જિયોપૉલિટિકલ ટેન્શનના સપોર્ટથી સોનું સતત ત્રીજે દિવસે નવી ઑલટાઇમ હાઈ સપાટીએ પહોંચ્યું હતું. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૨૯૮ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૧૦૧૬ રૂપિયા વધ્યો હતો. મુંબઈમાં સોનું સતત પાંચમા દિવસે વધ્યું હતું અને સતત પાંચમા દિવસે નવી ઑલટાઇમ હાઈ સપાટી જોવા મળી હતી. છેલ્લા પાંચ દિવસમાં સોનાના ભાવમાં ૨૬૯૩ રૂપિયાનો વધારો થયો હતો. મુંબઈમાં ચાંદીના ભાવ પણ સતત ત્રીજે દિવસે વધ્યા હતા. ચાંદી છેલ્લા ત્રણ દિવસમાં ૨૧૩૦ રૂપિયા વધી હતી. 

વિદેશ પ્રવાહ
ઇઝરાયલે સિરિયામાં રહેલી ઈરાનની એમ્બેસી પર ઍરસ્ટ્રાઇક કરતાં નવેસરથી મોતનું તાંડવ શરૂ થતાં સોનાની તેજીને જિયોપૉલિટિકલ ટેન્શનનો સપોર્ટ મળતાં સતત ત્રીજા દિવસે નવી ઑલટાઇમ હાઈ સપાટી જોવા મળી હતી. વર્લ્ડ માર્કેટમાં સોનું વધીને નવી ઑલટાઇમ હાઈ સપાટી ૨૨૬૭.૪૦ ડૉલરે પહોંચ્યું હતું જે ઘટીને ૨૨૪૯.૭૦ ડૉલર થયા બાદ નવેસરથી ઊછળ્યું હતું. સોનું મંગળવારે સાંજે ૨૨૬૦થી ૨૨૬૧ ડૉલરની રેન્જમાં હતું. સોનું વધતાં ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ વધ્યાં હતાં.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકન ડૉલર ઇન્ડેક્સ વધીને ૧૦૫ પૉઇન્ટના લેવલને પાર કરી ગયો હતો. ફેડ ચૅરમૅન જેરોમ પૉવેલે ઇન્ટરેસ્ટ રેટ ઘટાડા માટે ઉતાવળ કરવામાં નહીં આવે એવી હૈયાધારણા આપતાં અને અમેરિકન મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ સ્ટ્રૉન્ગ રહેતાં તેમ જ યુરોપિયન ઇન્ફલેશન એક્સપેક્ટેશન ઘટીને બે વર્ષની નીચી સપાટીએ પહોંચતાં હવે યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક ફેડ પહેલાં ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો કરશે એવી ધારણાને પગલે ડૉલર ઇન્ડેક્સ વધ્યો હતો. ડૉલર ઇન્ડેક્સ વધતાં ટ્રેઝરી બૉન્ડનાં યીલ્ડ પણ વધીને પાંચ મહિનાની ઊંચાઈએ ૪.૩૨ ટકા થયાં હતાં. અમેરિકાનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ માર્ચમાં વધીને ૫૦.૩ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ફેબ્રુઆરીમાં ૪૭.૮ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૪૮.૪ પૉઇન્ટની હતી. મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરમાં ૧૬ મહિના પછી પ્રથમ વખત ગ્રોથ નોંધાયો હતો. મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરમાં નવા ઑર્ડરનો ઇન્ડેક્સ વધ્યો હતો તેમ જ એક્સપોર્ટ ઑર્ડરનો ઇન્ડેક્સ સ્ટ્રૉન્ગ લેવલે યથાવત્ રહ્યો હતો. 

અમેરિકન કન્સ્ટ્રક્શન્સ સ્પે​ન્ડિંગ ફેબ્રુઆરીમાં ૦.૩ ટકા ઘટ્યું હતું જે જાન્યુઆરીમાં ૦.૨ ટકા ઘટ્યું હતું અને માર્કેટની ધારણા ૦.૭ ટકા વધારાની હતી. કન્સ્ટ્રક્શન્સ સ્પે​ન્ડિંગમાં સતત બીજે મહિને ઘટાડો જોવા મળ્યો હતો. ખાસ કરીને નૉન રેસિડેન્શિયલ કન્સ્ટ્રક્શન્સમાં ૦.૯ ટકાનો ઘટાડો થતાં ઓવરઑલ ગ્રોથ ઘટ્યો હતો. યુરો એરિયાનું ઇન્ફલેશન એક્સપેક્ટેશન આગામી બાર મહિનાનું ઘટીને બે વર્ષની નીચી સપાટીએ ૩.૧ ટકાએ પહોંચ્યું હતું જે જાન્યુઆરીમાં ૩.૩ ટકા હતું, જ્યારે આગામી ત્રણ વર્ષનું ઇન્ફલેશન એક્સપેક્ટેશન ઘટીને ૨.૫ ટકા થયું હતું. જોકે ઇન્ફલેશન બાબતેની અનિશ્ચિતતા યથાવત્ રહી હતી. કન્ઝ્યુમરની ઇન્કમના ગ્રોથનું એક્સપેક્ટેશન ૧.૨ ટકાથી વધીને ૧.૪ ટકા રહ્યું હતુ. જોકે ઇકૉનૉમિક ગ્રોથનું એક્સપેક્ટેશન યથાવત્ રહ્યું હતું. યુરો એરિયાનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ માર્ચમાં વધીને ૪૬.૧ પૉઇન્ટે પહોંચ્યો હતો જે પ્રિલિમિનરી એસ્ટીમેટમાં ૪૫.૧ ટકા હતો. મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરમાં નવા ઑર્ડરનો ઘટાડો ધીમો પડતાં ગ્રોથ વધ્યો હતો. જોકે આઉટપુટ સતત ૧૨મા મહિને ઘટ્યું હતું. 

ભારતનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ માર્ચ મહિનામાં વધીને ૧૬ વર્ષની ઊંચાઈએ ૫૯.૧ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ફેબ્રુઆરીમાં ૫૬.૯ પૉઇન્ટ હતો. પ્રિલિમિનરી એસ્ટીમેટમાં મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ૫૯.૨ ટકા અને માર્કેટની ધારણા ૫૯.૪ પૉઇન્ટની હતી. મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરમાં પ્રોડક્શન અને નવા ઑર્ડરનો ગ્રોથ સાડાત્રણ વર્ષની ઊંચાઈએ પહોંચ્યા હતા. ઇનપુટ કૉસ્ટ ઇન્ફલેશન પાંચ મહિનાની ઊંચાઈએ પહોચ્યું હોવા છતાં બાઇંગ ઇન્ટરેસ્ટ રેટ વધતાં મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ વધ્યો હતો. 

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ 
સોનામાં તેજીની આગેકૂચ વચ્ચે બે પ્રવાહો સમાંતર ચાલી રહ્યા છે. અમેરિકન ઇન્ટરેસ્ટ રેટ ઘટાડાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે, પણ ઇન્ટરેસ્ટ રેટ ઘટાડો શરૂ થવાના ચાન્સ ઘટી રહ્યા છે જેને કારણે ડૉલર એકધારો મજબૂત બની રહ્યો છે. અમેરિકન ડૉલર અને સોનું સમાંતર વધતાં હોય એવી ભાગ્યે જ જોવા મળતી ઘટના હાલ એકસાથે થઈ રહી છે અમેરિકન ડૉલર અને સોનું, બન્નેની તેજી વચ્ચે જિયોપૉલિટિકલ ટેન્શન સતત વધી રહ્યું છે. રશિયા અને યુક્રેન વચ્ચે પચીસ મહિનાથી ચાલી રહેલા યુદ્ધનો કોઈ અંત દેખાતો નથી ત્યારે ઇઝરાયલ અને તમામ ઇસ્લામિક આતંકવાદી જૂથો તેમ જ એને સમર્થન આપતા તમામ દેશો વચ્ચેની લડાઈ આક્રમક બની રહી છે જેના ભાગરૂપે ઇઝરાયલે સિરિયામાં આવેલી ઈરાનની એમ્બેસી પર ઍરસ્ટ્રાઇક કરી હતી જેના પડઘારૂપે હમાસ અને એને સમર્થન આપતાં તમામ ઇસ્લામિક આતંકવાદી જૂથો વધારે આક્રમક બનીને નવા હુમલાઓ કરશે એવી ધારણાને પગલે જિયોપૉલિટિકલ ટેન્શન વધ્યું છે. આથી હાલ સોનામાં તેજીની મૂવમેન્ટ હવે ડૉલર પરથી જિયોપૉલિટિકલ ટેન્શન તરફ શિફ્ટ થતાં હવે સોનામાં હજી વધુ મોટી તેજીની શક્યતા પણ પ્રબળ બની છે.

share market stock market gold silver price business news