મુંબઈમાં સોનું ૬ દિવસમાં ૨૧૮૨ રૂપિયા વધીને સતત ચોથા દિવસે પણ નવી ટોચે

27 September, 2024 12:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચાંદી માત્ર ત્રણ દિવસમાં ૪૭૬૬ રૂપિયા વધીને મુંબઈમાં ઑલટાઇમ હાઈ સપાટીએ : ઇઝરાયલ અને લેબૅનન વચ્ચેના ભીષણ સંગ્રામથી વિશ્વબજારમાં સોનું સતત ચોથા દિવસે નવી ટોચે

ફાઈલ તસવીર

ઇઝરાયલે હિઝબુલ્લાને નેસ્તનાબૂદ કરવા લેબૅનનની ધરતી રક્તરંજિત કરતાં ત્રીજા વિશ્વયુદ્ધની ઝાંકી થવા લાગતાં સોનામાં સેફ હેવન ડિમાન્ડ વધી હતી, જેને કારણે સોનું સતત નવી ટોચે ૨૬૮૫.૫૦ ડૉલરે પહોંચ્યું હતું. હવે ૨૭૦૦ ડૉલરની ઐતિહાસિક સપાટી હાથવેંતમાં દેખાવા લાગી હતી.

મુંબઈ જ્વેલરી માર્કેટમાં હાલમાં સોનું-ચાંદી બન્ને અત્યાર સુધીની ઑલટાઇમ હાઈ સપાટીએ પહોંચ્યાં હતાં. સોનું સતત ચોથા દિવસે ઑલટાઇમ હાઈ સપાટીએ પહોંચ્યું હતું. ગઈ કાલે મુંબઈમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૫૦૨ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૧૭૯૨ રૂપિયા વધી હતી. સોનું સતત છઠ્ઠે દિવસે વધીને સતત ચોથા દિવસે નવી ઑલટાઇમ હાઈ સપાટીએ પહોંચ્યું હતું. સોનું છેલ્લા છ દિવસમાં ૨૧૮૨ રૂપિયા વધ્યું હતું, જ્યારે ચાંદી છેલ્લા ત્રણ દિવસમાં ૪૭૬૬ રૂપિયા વધીને નવી ઑલટાઇમ હાઈ સપાટીએ પહોંચ્યું હતું. 

ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકન ડૉલર ઇન્ડેક્સ છેલ્લા ૨૪ કલાકમાં ૦.૬ ટકા વધીને ૧૦૦.૯૧ પૉઇન્ટે પહોંચ્યો હતો. ફેડના ગવર્નર બોમેને કમેન્ટ કરી હતી કે ઇન્ફલેશનના વધારાનું જોખમ હજી મોજૂદ હોવાથી ફેડને વધુ રેટ-કટ માટે સાવચેતીપૂર્વક વિચારવું પડશે. બોમેનની કમેન્ટ બાદ નવેમ્બરમાં રેટ-કટ વિશે અનિશ્ચિતતાં વધતાં ડૉલર વધ્યો હતો.

અમેરિકામાં નવાં રહેણાક મકાનોનું વેચાણ ઑગસ્ટમાં ૪.૭ ટકા ઘટીને ૭.૧૬ લાખ પર પહોંચ્યું હતું જે અગાઉના મહિને ૧૦.૩ ટકા ઘટ્યું હતું, પણ માર્કેટની ૭ લાખની ધારણા કરતાં થોડું વધુ રહ્યું હતું. બિલ્ડિંગ પરમિટ પણ ઑગસ્ટમાં ૪.૬ ટકા વધીને ૧૪.૭૦ લાખ પર પહોંચી હતી જેના વિશે માર્કેટની ધારણા ૧૪.૭૫ લાખની હતી.

અમેરિકાના ૩૦ વર્ષના ફિક્સ્ડ મૉર્ગેજ રેટ ૨૦ સપ્ટેમ્બરે પૂરા થયેલા સપ્તાહના અંતે બે બેઝિસ પૉઇન્ટ ઘટીને બે વર્ષની નીચી સપાટીએ ૬.૧૩ ટકાએ પહોંચ્યા હતા જે એક વર્ષ અગાઉ ૭.૪૧ ટકા હતા. મૉર્ગેજ રેટ સતત ઘટી રહ્યા હોવાથી મૉર્ગેજ ઍપ્લિકેશનનો ઉપાડ પણ ગયા સપ્તાહે ૧૧ ટકા વધીને બે વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.

ચીનની ગવર્નમેન્ટ ઑથોરિટી અને સેન્ટ્રલ બૅન્ક દ્વારા ઇકૉનૉમિક કન્ડિશનના બૂસ્ટ કરવા સતત ત્રણ દિવસ દરમ્યાન વિવિધ પ્રકારના ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો કર્યા બાદ ગુરુવારે સરકારી બૅન્કોને એક ટ્રિલ્યન (લાખ કરોડ) યુઆનની ધનરાશિ લૅન્ડરોને ફાઇનૅન્શિયલ સપોર્ટ માટે આપી હતી. આ પ્રકારનો સપોર્ટ ચીનની સેન્ટ્રલ બૅન્કે ૨૦૦૮ પછી પ્રથમ વખત કર્યો હતો. આ ઉપરાંત નૅશનલ ડે નિમિત્તે ૧ ઑક્ટોબરે દેશના ગરીબોને નૅશનલ ડેની ઉજવણી માટે વન ટાઇમ કૅશ સહાય આપવાનો પણ નિર્ણય લેવાયો હતો જેનાથી માર્કેટમાં ડિમાન્ડમાં વધારો થતાં ઇકૉનૉમીને બૂસ્ટ મળે. 

શૉર્ટ ટર્મ – લૉન્ગ ટર્મ 
સોનાની તેજીને જિયોપૉલિટિકલ ટેન્શન અને મૉનિટરી પૉલિસીનો સપોર્ટ ઉપરાંત હવે ફિઝિકલ ડિમાન્ડનો સપોર્ટ પણ મળવા લાગ્યો છે. ચીન અને ભારત એ બે દેશોની સોનાની ડિમાન્ડનો હિસ્સો વર્લ્ડની કુલ ડિમાન્ડમાં ૫૦ ટકા કરતાં વધારે છે. ચાઇનીઝ ગવર્નમેન્ટે છેલ્લા ચાર દિવસમાં ઇકૉનૉમિક કન્ડિશનને બૂસ્ટ કરવા લીધેલાં પગલાંની અસરે ઑક્ટોબરથી શરૂ થતો નૅશનલ ડે હૉલિડે અને ત્યાર બાદ લુનાર ન્યુ યરના ફેસ્ટિવલની ફેબ્રુઆરીની રજા દરમ્યાન સોનાની ફિઝિકલ ડિમાન્ડમાં અગાઉના વર્ષ કરતાં મોટો ઉછાળો જોવા મળશે. ભારતમાં ચોમાસું સારું જતાં દિવાળીના તહેવારો દરમ્યાન પણ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની ફિઝિકલ ડિમાન્ડમાં પણ અગાઉના વર્ષ કરતાં મોટો ઉછાળો આવશે. આમ સોનાની ફિઝિકલ ડિમાન્ડનો સપોર્ટ હવે સોનાની તેજીને વધુ આગળ લઈ જશે.

business news gold silver price united states of america israel hamas lebanon