05 January, 2023 02:56 PM IST | Mumbai | Mayur Mehta
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
અમેરિકાનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ઘટીને ૩૨ મહિનાની નીચી સપાટીએ પહોંચતાં ડૉલરના ઘટાડાને પગલે સોનું સાત મહિનાની ઊંચાઈએ પહોંચ્યું હતું. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૫૬૧ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૧૪૪ રૂપિયા વધી હતી.
વિદેશી પ્રવાહ
અમેરિકન ફેડ ફેબ્રુઆરીની મીટિંગમાં ૨૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરશે એવી ચર્ચા ઇકૉનૉમિસ્ટોમાં ચાલુ થતાં અમેરિકન ડૉલર બુધવારે ૦.૬ ટકા ઘટતાં સોનું વધીને ૧૮૬૬.૪૦ ડૉલરની સપાટીએ પહોચ્યું હતું. ૨૦૨૩ના આરંભથી ડૉલર ઇન્ડેક્સ સતત ઘટી રહ્યો છે. અમેરિકાના મૅન્યુફૅક્ચરિંગ ડેટા નબળા આવતાં રિસેશનનો ભય વધ્યો હતો. ફેડના કેટલાક મેમ્બરોએ પણ રિસેશનનો તબક્કો શરૂ થયાનો એકરાર કરતાં ડૉલર ઇન્ડેક્સ વધુ ઘટ્યો હતો. સોનામાં તેજીને પગલે ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ ઘટ્યાં હતાં.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
ચાઇનીઝ ગવર્નમેન્ટ ઑથોરિટી દ્વારા કોરોનાનાં નિયંત્રણો દૂર કરવા એક પછી એક પગલાં લેવાયા બાદ કોરોનાના મૃત્યુનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું હોવાથી ચીનમાં સ્વયંભૂ લૉકડાઉન જેવી સ્થિતિ બની રહી છે. ચીનમાં ઇકૉનૉમિક ઍક્ટિવિટી એકદમ શાંત બની ચૂકી છે એનું મોટું ઉદાહરણ બાલ્ટિક ડ્રાય ઇન્ડેક્સ છે. આ ઇન્ડેક્સ વૈશ્વિક શિપિંગ ઍક્ટિવિટીનું બેરોમીટર છે. ૨૦૨૩ના પ્રથમ દિવસે બાલ્ટિક ઇન્ડેક્સ ૧૭.૫ ટકા એટલે કે ૧૨૫૦ પૉઇન્ટ તૂટ્યો હતો. એક જ દિવસમાં આટલો મોટો ઘટાડો બાલ્ટિક ડ્રાય ઇન્ડેક્સના ઇતિહાસમાં પહેલી વખત થયો છે. ચીનના ટ્રેડરોએ ઘર બહાર નીકળવાનું બંધ કરતાં ટ્રેડ ઍક્ટિવિટી સાવ ઠપ થઈ ચૂકી છે. ચીનથી કોલસો અને આયર્નઓરની હેરફેર કરતો કેપસાઇઝ ઇન્ડેક્સ એક દિવસમાં ૨૭.૭ ટકા તૂટ્યો હતો. ચીનની સ્થિતિ દિવસે-દિવસે ચિંતાજનક બની રહી છે.
ચીનના રિયલ જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ)માં ૩૦ ટકા હિસ્સો રિયલ એસ્ટેટનો છે. ૨૦૨૨માં ચીનમાં અનેક રિયલ એસ્ટેટ ડેવલપર્સ કંપનીઓ ડિફૉલ્ટ થતાં ચીનની ઇકૉનૉમિક સ્થિતિને મોટો ધક્કો પહોંચ્યો હતો, પણ હવે ચાઇનીઝ ગવર્નમેન્ટ ઑથોરિટીએ કોરોના પર નિયંત્રણ લાદવાને બદલે ઇકૉનૉમિક કન્ડિશનને સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરીને ૨૦૨૩માં ૫.૫ ટકાનો ગ્રોથ મેળવવા પગલાં લેવાનાં શરૂ કર્યાં છે. રિયલ એસ્ટેટ ઉપરાંત ચીને એક્સપોર્ટ ઍક્ટિવિટીને વધારવા ચાર્ટર્ડ પ્લાન બનાવીને એનો અમલ શરૂ કરી દીધો છે, જે અંતર્ગત વિદેશી બિઝનેસમેનની ચીનમાં એન્ટ્રી માટેનાં તમામ નિયંત્રણો દૂર કરી દીધાં છે.
અમેરિકાનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ડિસેમ્બરમાં ઘટીને ૩૨ મહિનાની નીચી સપાટીએ ૪૬.૨ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે નવેમ્બરમાં ૪૭.૭ પૉઇન્ટ હતો. ડિસેમ્બરનો ઘટાડો છેલ્લાં ૧૩ વર્ષનો સૌથી મોટો ઘટાડો હતો. જોકે પ્રિલિમિનરી મૅન્યુફૅક્ચરિંગ ડેટામાં ગ્રોથ ૪૬.૨ પૉઇન્ટ જ બતાવ્યો હતો. મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરમાં પ્રોડક્શન સતત બીજે મહિને ઘટ્યું હતું તેમ જ આઉટપુટ અઢી વર્ષની નીચી સપાટીએ પહોંચ્યું હતું. મૅન્યુફૅક્ચરિંગમાં નવા ઑર્ડરોની સંખ્યા ૧૫ વર્ષની નીચી સપાટીએ પહોંચી હતી. ઇકૉનૉમિક અનિશ્ચિતતા અને ઇન્ફ્લેશનના પ્રેશરને કારણે મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરમાં ડિમાન્ડ મોટા પ્રમાણમાં ઘટી હતી.
અમેરિકાનું કન્સ્ટ્રક્શન્સ સ્પેન્ડિંગ નવેમ્બરમાં ૦.૨ ટકા વધ્યું હતું, જે ઑક્ટોબરમાં ૦.૨ ટકા ઘટ્યું હતું, પણ માર્કેટની ધારણા ૦.૪ ટકા ઘટાડાની હતી એના કરતાં સ્પેન્ડિંગ ઓછું ઘટ્યું હતું. પ્રાઇવેટ કન્સ્ટ્રક્શન્સમાં ૦.૩ ટકાનો વધારો થયો હતો, જ્યારે પબ્લિક કન્સ્ટ્રક્શન્સમાં ૦.૧ ટકાનો ઘટાડો નોંધાયો હતો. અમેરિકન ગવર્નમેન્ટના સ્પેન્ડિંગમાં વધારો થતાં નૉન-રેસિડેન્શિયલ કન્સ્ટ્રક્શન્સમાં ૦.૯ ટકાનો વધારો થયો હતો અને રેસિડેન્શિયલ કન્સ્ટ્રક્શન્સમાં ૦.૫ ટકાનો ઘટાડો નોંધાયો હતો.
જપાનનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ડિસેમ્બરમાં ઘટીને ૪૮.૯ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે નવેમ્બરમાં ૪૯ પૉઇન્ટ હતો અને પ્રિલિમિનરી એસ્ટિમેટમાં ૪૮.૮ પૉઇન્ટ હતો. જપાનના મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથમાં સતત બીજે મહિને ઘટાડો જોવા મળ્યો હતો. મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરમાં નવા ઑર્ડરની સંખ્યા અઢી વર્ષની નીચી સપાટીએ પહોંચી હતી. જોકે મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરમાં સતત ૨૧મા મહિને એમ્પ્લૉયમેન્ટ વધ્યું હતું એ એક પૉઝિટિવ બાબત હતી.
યુરો એરિયાની સૌથી મોટી ઇકૉનૉમી ધરાવતા જર્મનીનું ઍન્યુઅલ ઇન્ફ્લેશન ૨૦૨૨માં ૭.૯ ટકા રહ્યું હતું, જે છેલ્લાં ૭૦ વર્ષનું સૌથી વધુ હતી. ૨૦૨૧માં ઍન્યુઅલ ઇન્ફ્લેશન ૩.૧ ટકા રહ્યું હતું. ડિસેમ્બરમાં જર્મનીનું ઇન્ફ્લેશન ૮.૬ ટકા રહ્યું હતું, જે નવેમ્બરમાં ૧૦ ટકા અને ઑક્ટોબરમાં ૧૦.૪ ટકા રહ્યું હતું.
ભારતનો સર્વિસ સેક્ટરનો ગ્રોથ ડિસેમ્બરમાં વધીને છ મહિનાની ઊંચાઈએ ૫૮.૫ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે નવેમ્બરમાં ૫૬.૪ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૫.૫ પૉઇન્ટની હતી. માર્કેટ કન્ડિશન ફેવરેબલ હોવાથી નવા ઑર્ડર અને સર્વિસ સેક્ટરમાં આઉટપુટ વધ્યું હતું. મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ બન્ને સેક્ટરનો ગ્રોથ સ્ટ્રૉન્ગ રહેતાં ભારતમાં પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ ડિસેમ્બરમાં વધીને ૧૧ મહિનાની ઊંચાઈએ ૫૯.૪ પૉઇન્ટ રહ્યો હતો, જે નવેમ્બરમાં ૫૬.૭ પૉઇન્ટ હતો. મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ બન્ને સેક્ટરમાં જૉબ ક્રિએશન હાલ હાઇએસ્ટ લેવલે પહોંચ્યું છે.
શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ
વિશ્વના ટૉપ લેવલના ઇકૉનૉમિસ્ટો હવે રિસેશનના તબક્કામાં એન્ટર થયાનો સ્વીકાર કરતા થયા છે. ન્યુ યૉર્ક ફેડ પ્રેસિડન્ટ વિલિયમ ડુડલે કહે છે કે રિસેશનનો સમય અમેરિકામાં શરૂ થઈ ચૂક્યો છે, પણ રિસેશનની તીવ્રતા અત્યંત ઓછી હશે, જ્યારે ફેડના ભૂતપૂર્વ ચૅરમૅન એનલ ગ્રીનસ્પાનનું કહેવું છે કે વિશ્વની સૌથી મોટી ઇકૉનૉમી ધરાવતું અમેરિકા રિસેશનની અસરમાંથી બચી શકશે નહીં. બે દિવસ અગાઉ ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડના હેડ ક્રિસ્ટિલિના જ્યોર્જિવિયાને જણાવ્યું હતું કે ૨૦૨૩ના વર્ષની ઇકૉનૉમિક સ્થિતિ ચૅલેન્જભરી હશે અને અમેરિકા, યુરોપ અને ચીનની ઇકૉનૉમિક કન્ડિશન નબળી રહેશે. ૨૦૨૩ના આરંભથી રિસેશનના સંકેતો મળવાના શરૂ થયા છે. અમેરિકાનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ છેલ્લા બે મહિનાથી સતત ઘટી રહ્યો છે.
અમેરિકાની હાઉસિંગ ઍક્ટિવિટી નબળી પડી રહી છે. અમેરિકાની જૉબમાર્કેટની સ્થિતિ પણ નબળી પડી રહી છે, જેને કારણે અમેરિકી ડૉલર સતત નબળો પડી રહ્યો હોવાથી સોનામાં ખરીદીનું આકર્ષણ સતત વધી રહ્યું છે. કોરોનાની બગડતી સ્થિતિ અને જિયોપૉલિટિકલ ટેન્શનમાં થઈ રહેલો વધારો પણ સોનાની તેજી માટે સપોર્ટિવ ફૅક્ટર છે. હાલના એક પણ ફૅક્ટર સોનામાં ઘટાડો થવાનો સંકેત આપતા નથી.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૫૬,૧૪૨
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૫૫,૯૧૭
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ) : ૬૯,૩૭૧
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)