01 February, 2023 02:34 PM IST | Mumbai | Mayur Mehta
પ્રતીકાત્મક તસવીર
ચીનના સ્ટ્રૉન્ગ ઇકૉનૉમિક ડેટા અને ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડે ગ્લોબલ ગ્રોથનું પ્રોજેક્શન વધારતાં અમેરિકી ડૉલર સુધર્યો હતો જેને પગલે સોનું ઘટીને એક સપ્તાહના તળિયે પહોંચ્યું હતું. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૨૧૪ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૪૭૮ રૂપિયા ઘટ્યાં હતાં.
વિદેશી પ્રવાહ
ચીનનું મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ સેક્ટરના સ્ટ્રૉન્ગ ડેટાને પગલે ગ્લોબલ રિસેશનનો ભય ઓછો થતાં અમેરિકી ડૉલર ૦.૩ ટકા વધતાં સોનું ઘટીને એક સપ્તાહના તળિયે ૧૯૦૧.૬૦ ડૉલર થયું હતું જે સોમવારે વધીને એક તબક્કે ૧૯૩૧.૩૦ ડૉલર થયું હતું. સોનું ઘટતાં ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ ઘટ્યાં હતાં.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
આઇ.એમ.એફ. (ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડ)એ ગ્લોબલ ઇકૉનૉમી વિશેના પ્રોજેક્શનમાં વધારો કરતાં હવે રિસેશનનો ભય થોડો ઘટ્યો હતો. ખાસ કરીને ચીનના રીઓપનિંગ પછી ગ્લોબલ ગ્રોથ સતત સુધરી રહ્યો છે. ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડે ગ્લોબલ ગ્રોથનું પ્રોજેક્શન ઑક્ટોબરમાં ૨૦૨૩ માટે ૨.૭ ટકાનું મૂક્યું હતું જે સુધારીને ૨.૯ ટકા કર્યું છે તેમ જ ૨૦૨૨નો ગ્રોથ ૩.૨ ટકા મૂક્યો હતો જે સુધારીને ૩.૪ ટકા કર્યો છે. ૨૦૨૪માં ગ્લોબલ ગ્રોથ ૩.૧ ટકા રહેવાની આગાહી કરી હતી. ગ્લોબલ ગ્રોથની સાથે અમેરિકાનો ગ્રોથરેટનું પ્રોજેક્શન ઑક્ટોબરમાં ૨૦૨૩ માટે એક ટકા મૂક્યું હતું એ સુધારીને ૧.૨ ટકા કર્યું છે. યુરો એરિયાનો ૨૦૨૩નો ગ્રોથરેટ ૩.૧ ટકાથી વધારીને ૩.૫ ટકા મૂક્યો હતો. ચીનનો ૨૦૨૩નો ગ્રોથરેટ ૪.૪ ટકાથી સુધારીને ૫.૨ ટકા મૂક્યો હતો, જ્યારે ભારતનો ગ્રોથરેટ ૨૦૨૩ માટે ૬.૧ ટકા જાળવી રાખ્યો હતો. જોકે બ્રિટનનો ૨૦૨૩નો ગ્રોથરેટ ૦.૩ ટકાથી ઘટાડીને માઇનસ ૦.૬ ટકા મૂક્યો હતો, પણ બ્રિટનનો ગ્રોથરેટ ૨૦૨૪માં પૉઝિટિવ ૦.૯ ટકા રહેવાની આગાહી કરાઈ હતી. આઇ.એમ.એફ.ના રિપોર્ટમાં ગ્લોબલ ઇકૉનૉમીમાં સુધારો થવાનો સ્પષ્ટ સંકેત મળ્યો હતો. ખાસ કરીને ચીનમાં કોરોનાનાં નિયંત્રણો દૂર થયા બાદ રીઓપનિંગ પ્રોસેસ ઝડપથી આગળ વધતાં ગ્લોબલ ઇકૉનૉમી વાઇબ્રન્ટ બની હતી.
ચીનનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ જાન્યુઆરીમાં વધીને ૫૦.૧ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ડિસેમ્બરમાં ૪૭ પૉઇન્ટ હતો અને ચીનના મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથમાં સપ્ટેમ્બર પછી પ્રથમ વખત વધારો નોંધાયો હતો. વળી માર્કેટની ધારણા ૪૯.૮ પૉઇન્ટની હતી. ખાસ કરીને મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્રે નવા ઑર્ડરમાં સાત મહિના પછી પ્રથમ વખત વધારો થયો હતો. જોકે એક્સપોર્ટ સેલ્સ અને આઉટપુટ ઘટ્યું હતું. ચીનનો સર્વિસ સેક્ટરનો ગ્રોથ જાન્યુઆરીમાં વધીને સાત મહિનાની ઊંચાઈએ ૫૪.૪ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ડિસેમ્બરમાં ૪૧.૬ પૉઇન્ટ હતો. સર્વિસ સેક્ટરના ગ્રોથમાં છેલ્લા ચાર મહિનામાં પ્રથમ વખત વધારો થયો હતો. સર્વિસ સેક્ટરમાં નવા ઑર્ડર છેલ્લા સાત મહિનામાં પ્રથમ વખત વધ્યા હતા. ચીનનો મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ સેક્ટરનો ગ્રોથ વધતાં પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ જાન્યુઆરીમાં વધીને સાત મહિનાની ઊંચાઈએ ૫૨.૯ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ડિસેમ્બરમાં ૪૨.૬ પૉઇન્ટ હતો.
ચીનનો ઇન્ડસ્ટ્રિયલ પ્રૉફિટ ૨૦૨૨માં ચાર ટકા ઘટીને ૮.૪૦ ટ્રિલ્યન યુઆન રહ્યો હતો જે ૨૦૨૧માં ૩.૬ ટકા ઘટ્યો હતો. સરકારી ઇન્ડસ્ટ્રિયલ યુનિટોનો પ્રૉફિટ ૦.૫ ટકાથી વધીને ત્રણ ટકા રહ્યો હતો, પણ પ્રાઇવેટ સેક્ટરની ઇન્ડસ્ટ્રીનો પ્રૉફિટ ૭.૨ ટકા નેગેટિવ રહ્યો હતો. ખાસ કરીને ફેરસ મેટલ સ્મેલ્ટિંગ અને રોલિંગ ઇન્ડસ્ટ્રીઝના પ્રૉફિટમાં મોટો ઘટાડો થયો હતો.
યુરો એરિયાનો ગ્રોથરેટ ૨૦૨૨ના ચોથા ક્વૉર્ટરમાં ૦.૧ ટકા વધ્યો હતો જે ત્રીજા ક્વૉર્ટરમાં ૦.૩ ટકા વધ્યો હતો, પણ માર્કેટની ધારણા અને પ્રિલિમિનરી એસ્ટિમેટ પ્રમાણે ૦.૧ ટકા ઘટાડાની હતી એને બદલે ગ્રોથરેટ ૦.૧ ટકા વધ્યો હતો. સ્પેનના ગ્રોથરેટમાં ૦.૨ ટકા અને ફ્રાન્સના ગ્રોથરેટમાં ૦.૧ ટકા સુધારો થતાં યુરો એરિયાનો ગ્રોથરેટ ધારણા કરતાં સારો આવ્યો હતો. જોકે જર્મનીનો ગ્રોથરેટ ૦.૨ ટકા અને ઇટલીનો ગ્રોથરેટ ૦.૧ ટકા ઘટ્યો હતો.
જપાનનો કન્ઝ્યુમર મોરલ ઇન્ડેક્સ જાન્યુઆરીમાં વધીને પાંચ મહિનાની ઊંચાઈએ ૩૧ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ડિસેમ્બરમાં ૩૦.૩ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૩૦.૫ પૉઇન્ટની હતી. જપાન કોરોનામાંથી બહાર નીકળ્યા બાદ તમામ સેક્ટરનો ગ્રોથ સતત વધી રહ્યો છે. જપાનનો લાઇવહુડ ઇન્ડેક્સ ૦.૪ ટકા, ઇન્કમ ગ્રોથ ૦.૫ ટકા અને એમ્પ્લૉયમેન્ટમાં ૨.૨ ટકાનો ગ્રોથ જોવા મળ્યો હતો. જપાનના હાઉસિંગ સ્ટાર્ટ ઇન્ડેક્સમાં ડિસેમ્બરમાં ૧.૭ ટકાનો ઘટાડો નોંધાયો હતો જે વિશે માર્કેટની ધારણા ૦.૫ ટકા વધારાની હતી. જોકે જપાનનો હાઉસિંગ સ્ટાર્ટ ઇન્ડેક્સ નવેમ્બરમાં ૧.૪ ટકા ઘટ્યો હતો.
આ પણ વાંચો : ફેડ, ઈસીબી અને બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડની મીટિંગના નિર્ણયની રાહે સોનામાં રેન્જબાઉન્ડ
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
ચીનના મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ સેક્ટરમાં જાન્યુઆરીમાં સ્ટ્રૉન્ગ ગ્રોથ જોવા મળ્યો હતો તેમ જ ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડે પણ ગ્લોબલ ઇકૉનૉમીમાં સુધારો થવાનો સંકેત આપ્યો હતો. આ બન્ને ડેવલપમેન્ટ સોનાની તેજીને ટેમ્પરરી બ્રેક લગાવી શકે છે, પણ લૉન્ગ ટર્મ સોનામાં મોટી તેજીના પણ સંકેત આપે છે. ગ્લોબલ રિસેશનનો ભય જો દૂર થાય અને ઇન્ફલેશન પણ ઘટે તો ફેડ માર્ચ-૨૦૨૨થી ઇન્ટરેસ્ટ રેટ સતત વધારી રહ્યું છે જે ચાલુ વર્ષે જુલાઈથી ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો કરવાનું ચાલુ કરી શકે છે જેનાથી ડૉલર ઘટે અને સોનામાં નવી તેજી જોવા મળી શકે છે.
ભારતમાં ૨૦૨૨માં સોનાનો વપરાશ ત્રણ ટકા અને આયાત ૨૭ ટકા ઘટ્યાં-વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ
ભારતમાં સોનાનો વપરાશ ૨૦૨૨માં ત્રણ ટકા ઘટીને ૭૭૪ ટન થયો હોવાનો રિપોર્ટ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે આપ્યો હતો. ભારતમાં ગોલ્ડ જ્વેલરીનો વપરાશ ૨૦૨૨માં ઊંચા ભાવને કારણે બે ટકા ઘટીને ૬૦૦.૪ ટન થયો હતો જે ૨૦૨૧માં ૬૧૦.૯ ટન થયો હતો. જોકે સોનાના ઊંચા ભાવને કારણે ગોલ્ડ જ્વેલરીના વપરાશની કુલ વૅલ્યુ ચાર ટકા વધીને ૨૭,૨૮૧૦ કરોડ રૂપિયા રહી હતી. ભારતની સોનાની આયાત ૨૦૨૨માં ૨૭ ટકા ઘટીને ૬૭૩.૩ ટન થઈ હતી જે ૨૦૨૧માં ૯૨૪.૬ ટન થઈ હતી. સરકારે જુલાઈમાં સોનાની આયાત-ડ્યુટી ૪.૫ ટકા વધાર્યા બાદ સોનાનું સ્મગલિંગ વધ્યું હતું અને ઑફિશ્યલ આયાત ઘટી હતી. હાલ સ્મગલિંગ થયેલું સોનું ઑફિશ્યલ આયાત થયેલા સોના કરતાં પ્રતિ ઔંસ ૪૨ ડૉલર (૩૪૫૦ રૂપિયા આશરે) સસ્તું મળે છે.
વિશ્વની સેન્ટ્રલ બૅન્કોએ ૨૦૨૨માં છેલ્લાં પંચાવન વર્ષનું સૌથી વધુ સોનું ખરીદ્યું
વિશ્વની સેન્ટ્રલ બૅન્કોએ ૨૦૨૨માં ૧૧૩૬ ટન સોનું ખરીદ્યું હતું જે છેલ્લાં ૫૫ વર્ષનું સૌથી વધુ રહ્યું હોવાનું વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે જણાવ્યું હતું. ખાસ કરીને રશિયા, કઝાકિસ્તાન, ટર્કી, ચીન, ભારત સહિત અનેક દેશોએ ૨૦૨૨માં સોનું ખરીદ્યું હતું. સેન્ટ્રલ બૅન્કોએ ૨૦૨૨માં કુલ ૭૦ અબજ ડૉલરની કિંમતનું સોનું ખરીદ્યું હતું. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ અનુસાર ૨૦૨૨માં વૈશ્વિક સોનાની ડિમાન્ડ ૧૮ ટકા વધીને ૪૭૪૧ ટન રહી હતી જે છેલ્લાં અગિયાર વર્ષની સૌથી વધુ હતી. ૨૦૨૧માં વૈશ્વિક સોનાની ડિમાન્ડ ૪૦૧૨.૮ ટન રહી હતી. વિશ્વમાં સોનાની ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ ૨૦૨૨માં ૧૦ ટકા વધી હતી જેની સામે ઇટીએફ (એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ)માં ડિમાન્ડ ઘટી હતી, પણ કૉઇન્સ અને બારની ડિમાન્ડ ૨૦૨૨માં મોટે પાયે વધી હતી. વિશ્વમાં સોનાનું ઉત્પાદન ૨૦૨૨માં વધીને ચાર વર્ષની ઊંચાઈએ ૩૬૧૨ ટન રહ્યું હતું.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૫૬,૮૬૫
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૫૬,૬૩૭
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ) : ૬૭,૬૭૧
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)