હિઝબુલ્લા-ઇઝરાયલનું યુદ્ધ પરાકાષ્ઠાએ પહોંચતાં સોનું સતત બીજે દિવસે નવી ટોચે

19 October, 2024 08:58 AM IST  |  Mumbai | Mayur Mehta

યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે સતત ત્રીજો રેટ-કટ જાહેર કરતાં સોનાની ડિમાન્ડ વધવાનું અનુમાન: મુંબઈમાં સોના-ચાંદી સતત ત્રીજે દિવસે વધ્યાં : સોનું ત્રણ દિવસમાં ૧૪૮૦ રૂપિયા અને ચાંદી ત્રણ દિવસમાં ૨૪૮૩ રૂપિયા વધ્યાં

પ્રતીકાત્મક તસવીર

હિઝબુલ્લાએ ઇઝરાયલ પર નવેસરથી અટૅક કરવાનું એલાન કર્યું હતું એની સામે ઇઝરાયલના નેતન્યાહુએ લેબૅનન અને ગાઝા પર વધુ મોટો અટૅક કરવાની જાહેરાત કરતાં મિડલ ઈસ્ટમાં સવા વર્ષથી ચાલી રહેલું યુદ્ધ પરાકાષ્ઠાએ પહોંચતાં સોનામાં સેફ હેવન ડિમાન્ડ વધી હતી જેને કારણે વર્લ્ડ માર્કેટમાં સોનું સતત બીજે દિવસે ઑલટાઇમ હાઈ સપાટી ૨૭૧૪.૭૦ ડૉલરે પહોંચ્યું હતું. સોનું વધતાં ચાંદી પણ ૩૨.૨૭ ડૉલર સુધી વધી હતી.

મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૬૦૦ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૬૮૩ રૂપિયો વધ્યો હતો. મુંબઈમાં સોનું-ચાંદી સતત ત્રીજે દિવસે વધ્યાં હતાં. સોનાનો ભાવ ત્રણ દિવસમાં ૧૪૮૦ રૂપિયા અને ચાંદીનો ભાવ ૨૪૮૩ રૂપિયા વધ્યો હતો.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકાના રીટેલ સેલ્સમાં સપ્ટેમ્બરમાં ૦.૪ ટકાનો વધારો થયો હતો જેના વિશે માર્કેટની ધારણા ૦.૩ ટકાની હતી અને ઑગસ્ટમાં માત્ર ૦.૧ ટકાનો વધારો થયો હતો.

અમેરિકાનો હોમબિલ્ડર્સ સે​ન્ટિમેન્ટ ઇન્ડેક્સ ઑક્ટોબરમાં વધીને ચાર મહિનાની ઊંચાઈએ ૪૩ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑગસ્ટમાં ૪૧ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૪૨ પૉઇન્ટની હતી. અમેરિકાનું ઇન્ડ​સ્ટ્રિયલ પ્રોડક્શન સપ્ટેમ્બરમાં ૦.૩ ટકા ઘટ્યું હતું જે ૦.૨ ટકા ઘટવાની માર્કેટની ધારણા હતી તેમ જ ઑગસ્ટમાં ૦.૩ ટકા વધ્યું હતું. અમેરિકાના નવા અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ નંબર્સ ૧૨ ઑક્ટોબરે પૂરા થયેલા સપ્તાહના અંતે ૧૯ હજાર ઘટીને ૨.૪૧ લાખે પહોંચ્યા હતા જેની ધારણા ૨.૬૦ લાખની હતી અને  આ ઘટાડો છેલ્લાં ત્રણ સપ્તાહનો સૌથી મોટો હતો. એ​ક્ઝિ​સ્ટિંગ બેનિફિટ નંબર્સ ૧૧,૪૧૬ ઘટીને ૨.૨૫ લાખે પહોંચ્યા હતા.

અમેરિકાનાં રીટેલ સેલ્સ, હોમબિલ્ડર્સ સે​ન્ટિમેન્ટ ઇન્ડેક્સમાં વધારો થતાં તેમ જ અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ નંબર્સમાં ઘટાડો થતાં ડૉલર ઇન્ડેક્સ વધીને નવી પોણાત્રણ મહિનાની ઊંચાઈએ ૧૦૩.૮૩ પૉઇન્ટે પહોંચ્યો હતો તેમ જ સાપ્તાહિક ધોરણે ડૉલર ઇન્ડેક્સ સતત ત્રીજે સપ્તાહે વધ્યો હતો. એક સપ્તાહ અગાઉ ડૉલર ઇન્ડેક્સ ૧૦૨.૮૩ પૉઇન્ટ હતો. યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે ચાલુ વર્ષમાં સતત ત્રીજી વખત પચીસ બેસિસ પૉઇન્ટનો રેટ-કટ લાવતાં યુરોની નબળાઈ વધતાં ડૉલરને સપોર્ટ મળ્યો હતો.

ચીનનો ઇકૉનૉમિક ગ્રોથ ત્રીજા ક્વૉર્ટરમાં ઘટીને દોઢ વર્ષની નીચી સપાટીએ ૪.૬ ટકા રહ્યો હતો જે અગાઉના ક્વૉર્ટરમાં ૪.૭ ટકા હતો, પણ માર્કેટની ૪.૫ ટકાની ધારણા કરતાં ઊંચો રહ્યો હતો. ચીનમાં ડોમેસ્ટિક ડિમાન્ડમાં ઘટાડો, ડિફ્લેશનનો ભય અને ટ્રેડ ડિસ્પ્યુટને કારણે ગ્રોથ સતત નબળો પડી રહ્યો છે.

ચીનનો રીટેલ સેલ્સનો ગ્રોથ સપ્ટેમ્બરમાં ૩.૨ ટકા વધીને ચાર મહિનાની ઊંચાઈએ પહોંચ્યો હતો જે ઑગસ્ટમાં ૨.૧ ટકા વધ્યો હતો અને માર્કેટની ધારણા ૨.૫ ટકા વધારાની હતી. ચીનનું ઇન્ડ​સ્ટ્રિયલ પ્રોડક્શન સપ્ટેમ્બરમાં વાર્ષિક ૫.૪ ટકા વધ્યું હતું જે ઑગસ્ટમાં ૪.૫ ટકા વધ્યું હતું અને માર્કેટની ધારણા ૪.૬ ટકા જ વધારાની હતી. ઇન્ડ​સ્ટ્રિયલ પ્રોડક્શનનો ગ્રોથ ચાર મહિનાની ઊંચાઈએ પહોંચ્યો હતો. ચીનમાં ફિક્સ્ડ ઍસેટ ઇન્વેસ્ટમેન્ટ જાન્યુઆરીથી સપ્ટેમ્બરમાં ૩.૪ ટકા વધ્યું હતું જે માર્કેટની ૩.૩ ટકા વધારાની ધારણા કરતાં ઊંચું રહ્યું હતું. ચીનનો અનએમ્પ્લૉયમેન્ટ ઇન્ડેક્સ ઘટીને ત્રણ મહિનાની નીચી સપાટીએ ૫.૧ ટકાએ પહોંચ્યો હતો જે ઑગસ્ટમાં ૫.૩ ટકા હતો. ચીનમાં નવા રહેણાક મકાનોનો ભાવ ટૉપ લેવલનાં ૭૦ શહેરોમાં સપ્ટેમ્બરમાં ૫.૭ ટકા ઘટ્યા હતા જે ઑગસ્ટમાં ૫.૩ ટકા ઘટ્યા હતા. રહેણાક મકાનોના ભાવમાં સતત પંદરમા મહિને ઘટાડો થયો હતો.

જપાનનું હેડલાઇન કન્ઝ્યુમર ઇન્ફ્લેશન સપ્ટેમ્બરમાં ઘટીને પાંચ મહિનાની નીચી સપાટીએ ૨.૫ ટકા રહ્યું હતું જે ઑગસ્ટમાં ત્રણ ટકા હતું, જ્યારે કોર ઇન્ફ્લેશન પણ ઘટીને પાંચ મહિનાની નીચી સપાટીએ ૨.૪ ટકા રહ્યું હતું. 

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ

યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે પચીસ બેસિસ પૉઇન્ટનો રેટ-કટ ચાલુ વર્ષે ત્રીજી વખત કર્યો હતો. ફેડ સપ્ટેમ્બરમાં પચાસ બેસિસ પૉઇન્ટનો રેટ-કટ લાવ્યું હતું. બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ ઓછામાં ઓછો પચીસ બેસિસ પૉઇન્ટનો રેટ-કટ લાવશે એ નિશ્ચિત છે. ચાલુ સપ્તાહે ડઝન કરતાં વધુ દેશોની સેન્ટ્રલ બૅન્કોએ ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો કર્યો છે. આમ રેટ-કટની શરૂ થયેલી નવી મોસમ જેમ-જેમ આગળ વધશે એમ માર્કેટમાં ઇઝી-મનીનો ફ્લો વધશે ત્યારે જિયોપૉલિટિકલ ટેન્શન વધી રહ્યું હોવાથી સ્વભાવિક રીતે સોનામાં જ લોકો પૈસા લગાવશે. આથી સોનાની તેજીને આ તમામ ફૅક્ટરનો લાભ મળશે.

business news gold silver price commodity market