08 February, 2024 06:48 AM IST | Mumbai | Mayur Mehta
સોનાની પ્રતીકાત્મક તસવીર
ફેડની ઇન્ટરેસ્ટ રેટ ઘટાડામાં સાવચેતી અને જિયોપૉલિટિકલ ટેન્શન વધતું હોવાથી સોનાનો ભાવ રેન્જ બાઉન્ડ હતો. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૧૬૭ રૂપિયા વધ્યો હતો, જ્યારે ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૧૧૮ રૂપિયા ઘટ્યો હતો. ચાંદીનો ભાવ સતત ત્રીજે દિવસે ઘટ્યો હતો.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૬૨,૬૪૬
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૬૨,૩૯૫
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૬૯,૮૬૬
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)
વિદેશ પ્રવાહ
સોનાનો ભાવ રેન્જ બાઉન્ડ હતો, કારણ કે ફેડ ઇન્ટરેસ્ટ રેટમાં વહેલો ઘટાડો કરવાનો સતત ઇનકાર કરીને ઇન્ટરેસ્ટ રેટ ઘટાડા વિશે સાવચેતીભર્યું વલણ રાખવાની કમેન્ટ કરે છે. બીજી તરફ જિયોપૉલિટિકલ ટેન્શન પૂરું થવાનું નામ લેતું નથી. અમેરિકા દ્વારા ઈરાનના આતંકવાદી ગ્રુપ ઉપર આક્રમક અટૅક કરવાની પહેલ કરવામાં આવી રહી છે. આ સંજોગોમાં સોનું રેન્જ બાઉન્ડ છે. સોનાનો ભાવ બુધવારે વધીને ૨૦૩૬.૯૦ ડૉલર થયા બાદ સાંજે ૨૦૩૧થી ૨૦૩૨ ડૉલરની રેન્જમાં હતો. સોનું ઘટતાં ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ ઘટ્યાં હતાં.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકન ડૉલર ઇન્ડેક્સ સહેજ ઘટીને ૧૦૪.૦૫ પૉઇન્ટે પહોંચ્યો હતો જે આગલા દિવસે ૧૦૪.૨૧ પૉઇન્ટ હતો. અમેરિકાની હાઉસહોલ્ડ ડેબ્ટ ધારણા કરતાં વધતાં અમેરિકન ડૉલર પર દબાણ વધ્યું હતું. ફેડ ચૅરમૅન જેરોમ પૉવેલે ફરી એક ઇન્ટરવ્યુમાં માર્ચમાં ઇન્ટરેસ્ટ રેટ ઘટાડાની કોઈ શક્યતા ન હોવાનું જણાવ્યું હતું. પૉવેલે જણાવ્યું હતું કે ફેડ ઇન્ટરેસ્ટ રેટ ઘટાડા વિશે બહુ સાવચેતીથી નિર્ણય લેશે. ડૉલર ઇન્ડેક્સના ઘટાડા સાથે ટ્રેઝરી યીલ્ડ પણ ઘટીને ૪.૧૨ ટકાએ પહોંચ્યા હતાં જે વધીને ૪.૧૩ ટકા થયાં હતાં.
અમેરિકાની હાઉસહોલ્ડ ડેબ્ટ ૨૦૨૩ના ચોથા ક્વૉર્ટરમાં ૧.૨ ટકા વધીને ૧૭.૫૦ ટ્રિલ્યન (લાખ કરોડ) ડૉલરે પહોંચી હતી. મૉર્ગેજ બૅલૅન્સ ૧૧૨ અબજ ડૉલર વધીને ૧૨.૨૫ ટ્રિલ્યન ડૉલર ડિસેમ્બરના અંતે હતી. ક્રેડિટ કાર્ડ બૅલૅન્સ ૫૦ અબજ ડૉલર વધીને ૧૨ અબજ ડૉલરે પહોંચી હતી. રીટેલ કાર્ડ અને કન્ઝ્યુમર લોન વધીને ૧.૧૩ ટ્રિલ્યન ડૉલર હતી. ઑટો લોન વધીને ૧૨ અબજ ડૉલરે પહોંચી હતી.
અમેરિકાનો ઇકૉનૉમિક ઑપ્ટિમિઝમ ઇન્ડેક્સ ફેબ્રુઆરીમાં ઘટીને ૪૪ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જાન્યુઆરીમાં ૪૪.૭ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૪૭.૨ પૉઇન્ટની હતી. આગામી છ મહિનામાં અમેરિકન પબ્લિકની ફાઇનૅન્સની કન્ડિશન ઘટીને ૫૩.૪ પૉઇન્ટે પહોંચી હતી જે જાન્યુઆરીમાં ૫૫ પૉઇન્ટ હતી. ગવર્નમેન્ટની ઇકૉનૉમિક પૉલિસી તરફનો પબ્લિકનો વિશ્વાસનો ઇન્ડેક્સ પણ ૩૯.૮ પૉઇન્ટથી ઘટીને ૩૯ પૉઇન્ટે પહોંચ્યો હતો. આગામી છ મહિનાનું ઇકૉનૉમિક આઉટલુક બતાવતો ઇન્ડેક્સ ૩૯.૩ પૉઇન્ટથી વધીને ૩૯.૬ પૉઇન્ટે પહોંચ્યો હતો.
અમેરિકાનો લૉજિસ્ટિક ઇન્ડેક્સ જાન્યુઆરીમાં વધીને ત્રણ મહિનાની ઊંચાઈએ ૫૫.૬ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ડિસેમ્બરમાં ૫૦.૬ પૉઇન્ટ હતો. લૉજિસ્ટિક સેક્ટરમાં સાડાચાર વર્ષ પછી પ્રથમ વખત તમામ પૅરામીટર પૉઝિટિવ પ્રોગ્રેસ કરી રહ્યાં હતાં. લૉજિસ્ટિક સેક્ટરમાં ટ્રાન્સપોર્ટેશન પ્રાઇસ દોઢ વર્ષ પછી પ્રથમ વખત વધ્યા હતા. વેરહાઉસ કૅપેસિટી, વેરાહાઉસ યુટિલાઇઝેશન અને વેરહાઉસ પ્રાઇસિસ મિક્સ રહ્યા હતા.
ચીનની ઇકૉનૉમિક કન્ડિશનનું મુખ્ય એન્જિન એવું વેહિકલ સેલ્સ જાન્યુઆરીમાં ૪૭.૯ ટકા વધીને ૨૪.૪ લાખે પહોંચ્યું હતું, જેમાં એનર્જી વેહિકલ સેલ્સ ૨૯.૯ ટકા વધ્યું હતું અને ટોટલ સેલ્સ યર ટુ યર ૭૮.૮ ટકા વધ્યું હતું. ડિસેમ્બરમાં ટોટલ વેહિકલ સેલ્સ ૨૨.૭ ટકા અને એનર્જી વેહિકલ સેલ્સ ૩૮.૮ ટકા ઘટ્યું હતું. ચીન વિશ્વની સૌથી મોટી ઑટોમોબાઇલ માર્કેટ હોવાથી એના વેહિકલ સેલ્સ પર વિશ્વની વેહિકલ સેલ્સની સ્થિતિ નક્કી થાય છે. ચીનમાં પૅસેન્જર વેહિકલનું સેલ્સ ૩.૭.૯ ટકા ઘટ્યું હતું.
ચીનની ફૉરેક્સ રિઝર્વ જાન્યુઆરીમાં ઘટીને ૩.૨૧૯ ટ્રિલ્યન (લાખ કરોડ) ડૉલરે પહોંચી હતી જે ડિસેમ્બરમાં બે મહિનાની ઊંચાઈએ ૩.૨૩૮ ટ્રિલ્યન ડૉલરે પહોંચી હતી. જોકે માર્કેટની ૩.૨૧૭ ટ્રિલ્યન ડૉલરની ધારણા કરતાં ફૉરેક્સ રિઝર્વ થોડી વધુ રહી હતી. જાન્યુઆરીમાં યુઆનનું મૂલ્ય એક ટકા ઘટ્યું હતું અને ડૉલર ૨.૨ ટકા વધ્યો હોવાથી ફૉરેક્સ રિઝર્વ ઘટી હતી. ચીનની ગોલ્ડ રિઝર્વ વધીને ૭.૨૧૯ કરોડ ડૉલરે પહોંચી હતી જે ડિસેમ્બરના અંતે ૭.૧૮૭ કરોડ ડૉલર હતી. કુલ ગોલ્ડ રિઝર્વની કિંમત જાન્યુઆરીના અંતે ૧૪૮.૨૩ અબજ ડૉલર જળવાયેલી હતી.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
ચીનની ઇકૉનૉમિક રિકવરી માટે ત્યાંની ગવર્નમેન્ટ ઑથોરિટી દ્વારા શ્રેણીબદ્ધ પગલાં લેવાઈ રહ્યાં છે ત્યારે સ્ટૉક માર્કેટને ઘટતું બચાવવા શૉર્ટ સેલિંગ પર પ્રતિબંધ મૂકવા સુધીનાં કડક પગલાં લેવા માટે પણ ઑથોરિટી તૈયાર છે. ચીન અને ભારત વિશ્વની સોનાની ફિઝિકલ ડિમાન્ડમાં ૫૦ ટકા હિસ્સો ધરાવે છે ત્યારે ચીનની ઇકૉનૉમિક કન્ડિશન રિકવર થશે તો ફિઝિકલ ડિમાન્ડ વધતી રહેશે. ભારતમાં છેલ્લા બે મહિનાથી સોનાના ઊંચા ભાવે થોડી ડિમાન્ડ અટકી રહી હોવાથી સોનાના ભાવ લંડન સોનાના ભાવથી ડિસ્કાઉન્ટમાં બોલાઈ રહ્યા છે, જ્યારે ચીનમાં પ્રીમિયમ બોલાઈ રહ્યું છે. લુનર ન્યુ યરની રજાઓ પૂરી થયા બાદ ચીનની સોનાની ફિઝિકલ ડિમાન્ડ બહુ જ મહત્ત્વની રહેશે. ભારતમાં લગ્નની સીઝન પુરજોશમાં શરૂ થઈ ચૂકી છે જે હજી એક મહિનો રહેશે. સોનાની ફિઝિકલ ડિમાન્ડ અને સેન્ટ્રલ બૅન્કોની ખરીદી ૨૦૨૪માં કેવી રહે છે એ સોનાની તેજીને આગળ વધારવા માટે મહત્ત્વનો ભાગ ભજવશે. ફેડ ઇન્ટરેસ્ટ રેટ ઘટાડવાનું ચાલુ કર્યા બાદ જો ફિઝિકલ ડિમાન્ડ અને સેન્ટ્રલ બૅન્કોની ખરીદીનો સપોર્ટ મળશે તો જુલાઈ પછી સોનામાં આસમાની તેજી જોવા મળી શકે છે.